વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માવઠું

                       ખેતર ઉપર સુકાઈ ગયેલા ઘઉંના પાકનો સોનેરી રંગ લહેરાતો હતો. કાલ જ એ પાક ઉપર દાતરડું મુકવાનું હતું. આંખોમાં થોડે દુર કરેલા લીલસોયા ધાણાનો ઢગલો કચ્છના કાળા ડુંગર જેવો ઊગી નીકળ્યો હતો. પવનમાં લહેરાતી મુચ્છોમાં સુકાઈ ગયેલા જીરાનો પાક ઝોલા ખાઈ રહ્યો હતો.

                    ચાલીસે પહોંચેલા કરશનભાઈ પાસે આમ તો જમીન ખરી. પણ બાપ દાદાએ ડાયરામાં ઘણું ખરું ખર્ચી નાખ્યું હતું એટલે કળ વળતા વાર લાગે એવી હતી. સરકારી યોજનાઓનો લાભ લઈને ગીરો મુકેલી જમીન છોડાવી. વળી છોરીના લગન કર્યા અને અધૂરામાં પૂરું મામેરું પણ કર્યું. પગ કરતા આ વર્ષે ચાદર ટૂંકી થઈ ગઈ હતી. કપાસનો પાક નિષ્ફળ ગયો એટલે કરશનના માથે ચિંતાના વાદળ મંડરાયા કરતાં.

                  આખી રાત પડખા ઘસીને પસાર થતી. પરંતુ સવારમાં જ્યારે કરશન ખેતર પહોંચતો ત્યારે ખેતરમાં લહેરાતો પાક જોઈને કરશનને શેર લોહી ચડતું. રાતની બધી ચિંતા સૂરજના કુમળા કિરણો જોઈને શબનમ ભાગે એમ ભાગી જતી. માથા ઉપર મુખીનું કરજ રાત્રે પાંપણ ભેગી થવા દેતું નહિ. પરંતુ ખેતરમાં ઉભો પાક કરશનને હિંમત આપતો. ખેતર જોઈને કરશનને કંઈક આશા બંધાતી. આંખ ઠરતી. હૈયું શાંત થતું. ટાઢી રાતમાં ઉકળતા હૃદયને છેક સવારે ઠંડક મળતી.

                     કરશન રોજ સવારમાં શિરામણ લઈને ખેતર પહોંચી જતો. કામ ના હોય તો પણ આખો દિવસ ખેતરનું રખેવાળું કરતો. મજૂરોને આડા અવળા કામે લગાવતો. આખો દિવસ પાકને જોયા કરતો અને આંકડા માંડ્યા કરતો. એ આંકડા જ કરશનની હિંમત વધારતા. રસ્તા ઉપરથી પસાર થતા લોકોની નજર ખેતરને અને પાકને ન લાગી જાય એટલા માટે એણે સેઢા ઉપર જૂનું જોડું પણ લટકાવી રાખેલું.

                   રસ્તે નીકળતા લોકો કરશનનો પાક જોઈને મોઢું મચકોડતા. વળી જો કરશન ત્યાં ઉભો હોય તો થોડા વખાણ પણ કરી લેતા. ખુદના વખાણ સાંભળીને કરશનને મુચ્છને વળ આપવાનું મન થઇ આવતું પરંતુ લોકોને એવું ન થાય કે પોતે છકી ગયો એટલે મુચ્છ તરફ વળેલો હાથ ગાલ ખંજવાડીને પાછો વળતો. બાકી ભીતરનો હરખ આંખોમાં ગર્વ નામે જરૂરથી છલકાતો. કેટલાક તો કરશનનો આવો સુંદર પાક જોઈને બળતા. છતાં પણ ચા પીવા માટે કરશન સામે વખાણ કરતા અને પછી ચાની તપેલી મંડાવતા. એય ને જાણે ચાની મહેફિલ જામતી અને બીડીઓ ફૂંકાતી. કોઈ કોઈ તો કરશન પાસે આવકનો હિસાબ પણ મંડાવતા. તો કોઈ તો વળી વ્યાજે રૂપિયા આપજે એવું વેણ પણ નાખતા જતાં.

                   કરશન બધું સમજતો હતો છતાં એને ખુશી થતી હતી. જ્યારે એની પાસે કંઈ જ ન હતું ત્યારે લોકોએ એનો પાણીનો ભાવ પણ પૂછ્યો ન હતો. આ વખતે કુદરતની મહેર થઈ તો લોકો સરનામું પૂછી પૂછીને કરશન પાસે આવતા. જિંદગીના કાઢેલા વર્ષોમાંથી કરશન એટલું તો શીખ્યો જ હતો કે લોકો મતલબ વગર કોઈને બોલાવતા નથી.

                     સૂરજ જ્યારે મેરુની ગોદમાં છુપાઈ ગયો ત્યારે કરશને ઘર તરફ ચાલવા માંડ્યું. ખેતર બહાર નીકળતા નીકળતા લગભગ ત્રણ - ચાર વખત તો એણે ખેતરને આંખોમાં ભરી લીધું. અંતરમાં ઉભરાતો આનંદ જાણે નસે નસે વહી રહ્યો હતો. મનના આંગણામાં રમતી ચિંતાને થોડી વાર પોરો ખાવાનો સમય એટલે કરશનનું ખેતરે હોવું! રસ્તામાં ચાલતા ગોવિંદ મળી ગયો. ગોવિંદનું ખેતર પણ કરશનના ખેતરની બાજુમાં જ હતું.

"લ્યા કરશન, આ વર્ષે તો તારી જમાવટ છે ને કઈ!" - ગોવિંદે કહ્યું.

"હા, આ વર્ષે ભગવાનની દયા છે." - કરશને હરખાતા હરખાતા જવાબ આપ્યો.

"આને દયા નો કેવાઈ. કુબેરના ભંડાર તારા માટે ઉઘાડી દીધા કહેવાય." - બંને હસી પડ્યા.


                         વાતોમાં રસ્તો કપાઈ રહ્યો હતો. ફરી બીજાના મોઢે પ્રસંશા સાંભળીને કરશન રાજીના રેડ થઈ ગયો. એ જાણતો હતો કે ગામ આખામાં એની ચર્ચા છે. ખબર નહિ શું થયું છે, કિસ્મત રંગ લાવી કે કરશનની મહેનત, પણ આ વર્ષે કરશનના ખેતર આખા ગામમાં નોખા તરી આવતા હતા. કદાચ કુદરત કરશન ઉપર રિઝી હતી. કદાચ ભગવાન ઇચ્છતા હતા કે કરશન કરજમાંથી મુક્ત થાય. કોઈ વર્ષે નહિ અને આ વર્ષે કરશન ઘી દૂધમાં હતો.

                 પટેલના આવવાનો સમય પટલાણીને ખબર જ હોય. ઘર સામે જ આવેલા અંબેમાંના મંદિરની સંધ્યા આરતીનો ડંકો વાગ્યો ના વાગ્યો પટેલના પગ આંગણામાં પડી જતા. વાળું પટલાણી તૈયાર જ રાખતી. કરશન હાથ મોં ધોઈને તરત પાટલે બિરાજતો. પટલાણી પટેલના ચહેરા ઉપર ફેલાયેલા સંતોષના ભાવ વાંચી લેતી. પટેલને આમ હરખમાં આરોગતો જોઈને પટલાણીની આંખોમાં પણ હરખ ઉભરાતો.

"હેં, હું શું કહું છું?" - પત્નિ ગાયત્રીએ વાત હાથમાં લેતા કહ્યું.

"હમ." - જમતા જમતા કરશને ગાયત્રી સામે જોતા ટૂંકમાં જવાબ આપ્યો.

"પેલો મારો સોનાનો હાર જે અડાણે પડ્યો છે એ આ વખતે છૂટી જાશે ને?" - ગાયત્રીએ થોડા ડર સાથે આશા ભરી આંખે કરશન સામે જોયું.

"હા, બધું બરાબર રહ્યું તો બીજો પણ થઈ જાશે." - કરશને ગાયત્રીને આશા આપી.

"બધું બરાબર જ છે અને રહેશે. કાલ જ દાતરડું મુકવાનું છે. અને થવાનું હોત તો અત્યાર સુધી થઈ ગયું હોત. ભગવાનનો પાર માનો."

                 વાત તો ગાયત્રીની પણ સાચી હતી. હવે પાક ઘરમાં આવે એટલી જ રાહ હતી. અને ભગવાનને જો ના જ આપવું હોત તો પહેલેથી જ ના આપ્યું હોત. એટલે ભગવાનનો ઉપકાર માનવો રહ્યો. પરંતુ મહેનત કરશનની પણ કંઈ ઓછી ન હતી.

"કરશનભાઇ, મુખી બાપા યાદ કરે છે." - એક માણસે આવીને ખબર આપ્યા.

"અટાણે! હાલ તું પોચ હું આવું છું." - કરશને આશ્ચર્ય સાથે કહ્યું.

                     મનમાં કેટલાય વિચારોના કોકળા ઉકેલતો કરશન મુખી બાપાની ડેલીએ પહોંચ્યો. ડાયરો જામેલો હતો. હુક્કાના ધુમાડાથી આખી ડેલી સફેદ રંગે રંગાઈ ગઈ હતી.

"રામ રામ મુખી બાપા." - કરશને આવીને હાથ જોડતા કહ્યું.

"કરશન, આવ આવ. જે આવે એ બધા તારી જ વાત કરે છે કે આ વર્ષે તું માલામાલ થઈ જવાનો છે." - મુખી બાપાએ હુક્કો ખેંચતા કહ્યું.

"ના બાપા ના. આપડા કામ નીકળે એટલે થયું. બહુ ઝાઝો મોહ કોને છે?" - કરશને વાતને હાથવગી કરી.

"ઇ તો ઠીક પણ દહ દી' પેલા તું જે રૂપિયા લઈ ગયો છું એની તારીખ થઈ ગઈ છે. વ્યાજ આવ્યું નથી." - મુખી બાપાએ મુદ્દાની વાત કરી.

"હા બાપા, પણ હવે રિયા ભેગા રિયા. આઠેક દી ખમી જાવ બાપા. મૂડી અને વ્યાજ બેય હું રૂબરૂ પોગાડી દઈશ." - કરશને વિનંતી કરી.

"ઇમ... તો તો હંધાય કરતા સારું. આ લોકો તારી મહેનતના ગુણગાન ગાય છે એટલે મોલત આપું છું. અને તું પાછો વેવારું એટલે મને ચિંતા નથી. સારું જા તું તારે પાક લઈને પહોંચાડી દે જે. આ તો ભુલાય ના જવાય એટલે મેં યાદ કરાવ્યું. પાછું તને તો ખબર જ છે કે મારી ઉઘરાણી કેટલી કડક!" - મુખી બાપાએ નરમ શબ્દોમાં ધમકી ભરીને રજૂ કર્યા.

"હા. બાપા. પેલા તમને પુગાડી દઈશ. આવજો ત્યારે રામ રામ." - કરશને ઉભા થતા ડાયરાને રામ રામ કર્યા.

                  મુખી બાપાના શબ્દોનું કરશનને જરાય ખોટું ના લાગ્યું. કેમ કે થોડા દિવસો પછી મુખી બાપાને બોલી શકાય એવું રહેવાનું ન હતું. મુખી બાપાના શબ્દોને થુંકતો હોય એમ ડેલી બહાર નીકળતા જ કરશને બધું થુંકી નાખ્યું. પગલામાં ખૂબ ધીરજ ધરીને કરશન ઘરે પહોંચ્યો.

                     મધરાતનો સમય થયો પરંતુ ફળિયામાં સુતેલા કરશનની આંખોમાં નીંદ ન હતી. મધુર કલ્પનામાં એ ખુલ્લા તારા વિહોણા આકાશ સાથે રમત રમી રહ્યો હતો. પરંતુ આ શું? આચાનક ઠંડા પવનની લહેર આવી. કરશનના રુંવાડા બેઠા થઈ ગયા. આંખ બંધ કરીને કરશને હવાને ઊંડા શ્વાસમાં ભરી. એ સાથે જ ભીતર ગયેલી હવા હોય એટલી હિંમત અને ઝડપથી બહાર નીકળી. કરશન ખાટલામાં બેઠો થઈ ગયો. થોડી વારમાં તો સુસવાટા મારતો પવન મકાનની બારીઓને પજવવા લાગ્યો. હવામાં તોફાન સમાયેલું હતું. ઘર બહાર મંદિરના ટેકે ઉભેલો લીંબડો ઝોલા ખાઈ રહ્યો હતો. વાવાઝોડાનું આગમન થઈ ચૂક્યું હતું.

                     થોડી વારમાં તો મેઘ રાજાનું આગમન થઈ ગયું. આ આગમન ન હતું તાંડવઃ હતું. ધોધમાર વરસતા વાદળો અને ગળુંળાટ સાથે કેમેરાની લાઈટ માફક ચમકારા મારતી વીજળી. ચોક્કસ શિયાળાનો અંત હતો પરંતુ ચોમાસાનું આગમન તો ન જ કહી શકાય. વસંતમાં આ વરસાદ! હતું માવઠું, પણ ચોમાસાના દિવસોને લજ્જાવે એવું હતું. આખી રાત ધોધમાર વરસાદ આખા ગામ ઉપર પહેરો ભરતો રહ્યો. બાળકો કે વૃદ્ધ કોઈ જ ઘરની બહાર નીકળી શક્યું નહિ. ચારે બાજુ પાણી પાણી હતું.

                             સવારમાં સૂરજના કિરણો ધરતીના આંગણે રમવા આવ્યા ત્યારે ગામ શોકમાં ડૂબેલું હતું. આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા હતા કે કરશને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ