વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાઈફી...!

વાઈફી...

મને બહુ જ વાઈફી થવું ગમે હો! હા, રોજ સવારે તું ઉઠે એટલે હું મારા નાહીને ભીના થયેલા વાળ તારા ચહેરા પર ફેરવું. તને જુકીને ચુંબન કરું. તને મારા હાથની ચા બનાવી પીવડાવું. તું ઓફીસ જવા નીકળે એટલે તારી બેગ, રૂમાલ, ચશ્માં યાદ અપાવડાવું. બાલ્કનીમાં ઉભી રહીને તને બાય કહું. અરે! હજુ તો તું ઓફીસ પહોંચ્યો ના પહોંચ્યો હોય અને તને ‘પહોંચી ગયો?’ નો મેસેજ કરું. જેવો તારો સામે મેસેજ આવે કે તરફ જ ફોન કરું. ટીફીનમાં શું મુક્યું છે એની માહિતી આપું. ટાઈમસર જમી લેજે એવી કડક સૂચના પણ આપું. કોઈક દિવસ તારું મનગમતું શાક ના હોય તો પણ તને કન્વીન્સ કરવા મેં વહેલી સવારે ઉઠીને કેટલી મહેનતથી જમવાનું બનાવ્યું છે એની ડીટેલમાં માહિતીઓ આપું. ઇમોશનલ અત્યાચાર એ વાઈફીનો પ્રથમ હક્ક છે રે!  

રાત્રે શું જમીશ એના ઓપ્શન પણ ફોન પર આપું અને તને સારું લાગે એટલે તારા સજેશન પણ લઉ, ભલેને આપણે તો રાતનું નક્કી જ હોય, પૂછવામાં શું જાય છે? પતિદેવ જે કહે એમાં નાં પડી દેવાની કે બહાનું કાઢી દેવાનું. બહુ માથે નહિ ચડાવાનો, આપણો ટેમ્પો અને ધાક જતી રહે પછી. વાઈફી કોને કીધી?!

ઓફિસની બધી જ માહિતી મેં આમ તો લઇ જ રાખી હોય પણ તો પણ ક્યાં છે અને શું કરે છે ની પૂછપરછ કરતી જ રહું. ઓલી બોસની ચિબાવલી સેક્રેટરીથી દૂર રહેજે એમ ચિડાઈને કહું પણ ખરું! જુલાઈની સાંજે જયારે ઓફીસ છૂટવાનો સમય થાય ત્યારે સંભાળીને આવજે એવી ટકોર પણ કરું. અને હા, તને ચીડવવા રસ્તામાંથી મકાઈ લેતો આવજે, ટામેટા લેતો આવજે વગેરે વગેરે ઓર્ડર પણ લખાવું.

દરવાજાની ઘંટડી વાગે એટલે સસ્મિત હું તારો સત્કાર કરવા ઉભી રહું. હાથમાંથી શાકભાજીની થેલી લઇ એમાં અંદર ડોકિયું કાઢી ‘આ શું લઇ આવ્યો? કેટલામાં લીધું અને તને તો કઈ લાવવાનું કહેવાય જ નહિ’ એવા છાશીયા પણ કરું.

હજુ તો તું પાણી પીને સોફામાં બેઠો જ હોય કે હું ગીત ગણગણતી તારા ખોળામાં આવીને બેસી પડું. તારા ગળામાં હાથ નાખીને, તારી આંખોમાં આંખ નાખીને એક માદક સ્મિત પણ આપું. સાહેબ જરાક રોમેન્ટિક થવા જાય એટલે બંદી તરત જ ખોળામાંથી ઉભી થઇ ને, ‘મારે હજુ બહુ કામ છે’ એમ કહી રસોડામાં ભાગી જાઉં. ભલે ને પાછળ તારું સોગીયું મોઢું થઇ ગયું હોય.

મારે બહુ જ વાઈફી થવું છે. મને વાઈફી થવું બહુ જ ગમે. મારા પ્રિય તને હું સંસારના બધા જ રંગોમાં રંગી દઉં. તને પણ એમ થાય કે શું સાલી વાઈફ મળી છે! હા, મારે વાઈફી થવું.

રસોડામાં રસોઈ બનાવતા બનાવતા રોમેન્ટિક ગીતો સ્પીકર પર વહેતા મુકું. સાહેબ પાણી પીવાના બહાને રસોડામાં આવી ને અવળચંડાઈ કરતા જ હોય પણ ક્યારેક ના આવે કે ટીવીની સામે ઘુસેલા રહે તો આપણે પણ કઈ કમ નથી હો ! વાઈફી કોને કીધી?!

“સાંભળો છો, આ ઢાંકણું ખોલી આપો ને” હું બૂમ પાડું અને તને બોલાવું.

જેવો તું અંદર આવે અને પૂછે કે કયું ઢાંકણું ત્યારે હું એક આંખ બંધ કરી લોટવાળા હાથે ઈશારો કરું. તું ખડખડાટ હસી પડે અને હળવેથી મારી આંખનું પોપચું ખોલે અને હળવી ફૂંક મારે ત્યારે હું ખોટે ખોટું બગડું અને તને ધક્કો મારું પણ તું જતા જતા મને એક ચુંબન કરતો જાય એવું પણ ઈચ્છું. વાઈફી થવું અઘરું તો છે હો પણ મોજ પડે એવું છે!

તારા માટે ભાવતા ભોજન બનાવું, સરસ મજાનું ડાઈનીંગ ટેબલ પર ગોઠવું અને તારા ખોળામાં બેસીને તને કોળીયા ભરાવું. તું પણ ક્યારેક મજાકમાં મને હાથ પર બટકું ભરી લે તો આંખો કાઢીને ‘સુધર હવે’ એવો ગુસ્સો પણ કરું.

જમીને સોફામાં હીપોની જેમ પથરાયેલી તારી કાયા અને ક્રિકેટની મેચ પર ચોંટેલા તારા ડોળાને હું આંખોના ખૂણેથી જોયા કરું અને બધું પરવારીને ઝાપટ મારીને તારા હાથમાંથી રીમોટ લઇ ને મારી ફેવરીટ સીરીયલ ચાલુ કરું, ત્યારે તારો કકળાટ સાંભળવાની ખૂબ મોજ પડે હો ! થોડીવાર સીરીયલમાં આમતેમ જોઇને તારા ઉતરેલી કઢી જેવા મોઢાને જોઇને ઉપકાર કરતી હોવ એમ રીમોટ પાછું પણ આપી દઉં. પણ એમ સહેલાયથી છોડે એ વાઈફી શેની? દાદાગીરી તો નહિ પણ વાઇફાગીરી તો કરવી જ પડે ને! 

“આ કોણ કોણ રમે છે?” હું સળી કરું.

“મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ” સપાટ જવાબ.

“હા તો એમાં ઇન્ડિયાની ટીમ કઈ?” છંછેડો ભાઈને છંછેડો, વાઈફી કોને કીધી.

“આમાં ઇન્ડિયન ટીમ ના હોય, આ લોકલ ટીમો છે, આ આઇપીએલ છે. આમાં દરેક દેશોના અલગ અલગ પ્લેયર હોય અને લોકલ ટીમ વતી રમે” સાહેબનો પારો ચડવા લાગે.

“આ કેમ અમ્પાયરે હવામાં હાથ કર્યો? શું થયું એને?” વાઈફી સળીબાજ.

“પાવરપ્લેનો ઈશારો કર્યો” ગુસ્સો માંડ કાબૂ રાખી આવેલો જવાબ.

“તે બાકીના પ્લે રેગ્યુલર હોય? પાવરપ્લેમાં શું થાય?” માસૂમ સવાલ.

“સર્કલની બહાર માત્ર બે પ્લેયર જ ઉભા રહી શકે. બેટ્સમેનને ફાયદો થાય એટલે.”

“લે, તે બોલરને અન્યાય ના થાય? એમનો પણ પાવરપ્લે/બોલરપ્લે હોવો જોઈએ, બેટ્સમેન ચાર સ્ટમ્પ જેટલી જગ્યા છોડીને આઘો ઉભો રહે એવું” (હે હે હે, અપુન જીનીયસ હૈ, વાઈફી)

એ અકળાઈને મારી સામે જુવે અને હું એકદમ માસૂમ સ્મિત આપું. એકદમ ટીપીકલ વાઈફી સ્મિત.

મારા હાથમાં રીમોટ પછાડવામાં આવે અને ફૂંગરાયેલા મોઢે સાહેબ શયનકક્ષ તરફ પ્રયાણ કરી જાય. હું મનમાં ખડખડાટ હસી પડું.

પારદર્શક નાઈટીમાં રૂપસુંદરી ની (અરે ! મારી જ, વાઈફીની એક ઓર અદા!) બેડરૂમમાં એન્ટ્રી પડે એટલે ફૂંગરાયેલું મોઢું હસું હસું થઇ પડે.

પ્રણયની પરાકાષ્ઠા, પ્રેમ, પ્રેમ અને બસ પ્રેમની ઉત્તુંગ અવસ્થા ભોગવીને થાકેલા શરીર એકમેકમાં સમાઈ ગયા હોય ત્યારે પણ હું એની સામે પ્રેમથી જોયા કરું, એની છાતી પર માથું રાખીને સુવાનો ડોળ કરતી આવતી કાલે શું સળી કરવી એના પ્લાન બનાવું. અરે, આખરે એક સફળ જીવન માણવા આગળનું પ્લાનિંગ તો કરવું જ પડે ને! સફળતા અમસ્તી જ થોડીને મળે! વાઈફીનો આ જ તો ગુણધર્મ છે! હા, મને વાઈફી થવું ખૂબ જ ગમે.

એકાએક એક હુંફાળો હાથ મારા માથે મુકાયો અને સ્વપ્નભંગ થયું.

“હવે કેમ છે બેટા?” મમ્મીનો લાગણીભર્યો અવાજ કાનોમાં પડઘાયો.

મેં ફિક્કું સ્મિત કર્યું. “સારું છે.”

મમ્મીએ મારા પડખામાં પડેલો ઢીંગલો લેવાનો પ્રયાસ કર્યો પણ મેં એનો હાથ હડસેલી દીધો અને એને મારી છાતીમાં દબાવીને હું ફરીથી વાઈફી બનવાના સપનાઓમાં સરી ગઈ.

મમ્મીનું આછું ડૂસકું તાતા મેમોરીયલ કેન્સર હોસ્પિટલના ઇન્ટેન્સીવ કેર વોર્ડમાં પડઘાઈ રહ્યું.

 

પ્રણયજીવન માણવાના સપના જોતી એક કેન્સર પેશન્ટ ટીનેજર યુવતીની કહાણી.

સંપૂર્ણ કાલ્પનિક.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ