વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કીડનેપ

ટૂંકી વાર્તા 

કીડનેપ

જાનકી આજે થોડી વહેલી ઓફિસથી છુટી ગઇ હતી.રોજ સાત વાગતા આમ તો  પણ આજે પાંચ વાગે જ તેનું કામ પતી ગયું અને સરે પરમિશન પણ આપી દીધી,તો નીકળી ઘરે જવા..જાનકી બે વર્ષ પહેલાં જ શહેરની ફેમસ નેશનલ કોલેજમાં આઇટી એન્જિનિયરીંગમાં ભણી તરત જ એક સોફ્ટવેર કંપનીમાં જોબ પર લાગી હતી.અહીં તે બે વર્ષથી સુંદર રીતે પર્ફોરમન્સ આપી રહી હતી.જાનકીના કુટુંબમાં તેના માતાપિતા અને નાનો ભાઇ હતા.ભાઇ હજુ કોલેજના પ્રથમ વર્ષમાં જ હતો..તે જાનકીને ખૂબ માનતો,કેમ ન માને? જાનકીનો સ્વભાવ જ એટલો સરસ હતો કે કોઇને તે પ્રથમ મુલાકાતમાં જ ઇમ્પ્રેસ કરી દેતી...લાંબા આછા બ્રાઉન વાળ,એવી જ કથ્થાઇ મોટી આંખો,ગોરો રંગ અને ઉંચી પાતળી એવી જાનકી તેની કોલેજમાં પણ સૌની નજરમાં વસેલી હતી...તેના મિત્રો ઘણાં હતાં પણ તેણે કોઇને બોયફ્રેન્ડ નહોતો બનાવ્યો હજુ સુધી...કોલેજમાં તેની સાથે ને સાથે જ હોય તેવા યુવકોમાં સચિન મરાઠે,પ્રિયાંક વોરા અને અલ્પેશ સોલંકી ઉપરાંત યુવતીઓમાં રીયા અને મૃગા !સચિનનો ખાસ ફ્રેન્ડ અક્ષય પણ કોઇ વાર આ ગ્રુપમાં શામિલ થતો.પણ તે બહુ ઓછાબોલો અને શાંત સ્વભાવનો યુવક હોઇ બધા સાથે બહુ બોલતો નહીં...હા જાનકી અને રીયા સાથે અલકમલકની વાતો કરતો કોઇ વાર મૂડ હોય તો..

આ જાનકી હવે તો આ બધાં જ ફ્રેન્ડ્સથી દૂર થઇ ગઇ હતી જોબ લાગ્યા પછી,પણ એક તેનો ખાસ દોસ્ત તેના પાડોશમાં જ રહેતો સાહીલ તેની દોસ્તી નાનપણથી જ નિભાવી રહ્યો હતો...જાનકી અને સાહીલના માતાપિતાને ખૂબ સારું બને અને તેમ જ જાનકી,તેનો ભાઇ વિવેક અને સાહીલ આ ત્રણેય પણ સારા મિત્રો...

સાહીલ- જાનકી કરતાં બે વર્ષ મોટો અને હા,તે પોલીસમાં ઇન્સ્પેક્ટર હતો એટલે જાનકીનું સારું એવું ધ્યાન પણ રાખતો..જાનકી મજાકમાં કહેતી પણ ખરી જે સાહીલ તારા નેટવર્ક અને તારા પહોંચેલા હાથ મારી જાસુસી કરશે ને તોયે હું એક દિવસ તને ચકમો આપી ભાગી જવાની છું..જોજે...પણ સાહીલ હસીને તરત કહેતો,”ભલે જ્યાં જઇશ ત્યાં હું પહોંચી તો જઇશ જ તારી પાછળ..તુ મને ઓળખતી નથી...!”

પણ આ મજાક તો વર્ષોથી ચાલતી બંન્ને વચ્ચે,કોઇ બહુ સિરિયસ લેતું નહીં...સાહીલને જાનકી બહુ ગમતી પણ તે એક મર્યાદા રાખતો તેની સાથેના વર્તનમાં,કારણ કે તે વિચારતો,”સમય આવ્યે તેને કહીશ પણ અને સામે ચાલીને તેનો હાથ માંગીશ પણ..બસ સમય આવવા દે!”આ વાત કદાચ જાનકી પણ જાણતી...કારણ કે યુવતીઓ બહુ સ્માર્ટ હોય છે નજર પારખવામાં..

આ જાનકી આજે ઓફિસથી વહેલી છુટી ને પોતાના સ્કૂટર પર ઘર તરફ જઇ રહી હતી.તે ઓફિસથી થોડે જ આગળ એક ગલીમાં વળી હશે કે તરત એક જીપ તેની સામે આડી આવી ઉભી રહી...તે કંઇ સમજે તે પહેલાં જ તેમાંથી ચાર યુવકો ઉતર્યા અને તેનું સ્કૂટર રોક્યું.તે ઉભી રહી ગઇ અને ગુસ્સામાં કહેવા લાગી,”અરે આમ રસ્તા વચ્ચે કેમ ઉભા છો?થયુ છે શું?હું અથડાઇ ગઇ હોત તો હમણાં?”અને હજુ તે પોતાના શબ્દો પૂરા કરે તે પહેલાં જ તેને ઉચકીને જીપમાં બેસાડી દેવામાં આવી...જાનકી જીપમાં એન્ટર થતાં જ તેને આંખે બ્લેક પટ્ટી,મોં પર ફીટ રૂમાલ અને હાથ પાછળ બાંધી દેવામાં આવ્યા.જાનકી સ્તબ્ધ અને તેનું મગજ સુન્ન!

લગભગ કલાકેક પછી જીપ એક આંચકા સાથે ઊભી રહી અને જાનકીને તેમાંથી ઉતારવામાં આવી.તે હજુ પણ રડું રડું થતી સ્થિતિમાં,ડરેલી ચાલે તેને દોરવામાં આવી ત્યાં ચાલવા લાગી...તે કાન સરવા રાખી જગ્યા વિષે અનુમાન લગાવવા લાગી,થોડા પંખીઓના અવાજ,દૂરથી આવતા છુટક વાહનોના અવાજ અને તે સિવાય બે ચાર માણસોના દબાયેલા અવાજો!આનાથી વધારે કશું તે કળી શકી નહીં..તેને દોરીને દસેક જેટલા પગથિયા ચડાવી આગળ બીજા દસેક પગલાં પછી જમણી બાજુના એક વિશાળ રૂમમાં લાવવામાં આવી.

આ બાજુ તે ઘરે ન આવતાં તેના માતાપિતા થોડાં ટેન્શનમાં આવી પૂછપરછ કરવા લાગ્યા..તેનો ફોન તો સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો તેથી કોઇ પણ બીજી રીતે તેના સુધી પહોંચી શકાય તેમ હતું નહીં!વિવેક,જાનકીના ભાઇએ તરત જ તેના મિત્ર સાહીલને ઇન્ફોર્મ કર્યું કે દીદી ઓફિસથી નીકળી કલાક થયે પણ હજુ સુધી ઘરે પહોંચી નથી..સાહીલ એક કામ માટે બહાર હતો,તરત જ જાનકીના ઘર તરફ જવા નીકળ્યો...રસ્તામાં હજાર વિચારો તેને કોરવા લાગ્યા!સાહીલે જાનકી સાથે બપોરે જ વાત કરી હતી નોર્મલ,તે ખૂબ મૂડમાં પણ હતી,તો આડું અવળું પગલું ભરવાના વિચારો – અરે ના ના,જાનકી એવું કદી ન કરે...ખબર નહીં સાહીલને અત્યારે પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવ્યો..તે આવું આવું વિચારી જ કેમ શક્યો? આવા ટેન્શનવાળા ને આડઅવળા વિચારો સાથે તે પહોંચ્યો જાનકીના ઘરે..જ્યાં તેના માતાપિતા અને ભાઇ અતિ ચિંતાતુર ચહેરે તેની રાહ જોતાં બેઠાં હતાં...

જાનકીને ખબર તો પડી ગઇ કે તેને કીડનેપ કરવામાં આવી છે,પણ શા માટે અને કોણે કરી તે હજુ સુધી તેના મગજમાં ક્લિયર નહોતું થઇ રહ્યું...તેના કોઇ દુશ્મન પણ નહોતા કે નહોતી તેની પાસે એટલી ખાસ મિલકત કે પૈસા માટે કોઇ આવું સ્ટેપ ભરે!પણ એક વસ્તુ તેના મગજમાં સ્પષ્ટ હતી કે કીડનેપર કોઇ જાણભેદુ જ હોવો જોઇએ!રૂમમાં પહોંચતાં જ તેની આંખો પરની પટ્ટી ખોલી દેવામાં આવી.હાથ બાંધેલા રાખી તેને સાચવીને એક મોટી ચેર પર બેસાડવામાં આવી.તેને અહીં સુધી લાવનાર યુવકો દેખાયા નહીં..પણ હવે અહીં એક હટ્ઠી કટ્ટી યુવતી તેની સાથે રૂમમાં હતી.તેણે જાનકી સાથે વાત કરવાની શરૂ કરી,”સોરી મેડમ,આપકો જો તકલીફ હુઇ પર અબ આપ અપની મરજી સે રહેગી..જો ચાહિયે મુઝે બોલ દેના..આપ જ્યુસ પીયેગી લે કે આઉં?”

જાનકી ખૂબ જ ગુસ્સામાં હતી,”અપની મરજીસે રહેગી..માય ફૂટ..બંધે હુએ હાથ ઔર કુર્સીમેં બંધી મૈં કૈસે અપની મરજીસે રહુંગી?”તેણે જોરથી પેલી યુવતીને પૂછ્યું,”મને કીડનેપ કોણે કરી?”પેલી યુવતી મંદ મંદ હસી અને બોલી,”પતા ચલ જાયેગા જલ્દી હી..”આમ કહી તે બહાર ગઇ..જાનકી ધ્યાનથી રૂમનું અવલોકન કરવા લાગી,ક્યાંય પણ બારી નહોતી,વોશરૂમ હતું કદાચ એક નાનુ પણ તેને લોક લગાવેલું હતું..અને દીવાલો પર ચાર ખૂણે ચાર સીસીટીવી કેમેરા લાગેલા હતા..જે તેની દરેક મુવમેન્ટની નોંધ લઇ રહ્યા હતાં..તે વિચારી રહી,”મારી શારીરિક મુવમેન્ટ જોઇ શકશે આ કીડનેપર પણ માનસિક મુવ્સ તો નહી..”જાનકી ક્યાં જાણતી હતી કે કીડનેપર તેનું કેટલું બારીક ઓબ્ઝર્વેશન કરી અહીં લાવ્યો હતો...પાંચ મિનિટમાં પેલી યુવતી જેનું નામ રોમા હતું તે ઓરેંજ જ્યુસ લઇને આવી..જાનકી પહોળી આંખે વિચારી રહી,”ઓરેંજ જ્યુસ માય ફેવરીટ!ઓહ!”

જાનકીએ મનમાં કંઇક સોલિડ વિચારી રાખ્યું હતું અને તે હતું પણ ખરેખર સોલિડ..

આ બાજુ સાહીલે તેના માણસો અને નેટવર્ક કામે લગાવી દીધું..જાનકી છેલ્લે ક્યાં દેખાઇ હતી,કોને મળી હતી વગેરે વગેરે..છેલ્લો ફોન લોકેશન પણ મંગાવાઇ ગયું.તેના પરથી એટલું જ ખબર પડી કે જાનકીનો ફોન તેનું સ્કૂટર જ્યાંથી મળ્યું હતું ત્યાં જ છેલ્લો બતાવતો હતો..આ પરથી થોડું ઘણું અનુમાન લગાવી શકાય કે જાનકી તે જગ્યાથી ગાયબ થઇ છે યા તો કરવામાં આવી છે..પણ કેવી રીતે? રાતના બાર વાગ્યા હજુ સુધી ન તો કોઇ ફોન  આવ્યો ન તો કોઇ બીજો સંદેશ કે જાનકી ક્યાં ગઇ !

સાહીલ ખૂબ વિચારી વિચારી થાકીને ઘરે આવ્યો અને પથારીમાં સૂતા સૂતા જાનકી સાથેની તેની છેલ્લી બપોરની વાત વિચારવા લાગ્યો..”જાનકી આજે મારે તને મળવું છે..પ્લીઝ ના ન પાડતી..એક સરસ કામ છે..”જાનકી તરત બોલી,”સાહીલ ક્યાં તો કોઇ સોશિયલ પ્રોગ્રામ માં એન્કરીંગ કરવાનું હશે ક્યાં તો કોઇ સ્કૂલના બચ્ચાઓ સાથે વર્કશોપ હશે..!”સાહીલ ખડખડાટ હસતાં બોલ્યો,”અરે મેડમ આ સિવાયનું કોઇ કામ પણ હોઇ શકે ને?””થોડું પર્સનલ થોડું અંગત થોડું મારું પોતાનું..રાઇટ?”જાનકી તરત બોલી,”ઓકે ઓકે કેટલા વાગે આવું અને ક્યાં?”

સાહીલે તેને પોતાના ઘરે જ બોલાવી હતી,આજે તે જાનકીને અલગ જ અંદાજમાં પોતાના દિલની વાત કહેવા માંગતો હતો...એક સરસ મજાની પોતાના હાથે તેને ભાવતી કેરેમલ કોફી બનાવીને,એક મોટી ડાર્ક ચોકલેટ સાથે પર્પલ રોઝ આપીને અને એક સરસ મજાની નાની રીંગ !આહ ! અને આ શું થઇ ગયું? જાનકી જ ગાયબ સાંજથી..હવે ક્યાં શોધું અને કેવી રીતે શોધું?સાહીલ જેમ દેખાવે છ ફૂટ હાઇટ અને મજબૂત સ્ટ્રક્ચર ધરાવતો સ્ટ્રોંગ યુવાન હતો તેવો મનથી પણ ખૂબ જ મજબૂત હતો..તેણે પોતાના માણસોને શહેરના દરેક સ્યુસાઇડ સ્પોટ,નદીના બ્રીજ પાસે અને એવી બીજી દરેક જગ્યાઓ પર વોચ રાખવા રોકી દીધા હતા..પણ વ્યર્થ..કંઇ જ મળતું નહોતું..તેણે જાનકીની દરેક ફ્રેન્ડને પણ કોલ કરી જોયા..બધું ઓકે હતું ક્યાંય કોઇ તરફથી કશી વાંધાજનક માહિતી મળી નહીં..

રોમા છેલ્લા ત્રણ કલાકથી જાનકીને જ્યુસ પીવા સમજાવી રહી હતી પણ જાનકી એકની બે નહોતી થઇ.તે જીદ લઇને બેઠી હતી કે તેની સામે કીડનેપર આવે તો જ તે પાણી પણ પીશે.નહીં તો કશું જ નહીં..રોમા કંટાળીને છેવટે રૂમની બહાર ગઇ.જાનકી થોડું હસી મનમાં અને પછી બોલી,”મને તરસ લાગી છે..ગળુ સૂકાય છે.પ્લીઝ કંઇક જલ્દી કરો..”

થોડી વારમાં રોમા પાણીનો ગ્લાસ લઇને આવી અને તેની સામે ધર્યો પણ જાનકી જીદ છોડે તેમ નહોતી..તેણે તો એક જ રટણ ચાલુ રાખ્યું..જો કીડનેપર મારી સામે હાજર થાય તો જ હું કંઇ પણ પીશ કે ખાઇશ.રોમા એ આ મેસેજ કીડનેપર સુધી પહોંચાડ્યા પણ ખરા..જાનકી રાહ જોઇ રહી કીડનેપરના સન્મુખ થવાની..જાનકી રાહ જોતી જોતી ભૂખી તરસી ત્યાં જ સૂઇ ગઇ..સવારે સાત વાગ્યે આંખ ખુલી તો તેની સામે ગરમ કેરેમલ કોફીનો મગ લઇ રોમા હસતા ચહેરે ગુડમોર્નિંગ કરવા ઊભી હતી..સાથે પ્લેટમાં બ્રેડ બટર...!જાનકી વિચારવા લાગી કે કીડનેપર મારી આટલી બધી જાણકારી ક્યાંથી રાખે?કોણ હશે? મને કેવી રીતે ઓળખતો હશે?શું ઇચ્છતો હશે?સામે કેમ નથી આવતો?

આ જ સવાલો ત્યાં ઇન્સ્પેક્ટર સાહીલના મનમાં પણ ચાલ્યા કરતાં હતાં..પણ એક વાત ચોક્કસ હતી કે જાનકી કોઇ જાણભેદુ દ્વારા જ કીડનેપ થઇ હોવી જોઇએ...તે સવારે સીધો જાનકીના ઘરે ગયો અને તેના માતાપિતાને સાંત્વના આપવા લાગ્યો કે હું જાનકીને શોધીને જ રહીશ..તમે ચિંતા ન કરતાં..તે લોકો આખી રાત ઉંઘ્યાં જ નહોતાં અને સૌ સગા સબંધી અને ઓળખીતાઓને ફોન કરીકરીને થાક્યા હતાં!પણ કોઇ પાસેથી જાનકી વિષે માહિતી મળી નહોતી..હવે?ઇશ્વર ને પ્રાર્થના કર્યા સિવાય કોઇ જ રસ્તો બચ્યો નહોતો..સાહીલ પણ કરે તો શું ?કોઇ તો સુરાગ મળતો?કોઇ ફોન કે કોઇ બાતમી...અહીં તો તેણે પણ તુક્કા જ લગાવવાના હતા..

જાનકી...હાય! કેમ છે? જાનકી જે ચેર પર બેઠી હતી તેની પાછળની સાઇડથી સ્પીકરમાંથી અવાજ આવ્યો.જાનકી અવાજ ઓળખવાની કોશિશ કરી રહી પણ વ્યર્થ..કંઇ ખબર પડી નહીં...ફરી અવાજ આવ્યો,”જાનકી તું જીદ્દી છે.પણ ...મારી આગળ નહીં ચાલે..પ્લીઝ હેવ સમ કોફી.સમ ફૂડ..વીલ મીટ યુ સૂન .”જાનકી હવે વધુ ગુસ્સે થઇ..કોફી તો શું હું પાણી પણ નહીં પીઉં જ્યાં સુધી તે મારી સામે નહીં આવે...જાનકી મોટેથી બોલી,”તું મારાથી ડરતો લાગે છે એટલે સામે નથી આવી રહ્યો રાઇટ?” “બોલ કાંઇ,કેમ બોલતો નથી?”

સામેથી તરત અવાજ આવ્યો,”ડર? એ શું હોય?એનીવેસ, પ્લીઝ હેવ સમ કોફી અને ફૂડ..”તું બીમાર પડીશ તો ..તો...હું કદાચ ડરીશ....” જાનકી તરત ચિલ્લાઇને બોલી,”હું કાંઇ જ ખાઇશ કે પીશ નહીં જ્યાં સુધી તું સામે ન આવે..””ઓહ છોકરી...આટલી જીદ સારી નહીં...”

પણ જાનકી તો નાનપણથી જ ખૂબ જીદ્દી હતી,જે મનમાં ધાર્યું હોય તે કરીને જ છુટકો...પણ લાગતું હતું કે કીડનેપર પણ કાંઇ ઓછો જીદ્દી નહોતો..લેટ સી...

આ તરફ સવારે સાહીલને એક બાતમીદારે ફોન પર કહ્યું કે જ્યાંથી સ્કૂટર પડેલું મળ્યું છે ત્યાં એક જીપ આવી હતી અને સામેની શોપના સીસીટીવી ફૂટેજમાં તે દેખાઇ રહી છે,બ્લેક થાર હતી અને તે બે મિનિટ માટે રોકાઇ હતી..બસ,આટલું કાફી હતું સાહીલ માટે!

“જાનકી પ્લીઝ હેવ સમ વોટર ડિયર...” ડિયર શબ્દ પર ભાર મૂકતાં તે બોલ્યો..જાનકીની હાલત થોડી બગડી રહી હતી..બપોરના બાર વાગ્યા હતા અને તેણે કાલ સાંજથી પાણી સુધ્ધાં પીધું નહોતું..તે બોલતી તો પણ ગળુ સૂકાતું હવે તો..ન તે માની રહી હતી ન તો કીડનેપર આવતો હતો તેની સામે..રોમા તેની સામે આવી આવીને પાણી,જ્યૂસ અને કોફી ધરી ધરીને થાકી ગઇ હતી....જાનકીના હાથ પણ દુખી રહ્યા હતાં પણ કરે તો શું ?તે વિચારી રહી કે ક્યાંક આવી જીદ કરી તે પસ્તાઇ તો નથી રહીને?પણ હવે શું?તે કીડનેપરના નરમ થવાની રાહ જોઇ રહી..તેણે રોમાની સામે બેભાન થવાની એક્ટીંગ કરવાની શરૂ કરી દીધી...રોમા ગભરાઇ,તરત તેણે બહાર જઇ એક યુવક બોલાવી રોમાને બાજુના બેડ પર પકડીને સુવાડી...રોમાએ બહુ જ ભાવુક થઇ પાણી પીવાની રીક્વેસ્ટ કરી પણ વ્યર્થ!

કીડનેપર શું કરશે તે રોમા પણ નહોતી જાણતી કે ન તો જાનકી..થોડી વારમાં એક યુવક એક લેપટોપ લઇ આવ્યો અને જાનકી ની સામે ઓપન કરી બેઠો..જો તમે પાણી પીશો તો જ સર સ્ક્રીન પર આવશે...જાનકી વધુ ગુસ્સે ભરાઇ અને મોં ફુલાવી બોલી...”નો નો..તેણે જાતે સામે આવવું પડશે..તો જ!”તરત તે યુવક બોલ્યો,”સર અહીં નથી,સાંજ સુધી આવી જશે..પ્લીઝ મેમ આપ થોડાં નરમ બનો..આપની હેલ્થ બગડી રહી છે..”આખરે જાનકી થોડી ઢીલી પડી...કહ્યું,”પહેલા સ્ક્રીન ઓન કરો પછી જ..”રોમા હાથમાં ગ્લાસ લઇ જાનકી પાસે બેઠી અને સ્ક્રીન ઓન કરી...જાનકી ઉત્સુકતાથી લેપટોપ સામે જોઇ રહી તો તેમાં માસ્ક અને હેટ પહેરેલો એક વ્યક્તિ દેખાયો જે ફક્ત બે જ શબ્દ બોલ્યો,”જલ્દી મળીશ ડિયર..ટેક કેર...”

જાનકી ને ધ્યાન ન રહ્યું તેને જોવામાં કે રોમા તેનવ જ્યુસ પીવડાવી દઇને રૂમની બહાર નીકળી ગઇ હતી!જાનકી આવી હાલતમાં પણ કીડનેપરની ચાલાકી પર હસી પડી..તેને ફ્રેશ થવાનું મન થયું..પણ કપડા?તે કંઇ બોલે તે પહેલાં સ્પીકરમાંથી અવાજ સંભળાયો,”પીંક ફ્રોક તારી રાહ જુએ છે ડિયર...એન્ડ જાસ્મીન બાથવોશ પણ!””યુ આર બ્યુટીફૂલ ઇનફ બટ સ્ટીલ ધીસ વીલ મેક યુ મોર બ્યુટીફૂલ..”જાનકી હવે ખૂબ જ આતુર હતી આ રહસ્યમય વ્યક્તિને મળવા..પણ હાઉ?”તે વિચારી રહી કોણ હશે જે તેની આટલી નજીક હતું પણ તેને ખબર ન પડી આટલા દિવસો સુધી?અને તે ઇચ્છે છે શું?ખેર,સમય બતાવશે..તેને અચાનક તેના માતાપિતા વિષે વિચાર આવ્યો.કે તેમની હાલત શું થઇ હશે આટલા કલાકો?તેણે શાવર લઇ રેડી થઇ રોમાને રીક્વેસ્ટ કરી કે પ્લીઝ મારા પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરી દો કે હું સલામત છું...રોમાએ તેમ કરવાની ખાતરી આપી..જાનકી ફરી પાછી બેડમાં આડી પડી અને તેની સામે ખુશ્બુદાર તંદુરી પનીર પીત્ઝા રાખવામાં આવ્યો..પણ જાનકી સ્ટ્રોંગ ઇનફ હતી..ખૂબ જ કંટ્રોલ કરી બેડ પર સૂઇ જ રહી..પીત્ઝા એમ જ ઠંડો થઇ ગયો !એક ગુલાબી ફ્રોકમાં વધુ ગુલાબી લાગતી સુંદર છોકરી ધીરે ધીરે સફેદ થઇ રહી હતી!રાતના બાર વાગ્યે તેને કહેવામાં આવ્યું કે તેના ઘરે જાણ કરવામાં આવી છે કે તે સલામત છે..સ્પીકર ઓન થયું,”જાનકી પ્લીઝ માની જા..કંઇક ખાઇ લે સારું લાગશે...હું તને કાલે મળવા આવીશ...”જાનકી હસીને બોલી,”કાલ સુધી કદાચ મારી લાશ બચી હોય...””અરે એવું ન બોલ ડિયર..હું તારી આ હાલત જોઇ નથી શકતો..બોલ ક્યારે મળવા આવું?”જાનકી સમજીને કંઇ જ બોલી નહીં અને એમ જ ચૂપચાપ સૂઇ રહી આંખો બંધ કરી..રોમા ફરી કોફી લઇને આવી પણ જાનકીએ તરત જ ના પાડી દીધી..એમ જ તેની આંખ લાગી ગઇ અને સવારે આંખ ખૂલતાં તેના આશ્વર્ય વચ્ચે તેનો આ રૂમ પર્પલ અને વ્હાઇટ રોઝથી સજાવાયેલો જોવા મળ્યો..પેલો જ યુવક ફરી લેપટોપ લઇને આવ્યો જેમાં સ્ક્રીન ઓન કરતાં એક યુવક હાથમાં કોફીના મગ સાથે દેખાયો પણ અફસોસ ચહેરો ન દેખાયો..જાનકી ખૂબ જ વિચારી રહી કે આ છે કોણ?તરત સ્પીકર માંથી અવાજ આવ્યો,”ગુડ મોર્નિંગ પીંકી બેબી,હેવ સમ કોફી વીથમી.પ્લીઝ હું આવું છું જલદી તને ફાઇનલી મળવા!”જાનકી હવે અશક્તિની એ હાલતમાં હતી કે મના કરી શકી નહીં..કોફી – તેની ફેવરીટ કેરેમલ કોફી વીથ એ સ્ટ્રેન્જર,એ સ્માર્ટ કીડનેપર!આહ શું લાઇફ બની ગઇ છે...કોફી પીને તેને ઘણું સારું લાગ્યું...તે ફરી વિચારવા લાગી કે છે કોણ આ વ્યક્તિ?દૂર દૂર સુધી કોઇ નામ જ યાદ ન આવે...તેના માટે બાથરૂમમાં રોઝ પેટલ્સ સાથે ખુશ્બુદાર બાથટબ રેડી હતું...તે શાંતિથી તેમાં કલાક પડી રહી,બહાર આવી તો તેના આશ્ચર્ય વચ્ચે પર્પલ મોતીડાયમંડ ની નેકબોર્ડર વાળું ગાઉન લઇ રોમા સામે ઊભી હતી!તેણે જાનકીને રેડી કરી અને બોલી ઓલ ધ બેસ્ટ...થોડી વારમાં તે પાછી આવી અને જાનકીને આંખે એક પર્પલ પટ્ટી બાંધી,તેને ચેર પર બેસાડી..દસ મિનિટમાં જાનકીની આતુરતાનો અંત આવ્યો,તે આવ્યો ફાઇનલી.....

કંઇ પણ બોલ્યા વગર જાનકીનો એક હાથ છોડી તેણે પોતાના હાથમાં લીધો,ઝુકીને બોલ્યો,”હાય જાનકી...ઈટ્સ મી...” જાનકી તરત અવાજ ઓળખી ગઇ,”અક્ષય! ઓહ તું! ઓહ માય ગોડ!”તેણે તરત આંખની પટ્ટી ખોલી અને સુખદ આંચકા મિશ્રિત હાસ્ય તેમજ ખોટા ગુસ્સા સાથે બોલી,”તું યુએસથી પાછો ક્યારે આવ્યો?અને આ બધું શું છે?હમ?”

અક્ષય-પાંચ ફૂટ દસ ઇંચનો ગોરો,કર્લી બ્લેક હેર,બ્લુ આઇસ અને બિયર્ડ વાળો સ્ટાઇલીશ યુવાન કે જે જાનકીને કોલેજ સમયથી ખૂબ જ ચાહતો હતો,પણ હિંમત નહોતો કરી શક્યો પ્રપોઝ કરવાની..પણ જાનકીના એક સારા મિત્ર હોવાને નાતે તેની દરેકે દરેક ઝીણી પસંદ નાપસંદ જાણી આ રીતે પ્રપોઝ કરવાનું વિચારી તેને સરપ્રાઇઝ આપવા માંગતો હતો.જાનકીની પહેલી પસંદ રહેલું ઓરેન્જ જ્યુસ,દર શનિવારે ફ્રેન્ડ્સ સાથે જતાં અને કેરેમલ હોટ કોફીની ચાહક એકલી તે!અને હા કોઇ સ્પેશિયલ ઓકેશને સિલેક્ટ કરવામાં આવતી ડાર્ક ચોકલેટ..બધું જ યાદ હતું અક્ષયને!અને હા,એક સુંદર સાંજે બધાં ફ્રેન્ડ્સ વચ્ચે જાનકીએ શેર કરેલી પોતાની ફેન્ટસી "પર્પલ ડેટ" ની રોમેન્ટીક વાત..બદફયં જ તે જ રીતે ...ઓહ!

જાનકી કશું વિચારે તે પહેલાં જ અક્ષયે પોતાની પાસે રાખેલી નાની હાર્ટ શેપની ડાર્ક ચોકલેટમાં વચ્ચે મૂકેલી ડાયમંડ રીંગ જાનકી સામે ધરી,ત્યાં જ અચાનક દરવાજામાં સાહીલ તેના માણસો સાથે એકદમ જ અંદર આવ્યો..જાનકી અવાચક બની ગઇ..અને સાહીલ વધુ આશ્ચર્યચકિત...આ બધું શું થઇ રહ્યું હતું?

સાહીલે તરત જ જાનકીની નજીક જઇ કહ્યું,”જાનકી તું ઓકે છે ને?તને આ કીડનેપરે હેરાન તો નથી કરી ને ?હું એને હમણાં જ ...”તેને બોલતો અટકાવી જાનકી બોલી,”સાહીલ આ અક્ષય છે..મારો કોલેજનો ફ્રેન્ડ..યુ નો..મારો સૌથી મોટો મસ્તી અને ક્રાઇમ પાર્ટનર ઓહ..તને બધી ખબર નથી પણ એ દિવસોમાં મારા લાઇફ પાર્ટનર માટેના મારા જે પણ ફેન્ટસી અને ડ્રીમ હતા તે સારી રીતે યાદ રાખી તેણે મને આજે ...””પ્રપોઝ કર્યું રાઇટ..?”અક્ષય બોલ્યો..સાહીલ શોક્ડ અને ઉદાસ થઇ એટલું જ બોલી શક્યો,”જાનકી,હું પણ તને ચાહતો હતો પણ કદાચ સમયની રાહ જોવામાં લેટ પડ્યો..પ્લીઝ મારી લાઇફમા રોનક બનીને આવીશ?”જાનકી અક્ષય અને તેની રીંગ  સામે જોતાં બોલી,”સાહીલ તું મને જીવનભર પ્રોટેક્ટ કરી શકીશ,સાચવી શકીશ,પણ ટૂટીને પ્રેમ તો કદાચ અક્ષય જ કરી શકશે..સોરી માય ફ્રેન્ડ..”

અક્ષયે તરત જાનકીને રીંગ પહેરાવી અને ત્યાં રહેલા સૌએ તે બંન્નેને તાળીઓથી વધાવ્યા અને ડાર્કચોકલેટથી મોઢું મીઠું કર્યું!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ