વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રંગરેલ

૩-ફેબ્રુ. સોમવાર, ૧૧:૦૦ રાત્રી

ડિયર ડાયરી,

       ફાઇનલી, આજે ડાયવોર્સ થઈ ગયા.

છેલ્લાં ત્રણ મહિનાની થકવી નાખનારી પ્રોસીજરનો અંત. એક જ વર્ષના સમયગાળામાં ફરી મારું સ્ટેટસ બદલાયું. ફરી એક વખત - એકલી. હવે કોઈ તરંગો નથી રહ્યા. એ ચિત્રો, એ રંગો, એ પ્રેમપ્રચુર પાત્રો... હવે ક્યાં સાથે રહ્યાં છે!

માય ડિયર, તું કહેશે, ‘નિહારિકા, નોટ ટુ વરી, મૈ હૂં ના! તારા દિલની વાતો સાંભળવા માટે, ઓલ્વેઝ રેડી!’

હા, તું છે જ... તું જ છે! મને સમજનારી મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી વ્હાલી ડાયરી!

**

આયનાની અંદરથી...

અનિકેતે આયના સામે ઊભા રહીને શર્ટને ‘ઇન’ કર્યું. એ સાથે જ એના ગળામાં ભેરવેલી ટાઇ ખેંચાઈ. એક આછું સ્મિત આપતાં એ રોજની માફક બોલી ઊઠ્યો, ‘થેંક્સ, મોમ!’

‘ટાઇને ‘ટાઇટ’ કરવાવાળા કોમળ હાથ હવે વહેલી તકે શોધી નાખ, બેટા!’ મોમથી પણ રોજની માફક બોલાઈ ગયું.

અનિકેતે ઓફિસ જવા માટે ઘરનો ઉંબરો ઓળંગતા કહ્યું, ‘પણ મોમ, મારા વિચારો સાથે કમ્પેટીબલ થાય એવી છોકરી મળવી પણ જોઈએ ને?’

‘કોઈક તો ‘મેચ’ થતી હશે ને તારા વિચારો સાથે! કોઈક ઇન્ડિયન, યા આફ્રિકન... કાળી, ગોરી... અરે, કોઈક વિધવા, ડિવોર્સી... કોઈક તો...’

‘કોઈ પણ?’

‘હા, બેટા, કોઈ પણ... બસ એ તારી પસંદની હોવી જોઈએ અને ચારિત્ર્યની ચોખ્ખી.’

**

૮-ફેબ્રુ. શનિવાર, ૬:૩૦ સંધ્યાકાળ

ડિયર ડાયરી,

         ફરી આ ફેબ્રુઆરી માસ. એક પરિચિત ઉકળાટની શરૂઆત. વીતી ચૂકેલું ચોમાસું પણ ઠંડક આપવામાં અસફળ જ રહ્યું એમ કહું તો ખોટું નથી. બલકે, ઉકળાટની શરૂઆત તો ત્યારથી થઈ જ ચૂકી હતી. ક્યારેક ખુલ્લી બારીમાંથી દીવાલે લટકતાં ચિત્રો ઉપર વાછટ ઉડતી, ને ચિત્રમાં ગોંધાઈ ગયેલી યુવતીના વસ્ત્રો પાણીની આછકલી બૂંદોથી વિખેરાવા માંડતા, જાણે કે વસ્ત્રાહરણ થઈ રહ્યું હોય! મુક્ત રીતે પ્રેમમાં પલળતી યુવતી તાત્કાલિક ચરિત્રહીન બની જતી. હા, ચરિત્રહીન!

       તું તો જાણે છે ને, દોસ્ત, ડાયવોર્સનું કારણ..!

       નિહારિકા ચરિત્રહીન છે. અને ચરિત્ર ઉપર લાગેલા એ દાગનું કારણ..? નિહારિકા નાયર – ધ ડાર્ક-લવ આર્ટીસ્ટ – માત્ર શૃંગારરસથી પ્રચુર ચિત્રો દોરે છે.

પણ એથી શું? ચિત્રકારનું ચિત્ર શું એના ચરિત્રનું પ્રતિબિંબ ગણાય? શું એક કલાકારની કલ્પનાનું વિશ્વ એ એના પોતાના જ વિચારો હોય એ જરૂરી છે? એ એની પોતાની જ માન્યતા હોય શકે? મારા દરેક ચિત્રો એ એમાં રહેલાં પાત્રોનું વલણ છે; એ એમનો અભિગમ છે. હું તો માત્ર એક માધ્યમ છું! હું મારા પાત્રો વતી શૃંગારરસના વિવિધ પાસાંઓને ઉજાગર કરું છું. કદાચ, એમનું જીવન જીવું છું! કોઈ વાર્તાકાર કોઈક કતલની ઘટના આલેખે તો શું એ પોતે કાતિલ બની જાય? એનું ચરિત્ર એના સર્જનના કાલ્પનિક પાત્રોએ કરેલા ગુનાઓથી ખરડાય જાય? નહીં ને? તો પછી, હું સમાજમાં પ્રવર્તતા પ્રેમના અલગઅલગ પાસાંઓને મારા શૃંગારિક ચિત્રો થકી ઉજાગર કરું તો હું ચરિત્રહીન..? કેવી રીતે? ચિત્રોના પાત્રો લગ્નેતર સંબંધોમાં રાચતા હોય, પ્રેમની ઉત્કટ અનુભૂતિ મેળવતાં હોય, તો શું એનો સર્જક પણ વ્યભિચારી કહેવાય? કલાનું ઉત્કટ કક્ષાનું સર્જન કરનાર સર્જક પોતે સ્વચ્છંદ બની જાય?

મને અફસોસ છે, પણ હું દુઃખી નથી. હું ઉદાસ છું, પણ હતાશ નથી. એકલા પડી જવાનો મને રંજ નથી. મારી વ્હાલી ડાયરી, હું જરાયે ક્ષોભ નથી અનુભવતી. અને એટલે જ તો મેં આજે ફરી મારા શરીર ઉપર ટેટુ ત્રોફાવ્યું, એક મરમેડનું ટેટુ! મરમેડ – મત્સ્યકન્યા... એક યુવતી, જે મત્સ્ય બનીને સાગરના રંગોમાં ઊંડેઊંડે ડૂબકી મારવા ચાહે છે; અથવા તો એક મત્સ્ય, જે એક યુવતી બનીને વિશ્વ આખાના રંગોમાં રંગાઈ જવા ચાહે છે!

**

ટ્રેનની બારીએથી...

પૂરપાટ ઝડપે દોડી જતી ટ્રેનની બારીમાંથી ફેંકાઈ રહેલા પવનમાં અનિકેતની સામે બેઠેલી યુવતીના વાળ વિખેરાઈ રહ્યા હતા. અનિકેતની નજર યુવતીની ગરદન ઉપર તાજા જ ત્રોફાવેલા ટેટુ ઉપર સ્થિર થઈ ગઈ. થોડાં દિવસોથી આ સમય એના માટે આહ્લાદક બની રહેતો હતો. કાળા-વરસાદી વાદળાંમાંથી જેમ સૂરજ જરાજરા વારે ડોકાયા કરે એમ યુવતીની સુંવાળી ગરદન કાળા વાળ તળેથી ઉઘાડ-બંધ થયા કરતી હતી. ઓચિંતું જ એની ખુલ્લી ડાયરીમાંથી એક પીળું પાંદડું પવનની ઝાપટમાં ઉડીને અનિકેતના ખોળામાં આવી પડ્યું. અનિકેતની નજર ટેટુ ઉપરથી ખસીને પાંદડા ઉપર ઠરી ગઈ. કાળી સિયાહીથી પાંદડા ઉપર પતંગિયું દોરાયેલું હતું. જાણે કે હમણાં એ પાંખો ફફડાવતું ઉડીને યુવતીની ગરદને જઈને બેસી જશે એવી અનિકેતને અનુભૂતિ થઈ આવી. પાંદડાના મથાળે એક વર્ષ પહેલાંની તારીખ કોતરાયેલી એણે જોઈ. જમણી બાજુના ખૂણે ઘૂંટેલા નામને મનોમન વાગોળ્યું – નિહારિકા...

વિન્ડો-સીટ પર બેઠેલી નિહારિકા તરફ મુસ્કાતા ચહેરે અનિકેતે પીળું પાંદડું લંબાવ્યું.

**

૧૪-ફેબ્રુ. શુક્રવાર, ૪:૧૩ વહેલી સવાર

ડિયર ડાયરી,

હવે તું કહેશે, ‘નિહારિકા, તારો આખો દિવસ કેમનો પસાર થશે? પતિ તો હવે રહ્યો નથી, છોકરાં તો છે નહીં! અને ચિત્રો પણ હવે ક્યાં...’

હું કહીશ, ‘આ સમય પણ જતો રહેશે, મારા ચિત્રોની જેમ.’

અતીતનું પણ કેવું! ક્યાંક વહી જાય છે, તોયે કશુંક રહી જાય છે! એ ઈરાદાથી કશુંક પાછળ મૂકી જાય છે કે ગફલતથી છૂટી જાય છે?

વળી તું કહેશે, ‘પણ, ડિયર ડાર્ક-લવ આર્ટીસ્ટ, તું તો આમેય સાંજ પછી જ ચિત્રો દોરવાનું પસંદ કરતી ને, લેટ-નાઇટ! અને એ પણ વિકમાં માંડ બેત્રણ દિવસ... પણ, હવે તો એય નહીં! તારે કશીક નોકરી, કોઈક ટાઇમ-પાસ...’

હમ્મ, તો અસલ વાત એ છે એમ ને! ઓકે બાબા, હું ફરી કોઈક જોબ સ્વીકારી લઈશ, હેપ્પી? બાય ધ વે, થોડાં દિવસોથી ટ્રેનની સફર આદરી છે. આજે એક ઇન્ટરવ્યૂ પણ આપી આવી છું. લેટ્સ, સી!

અને હા, યાદ છે ને, આજે ‘વેલેન્ટાઇન્સ ડે’ છે! સાંભળ, એક સિક્રેટ ‘શેર’ કરું છું – બે દિવસ પહેલાં ટ્રેનમાં એક યુવક મળ્યો હતો. મળ્યો હતો મતલબ, જોયો... રોજ મારી સામેની બર્થ ઉપર આવીને બેસવાની ફિતરતમાં હોય છે. હેન્ડસમ છે આમ તો! સ્સ્સ્સસ... ચૂપ, પાગલ! એવું કશું નથી! સ્ટુપીડ!

**

કોફીહાઉસના ટેબલેથી...

‘સાંભળ્યું છે કે ખૂબસૂરત યુવતીઓ હંમેશા બ્લેક કોફી માણવાનું પસંદ કરતી હોય છે!’ અનિકેતે ચહેરો વેઇટર તરફ અને નજર નિહારિકા તરફ ઢળેલી રાખતા કહ્યું.

‘અને ફ્લર્ટ કરનાર યુવકો હંમેશા કોલ્ડ કોફી લેવાનું પસંદ કરતાં હોય છે!’ નિહારિકાએ પણ જાણે કે વેઇટરને કહ્યું. વેઇટરે આછું મુસ્કાઈને ઓર્ડર નોંધ્યો અને એકાંત પૂરું પાડતો હોય એમ ત્યાંથી રવાના થઈ ગયો.

‘તને શાળાના દિવસોની જેમ ઓફિસમાંથી આમ આખા દિવસનો ‘બંક’ મારવાનું કેમ સૂઝ્યું?’ નિહારિકાએ બદામ જેવી આંખો નચાવતાં કહ્યું. ‘રવિવાર ક્યાં દૂર હતો?’

‘જી, મેડમ આર્ટીસ્ટ! એમાં એવું છે ને કે ‘વેલેન્ટાઇન્સ ડે’ આજે છે, રવિવારે નહીં.’ અનિકેતે ગુલાબના ફૂલની દાંડીમાં ભરાવેલી રીંગ નિહારિકા સામે ધરતા કહ્યું, ‘બંક તો આજે જ મારી શકાય ને, ભલે ‘વર્કિંગ ડે’ હોય! ત્રણ દિવસ પછી આ ફૂલ કરમાઈ નહીં જાય?’

‘મારે તને ખાસ વાત કહેવી છે, અનિ...’

‘નિહા, મારે ફક્ત શૃંગારિક વાતો સિવાય કશું નથી સાંભળવું; ન તો તારા કોઈક અતીત વિશે કે ન કોઈ તારી નિષ્ફળતા વિશે, પ્લીઝ!’ અનિકેતે ફૂંક મારીને નિહારિકાના વાળ એની ગરદન ઉપરથી દૂર કર્યા અને ટેટુ પર પોતાની તર્જની ફેરવી.

‘પણ...’ નિહારિકાની આંખો આગળ બ્લેક કોફીની વરાળ ફરી વળી.

**

૨૩-ફેબ્રુ. રવિવાર, ૯:૩૦ રાત્રી

ડિયર ડાયરી,

તને ખબર છે, એકમેકમાં સમાઈ જવાની અનુભૂતિ કેવી હોય?

પાગલ...

જેમ કેનવાસ ઉપર રંગો એકમેકમાં ભળી જઈને એક અનોખું વિશ્વ ઊભું કરે, કંઈક એવું જ!

**

મધુરજનીની મહેકમાંથી...

‘ફાઇનલી, ત્રણ મહિનાનું આપણું ‘ડેટિંગ’ આજે મધુરજનીમાં પરિણમ્યું.’ અનિકેતે નિહારિકાના હોઠ ઉપર આંગળી ફેરવતા કહ્યું.

‘અનિ... આજે તો મારી વાત સાંભળી લે, પ્લીઝ!’ નિહારિકા બોલી.

‘જી નહીં, આજે તો ફક્ત રોમેન્ટિક વાતો જ!’ નિહારિકાના ખોળામાં માથું ઢાળી દેતા અનિકેતે કહ્યું.

અનિકેત-નિહારિકા એકમેકમાં સમાતા રહ્યાં. છ મહિના આમ જ મધુરજનીની મીઠી મહેક પ્રસરતી રહી. પણ, એક સવાર કડવાશ લઈને આવી. ‘આ આપણા ઘરની સામે બધી મહિલાઓએ મોરચો કેમ માંડ્યો છે, નિહા?’ અનિકેતે બારીના પડદા ખોલતા બહાર ગયેલી પોતાની નજરમાં આશ્ચર્ય ભેળવતા પૂછ્યું.

‘અનિ... મારા ચિત્રો...’ કેનવાસ ઉપર રંગો ગોઠવવામાં પાવરધી નિહારિકા શબ્દો ગોઠવતી વખતે મૂંઝાઈ ઊઠી.

‘તારા ચિત્રો... શું? મને તો ખાસ સમજ નથી ચિત્રોમાં; અને રસ પણ નથી. મેં જોયા પણ નથી તારા ચિત્રો. પણ થયું શું?’

‘મેં તને કેટલીયે વખત જણાવવાની કોશિશ કરી જોઈ, પણ...’ નિહારિકાએ કબાટમાંથી ચિત્રોના કેનવાસનો થપ્પો કાઢતાં કહ્યું. ‘જોઈ લે. આ છે મારી કલ્પનાનું જગત. વિશ્વમાં પ્રવર્તતા પ્રેમનાં વિવિધ પાસાંઓની વાસ્તવિકતા.’

‘તું જાણે છે. મને તારા ચિત્રોમાં, કે કોઈ પણ કલાકૃતિમાં રસ નથી. હું કલ્પનાવિશ્વમાં રાચનારો કોઈ કલાપ્રેમી નહીં, એક વાસ્તવવાદી માણસ છું!’ અનિકેત ફાટી આંખે નિહારિકાના ચિત્રોને જોઈ રહ્યો. નિહારિકાએ દોરેલાં ચિત્રો એ જેમ જેમ એક પછી એક ઉથલાવતો ગયો, એના ચહેરાના રંગો બદલાતા ગયા. આખરે ઘેરો લાલ રંગ ચહેરા ઉપર લીંપીને એણે બધાં ચિત્રોનો ઘા કર્યો.

‘મારા ચિત્રોનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે, પણ મહિલા-સંગઠનનો વિરોધ...’

અનિકેતે ઘા કરેલાં ચિત્રોથી આખા કમરામાં કાલ્પનિક રંગો અસ્તવ્યસ્ત થઈને ફેલાઈ ગયા હતા. એ તરફ જોતાં ચિત્રોમાં રહેલા દરેક પાત્રો જાણે કે નિર્લજ્જ થઈને પોતાને ઘૂરી રહ્યાં હોય એવી અનુભૂતિ એને ઘેરી વળી. પારદર્શક વસ્ત્રોમાં નૃત્ય કરતી એક સુડોળ કાયા ધરાવતી યુવતી એની સામું જોઈને નિર્લજ્જતાથી અંગઉપાંગો મરોડી રહી હતી. રતિક્રીડામાં મસ્ત એક યુગલ એને અભદ્ર ઈશારાઓ કરતું હસી રહ્યું હતું. પહાડ ઉપરથી પડતા જળધોધમાં સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં જંગલી પશુઓથી ઘેરાયેલી એક યૌવના એની સામું ત્રાંસી નજરે જોઈને સિસકારા બોલાવી રહી હતી.

‘તો આ છે તારી કલા?’ અનિકેતે ચિત્રો ઉપર થૂંકતા કહ્યું, ‘આ અશ્લીલતાને તું ‘આર્ટ’ ગણે છે? આવાં બેહૂદાં ચિત્રો દોરનાર સ્ત્રી પોતે કેટલી સ્વછંદી હશે!’

‘અનિ...’ નિહારિકાના શ્વાસ થંભવા માંડ્યા. ‘હું ‘હું’ છું; અને આ ફક્ત મારા પાત્રો છે; મારી કલ્પના, મારું કલાસર્જન – એ હું નથી!’

**

૨૫-ફેબ્રુ. મંગળવાર, ૬:૪૫ સાંઝ (ટ્રેનની બારીએથી)

ડિયર ડાયરી,

સંબંધોને હૃદયમાંથી જડમૂળથી કાઢીને ફેંકી દેવામાં ઝાઝો સમય નથી લાગતો. પણ કાયદાકીય રીતે અમુક સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકવા માટે...

લાંબી પ્રોસીજર.

ત્રણ મહિના! ઉફ્ફ!

**

કોર્ટરૂમની કાર્યવાહીએથી...

‘તમારી પત્ની ચરિત્રહીન છે એમ તમે પુરવાર કરી શકો તો તમારી છૂટાછેડાની અરજી મંજૂર થઈ જાય.’ જજસાહેબના બરફ જેવા લીસા અને સપાટ શબ્દોના નિવેદનથી નિહારિકાની આંખોમાંથી એક ધગધગતો નિસાસો સરી પડ્યો.

નિહારિકાએ દોરેલાં શૃંગારરસના અસંખ્ય ચિત્રો, એનો બ્લોગ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ વગેરેને આધાર તરીકે લઈ ચૂકેલા અનિકેતના ડાયવોર્સ-સ્પેશિયાલીસ્ટ વકીલને એની સ્વચ્છંદતા સાબિત કરવામાં ખાસ મહેનત કરવી નહીં પડી. ત્રણ મહિનાની થકવી નાખનારી પ્રોસીજરનો આખરે અંત આવ્યો. છ મહિનાના લગ્નજીવનનો પણ અંત...

ફાઇનલી, ડાયવોર્સ!

**

૨૯-ફેબ્રુ. શનિવાર, ૧૨:૦૦ મધ્યરાત્રી

ડિયર ડાયરી,

અતીત યાદ કરીને પણ શો ફાયદો! એક વર્ષ તો વીતી ગયું. આમ જ અનેક વર્ષો પણ વીતી જ જશે.

તું તો જાણે છે, જીવનમાં મેં ફક્ત એક જ વખત પ્રેમ કર્યો છે. એક જ વ્યક્તિને ચાહી છે. એક જ વ્યક્તિ સાથે સંસાર માંડ્યો છે. અને એક જ વ્યક્તિને... ઓહ્હ, આ ડાયવોર્સ! હા. ડાયવોર્સ પણ એક જ વ્યક્તિ સાથે... એ એક માત્ર વ્યક્તિ એટલે – અનિકેત! એ જ અનિકેત કે જે હજી તો ગયા વર્ષે જ મારી ગરદન ઉપર ત્રોફાવેલા પતંગિયાના ટેટુને જોઈને મોહી પડ્યો હતો. પુરુષો સુંદર યુવતીઓને એવી સિફતથી તાકતા હોય છે કે જાણે એમને એવું લાગે કે જેને તાકીએ છીએ એને કશી જાણ જ નથી. પણ એ તેમનો ભ્રમ હોય છે. યુવતીઓની આંખો ભલે ડાયરીના લખાણ ઉપર ફરતી હોય પણ એમની ત્રાંસી નજર તો ચોમેર ફરતી રહે છે – એનો તાગ લગાવવા કે એમની ઉપર કોનીકોની નજર ફરી રહી છે!

તું તો જાણે છે ને, દોસ્ત, મારી ડાયરીમાંથી પતંગિયાના ચિત્રવાળું પીળું પાંદડું ઊડીને અનિકેતના ખોળામાં જઈ પડ્યું હતું. અને એ રીતે ગયા વર્ષે, ફેબ્રુઆરીમાં જ તો શરૂ થયો હતો અમારો પહેલી નજરનો પ્રેમ! ટ્રેનમાં.

અનિકેત હવે અતીત બની ચૂક્યો છે. અતીતના એ ઉઝરડા મિટાવીને મારે આગળ વધી જવું છે. એ બધું જ ભૂલાવી દેવું છે જે છેલ્લાં એક વર્ષમાં બન્યું. ટ્રેનમાં અપ-ડાઉન કરવા દરમ્યાન થયેલ અનિકેત સાથેનો પરિચય... કોફીહાઉસમાં વિતાવેલી એ રોમાન્સની પળો... સાપુતારામાં રોપ-વેમાં અનિકેતે પહેરાવેલી અંગૂઠી... લગ્ન... રોજબરોજની ઘટમાળ... મારા ચિત્રોને લઈને અનિકેતના મસ્તિષ્કમાં ઊઠેલી અગનજ્વાળાઓ... અંતે, ડાયવોર્સ! – બધું જ મારે પાછળ છોડી દેવું છે.

મેં ઘણી વખત મારા ચિત્રો વિશે અનિકેતને કહેવા ચાહ્યું જ હતું, પણ... એ હંમેશા ‘હમણાં ફક્ત રોમેન્ટિક વાતો જ...’ કહીને મને ટાળતો રહ્યો. પહેલી નજરનો પ્રેમ પેલા પીળા પાંદડાની જેમ હવામાં ક્યાં ઉડી ગયો એની ખબર જ ન પડી! માત્ર નવ મહિનાના સમયગાળામાં – ત્રણ મહિના ડેટિંગના, છ મહિના લગ્નજીવનના – સફર ખતમ.

હવે તો મુક્ત મને વિહરવું છે – આ જમણા હાથના કાંડા ઉપર ત્રોફાવેલા ટેટુની મત્સ્યકન્યાની જેમ. અને હા, દોસ્ત, હમણાં થોડાં દિવસો પહેલાં ટ્રેનમાં મળેલા પેલા અજાણ્યા હેન્ડસમ યુવકને પણ ચેતવી દઈશ કે હું એક વિવાદાસ્પદ ચિત્રકાર છું! ડાયવોર્સી છું! ચરિત્રહીન છું! સ્વચ્છંદી છું!

જીવનમાં હવે પાછળ ફરીને નથી જોવું. ટ્રેનમાં વિન્ડો-સીટ ઉપર બેઠાં હોઈએ ને બહારનું દ્રશ્ય જેમ પાછળ છૂટતું જાય એમ અતીતને અતીતમાં જ તરછોડી દેવો છે; નિર્દયતાથી.

ડિયર ડાયરી, માત્ર તું જ એક મારી દોસ્ત. તું જ મારો વર્તમાન. અનિકેત અને એની સાથે વિતાવેલી પળો હવે અતીત માત્ર! બસ, હવે વર્તમાનથી ભવિષ્ય તરફની સફર આદરવી છે, પ્રણયના એક અનોખા જ રંગના સથવારે કલ્પનાના ચિત્રજગતમાં!

***સમાપ્ત***

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ