વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝનૂન

વાર્તા : ઝનૂન   

કાલે મારો કપિલ ઘરે આવશે. પાકે પાયે આવશે. કાયમ માટે આવશે. હવે એને પાછું નહિ જવું પડે. કપિલ આવશે ને એટલે મારા ચહેરા પર રોનક પાછી આવશે. બાપના બોલથી આવશે. ઘણા કહે છે કે સાંતારામના ચહેરા પર પહેલાં જેવી રોનક નથી રહી. પણ એ બધાં કાલે મારો ચહેરો જોશે તો એમેને આ સાંતારામનો અસલ ચહેરો જોવા મળશે.  

કાલે મારા એકલાનાં જ ચહેરા પર નહિ, બધાંના ચહેરા પર રોનક હશે. માલતી, ફાલ્ગુની, ફોરમ, પરિમલ, બધાંના ચહેરા પર રોનક હશે. સો ટકા હશે.

મારા ઘરમાં વરસોથી બધું ઝાંખું ઝાંખું છે. જીવતા માણસ તો ઝાંખા ઝાંખા છે, પણ ઘરની નિર્જીવ વસ્તુઓ પણ ઝાંખી ઝાંખી છે. ઘરમાં કપિલ નથી ને એટલે.    

કપિલ પરદેશ કમાવા ગયો હોત ને તો અમને એની ગેરહાજરી ન નડત. અમે આમ ઝાંખાં ન પડી ગયા હોત. હું તો વટથી આ ગામમાં ફરતો હોત ને કહેતો હોત કે મારો દીકરો પરદેશ ગયો છે. પણ દીકરો પરદેશ ગયો હોય તો ને? દીકરો પરદેશ નથી ગયો. દીકરો તો જેલમાં ગયો છે! એને આજીવન કારાવાસ થયો છે. આ હકીકત મારા કાળજે બરાબરની ચોંટી ગઈ છે. શરીરે ઇતરડી ચોંટી જાય એમ.   

ક્યારેક રસ્તે જતો હોઉં ને કોઈનું વેણ મારા કાને પડે કે, ‘આ સંતારામ, પેલો કપિલ જેલમાં ગયો છે ને એનો બાપ.’ ત્યારે મારા કાળજે આગ લાગી જાય છે. મને એમ થાય કે હમણાં જ એનો હિસાબ પૂરો કરી નાખું. પણ પછી હું મારી જાતને રોકી લઉં છું. હવે મને જાતને રોકતા આવડી ગયું છે.

કપિલને પોતાની જાતને રોકતા ન આવડ્યું. એમાં એક બાપ તરીકે વાંક તો મારો જ છે. પેલી કહેવત છે ને કે વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. કપિલમાં મારાં જ લખણ ઊતર્યાં છે. હું પહેલેથી જ મગજનો તેજ. મારફાડિયો. કોઈના બાપથી ન ડરું. એક ઘા ને બે કટકા કરવા વાળો. એટલે જ કપિલ પણ એવો જ થયો. માથાનો ફરેલો. મરદનો દીકરો!

મને કોઈની નોકરી કરવાનું નહોતું ફાવ્યું એટેલે મેં સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો,  ખાખરા વેચવાનો. એમાય મોટા ભાગની મહેનત તો મારી પત્ની માલતીની. હું તો ખાખરાના પેકેટ દુકાને દુકાને પહોંચાડું અને ઉઘરાણી પતાવતો આવું. અમે મહેનતની રોટી ખાતાં હતાં. ખુશ હતાં.

હું બહુ ભણ્યો નહોતો એમ કપિલ પણ બહુ ભણ્યો નહિ. એને ડ્રાઈવિંગ સારું ફાવે એટલે એણે કાર ભાડે ફેરવવાનો ધંધો શરૂ કર્યો હતો. સ્વતંત્ર ધંધો. વટથી ધંધો કરતો. વટથી રહેતો. જંગલમાં સિંહ નીકળતો હોય ને એમ મારો કપિલ આ ગામમાં નીકળતો. લલ્લુપંજુ તો એની સામે ઊભા રહેતાય વિચાર કરતા.  

કપિલ બીજાના દુ:ખે દુ:ખી થનારો હતો. અમારી શેરીમાંથી કોઈને પણ ઓચિંતા દવાખાને લઈ જવાનું થાય તો કપિલ વગર ભાડે લઈ જતો. શેરીમાંથી કોઈને દવાખાને દાખલ કર્યું હોય અને એને ટિફિન પહોંચાડનારું  કોઈ ન હોય તો કપિલ એની વ્યવસ્થા કરી દેતો. ઇમરજન્સીમાં કોઈને અર્ધી રાતે પણ જ્યાં પહોંચવું હોય ત્યાં એ પહોંચાડી દેતો. કોઈને ત્યાં મરણ થયું હોય ત્યારે એ નવી વર્ધી પણ લેતો નહિ.  

માલતીએ એના પિયર તરફના સગાની છોકરી સાથે કપિલનું ગોઠવી દીધું.   ફાલ્ગુની એનું નામ. દૂધમાં સાકર ભળે એમ અમારા પરિવારમાં ભળી ગઈ.  કપિલનો સંસાર હર્યોભર્યો થયો. બે બાળકો થયાં ફોરમ અને પરિમલ.

એ સુખનો દોર પૂરો થયો. હિંદુઓ અને મુસલમાનો વચ્ચે રમખાણોનો દોર શરૂ થયો. આગ, લૂંટફાટ, ખૂનખરાબા રોજનાં થઈ પડ્યાં. પોતાના ધર્મનો કોઈ મરે તો માણસ દુઃખી થાય અને બીજા ધર્મનો મરે તો એ જ માણસ ખુશ થાય એવો માહોલ થઈ ગયો.  

અમે બાપદીકરો આખી શેરીની જવાબદારી માથે લઈને ફરતા. કર્ફ્યૂ વખતે શેરીનું કોઈ પણ માણસ ક્યાંય પણ ફસાયું હોય તો કપિલ એને ઘરભેગો કરવામાં કોઈ જાતની કસર રહેવા ન દેતો. કર્ફ્યૂ પૂરો થાય ત્યારે શેરીમાં બધાને માટે શાકભાજીનો આખો ટેમ્પો ઊભો રાખી દેતો. શેરીમાં કોઈ કહેતા કોઈ ભૂખ્યું ન રહે કે કોઈનું બાળક દૂધ વગરનું ન રહે એ વાતનું ધ્યાન રાખતો. એવા એના સબંધો હતા. એવી એની ઓળખાણો હતી. એ સામાજિક કાર્યકર નહોતો, સામાજિક કાર્યકરથી પણ સવાયો હતો. 

એક દિવસે અમારી શેરીમાં ‘ધર્મ રક્ષક મંડળ’ના આગેવાનોએ એક કાર્યક્રમ ગોઠવ્યો. એ કાર્યક્રમમાં અમને ‘ધર્મ રક્ષક મંડળ’ના હેતુ વિશે સમજ પાડી. આપણા ધર્મની રક્ષા માટે જાગૃત થવાની હાકલ કરી. જો આપણે એક નહિ થઈએ તો આપણે ખલાસ થઈ જઈશું અને ભવિષ્યમાં આપણા ધર્મનું નામોનિશાન નહિ રહે એવી સમાજ આપી. જરૂર પડે તો હથિયાર ઊઠાવવાની પણ હાકલ કરી. અમને અને બીજા કેટલાય લોકોને એમની વાતમાં દમ લાગ્યો, કારણ કે એ વખતે વાતાવરણ જ એવું હતું. એવું લાગતું હતું કે આપણી ધાર્મિક લાગણીની કોઈને પડી જ નથી. આપણા ધર્મના લોકો સાવ એકલા પડી ગયા છે. ધર્મના નામે બીજા ધર્મના લોકો ગમે તે કરે તે ચાલે, પણ આપણા ધર્મના લોકોએ નહિ કરવાનું! આપણા ધર્મના લોકોએ જ સુધરવાનું, બીજા ધર્મના લોકોએ નહિ.   

શેરીમાંથી ઘણા લોકો ‘ધર્મ રક્ષક મંડળ’ના સભ્યો બન્યા. અમે બાપદીકરો પણ બન્યા. અમે યથાશક્તિ રોકડ ફાળો પણ આપ્યો.

‘ધર્મ રક્ષક મંડળ’ના આગેવાનોએ અમને ખાતરી આપી હતી કે તોફાનોને લીધે આપણા ધર્મના કોઈ પરિવારને નુકસાન થશે તો ‘ધર્મ રક્ષક મંડળ’ એને દુઃખી નહિ થવા દે. અરે, કોઈને જેલમાં જવું પડશે તો પણ એના પરિવારને હેરાન નહિ  થવું પડે. ‘ધર્મ રક્ષક મંડળ’ એને છોડાવવા માટે બનતું બધું કરશે. એના પરિવારના ભરણપોષણની જવાબદારી પણ ‘ધર્મ રક્ષક મંડળ’ લેશે.

પછી શું જોઈએ? કપિલને શરાબના નશાની થોડીઘણી આદત તો હતી, પછી  એને ધર્મના નશાની પણ આદત પડી. એવી આદત પાડી કે ન પૂછો વાત. એને ખબર જ ન રહી કે પોતે આદતનો ગુલામ થઈ ગયો છે. ધર્મનું ઝનૂન એની રગેરગમાં વ્યાપી ગયું.

એને એવું લાગવા માંડ્યું કે એ કરે એ જ સાચું. એની વાત બીજા લોકોએ માનવી  જ જોઈએ. જે એની વાત ન માને એ આપણા ધર્મનો દુશ્મન! પછી ભલે એ આપણા જ ધર્મનો હોય. પછી ભલે એ ગમે તેટલો સારો હોય. એની આવી દાદાગીરીના કેટલાય લોકો એનાથી દૂર રહેવા લાગ્યા. દરેક માણસ કાંઈ ને કાંઈ ધંધો લઈને બેઠો હોય. જ્યારે હોય ત્યારે કજિયાકંકાસની વાતો બધાને તો ન જ ગમે ને?    

કેટલાક લોકોએ મને ચેતવ્યો પણ ખરો કે ભાઈ સાંતારામ, સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે. રાજકારણના રંગે રંગાવું બહુ સારું નથી. આપણે સમાજ કે ધર્મ માટે થાય એટલું કરીએ એમાં કક્ષુ ખોટું નથી, પણ વેરઝેર વધે એવી પ્રવૃત્તિથી દૂર રહેવામાં જ મજા છે. કપિલ જે રસ્તે જઈ રહ્યો છે એ રસ્તો જોખમી છે. એ રસ્તો આપણા કામનો નથી. એને વાળી લો.

મેં કપિલને સમજાવવા માટે મારાથી થાય એટલું કર્યું, પણ ગરમ લોહી સામે મારું બહુ ચાલ્યું નહિ. એને મારી વાતો નમાલી લાગી. એના મનમાં એવી ખોટી વાત ઘૂસી ગઈ હતી કે આપણો ધર્મ જ નહિ બચે તો બીજું શું બચશે?

ને એ ગોઝારી રાત આવી. કાશ, એ રાત જ ન આવી હોત. ફાલ્ગુનીએ જમવાની થાળીઓ કાઢી હતી. અમે જમવા બેસતાં હતાં ને અમારી શેરીમાં એક છોકરાએ  દોડતાં દોડતાં આવીને બૂમ પાડી કે, ‘એકતાનગરમાં બે ટોળાં સામસામે આવી ગયાં છે. આપણા ભાઈઓનાં ઘર ભડકે બળે છે.’

બૂમ સાંભળીને કપિલ તલવાર લઈને દોડ્યો. એકલો દોડ્યો. શેરીમાંથી કોઈ સાથે ન ગયું. એ તો નક્કી જ હતું. શેરીના લોકો હાકલા ને પડકારા કરી શકે, લાકડીઓ લઈને ધોળે દહાડે શેરીમાં આંટા મારી શકે, નાસ્તાપાણી કરી શકે, ભેગા થઈને પથ્થરમારો કરી શકે, તૂટેલી દુકાનમાંથી લૂંટફાટ કરી શકે, પણ સામી છાતીએ લડવા જવાની તાકાત કપિલ સિવાય કોઈના બાપમાં નહોતી.

મેં બૂમ પાડી કે, ‘કપિલ, ઊભો રે. હું તારી સાથે આવું છું. ખૂનખરાબા કરતો નહિ. સાચવજે દીકરા.’

કપિલ ઊભો ન રહ્યો. હું એની પાછળ દોડ્યો. મને શ્વાસ ચડી ગયો તો પણ હું  દોડતો જ રહ્યો. મને વચ્ચે ટોળાં નડ્યાં. બહુ નડ્યાં. હું એકતાનગર પહોંચવામાં મોડો પડ્યો. હું પહોંચ્યો ત્યાં સુધીમાં તો કપિલનાં હાથમાં રહેલી તલવાર લાલ લાલ થઈ ચૂકી હતી. એની આંખો પણ લાલઘૂમ હતી. મને સમજ ન પડી કે હું શું કરું. દીકરાને સાબાશી આપું કે ઠપકો?

અમે ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા. ઘરે આવ્યાં. હવે શું કરવું એની સલાહ લેવા માટે મેં ‘ધર્મ રક્ષક મંડળ’ના આગેવાનોને ફોન કર્યાં, પણ કોઈએ જવાબ ન આપ્યા. શેરીનાં તમામ ઘરનાં બારણાં બંધ થઈ ગયાં હતાં. અમે પણ ઘરનાં બારણાં બંધ કરીને બેસી ગયાં. કપિલનું શરીર ધ્રૂજતું હતું. એ કાંઈ જ બોલી શકતો નહોતો. મેં એને પાણી આપ્યું. એણે ધ્રૂજતા હાથે પીધું. થાળીઓ તો કાઢેલી હતી, પણ કોઈને ખાવાનું મન ન થયું.

થોડી વાર પછી એ એ માંડ માંડ બોલ્યો, ‘પપ્પા, ચિંતા ન કરતા. મને કાઈ નહિ થાય. મેં જે કર્યું છે એ ધર્મની રક્ષા માટે કર્યું છે.’

મેં એને કહ્યું, ‘તારે આવું નહોતું કરવું.’

એ બોલ્યો, ‘પપ્પા, કોઈકે તો કરવું જ પડે ને? મારી નજર સામે આપણાં ભાઈબહેનો પર જોરજુલમ થતાં હોય ને  હું જોતો રહું?’

મેં કહ્યું કે, ‘તોફાનોમાં જોરજુલમ તો બંને પક્ષો તરફથી થાય છે ને?’    

એણે કહ્યું કે, ‘હું તો મારી નજર સામે જે બનતું હતું એની વાત કરું છું.’

મારી પાસે કોઈ જવાબ નહોતો.

રાત પસાર થતી હતી. કોઈને ખાવાનું મન નહોતું થતું. કોઈને ઊંઘવાનું મન નહોતું થતું.

માલતી અને ફાલ્ગુની વલોપાત કરતાં હતાં... ‘છોકરો બૂમો પાડતો આવ્યો જ ન હોત તો સારું હતું. ઘરમાં તલવાર જ ન હોત તો સારું હતું. આ ભૂંડાં તોફાનો જ શરૂ ન થયાં હોત તો સારું હતું...’   

વહેલી સવારે પોલીસ આવીને કપિલને પકડી ગઈ. માલતી અને ફાલ્ગુની રડ્યાં છે કાંઈ! ફોરમે અને પરિમલે ‘પપ્પા... પપ્પા...’ની બૂમો પાડી છે કાંઈ!  

હું સૂનમૂન થઈ ગયો હતો. મને લાગ્યું હતું કે ખરો ગુનેગાર હું જ છું. હું જ તેજ મગજનો હતો. હું જ ઘરમાં હથિયારો રાખતો હતો. હું જ એક ઘા ને બે કટકા કરવા વાળો હતો. જે કૂવામાં હતું એ જ હવાડામાં આવ્યું હતું. એ તલવાર લઈને નીકળ્યો ત્યારે હું જ એને રોકી નહોતો શક્યો.  

પોલીસ કપિલને પકડી ગઈ પછી અમારી ખરી કસોટી શરૂ થઈ. કપિલ પર એક વ્યક્તિનું ખૂન કરવાનો આરોપ લાગ્યો, એ જેલમાં હતો અને એના પર કેસ ચાલતો હતો ત્યારે પણ હું કેટલીય વખત ‘ધર્મ રક્ષક મંડળ’ના આગેવાનોને મળવા ગયો, હું એમના પગે પડ્યો, એમને કરગર્યો કે મારા દીકરાને બચાવો, પણ બધાએ હાથ અધ્ધર કરી દીધા. કોઈએ ઉડાઉ જવાબ આપ્યા, કોઈએ મારા દીકરાનો જ વાંક કાઢ્યો, કોઈએ મદદ કરવાના વાયદા કર્યા, પણ કોઈ અમારી પડખે ઊભું ન રહ્યું. એક આગેવાને તો ધમકી પણ આપી, કે હવેથી તમે મને મળવા આવશો તો પોલીસને જાણ કરીશ.

એક દિવસ તો હદ થઈ ગઈ. ઢોલ નગરા વગાડતું વગાડતું એક સરઘસ મારી શેરીમાં આવ્યું. શું કામે આવ્યું? ઉઘરાણું કરવા આવ્યું. ધર્મની રક્ષા કાજે આપણા  જે ભાઈઓને જેલમાં જવું પડ્યું છે એમના પરિવારના લોકો ભૂખ્યા ન રહે કે  કપડાં વગરના ન રહે એ માટે  એ માટે ફાળો ઉઘરાવવા આવ્યું. ફાળો ન આપવો હોય એ અનાજ, તેલ, ગોળ, ખંડ, ચા, કાઈ પણ આપે. જૂનાં કપડાં આપે. ઘરવખરીની કોઈ જૂની ચીજ આપે.

મારું મગજ તો ફાટ ફાટ થવા લાગ્યું. મેં કહ્યું, ‘તમને લોકોને શરમ નથી આવતી?  જેને તમે ધર્મના રક્ષકો માનો છો એના પરિવાર માટે ભીખ માંગવા નીકળ્યા છો? અત્યાર સુધી ઉઘરાવેલા રૂપિયા ક્યારે કામ આવશે? મદદ કરવી જ હોય તો વગર જાહેરાતે કરોને. ઢોલ નગારા શા માટે પીટો છો? કોઈની વધીઘટી આબરૂ તો એમની પાસે રહેવા દો.’ 

એમાંથી એક જણ બોલ્યો, ‘અંકલ, તમે કેવી વાત કરો છો? તમને આપણા ભાઈઓની નથી પડી?”

મેં એને કહ્યું, ‘ડોબા, મારો પોતાનો દીકરો જેલમાં છે. એ આપણા જે ભાઈઓની રક્ષા કરવા ગયો હતો એ ભાઈઓમાંથી કોઈ કહેતા કોઈ અમારી ખબર પૂછવા આવ્યું નથી. જે લોકોએ તમને ફાળો ઉઘરાવવા મોકલ્યા છે ને એમાંથી કોઈ મારે ત્યાં ભૂલું નથી પડ્યું. મારો સિંહ જેવો દીકરો અત્યારે જેલમાં બંધ છે. કોને ફરક પડ્યો? તોફાનો બંધ થયા પછી બધાની ગાડી પાટે ચડી ગઈ છે, પણ અમારા જેવાની ગાડી તો અટકી જ ગઈ ને?’   

સરઘસ ગયું. મારા મનમાં પીડા મૂકીને ગયું.

કપિલ ગુનેગાર ઠર્યો અને એને આજીવન કેદની સજા થઈ. મારા પરિવારનાં બધાં ભાંગી પડ્યાં. સુખનો ઊભો કરેલો માંચડો કડડડભૂસ તૂટી પડ્યો. કપિલને કેદી તરીકેની નવી ઓળખ મળી, નંબર સાથે. અમારા પરિવારને પણ નવી ઓળખ મળી, ખૂનીના પરિવાર તરીકેની.

કપિલને તમાકુવાળી પડીકીની આદત છે. જેલમાં પડીકી ખાવાની મનાઈ છે, પણ જેલના પહેરેદારોને પૈસા ખવડાવીને કેદી સુધી પડીકી પહોંચાડી શકાય છે. કપિલને પાંચ રૂપિયા કિમતની એક પડીકી પહોંચાડવા માટે મેં પહેરેદારને એક દર વખતે પડીકી દીઠ પચાસ રૂપિયા આપ્યા છે. એ પહેરેદાર મારા જ ધર્મનો છે તો પણ! કમાવાની વાત હોય તો કોઈ ધર્મની શરમ નથી રાખતું. બધે જ પૈસો બોલે છે. પીવા બેસવું હોય, પાર્ટી કરવી હોય, જુગાર રમવું હોય, સટ્ટો રમવો હોય, ત્યારે હિંદુ-મુસલમાન નથી થતું. વેપારધંધા કરવા હોય ત્યારે હિંદુ-મુસલમાન નથી થતું. ત્યારે તો ગજબનો ભાઈચારો હોય છે. પણ રાજકારણના ખેલ શરૂ થાય ત્યારે જ હિંદુ-મુસલમાન થવા લાગે છે.

મારા દિમાગના બંધ બારણાં ખૂલી ગયાં. મારા મનમાં સવાલો થયા... ‘ધર્મ રક્ષક મંડળ’ના આગેવાનોમાંથી કોઈનો દીકરો કેમ  તોફાનોમાં નથી સંડોવાતો? કોઈ નેતાનો દીકરો, કોઈ અખબારના માલિકનો  દીકરો, કોઈ ટી.વી. ચેનલના માલિકનો દીકરો કેમ તોફાનોમાં નથી સંડોવાતો? કેમ મારા જેવા ગરીબ અને મધ્યમ વર્ગનાં માબાપના જ દીકરા તોફાનોમાં સંડોવાય છે? કેમ અમારા જ દીકરાઓ પોલીસની ગોળીએ મરે છે? ચડ જા બેટા શૂલી પર એ કહેવત જેવું તો નથી થઈ રહ્યું ને?’

મને ભાન થઈ ગયું કે ‘ધર્મ રક્ષક મંડળ’ ખરેખર તો ‘નફરત રક્ષક મંડળ’ હતું. કપિલને ધર્મનો નશો નહોતો ચડ્યો, નફરતનો નશો ચડ્યો હતો. એની રગેરગમાં ધર્મનું નહિ, નફરતનું ઝનૂન વ્યાપી ગયું હતું.

આજની ઘડી ને કાલનો દી. ત્યાર પછી હું ક્યારેય કોઈ મંડળમાં જોડાયો નથી. હું ક્યારેય કોઈ સભામાં ગયો નથી. મારું બીજું કોઈ સપનું નહોતું. મારું એક જ સપનું હતું કે મારો કપિલ ઘરે આવે. મારું એ સપનું કાલે પૂરું થશે.

***

આજે કપિલ આવ્યો. માલતીએ અને ફાલ્ગુનીએ એની આરતી ઉતારી. બધાં એને ભેટી પડીને ખૂબ રડ્યાં. ફોરમ અને પરિમલ તો મોટાં થઈ ગયાં હતાં છતાંય કપિલના  ખોળામાં બેસવા માટે ઝઘડો કરવા લાગ્યાં.

માલતીએ ચૂલે કંસાર મૂક્યો.

સુખદુઃખની વાતો થવા લાગી. અમે નક્કી જ કર્યું હતું કે કપિલને કોઈએ નબળી વાત કહેવી નહિ. એના વગર કેવી તકલીફો પડી એની વાત કરવી નહિ. એને કોઈની ફરિયાદ કરવી નહિ. એને બને એટલો રાજી રાખવો.

આમ તો એ ક્યારેક ક્યારેક પેરોલ પર છૂટીને આવ્યો હતો, અમે પણ ક્યારેક ક્યારેક એને મળવા જતાં હતાં એટલે એને થોડીઘણી ખબર તો હતી કે અમે કેવો સંઘર્ષ કરીએ છીએ. પણ આજે એણે પૂછીપૂછીને અમારા સંઘર્ષની ઘણી વાતો અમારી પાસેથી કઢાવી લીધી.  

સંઘર્ષ પણ જેવોતેવો હતો? સમાજના લોકોએ મોઢાં ફેરવી લીધાં હતાં. ખાખરાના ઘણા ઘરાકોએ અમારી પાસેથી ખાખરા લેવાનું બંધ કરી દીધું હતું. ઘરમાં હતાં એટલાં ઘરેણાં વેચાઈ ગયાં હતાં. સ્કૂલમાં ફોરમ અને પરિમલ રડી પડે એટલી હદે એમને મહેણાં મારવામાં આવતાં હતાં. સગાંવહાલાંએ વહેવાર બંધ કરી દીધો હતો. ‘ધર્મ રક્ષક મંડળ’ના આગેવાનો પણ બોલેલું ફરી ગયા હતા. એ બધા તો હવે રાજકારણમાં ક્યાંય આગળ નીકળી ગયા હતા.

કપિલ એકદમ જ ઊભો થયો ને બોલ્યો, ‘હું જઉં છું.’

માલતી બોલી કે, ‘જમવાનું બાકી છે ને ક્યાં જાય છે?’

એણે જવાબ દીધો કે ‘ધર્મ રક્ષક મંડળની ઓફિસે.’

એ ઘરમાં ફાંફા મારવા લાગ્યો, હથિયાર માટે. 

પોલીસે કપિલની ધરપકડ કરી એ વખતે જ મારા ઘરમાંથી તલવાર અને બીજાં હથિયારો કબજે કરી લીધાં હતાં.

એકેય હથિયાર ન મળ્યું એટલે કપિલ બોલ્યો, ‘હું એક તલવારનો તો ગમે ત્યાંથી મેળ પાડી દઈશ, પણ ધર્મના એ આગેવાનોને નહિ છોડું. એ લોકોએ જ મોટી મોટી વાતો કરીને મને  ખોટા રસ્તે ચડાવી દીધો અને પોતે જલસા કરે છે.’

મેં એને સમજાવ્યો કે, ‘દીકરા, જે થવાનું હતું એ થઈ ગયું. આપણે ખૂબ ગુમાવ્યું છે. હવે જે બાકી રહ્યું છે એ સાચવવાનું છે.’

કપિલ બોલ્યો, ‘ગમે તે થાય. હું એમને છોડવાનો નથી.’  

કપિલે ઘરમાંથી બહાર નીકળતો હતો, પણ મેં વરસો પહેલાં  કરી હતી એવી ભૂલ આજે ન કરી. મેં દોડીને એને બાથ ભરી લીધી.

ફાલ્ગુની બારણું બંધ કરીને આડી ઊભી રહી ગઈ. એણે રાડ નાખી : ‘આજે તમારે આ ઘરની બહાર જવું હોય તો મારી લાશ પર થઈને જવું પડશે.’

માલતી બોલી : ‘વિચાર કર દીકરા. મારી અને તારા પપ્પાની ઉમર થઈ ગઈ છે. હવે જ અમને તારી ખરી જરૂર છે. તું ફરીથી આડુંઅવળું કરીશ તો તારી જિંદગી બગડશે ને અમારું મોત બગડશે. ફાલ્ગુનીનો વિચાર કર. એણે બહુ ખેંચ્યું છે. એને પણ તારી જરૂર છે. તારા છોકરાંને પણ તારી જરૂર છે. ઝનૂનનું પરિણામ એક વખત તો જોઈ લીધું. હવે ફરીથી ભૂલ ન કર. શાંત થઈ જા શાંત.’  

મેં કહ્યું : ‘તારો પરિમલ કૉલેજમાં આવ્યો છે. એને એન્જિનિયર થવું છે. તારી ફોરમને ચિત્રકામ સારું આવડે છે. તું એણે દોરેલાં ચિત્રો તો જોજે. એને ફાઇન આર્ટસ કૉલેજમાં દાખલ થવું છે. તારા વગર એમનાં સપનાં પૂરાં નહિ થાય. હવે જે કરવું હોય ને એ પૂરો વિચાર કરીને કરજે. અમને ફરીથી દુઃખી ન કરવા હોય તો આજે ઘરની બહાર પગ ન મૂકતો.’   

પરિમલ અને ફોરમ પણ કપિલને વળગી પડ્યાં.

ફોરમ બોલી : ‘પપ્પા ક્યાય ન જતા, પ્લીઝ. અમારે તમારી સાથે રમવું છે. બહુ બધું રમવાનું બાકી રહી ગયું છે.’

દીકરીનાં વેણ સાંભળીને પહાડ જેવો કપિલ પીગળી ગયો.

એ બોલ્યો : ‘છોડી દો મને. ક્યાય નહિ જઉં.’

એટલું બોલતાં તો એ રડી પડ્યો. ધ્રૂસકે ધ્રૂસકે.

અમે એને છોડી દીધો. વરસોથી એનાં મનમાં જામી ગયેલી પીડા આંસુ ભેગી વહેવા લાગી.

અમે એને છાનો રાખ્યો. માલાતીએ એને પાણી આપ્યું. ફાલ્ગુનીએ થાળીઓ પીરસી.

વરસો પહેલાં પીરસેલી થાળીઓ એમનમ રહી ગઈ હતી, પણ આજે એવું થતાં થતાં રહી ગયું. આજે અમે બધાં મન ભરીને જમ્યાં.

આજે અમારા બધાંના ચહેરા પર રોનક પાછી ફરી છે ને અમારા ઘરમાં બધે જ રોનક રોનક છે.

[સમાપ્ત]  

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ