વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભીતિ

                  *ભીતિ*

નિરાંત લઈ  પોઢેલો બગીચો વહેલી પરોઢે આળસ મરડીને બેઠો થયો તે સાથે જ તેના નિયમિત મુલાકાતીઓ અંદર ઠલવાતા ગયા. તાજી હવા શ્વાસમાં ભરી લેનારાઓમાંની એક હતી પૂજા; ખીલતી કળી જેવી. ગળે પટ્ટો બાંધેલ પાળેલા કૂતરાને લઈને ફરતા અંકલને પૂજા જોઈ રહી. 'અંકલ કૂતરાને ફેરવે છે કે કૂતરો અંકલને?' તેની સતત ચિંતા કરતા ડેડીની તેને ચિંતા થઈ આવી. 'ફોબિયા. બીજું શું?' જોગીંગ કરતી પૂજાના મનમાં વિચારો દોડ્યા, 'મારા ગળેય અદ્શ્ય પટ્ટો!' પોતે નજરકેદ હોવાની અકળામણ તેના નમણા ચહેરા પર ઉભરાઈ આવી.

"બેસ હવે, બહુ જોગીંગ કર્યું." પરસેવો લૂછતા ડેડીનો અસુરક્ષિતતાની લાગણીમાં ઝબોળાયેલ હથોડો ફરી તેના શિરે ઝીંકાયો તે સાથે જ બધો હાશકારો ચૂરચૂર થઈ સ્વતંત્ર એવા ખુલ્લા વાતાવરણમાં વિખેરાઈ ગયો.

"ડેડી, તમેય મારી સાથે કૉલેજ આવો. દરવાજા બહાર ઊભા રહેજો. જોઈએ તો સાથે બાઇનોક્યુલર રાખો." લાડકી દીકરીના ઉકળતા શબ્દો અંકિતને દઝાડતા હતા. બળાપો ઠાલવતી પૂજાનો કટાક્ષ સમજી ન શકે તેવો અબુધ અંકિત નહોતો જ.

"મને તારી ફિકર રહે છે માટે..." અંકિતનો સ્વર નરમ પડ્યો.

"પણ હવે તો મને તમારી ફિકર થાય છે. સાસરે જઈશ ત્યારે આણામાં તમનેય સાથે લેતી જઈશ." પૂજાના છણકાએ અંકિતને છોલી નાખ્યો.

સૌ જાણતા કે અંકિત પૂજાની આસપાસ ભમ્યા કરતો. દૂરથીયે તેની આંખો પૂજાની ચોકી કરતી હોય. પૂજા એટલે જીવથી વહાલી એકની એક દીકરી, તેના કાળજાનો કટકો. ઘરમાં સીસીટીવી કેમેરો ફીટ કરાવી દેવાયેલો.

"મૉમ, પ્લીઝ ડેડીને સમજાવને. બધાં ફ્રેન્ડઝ મારી મજાક ઉડાવે છે." મિત્રો દ્વારા થતી હાંસી સામે પૂજા આંખ આડા કાન નહોતી કરી શકતી. તેની મા આરતી, પ્રેક્ટિકલ હતી.

"આવું હેલિકોપ્ટરની જેમ દીકરી પર મંડરાવાનું બંધ કર. બધાં મશ્કરી કરે છે. હું તેની સગી મા છું પણ આવું ગાંડપણ નથી કરતી." આરતી કહેતી ત્યારે અંકિતનો હોઠવગો જવાબ કાયમની હાજરી પૂરાવતો, "તને નહીં સમજાય."

આરતીને નહોતું જ સમજાતું. તે ચૂપચાપ પથારીમાં આડી પડી. સ્મરણપટ પર ઉપસી આવ્યું; નર્સે તરત જન્મેલી પૂજાને અંકિતના હાથમાં સોંપતા વધામણી આપી ત્યારે રૂના પોલા જેવી સસલીને પંપાળતો હોય તેમ અંકિતે હળવેકથી તેને લીધી. સુંવાળું શરીર, ટમટમતી આંખો, ગોરા ગાલ અને રતુંબડા હોઠ જોઈને અંકિત ઉછળી પડશે તેવું આરતીને લાગ્યું. અંકિતે આસ્તેથી પૂજાને ચૂમીને ગુલાબી મલમલમાં વીંટાળી. સુરક્ષા કવચ રચતા પોતાના લાંબા બાહુઓમાં તેને જકડી લીધી.

ખળખળ વહેતા ઝરણા જેવી નાનકડી મીઠડી પૂજાને અંકિત હાથમાંને હાથમાં રાખતો. ઓફિસ જાય તોય કલાકેકલાકે દિવસના સાતઆઠ ફોન આવી જ જાય, "પૂજુ ક્યાં છે? શું કરે છે? એકલી નથીને? આયા ધ્યાન રાખે છેને?" પૂજા સહેજ અમથી રડે ત્યારે અંકિત ઝબકીને જાગી જતો. નાનકડી પૂજા માટે રાત્રે કરવા પડતા ઉજાગરા મોટા ભાગે એ જ કરતો. આરતીને થતું, અંકિત કદાચ તેની પોતાની નોકરી છોડીને પૂજામય બની જશે.

બાપદીકરીનો એકબીજા પરત્વેનો લગાવ જોઈ આરતી ખુશ થતી, 'સાચું જ કહ્યું છે કે દરેક પિતાને દીકરી માટે સ્વાભાવિકપણે લાગણી હોય. તેવી દીકરીઓય નસીબદાર કહેવાય.' જોકે આરતી ક્યારેક અંકિતની આવી અતિશય કાળજી કહો કે વધુ પડતી ચિંતાને લીધે અકળાઈ જતી. તેય સમજતી કે ચૌદ વર્ષની લાંબી પ્રતિક્ષા, કેટલીયે બાધાઓ, માનતાઓ બાદ પૂજા અવતરેલી અને ભવિષ્યમાં બીજું બાળક થવું મુશ્કેલ હતું માટે એકની એક પૂજા પર અઢળક હેત વરસતું.

"તું પૂજાને પૂજવાનું બંધ કર. એને બીજા બધાં નોર્મલ બાળકની જેમ ઉછરવા દે પ્લીઝ. મને ખાતરી છે કે, આ રીતે એનો યોગ્ય વિકાસ નહીં થાય. ખીલતી કળીને જરૂર પૂરતાં ખાતરપાણી આપી જાતે ઉછરવા દેવાય, વધુ પાણીથી મૂળિયાં કોહવાઈ જાય." ત્રણ વર્ષની પૂજાને પાડોશીને ત્યાં રમવા જવાની અંકિતે ચોખ્ખી ના પાડી ત્યારે આરતીથી કહ્યા વગર નહોતું રહેવાયું.

જેમ જેમ પૂજા મોટી થતી ગઈ તેમ તેમ અંકિતનો જાપતો ઓર વધતો ગયો. તેને ક્યાંય એકલી તો ન મૂકાતી પરંતુ તેની સાથે કોઈક હોય તેનું અંકિત ખાસ ધ્યાન રાખતો. તે દિવસે અંકિત-આરતી પૂજાને બગીચામાં રમવા લઈ ગયા. સ્વાભાવિક બાંકડા પર બેઠેલા અંકિતની આંખો સેન્ડપીટમાં રમતી પૂજા પર જ હતી. પૂજા બીજા બાળકો સાથે રમતી હતી. એક બાળકને ઘરે લઈ જવા તેના પપ્પા આવ્યા. મીઠડી પૂજાને ગાલે તેમણે વહાલથી હાથ ફેરવ્યો તે અંકિતે જોયું અને ભીતર દબાયેલો જ્વાળામુખી ફાટ્યો. અંકિત ઉકળી પડ્યો. તુરંત દોડી જઈ તેણે પૂજાને ઊંચકી લીધી. પેલી વ્યક્તિ સામે એવાં ડોળા તતડાવ્યા જાણે વડચકું ભરતો હોય, 'મારી દીકરીને હાથ કેમ લગાવ્યો?' કંઈ જ બોલ્યા વગર પેલો ભોંઠો પડી ગયો. તે તેની દીકરીને તેડી લઈ દૂર ખસી ગયો.

"શું થયું? પૂજાને કેમ ઊંચકી લાવ્યો? સરસ રમે છે તો છોને થોડી વાર રમતી." આરતી પતિને સમજાવવા મથી.

"તેં જોયું નહીં? પેલો મારી પૂજુને અડકતો હતો. મને આવુંબધું જરાય પસંદ નથી. ચાલો ઘરે જઈએ." આનંદિત વાતાવરણને ડહોળતો લાવા ચોમેર રેલાઈ ગયો.

"પણ અંકિત, એ તો જસ્ટ વહાલ બતાવતા હતા. દીકરીને આખો વખત ઘરમાં તાળુંચાવી મારીને ગોંધી તો નહીં જ રખાયને."

આગળ સાંભળ્યા વગર અંકિત પૂજાને તેડીને ચાલવા માંડ્યો, "પૂજુ, તારે કોઈ છોકરાઓ સાથે નહીં રમવાનું ઓકે?"

"પણ કેમ ડેડી?"

"કેમકે તું છોકરી છે." અંકિતે પૂજાને બચી ભરતાં કહ્યું.

"આ શું બીચારી આવડી નાની બાળકીને છોકરાછોકરીના ભેદ શીખવાડે છે?" આરતીના સ્વરમાં આક્રોશ હતો પરંતુ એ જાણતી હતી કે તેનું કહેલું ભેંસ આગળ ભાગવત.

પૂજાને શાળાએ મૂકવા-લેવા અંકિત જ જતો. વર્ગશિક્ષિકાને તેનું ધ્યાન રાખવા ખાસ સૂચનાઓ અપાઈ, "મારી દીકરીને ક્યાંય એકલી ન જવા દેતા. બાથરૂમમાં સાથે આયાને મોકલજો."

પૂજાના દુધિયા દાંત પડ્યા, ડહાપણની દાઢ ઊગી પણ અંકિત એનો એ જ. વર્ગની પિકનિક હોય ત્યારેય પૂજાની આયાને સાથે જવા દેવાની ખાસ પરવાનગી લેવાતી. એમ કરવાથીયે કદાચ પૂજા માટે સેવાતી અસુરક્ષિતતા ક્ષીણ થાય! "બેબીને કંઈ થવું ન જોઈએ."

શિક્ષિકાઓનું કહેવું, "અમે તેનું બરાબર ધ્યાન રાખીશું." પર બિલકુલ ધ્યાન ન દેવાતું. અંકિત-આરતી ફિલ્મ જોવા જાય ત્યારે પૂજાને ખાસ બન્નેની વચ્ચેની સીટ પર બેસાડવાનો વણલખ્યો નિયમ હતો. 'અંધારામાં વહાલી દીકરીના અંગોને કોઈ અડકે તો? અડપલાં કરે તો? ના. ના મારે અંધારામાં નથી રહેવું.' અંકિતના મનમાં ઠાંસોઠાંસ ભરેલી ફડક તેની વિચિત્ર વર્તણૂંકમાં ડોકાતી. પૂજાને નૃત્ય તેમજ ડ્રોઇંગ શીખવાડવા શિક્ષિકાઓ ઘરે બોલાવાતી અને એય મહિલા હોય તેવું ખાસ જોવાતું. પુરૂષ શિક્ષક તો શું, ડોક્ટર પણ લેડી હોવી જોઈએ તેવો અંકિતનો દ્રઢ આગ્રહ જ નહીં બલકે જિદ્ હતી. પૂજાને સમજી વિચારીને ફક્ત ગર્લ્સ સ્કુલમાં જ દાખલ કરાયેલી. ટ્રેન,બસ કે ટેક્સીના પ્રવાસનો તો પ્રશ્ન જ નહોતો ઉપસ્થિત થતો. કોઈ નજીક આવીને સ્પર્શે તો? ધક્કો મારે તો? અડપલાં કરે તો? જાણે પાણી પહેલાં પાળ. ફૂટી નીકળેલી જાતજાતની આશંકાઓ અંકિતના મગજમાં પાંગર્યા કરતી.

પૂજા નાની હતી ત્યાં સુધી તો ઠીક પણ એ સમજણી થતી ગઈ તેમ તેમ તેને ડેડીની આવી અતિ ચિંતા કહો કે, ઑવરપ્રોટેક્શન ખૂંચવા લાગ્યાં. તે આરતીને ફરિયાદ કરતી, "મૉમ, આય એમ થર્ટીન યર્સ ઑલ્ડ. હું મારૂં ધ્યાન રાખી શકું છું. પ્લીઝ ડેડને કહેને આમ મારી પાછળ પાછળ ન ફર્યા કરે."

પરંતુ એકેય વાત કે વિનંતી અંકિત ગળે ઉતારવા તૈયાર નહોતો, "મારી લાડકીને કંઈ ન થવું જોઈએ."

"શું થઈ જવાનું છે?"

"જમાનો કેવો ખરાબ છે. વાંચતી નથી? દરરોજ છાપામાં કેવાંકેવાં બનાવો છપાય છે તે?"

"અંકિત, આપણી પૂજા હવે નાની કીકલી નથી રહી."

"માટે જ. માટે જ હું તેનું ધ્યાન રાખું છું. બાપ છું એનો. મને તેની ચિંતા રહે છે. દેખાવડી છે, ટીનેજ છે. કાચી કળી જેવી છોકરીની જાત. બણબણતા ભમરા આવી ચઢે." ફરી ન કરવાના વિચારો આવતા. ફરી પેટમાં કશુંક ચૂંથાયા કરતું.

"બસ બસ. પાછું એનું એ જ રટણ." આરતી ચૂપ થઈ જતી. 'પથ્થર પર પાણી.' તેય થાકી હતી.

"તું એની મા છો. તેને આ દુનિયા કેવી છે તે સમજાવ. એ નાની નથી રહી. ક્યાંક મારી ખીલતી કળીને કોઈ કચડી ન નાખે." અંકિતની દહેશત ખોટી તો નહોતી જ પરંતુ વધુ પડતી હતી. ગૂંગળાવનારી. અકળાવનારી. અસ્વાભાવિક.

"ડેડ, મારી આટલી બધી ફ્રેન્ડઝ છે પણ કોઈના પેરેન્ટ્સ આવું નથી કરતા કે એને ક્યાંય એકલી મોકલે જ નહીં." પૂજા તેના ડેડીનો સ્વભાવ જાણતી. હવે તે ડેડીને બીજી સહેલીઓના ડેડીઓ સાથે સરખાવતી. નહોતું ગમતું પણ શું થાય?

તેની સહેલીઓ નાઇટ-આઉટ કરતી, એકલી ફિલ્મો જોવા જતી, કેટલીકને તો બોયફ્રેન્ડ્ઝ પણ હતા. સૌ બેરોકટોક મજામસ્તી કરતા પરંતુ સત્તર વર્ષની પૂજા માટે આકરા નિયમો લદાયા હતાં, "ક્યાંય એકલા નહીં જવાનું." "કૉલેજ છૂટે એટલે હું લેવા આવીશ." ફ્રેન્ડની પાર્ટીમાં તારી મમ્મી સાથે આવશે." "આવા લૉ-કટ રીવીલીંગ ડ્રેસીસ નહીં પહેરવાના." "તારા જે કોઈ ફ્રેન્ડઝ છે તેનાં નામ, ફોન નંબર આપ." "છોકરાઓથી દૂર રહેવાનું." "એક્સ્ટ્રા ક્લાસીસ? નૉ વે." પાબંધી. પાબંધી. પાબંધી. એક અભેદ્ય કિલ્લામાં કેદ પૂજાને થતું તેના ડેડીએ તેને કઠપૂતળી બનાવી રાખી છે જેની ડોર તેમના હાથમાં છે. એ નચાવે તેમજ નાચવાનું.

કૉલેજમાં તો પૂજાના 'સંસ્કારી' 'પેમ્પર્ડ' 'બીચારી' 'હાઉઝઅરેસ્ટ' 'પીંજરે કા પંખી' એવાં કેટલાય ઉપનામ પડી ગયેલાં. તો વળી "રિંગમાસ્ટર ડેડી" "ડ્રાઇવર ટ્વેન્ટીફૉર બાય સેવન ઑન ડ્યુટી." "ડૉબરમેન વૉચમેન" "બોડીગાર્ડ" "અંકલ રડાર" એવું અંકિત માટે કહેવાતું. ખુલ્લી હવા હતી, વિશાળ ગગન હતું પણ પૂજાના પગમાં બેડીઓ હતી જેને ડેડીએ કાળજી નામના આકર્ષક પડીકામાં ગીફ્ટરેપ કરીને રાખી હતી.

"મૉમ, મારી ખાસ ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી છે. હું જઈશ અને રાત્રે ડિનર પછી જ આવીશ. પ્લીઝ, મારા આ જક્કી જૂનવાણી ડેડીને સમજાવ, હું એકલી જઈ શકું તેમ છું એન્ડ માઇન્ડ વેલ, આઇ કેન ટેઇક કેર ઑફ માયસેલ્ફ." રીતસર કરગરી રહેલી પૂજાના તીખા સ્વરમાં ક્રોધ ભળવા માંડ્યો હતો.

તે દિવસે આરતીએ વિચારી જ લીધું કે એ રડીકકળીને, ધાકધમકીથી કે ઝગડીનેય અંકિત પાસે પોતાનો કક્કો ખરો કરાવશે.

"આપણી પૂજા સમજુ છે. તેને કંઈ નહીં થાય. આવું પઝેસિવ ન થવાય. પ્લીઝ આજે જવા દે." ઘણી રકઝક બાદ અંકિત છેવટે માન્યો. પૂજા ખુશખુશ. "હાશ!" આરતીને જાણે ભગીરથ કાર્ય પાર પડ્યાનો સંતોષ થયો, "જમાના પ્રમાણે તો ચાલવું પડેને."

"જો પૂજા. તું જા પણ એક વાત સમજ બેટા, કોઈ છોકરો મીસબિહેવ કરે, ટચ કરે કે અણછાજતું વર્તન કરે તો..." અંકિતનો સ્વર ધ્રૂજવા માંડ્યો.

"ઓહ ડેડી! આઇ નૉવ." પૂજાએ તેના ડેડીનો હાથ વહાલથી પકડી લીધો, "ડોન્ટ યુ વરી. હું સમજુ છું."

"મને પણ સમજ." અંકિતે ઝટકો આપી હાથ છોડાવ્યો. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આખો હાથ ચચરી ઊઠ્યો. તેણે પોતાનું કાંડું બીજા હાથની હથેળીથી પસવારવા ચાહ્યું પણ જકડાઈ ગયેલો હાથ હલી શક્યો જ નહીં. એ પોતાના બન્ને હાથને તાકતો રહ્યો.

'સાપ કાંચળી ઉતારે તેમ કદાચ ભૂતકાળ ઉતારીને ફગાવી દેવાતો હોત...' નજર સામે ફરી એ દ્શ્ય ખડું થયું. તેના બન્ને હાથ બે કદાવર હાથોએ જકડી રાખેલા. છટપટાતો અંકિત જોર કરવા છતાંય પેલાની પકડમાંથી છૂટી નહોતો શક્યો. બિલાડાએ કબૂતરને મોઢામાં દબોચી રાખ્યું હતું અને સામે હતી કબૂતરી. નિઃસહાય. પાંખોનો ફફડાટ કાને પડ્યો અને પછી ચૂંથાયેલા પીંછા ખરી પડીને હવામાં તરતા રહ્યા. પગ પછાડતો એ આંખો ફાડીને જોતો રહ્યો. બૂમો પાડવા સિવાય એ કશું જ નહોતો કરી શક્યો. રાખીની ચીસો બે વિકૃત અટ્ટહાસ્ય વચ્ચે દબાઈ ગઈ.

એ તેને ખૂબ ગમતી હતી. રાખીનેય એ ગમતો હતો. કદાચ પહેલી નજરનો પ્રેમ. કૉલેજ-મિત્ર અંકિતના અતિઆગ્રહને વશ થઈ યુવાન દેખાવડી રાખી નાઇટશૉમાં ફિલ્મ જોવા જવા તૈયાર થઈ ગયેલી. બંન્ને પોતપોતાના ઘરે જૂઠું બોલેલા. હજુ માંડ અંકુરિત થયેલી ચાહતનો ધજાગરો નહોતો કરવો. એકમેકનો સહવાસ ગમતો હતો. ફિલ્મ છૂટ્યા બાદ અંકિતે કહ્યું, "તને તારા ઘરે ડ્રોપ કરી, હું મારા ઘરે જઈશ."

હાથ બતાવી અંકિતે ટેક્સી ઉભી રખાવી. પાછલી સીટમાં બંન્ને એકબીજાને ચીપકીને ગોઠવાયા. સરી પડેલા દુપટ્ટામાંથી ડોકાતા રાખીના ખીલતા જોબનને રિઅર-વ્યુ મીરરમાં તાકતી બે લોલુપ આંખો, પાછળની સીટ પર ગુંજતા ખિલખિલાટ હાસ્યમાં ઓઝલ રહી. એકમેકમાં ગુલતાન અંકિત-રાખીને ધ્યાન ન રહ્યું કે અંધારા ઉલેચતી ટેક્સી નાનકડી સૂમસામ ગલીમાં વળી ગઈ હતી.

"કિધર જા રહે હો ભાઈસા'બ?" અંકિતને ખ્યાલ આવ્યો તે પહેલાં ટેક્સી જાણે ખોટકાઈને ઊભી રહી ગઈ. ઝનૂનપૂર્વક ખોલાયેલા દરવાજામાંથી બે મજબૂત હાથોએ રાખીને બહાર ખેંચી લીધી. અંકિતના માથા પર લાકડીથી પ્રહાર થયો. તેને તમ્મર આવી ગયા. આંખ સામે છવાયેલા અંધકારની આરપાર ઘસડાતી રાખીનું આક્રંદ કાન ફાડીને હ્રદયને હચમચાવતું રહ્યું. એક  નાજુક શરીર બે કદાવર પુરુષો સામે ઝીંક ઝાલવા અસમર્થ હતું. અંકિત જાતને માંડ સમેટીને ઊભો થયો. તેને લાતો મારીને દૂર હડસેલી દેવાયો. તેના હાથપગ બાંધી દેવાયા. ઠંડી હવાને ચીરતી રાખીની ચીસો અંકિતનું કાળજું કંપાવતી રહી પરંતુ એ કશું જ ન કરી શક્યો. નરી લાચારી! પેલા બે જાનવરો રાખીનું કુમળુ શરીર ચૂંથતા રહ્યા. મોઢામાંથી આગ ઓકતા અંકિતે જોયું, રાખીની સલવાર એક ઝાટકે ખેંચીને દૂર ફંગોળી દેવાયેલી અને ચૂંથાયેલા મખમલી દુપટ્ટાના બેરહેમીપૂર્વક કરાયેલા લીરેલીરા અંકિતની હાંસી ઉડાવતા ચારે તરફ પછડાયા. જોવાતું નહોતું. તેણે આંખો મીંચી દીધી. માથું ફાટી પડશે તેવી અસહ્ય પીડા થઈ અને અંકિત ઢળી પડ્યો.

કલાકેક બાદ એ ભાનમાં આવ્યો ત્યારે રાખી ત્યાં નહોતી. ચૂસાઈ ગયેલા એંઠા ગોટલા ગંધાતી કચરાપેટીમાં ફેંકાઈ ગયેલા.

બહાવરો અંકિત આસપાસ બધે જ ફરી વળ્યો. રાખીના નામની બૂમો બેફિકરા બહેરા કાનોમાં પહોંચી અને મોઢામાંથી, "બીચારો પાગલ." માં પરિવર્તિત થઈ  બહાર રેલાઈ. રાખીના કોઈ સગડ નહીં. ઢીલા પગે એ ઘરે પહોંચ્યો ત્યારે પોણી રાત વીતી ચૂકેલી.

અંકિતની ઊજાગરો આંજેલી આંખે ત્રીજી સવારે છાપામાં વાંચ્યું, 'આઝાદનગર ઝૂંપડપટ્ટીના નાળામાં મળેલી એક યુવતીની લાશ. તેની પર નરાધમોએ બળાત્કાર ગુજાર્યા બાદ તેને મારીને લાશને નાળામાં ફેંકી દીધી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે. આ ઘટનાની કોઈ સાબિતી કે નજરે જોનાર સાક્ષી નથી. પોલીસ તપાસ કરી રહી છે. ગુમ થયાની ફરિયાદ બાદ ઓળખને આધારે યુવતીનો મૃતદેહ તેના માબાપને સોંપી દેવાયો છે.'

અંકિતની નજર સામે રાખીનો હસતો ચહેરો તરવર્યો. અચાનક તેનું રહેંસી દેવાયેલું લોહીલુહાણ શરીર દેખાયું. મગજ સુન્ન. રાખીના માબાપની તગતગતી આંખો તેના મનને ફોલી ખાતી હતી. "શા માટે જૂઠું બોલીને ગયા?" "કાયર, તેં અમારી દીકરીને કેમ બચાવી નહીં?" "બુઝદિલ, હિંમત હોય તો બહાર નીકળ અને બળાત્કારીઓને પકડાવ."

તદ્દન અવાક્ અંકિત કશું જ કરી ન શક્યો; ન તો સાચી હકીકત કોઈને કહી શક્યો. માબાપનો ડર; સમાજનો ડર આડે આવ્યો. રાખીના અગ્નિસંસ્કાર સાથે એ ઘટના પણ બળી ગઈ પણ તેની બળતરા અંકિતના મનોમસ્તિષ્કમાં કાયમ માટે અંકિત થઈ ગઈ. અફસોસ, હતાશા, ભોંઠપ, ચીડ, પીડા, અપમાન, ક્રોધ બધું એકબીજામાં ભળી જઈ અંકિતને દઝાડતું રહ્યું. સમય વહેતો રહ્યો.
***********
અંકિત બાથરૂમમાં દોડી ગયો. તેણે મોઢા પર ઠંડા પાણીની છાલક મારી. ભૂતકાળ ભૂતની જેમ વળગ્યો હતો. ન રૂઝાતા ઘાવ આપી ગયેલી એ ઘટના ફાંસની માફક હૈયે એવી ઊંડી ખૂંપી ગઈ હતી જે ખોતરવાથી વધુને વધુ અંદર પેસતી જતી હતી. શું, કેમ, શાથી બની ગયું તે સમજ બહાર હતું. તેની પર કાળના પડ ચડતા રહ્યા, ખોતરાતા રહ્યા. 'ભૂલ મારી જ હતી. જો મેં ફિલ્મ જોવા જવાની જિદ્દ કરી ન હોત તો? શા માટે અમે કોઈને કહ્યું નહીં? શાથી હું કંઈ જ ન કરી શક્યો? લાનત છે મને, હું મરી કેમ ન ગયો? જો પેલા ડ્રાઇવરને અવળે રસ્તે જતો મેં રોક્યો હોત તો? કેમ? કેમ? કેમ?' મનમાં ઘુમરાતા પ્રશ્નોના જવાબમાં હતો નકરો પશ્ચાતાપ, અપરાધભાવ અને લાચારીનો ભાર. 'જો અને તો'ના ભારેખમ પડ વચ્ચે વિચારો ભીંસાતા રહ્યા. શાવર હેઠળ નહાઈ રહેલો અંકિત સાબુની ભીની ગોટી મજબૂતાઈથી પકડવા ગયો અને એ હાથમાંથી છટકીને ખાળમાં પડી જેને એ લાચારપણે તાકતો રહ્યો. અંકિત આખો ફીણ ફીણ. મનને ચોંટેલી ભીતિ નહોતી જ ધોવાતી.

"પૂજા, આપણે સારા હોઈએ પણ દુનિયા ખરાબ છે. આઇ ટ્રસ્ટ યુ બટ... તું બીજા પર ટ્રસ્ટ ન કરતી. જા બેટા, આજે નહીં રોકું પણ જો કોઈ કંઈ આડીઅવળી મસ્તી કરે તો? હું તને લેવા આવીશ. સમજીને?"

સમજ્યા વગર માદીકરી અંકિતને તાકતા રહ્યા. "અંકિત, અમને પરીક્ષામાં એક પ્રશ્ન આવતો, પૂર્વાપર સબંધ આપી સમજાવો." આરતી બોલી.

"અમુક અઘરા પ્રશ્નોના ઉત્તર નથી મળતા." અંકિતના ચિત્તમાં ઘર કરી બેઠેલી પસ્તાવાની પીડા વારંવાર ઉઝરડા પાડતી રહી. અંકિતે પોતાનું કાંડું પસવાર્યું. હાથ જાણે લાકડું. મનના જ્વાળામુખીમાં સંગ્રહાયેલ ડરનો લાવા ફાટીને બહાર રેલાયો.

ખદખદતો ઉચાટ ફરી ઉછળ્યો, "અમને કીધા વગર ક્યાંય ન જતી. કોઈ છોકરા સાથે ફિલ્મ જોવા તો નહીં જ." કારણ વગર અંકિત બોલતો રહ્યો.

"ઑકે ડેડી. વિશ્વાસ રાખો, મને કંઈ નહીં થાય." પૂજાએ ફરી અંકિતનો હાથ પોતાના હાથમાં લઈ પસવાર્યો. જડ હાથમાં ચેતના પ્રગટી. દીકરીને બાથ ભીડતા અંકિતે એક અભેદ્ય સુરક્ષા કવચ રચવા ચાહ્યું, "તોય..." એ નાનકડા શબ્દએ પરસ્પરના વિશ્વાસને ફરી ખળભળાવી મૂક્યો. ચાર મૂક આંખો કેટલું બધું બોલી ગઈ.

"જનારા પાછા નથી આવતા. કશુંક બની ગયા બાદ કંઈ જ ભૂલાવી નથી શકાતું કે નથી સુધારી શકાતું. તું મને સમજે છે ને?" મનના ઊંડાણમાં ધરબી દીધેલી હકીકતને અંકિત છતી નહોતી કરવા માંગતો છતાંય અપરાધભાવના છાંટા તકેદારીરૂપે છંટાતા રહેતા.

"શું સમજું ડેડી? આઈ લવ યુ એન્ડ આઈ નોવ યુ કેર ફોર મી પણ મને એ નથી સમજાતું કે તમે આમ..." બોલતી પૂજાને અંકિત આશંકા નીતરતી ભીની આંખે તાકતો રહ્યો અને પૂજા તેને.
*************
સુષમા શેઠ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ