વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સવાર સવારમાં

સવાર સવારમાં 

સવારનો સમય હતો.પંખીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. શહેરના રસ્તાઓ પર શુદ્ધ હવાના ચાહકો અને વજન ઘટાડવાની જિદે ચડેલાઓ નિદ્રાને પરહરીને ચાલવા નીકળી પડ્યા હતા. સુંદરપુરાના રસ્તા પર  અવરજવર સાવ ઓછી હતી, કારણ કે રસ્તો કાચોપાકો હતો. જોકે, જેમને કુદરતી અને શાંત વાતાવરણ ગમતું હોય એમના માટે તો આ રસ્તો ખૂબ જ માનીતો હતો.  

એક આન્ટી નામે નિમુબહેન પણ સુંદરપુરાના રસ્તે લટકમટક ચાલવા નીકળ્યાં હતાં. નિમુબહેન એક વળાંક પર પહોંચ્યાં ને એમણે જોયું કે આગળ થોડે દૂર રસ્તાના કાંઠે એક યુવાન ઊભો છે. યુવાનની પીઠ નિમુબહેન તરફ હતી, તેથી નિમુબહેનને યુવાનનો ચહેરો તો ન દેખાયો, પરંતુ યુવાનના ગળાને વીંટળાયેલા નાજુક નાજુક બે હાથ દેખાયા. નિમુબહેને આગળ વધતાં વધતાં ધ્યાનથી જોયું તો યુવાનના બે ચરણ સિવાય બીજાં બે ચરણ પણ દેખાયાં. શું ઘટના ઘટી રહી છે એ વિશે ધારણાઓ બાંધતાં બાંધતાં નિમુબહેન એ યુવાનની થોડેક દૂરથી પસાર થયાં ત્યારે એમણે જોયું કે એ યુવાન એક યુવતી સાથે ચુંબનપ્રવૃત્તિમાં મગ્ન છે.  

કોઈ પસાર થઈ રહ્યું છે એવો ખ્યાલ આવતાં જ યુવતી યુવાનથી દૂર થઈને પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકવા લાગી, પરંતુ ત્યાં સુધીમાં નિમુબહેનની ચકોર નજરે એ યુવતીને ઓળખી લીધી કે, ‘આ તો મારી  જ સોસાયટીમાં રહેતી મનોરમાની કલગી.’ 

થોડેક આગળ વધ્યા પછી નિમુબહેનને વિચાર આવ્યો, કે ચાલને પાછી ફરું, કલગુડીને એક તમાચો મારીને પૂછું કે, ‘તું ચાલવા નીકળી છે કે પછી કોઈને બકા ભરવા?’ 

નિમુબહેનને એ વિચાર અમલમાં મૂકવા જેવો ન લાગ્યો. એમને ડર લાગ્યો કે આજની પ્રજાનું ભલું પૂછવું! મોઢું તોડી લે કે હું ગમે તે કરું એમાં તમારો કયો ગરાસ લુંટાઈ જાય છે તો? એમણે નકી કર્યું કે આ મામલાની જાણ મનોરમાને જ કરી દઈશ. ગમે એમ તોય મારી પડોશણ છે. એની આબરૂ એ મારી આબરૂ. 

કલગીએ નિમુબહેનને ઓળખ્યાં નહોતાં, પરંતુ એને બીક લાગી તો ગઈ કે કોઈ અમને જોઈ ગયું છે. એણે યુવાનને કહ્યું, ‘જયદીપ, હમણાં ગયાં એ આન્ટી આપણને જોઈ ગયાં  છે.’ 

‘કલગી, લવ કરવો હોય તો આવું ટેન્શન નહિ લેવાનું. અન્કલો અને આન્ટીઓથી નહિ ડરવાનું. એ લોકો તો લવના દુશ્મન હોય છે.’ . 

થોડી વાર પછી એકબીજાંને ‘બાય બાય’ કહીને બંને છૂટાં પડ્યાં. 

નિમુબહેને જ્યારે મનોરમાને આંખે દેખ્યો અહેવાલ આપ્યો ત્યારે મનોરમાને એ વાત માનવામાં જ ન આવી. તેઓ બોલ્યા કે, ‘ તમારુ જોવા ફેર થયું હશે. મારી કલગી એવું કરે જ નહિ.’

‘બધી મમ્મીઓને એવું જ લાગતું હોય છે, પણ પછી જ્યારે વાજતું ગાજતું માંડવે આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. મેં કહી એ વાત સો ટકા સાચી છે. મારી તો ફરજ છે તમને ચેતવવાની. હવે જેવી તમારી મરજી.’

‘તમે તો જે કહેતાં હો એ મારા ભલા માટે જ કહેતાં હો, પણ મારે ખાતરી તો કરવી જ પડશે.’

‘તો એક કામ કરો. કાલથી કલગી ચાલવા નીકળે ત્યારે એનો પીછો કરજો. ભલું હશે તો જેવું મેં જોયું એવું તમે પણ જોશો.’  

બીજા દિવસે સવારમાં કલગી ચાલવા નીકળી ત્યારે મનોરમાએ અંતર જાળવીને એનો પીછો કર્યો. ચાલતાં ચાલતાં એમણે જોયું કે : કેટલાય લોકો ચાલવા નીકળી પડ્યા છે, ટૂંકા ટૂંકા  પહેરવેશ ધારણ કરીને. કોઈ ઝડપથી ચાલે છે તો કોઈ દોડે છે. કોઈ એકલું ચાલે છે તો કોઈ ટોળીમાં ભળીને. કેટલાંક પતિપત્ની સાથે ચાલી રહ્યાં છે, જરાય આગળપાછળ થયા વગર. તો એવાં પણ  પતિપત્ની છે કે જેમાં એકની પાછળ બીજું ખેંચાય છે, ભારખટારાની જેમ. કોઈ કોઈ કાને ડટ્ટા ભરાવીને સંગીત સાંભળતું જાય છે તો કોઈ કસરત કરતુ જાય છે. કોઈ દુબળુંપાતળું જાય છે તો કોઈ ભારેખમ જાય છે. જાણે કોઈને કોઈની પરવા નથી. જોનારને કેવું લાગશે એવી કોઈને બીક નથી.   

વાતાવરણની અસરના કારણે મનોરમાના મનમાં શુભ વિચારોએ પ્રવેશ કર્યો : સવાર સવારમાં આટલા બધા લોકો ઘરની બહાર! હું તો હજી પથારીમાં જ પડી હોઉં. એમાં જ મારું શરીર પોદળા જેવું થઈ ગયું છે. હું લગ્ન પહેલાં તો કેવી હળવી હળવી હતી! કેટલીય બાયું મારી ઈર્ષા કરતી હતી. અને હવે? દયા ખાય છે. ડોકટરે પણ ચાલવાનું કહ્યું છે. હવે તો હું પણ રોજ ચાલવા નીકળીશ. હું પણ મારા શરીરને પ્રેમ કરીશ. મારું શરીર હું નહિ સાચવું તો કોણ સાચવશે?    

કલગીની પાછળ પાછળ મનોરમા પણ સુંદરપુરાના રસ્તે વળ્યાં. રસ્તાની બંને તરફ લીલાંછમ વૃક્ષો જોઈને એમની આંખો ઠરી. મંદ મંદ વહેતા વાયુએ એમના મનને આનંદિત  કરી દીધું. એમણે ઘણા દિવસો પછી પતંગિયાં જોયાં. એક નોળિયો રસ્તો પસાર કરીને ગયો. એ જોઈને એમને બાળપણમાં જોયેલા મદારીના ખેલ યાદ આવી ગયા. સાપ અને નોળિયાની લડાઈ યાદ આવી ગઈ. કોયલના ટહુકે ટહુંકે એમનું બી.પી. જાણે ઓછું થવા લાગ્યું! એમના મનમાં ગીત ગુંજવા લાગ્યું : કોયલ કાહેકો શોર મચાયે રે, મોહે અપના તો કોઈ યાદ આયે રે…  

કલગી ઝડપથી ચાલતી હતી. મનોરમાનું શરીર ભારે હોવા છતાં તેઓ જેટલી ઝડપથી ચલાય  એટલી ઝડપથી ચાલતાં હતાં, તોય ફેર તો પડે જ ને? નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે અંતર તો રહે જ ને? તેથી માદીકરી વચ્ચેનું અંતર વધતું જતું હતું. છેવટે કલગી દેખાતી બંધ થઈ. મનોરમાને થાક લાગ્યો હતો, તો પણ તેઓ ચાલતાં જ રહ્યાં. 

મનોરમા ચાલતાં ચાલતાં એક જગ્યાએ એક આંચકા સાથે અટકી ગયાં. એમણે જોયું કે થોડે દૂર કલગી અને એક  યુવાન ઊભાં ઊભાં એકબીજાના હાથ પકડીને વાતો કરે છે.

મનોરમાને ગુસ્સો આવ્યો : કલગી કોઈ છોકરાં સાથે વાતો કરે! એ પણ જાહેર રસ્તા પર ઊભા રહીને! એને જરાય શરમ નથી આવતી? માબાપની આબરૂનો પણ વિચાર નહિ!’    

એમણે દોટ મૂકી. કલગી અને યુવાનને કશો ખ્યાલ આવે તે પહેલાં તો એમણે બૂમ પાડી : ‘કલગી…’ 

કલગી અને યુવાન એકબીજાથી દૂર થઈ ગયાં.  

‘મમ્મી તું?’ કલગીથી બોલાઈ ગયું. એ ગભરાઈ ગઈ હતી.  

‘હા હું. આ તું શું કરે છે? તને ભાન છે? કોણ છે આ છોકરો?’

‘જયદીપ છે. મારો બોયફ્રેન્ડ છે.’ 

‘બોયફ્રેન્ડ વાળી. અત્યારે ને અત્યારે ઘરભેગી થા. અહીં ચર્ચા થાય એ ઠીક નથી. તને આબરૂની નથી પડી, પણ મને તો પડી છે.’

‘ઓકેય મમ્મી.’ 

કલગી ત્યાંથી રવાના થાય તે પહેલાં તો એક માણસ ઝડપથી ચાલતો ચાલતો ત્યાં પહોંચ્યો અને  યુવાનને ઉદ્દેશીને બોલ્યો : ‘એય જયલા, અહીં શું કરે છે?’ 

‘આ તો પપ્પા, આ તો જરા આ લોકો સાથે વાતો કરતો હતો.’ યુવાને જવાબ આપ્યો.

‘ખોટી વાત છે. ‘ મનોરમા બોલ્યાં.

‘તમે શાંતિ રાખો. હું એની તપાસ કરું છું ને?’ એ માણસ બોલ્યો.  

મનોરમાને લાગ્યું કે આ તો કોઈ જાણીતો માણસ  છે. એ માણસે મનોરમાને હાથ જોડીને કહ્યું, ‘જય શ્રી કૃષ્ણ.’

‘જય શ્રી કૃષ્ણ.’ મનોરમા બોલ્યાં, ‘આ તમારો દીકરો છે?’ 

‘હા.’  

‘એને આવા સંસ્કાર આપ્યા છે? મારી છોકરીને ભોળવે છે.’ મનોરમા બોલ્યા.  

‘સંસ્કારની વાત બંને પક્ષને લાગુ પડે છે. અને, આજકાલની છોકરીઓ ભોળવાય એવી નથી હોતી. ભોળવે એવી હોય છે.’ 

જયદીપ પણ અણધાર્યા વિઘ્નથી મૂંઝાઈ ગયો હતો. પરિસ્થિતિથી ભાગવા માટે એ બોલ્યો : ‘પપ્પા, હું જઉં છું.’

‘ઊભો રહે. પહેલાં જવાબ દે. મામલો શું છે? કાલે જ મને  તારા પરાક્રમની ખબર પડી એટલે આજે જ મેં તને  રંગે હાથ પકડ્યો છે.’ 

‘પપ્પા, અહીં જાહેરમાં એ બધી ચર્ચા થાય એ ઠીક નથી. તમને તમારી આબરૂની નથી પડી, પણ મને તો પડી છે. આપણે ઘરે વાત કરીશું. બાય.’

જયદીપે કલગીને પણ ‘બાય’ કહ્યું, પરંતુ કલગીથી ‘બાય’ બોલાયું નહિ. એ રડવા જેવી થઈ ગઈ હતી.

બંને જણાં દોડવા લાગ્યાં, એકબીજાંથી વિરુદ્ધ દિશામાં.

કલગી અને જયદીપ બંનેની જૉબ એક જ કૉમ્પ્લેક્ષમાં હતી. બંને વચ્ચે સામાન્ય વાતચીતથી શરૂ થયેલો સંબંધ એકબીજાંને ‘આઇ લવ યૂ’ કહેવા સુધી પહોંચી ગયો હતો. જૉબથી છૂટ્યા પછી તેઓ વચ્ચે નાનકડી મુલાકાત શક્ય બનતી, પરંતુ તેઓ વિશેષ લાભ લઈ શકતાં નહોતાં.  તેઓ ક્યારેક ક્યારેક હોટેલમાં જઈને બેસતાં હતાં, પરંતુ કલગીને હંમેશા ઘરભેગાં થવાની  ઉતાવળ રહેતી.

જરૂરિયાત શોધખોળની માતા છે. રોજ સવાર સવારમાં એકબીજાંને મળી શકાય એ માટે જયદીપે સુંદરપુરાના રસ્તાની શોધ કરી હતી. પોતાના ઘરથી એ જગ્યા દૂર ન હોવાથી કલગીને પણ એ જગ્યા માફક આવી ગઈ હતી. કુદરતી વાતાવરણમાં એકબીજાંને મળવાની સુવિધા પ્રાપ્ત  થવાથી બંને જણાં ખુશ હતાં. તેઓ જૂના જમાનાના પ્રેમીઓ નહોતાં કે એકબીજાંને દૂરથી જ જોઈને કે પ્રેમપત્રો લખીને જ સંતોષ માને.

પરંતુ આજે એમની ખુશીમાં ભંગ પડ્યો હતો. અણધારી ઉપાધિ આવી પડી હતી.

‘મેં તમને કશે જોયા હોય એવું લાગે છે.’ મનોરમા બોલ્યાં. 

‘પતી ગયું. જનમોજનમ નહિ ભૂલવાના વચન દીધાં હતાં, પણ આ ભવમાં જ ભૂલી ગયાં?’ એ માણસ બોલ્યો.

‘અરે! તમે દુષ્યંત તો નહિ?’ 

‘હા, પણ તમે મને જોઈને તરત ઓળખી ન શક્યાં.’    

‘કેટલા વરસે મળ્યા! તમે ઓળખાય એવા પણ રહ્યા નથી. અર્ધા માથા પરથી વાળ ક્યાં ગયાં?’ 

‘સંસારની ચિંતા લઈ ગઈ.’ 

‘બહુ ચિંતા રહે છે?’ 

‘ચિંતા તો રહે છે, પણ તમને ચિંતા હોય એવું લાગતું નથી.’

‘ચિંતા તો કોને નથી હોતી. મનેય છે.’

‘શરીર તો ખાસું જમાવ્યું છે.’

‘એ તો ખાલી દેખાવાનું છે. બહુ બધી તકલીફો છે. શરીરની અને મનની પણ.’

‘સંસાર છે. ચાલ્યા કરે.’

મનોરમા અને દુષ્યંત બનેની જ્યારે પ્રેમમાં પડવાની ઉમર હતી ત્યારે પ્રેમમાં પડ્યાં તો હતાં, પરંતુ વડીલો અને સમાજના વાંકે તેઓ આગળ વધ્યાં નહોતાં, જેવી રીતે ‘કભી-કભી’ ફિલ્મમાં અમિતાભ અને રાખી આગળ વધ્યાં નહોતાં. મોટા ભાગની પ્રેમકહાનીની જેમ એમની પ્રેમકહાની પણ અધૂરી રહી ગઈ હતી.

બંનેએ એમની અધૂરી પ્રેમકહાની વિશે પોતપોતાના જીવનસાથીને જણાવવાનું સાહસ કર્યું ન હતું. આ કારણથી એમના સંસાર ટકી ગયા હતા.  

‘મારે જલદી ઘરે પહોંચવું પડશે. નહિ પહોંચું તો મારા ઘરવાળા મને શોધવા નીકળશે.’ મનોરમા બોલ્યાં.

‘કેમ? ઘરવાળા એટલી બધી ચિંતા કરે એવા છે.’

‘હા, બહુ ચિંતા કરે એવા છે. વરસમાં એકાદ વખત પિયર જઉં તો ત્યાં પણ વગર બોલાવ્યે દોડ્યા આવે. આજે પહેલી વખત ચાલવા નીકળી છું. મને નહિ જુએ તો ઘાંઘા થઈ જશે.

‘હું પણ પહેલી વખત જ ચાલવા નીકળ્યો છું. મારા એક ઓળખીતાએ કાલે મને જાણ કરી, કે તારો દીકરો સુંદરપુરાના રસ્તે કોઈ છોકરી સાથે ઊભો હતો એટલે આજે હું મારા દીકરાને રંગે હાથ પકડવા જ નીકળ્યો હતો. આજકાલના છોકરાં નસીબદાર તો છે જ. જુઓને કેવાં કેવાં બહાને ભેગાં થાય છે! આપણા જમાનામાં આવું હતું?’ 

‘આપણા જમાનામાં વડીલોનું માનવું પડતું હતું. સમાજથી ડરવું પડતું હતું.’ 

‘તોય મજા આવતી હતી. હું તમારા ઘરની સામે તમારો ચહેરો જોવા માટે અડ્ડો જમાવીને ઊભો રહેતો હતો. માંડ માંડ ક્યારેક મેળ પડતો હતો. જ્યારે મેળ પડતો હતો ત્યારે એમ લાગતું હતું કે  કશે પણ સ્વર્ગ છે તો અહીં જ છે.’  

‘હું પણ ઘણી વખત કૂતરાને રોટલી નાખવાના બહાને ડેલીની બહાર નીકળતી હતી. તમારો ચહેરો જોઈને થાક ઊતરી જતો હતો. તમે જતા રહ્યા હો તો ઘરમાં જઈને પ્રેમપત્ર લખવા બેસતી હતી.’  

‘હા, હું તો ઘણી વખત થાકીને સિગારેટ પીવા જતો રહેતો હતો.’ 

‘હવે તો સિગારેટ છોડી દીધી હશે.’ 

‘સિગારેટ તો તમે જ છોડાવી હતી, તમારા જ સોગંદ આપીને. ભૂલી ગયાં?” 

‘બહુ વરસો થઈ ગયાં. આમેય હવે બહુ યાદ રહેતું નથી.’

‘યાદ ન રહે એમાં જ મજા છે.’  

‘સમય બધું ભૂલવાડી દે છે.’ 

‘એટલે જ જિંદગી જીવાય છે.’

‘સાચી વાત છે. હું હવે રજા લઉં.’

‘ફરી ક્યારે મળશો?’

‘હવે મળવાની વાત કેવી?’

‘મળવું તો પડશે જ ને?’

‘કેમ?’

‘આ આપણાં છોકરાં આમ જાહેર રસ્તે પ્રેમ કરે છે તો એનું કાંઈક કરવું તો પડશે ને?’ 

‘બીજું શું કરવાનું હોય. તમે તમારા દીકરાને સાચવો ને હું મારી દીકરીને સાચવીશ.’ 

‘મતલબ કે જેમ આપણા મનની વાત આપણાં મનમાં જ રહી ગઈ એમ એમનાં મનની વાત એમનાં મનમાં જ રહી જાય એવું કરવું છે?’   

‘તો બીજું શું થાય?’ 

‘થાય ને. બંને જણાં વટથી કોઈ હોટેલમાં જઈને નિરાંતે બેસે એવું થઈ શકે.’

‘તમે શું કહેવા માગો છો?’

‘હું એમ કહેવા માગુ છું કે એ બંનેની સગાઈ કરી નાખીએ. પછી ભલે બંને હકથી હળેમળે. એમના માટે સારું અને આપણા માટે પણ સારું.’

‘સગાઈ? મારી છોકરીની સગાઈ તમારા છોકરા સાથે?’

‘ન થાય? મને તો એવું જ લાગે છે કે આપણા નસીબમાં વેવાઈવેલા બનવાનું જ લખાયેલું છે.’

‘એમ જોયાજાણ્યા વગર બેઉની સગાઈ ક્યાંથી થાય?’

‘કેટલું જોશો ને કેટલું જાણશો? આપણી તો જૂની ઓળખાણ છે જ. છોકરાછોકરીએ પણ એકબીજાંને જોયાં છે. તમે પણ મારા દીકરાને જોઈ લીધો ને? કેવો લાગ્યો?’

‘દેખાવે તો સરસ છે.’

‘બધી રીતે સરસ છે. તમારી દીકરીને ખુશ રાખશે. તમારી દીકરી પાણી માગશે તો પેપ્સી  હાજર કરશે.’

‘તમારી વાઇફને અને મારા હસબન્ડને ગણતરીમાં નહિ લેવાનાં? એમને પણ રાજી કરવાં પડશે ને? એમને એમની રીતે બધું જોવા ને જાણવા દેવું પડશે.’

‘એ તો કરવું જ પડશે. મારી વાઇફને તો તમારી દીકરી જરૂર ગમશે.’

‘પતંગિયા જેવી છોકરી કોને ન ગમે? તમારા વાઇફનો સ્વભાવ તો સારો છે ને?’   

‘એકદમ મસ્ત, મીઠી જલેબી જેવો. તમારા હસબન્ડનો સ્વભાવ?’

‘અમરીશપુરીના સ્વભાવ જેવો. એમને ખબર પડે કે કલગી કોઈ છોકરાને પ્રેમ કરે છે તો એ કલગીને ઘરની બહાર જ નહિ નીકળવા દે. સગાઈ તો દૂરની વાત રહી.’

‘એ પણ માની જશે અને કલગીને કહેશે કે જા કલગી જા. જીવી લે તારું જીવતર.’

‘આ કેસમાં એવું નહિ થાય, એ પોતાનો જ કક્કો ખરો કરે એવા છે. તમે જ કહો કે આમાં આગળ કેમ વધવું?’

‘બધાના મનનું સમાધાન થઈ જાય એવો એક પ્લાન મારી પાસે છે.’

દુષ્યંતે મનોરમાને એ પ્લાન સમજાવ્યો.

પ્લાન સમજી લીધા પછી મનોરમાએ રજા માગી.

બંનેએ મુલાકાત પૂરી કરી અને ચાલવા લાગ્યાં, એકબીજાંથી વિરુદ્ધ દિશામાં.

*

‘એય સાંભળે છે?’ રાવજી બોલ્યા.

‘સાંભળું છું.’ મનોરમાએ જવાબ આપ્યો.

‘વૃજલાલ આપણી કલગી માટે એક ઠેકાણું લાવ્યા છે. એક છોકરાનો ફોટો અને બાયોડેટા આપ્યા છે. જોઈ લે. તને તો જવાબદારીની કાંઈ કહેતાં કાંઈ પડી નથી. મારે જ બધી ચિંતા કરાવી પડે છે.’  

મનોરમાએ છોકરાનો બાયોડેટા અને ફોટો જોયા અને બોલ્યાં : ‘છોકરો તો સારો લાગે છે.’

પછી મનમાં જ બોલ્યાં કે, ‘મેં જોયો છે.’

‘તો કલગીને દેખાડજે. ન માને તો મનાવી લેજે. ઠેકાણું જવા દેવા જેવું નથી. મેં પૂરી તપાસ કરાવી છે. છોકરાના માબાપનો સ્વભાવ સારો છે.’

‘છોકરાના બાપનો સ્વભાવ સારો છે એ તો મનેય ખબર છે.’ મનોરમા બોલ્યાં, મનમાં જ.    

મનોરમાએ જ્યારે કલગીને કહ્યું, કે તારા પપ્પા પાસે તારા માટે એક સારું ઠેકાણું આવ્યું છે ત્યારે કલગીએ કહી દીધું, ‘મારે નથી પરણવું.’

‘પણ છોકરાનો ફોટો તો જો.’

‘નથી જોવો.’

‘જો તો ખરી પછી ના પાડજે.’ એમ કહીને મનોરમાએ કલગીની સામે છોકરાનો ફોટો ધરી  દીધો. 

‘મમ્મી... આ તો જયદીપ છે. સુંદરપુરાના રસ્તે મળ્યો હતો એ. તમે એને ઓળખ્યો નહિ?’

‘ઓળખ્યો છે એટલે જ કહું છું કે હા પાડી દે તો તારા પપ્પા વાત આગળ વધારે.’

‘તમે મારા પપ્પાને કહી દીધું કે હું આ છોકરાને પ્રેમ કરું છું.’

‘એવું ડહાપણ નથી કર્યું. કરાય પણ નહિ. અવળું ઊતરતાં વાર ન લાગે.’

‘ઓ માય સ્વીટ મમ્મી.’

કલગી મનોરમાને વળગી પડી. 

*   

‘અલી, હું કહું છું એ સાંભળે છે?’ દુષ્યંત બોલ્યા.  

‘સાંભળું છું. હું બેરી નથી.’ તરલિકા બોલ્યાં.

‘જયદીપ માટે એક ઠેકાણું આવ્યું છે.’

‘કોણે બતાવ્યું?’

‘પરમાનંદે. એમણે એક છોકરીનો ફોટો અને બાયોડેટા આપ્યા છે.’

છોકરીનો બાયોડેટા અને ફોટો જોઈને તરલિકા બોલ્યાં, ‘છોકરી તો સરસ છે. આપણા જયદીપની અને આ છોકરીની જોડી જામે એવું લાગે છે.’

‘જોડી જામે એવી જ છે. મેં મારી સગી આંખે જોયું છે.’ દુષ્યંત બોલ્યા, મનમાં જ. 

‘એ પણ જોવું જોઈએ ને કે છોકરીના માબાપનો સ્વભાવ કેવો છે.’ તરલિકા બોલ્યાં.

‘છોકરીની માનો સ્વભાવ તો ખૂબ જ સારો છે.’ દુષ્યંત બોલ્યા, મનમાં જ

‘આવી વાતમાં ઉતાવળ ન કરાય.’ તરલિકા બોલ્યાં.

‘આપણે ક્યાં ઉતાવળ કરવી છે. તું કહે એમ આગળ વધશું, સ્ટેપ બાય સ્ટેપ. પછી કાંઈ?’   

‘પછી પછી શું કરો છો. દુષ્યંત સાથે વાત કરી લો અને આગળ વધો.’ 

દુષ્યંતે જયદીપને જ્યારે કહ્યું કે તારા માટે એક ઠેકાણું આવ્યું છે ત્યારે જયદીપ બોલ્યો, ‘મારે લગ્ન નથી કરવા. પપ્પા, તમે જાણો છો ને કે હું એક છોકરીના પ્રેમમાં છું.’

‘પણ આ છોકરીનો ફોટો તો જો.’ એમ કહીને દુષ્યંતે જયદીપની સામે ફોટો ધરવા લાગ્યા.

‘મારે ફોટો નથી જોવો.’ એમ કહીને જયદીપે ફોટો આંચકી લીધો અને એ ફોટાને ફાડવા જતો હતો ત્યાં તો એની નજર ફોટામાં રહેલી કલગી પર પડી.

‘પપ્પા, આ તો કલગી છે.’ એમ કહીને એ તો ઊછળી પડ્યો.

‘હા, કલગી જ છે. તને ગમે છે?” 

‘ગમે જ છે ને. તમે તો જાણો છો પછી શું કામ પૂછો છો.’

‘તો સાંભળ. વાત આગળ વધે એટલે આપણે છોકરી જોવા જવાનું છે.’

‘છોકરી તો જોયેલી જ છે ને? જોયેલીને શું જોવાની?”  

‘તેં અને મેં જોઈ છે. તારી મમ્મીએ તો નથી જોઈને.’

‘પણ તમે એમને કહ્યું નથી કે જયદીપ આ જ છોકરીને રોજ સવારે સુંદરપુરાના રસ્તે મળવા જતો હતો.’

‘ન કહેવાય. તારી મમ્મીને કહેવાતું હોય એટલું જ કહેવાય. હું કહું તો એ એવું તારણ કાઢે કે જે છોકરી બારોબાર કોઈ છોકરાને મળવા આવતી હોય એ છોકરીના સંસ્કાર સારા ન હોય!’

‘એ વાત તો સાચી. મારી મમ્મીનું ભલું પૂછવું.’   

‘તો બસ. હવે હું કહું એમ તારે કરવાનું છે.’

‘તમે કહો એમ કરીશ માય ડિઅર પપ્પા.’

સુંદરપુરાના રસ્તે દુષ્યંતે મનોરમાને જે પ્લાન સમજાવ્યો હતો એ પ્લાન પ્રમાણે જ વાત આગળ વધી હતી.

એ પ્લાન મુજબ દુષ્યંતે એમના એક મિત્ર નામે પરમાનંદને આખું ઓપરેશન પાર પડવાની જવાબદારી સોંપી હતી. પરમાનંદ ઠેકાણાં બતાવવાના અને સગાઈઓ કરાવવાના કામમાં પાવરધા હતા. 

પરમાનંદે વ્રજલાલ નામના રાવજીના એક સગા મારફતે જયદીપનો ફોટો અને બાયોડેટા રાવજીને પહોંચાડ્યા હતા અને બદલામાં કલગીનો બાયોડેટા અને ફોટો મેળવીને દુષ્યંતને પહોંચાડ્યા હતા.

રાવજીને ઠેકાણું સારું લાગ્યું હતું તેથી એમણે જયદીપનો ફોટો અને બાયોડેટા મનોરમાને આપ્યા હતા, જે મનોરમાએ કલગીને બતાવ્યા હતાં. દુષ્યંતે કલગીનો ફોટો અને બાયોડેટા તરલિકાને અને જયદીપને બતાવ્યા હતા.  

પછી તો બંને પરિવારો વચ્ચે ઉપરાછાપરી મુલાકાતો થઈ, મન ભરીને વાતો થઈ, જીણીજાડી ચોખવટો થઈ, લાગતાંવળગતાં બધાંની હા થઈ, પરિણામે કલગી અને જયદીપની સગાઈ થઈ અને ઘડિયાં લગ્ન પણ લેવાઈ ગયાં. 

કલગી અને જયદીપનાં લગ્ન ધામધૂમથી થઈ ગયાં. લગ્નમાં કલગી અને જયદીપ તો નાચ્યાં જ, બાકીના બધાં પણ બહુ નાચ્યાં. દુષ્યંતે અને તરલિકાએ નાગિન ડાન્સ કર્યો. રાવજીએ ધર્મેન્દ્ર ટાઇપ ડાંસ કર્યો. મનોરમા પણ  ભારે શરીરે જેવું નચાય એવું નાચ્યાં, પરિણામે એક ચમત્કાર થયો. ચમત્કાર એવો થયો કે એમના ગોઠણનો દુખાવો મટી ગયો.

રિસેપ્શનમાં નિમુબહેન પણ પધાર્યાં હતાં. એમણે સ્ટેજ પર જઈને નવદંપતીને કવર આપ્યું. [કવરમાં અગિયાર રૂપિયા હતાં.] એમણે કલગી અને જયદીપને આશીર્વાદ આપ્યા : ‘સુખી થજો. જે થાય તે સારા માટે. હવે તમારે બંનેએ સવાર સવારમાં સુંદરપુરાના રસ્તે દોટ નહિ મૂકવી પડે.’

આ રીતે કલગી અને જયદીપના પ્રેમસંબંધમાં આવેલી ઉપાધિ અવસરમાં પલટાઈ ગઈ.

[સમાપ્ત] 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ