વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારો એ

મારો એ 

"ભાગી જા મારી માં, મને તારો નિર્ણય યોગ્ય જ લાગે છે. તે છેલ્લા એક દાયકાથી વધુ તો સફર જ કર્યું છે...આજે નીકળીશ તોજ નીકળી શકીશ...નહી તો પછી ક્યારેય નહી છોડી શકે તું આ બંધન.. જતી રે માં." મારી વીસ વરસની દિકરી, અમી, મને સમજાવતી હતી.

અને હવે મારે શું કરવું એ નિર્ણય લેવો હતો.

ત્રણ દિવસ પછી મારા લગ્નને પચ્ચીસ વરસ પુરા થવાના હતા, એ પ્રસંગ ઉજવવા મારા સાસુ સસરા, પપ્પા મમ્મી, મારા ભાઈ ભાભી,જેઠ જેઠાણી, અને મારી પ્રિય બહેનપણી,અવની સપરિવાર આવતી કાલે આવવાના હતા.

બે દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, પહેલા દિવસે મેહંદી, હલ્દી અને ગરબાનો કાર્યક્રમ જ્યારે બીજા દિવસે પહેલા ફેરા, અને પછી ગોયણી. 

આ બધું આયોજન મારા સાસુમાં નાં કહેવાથી કરવામાં આવેલ છે. 

અને આ બાજુ હું, મારા પતિના ઠંડા વ્યવહારથી કંટાળીને, છૂટાછેડા સુધીનો વિચાર કરતી હતી.

એનું પણ કારણ હતું, મારા પતિ, આકાશ, જે મારા બાળ મિત્ર પણ હતા, પહેલા આવા નાં હતા. આજથી ચાલીસ વરસ પહેલાં જ્યારે હું દસેક વરસની હોઈશ ત્યારે એ લોકો અમારી સોસાયટી માં રહેવા આવ્યા હતા. અઠવાડિયામાં તો તેમની નાની બેન અવની, મારી પાકી બહેનપણી બની ગઈ. પછી તો તેમની ઘરે જવું આવવું બહુજ સામાન્ય થઈ ગયું. પણ અવનીની બે વરસ મોટા આકાશ, પોતે સામે ચાલીને બોલે એવા નહોતા, એટલે મેં જ સામેથી મૈત્રી કરવાનો પ્રયાસ કર્યો અને અમારી મૈત્રી થઈ. હવે અમારી સાથે આકાશપણ રમવા આવતા.

સમય જતાં અમારી ઉંમર વધી અને હાઇટ પણ. 

આકાશ લગભગ છ ફૂટ જેટલા ઊંચા થઈ ગયા, સાથેજ પહેલેથીજ દેખાવડા આકાશને મૂછો ફૂટી નીકળી જેના લીધે એ એકદમ ફિલ્મી હીરો જેવા લાગતા.

એ વખતે હું દસમાં માં હતી

મને આકાશ ગમવા લાગ્યા, એટલે હું નવનવા કારણો શોધી એમને મળવા જતી..અને દસમાંમાં આયા પછી તો દાખલા લઈ લઈને જવું એક સહેલું કારણ મળી ગયું હતું.

એમાં એક દિવસ તો હું, એક સાદા ગુણાકારનો દાખલો લઈ પોંહચી ગઈ. જે જોઈને આકાશ એકદમ હસવા લાગ્યા અને મને કહ્યું, "આટલો સહેલો ગુણાકાર ન આવડતો હોય, તો તારે ચોથા ધોરણ માં બેસી જવું જોઈએ."

મને એની પર બહુ ગુસ્સો આવ્યો, મે મારી નોટબુક લીધી અને રૂમ માંથી બહાર આવી ગઈ. મનોમન નક્કી કર્યું કે હવે એ સામેથી નહી બોલાવે ત્યાંસુધી નહી જ જાઉં.

મને લાગ્યું કે આ અરસિક માણસને મારો પ્રેમ નહી સમજાય. 

ગુસ્સામાં જ હું ઘરે આવીને સીધી મારી રૂમ માં ગઈ, નોટબુક એકબાજુ ફેંકી અને પથારીમાં જઈને બહુજ રડી.

હવે મે અવનીને મારી ઘરે બોલાવવાનું ચાલુ કર્યું. અમે બેઉ અમારી ઘરે વાંચતા. 

અવની મને ઘણી વાર એની ઘરે બોલાવતી પણ હું કોઈ ને કોઈ બહાનું બનાવતી.

આમને આમ લગભગ ચારેક દિવસ નીકળી ગયા, ત્યાં એકદિવસ અવની મને બોલી કે ,"આકશભાઈ એ તારા માટે સંદેશો મોકલ્યો છે કે આ દસમું છે તો નવું નવું શીખવામાં જૂનું ન ભુલાઈ જાય એનું ધ્યાન રાખવું."

મને એ દોઢ ડાહ્યા પર બહુજ ગુસ્સો આવતો હતો. પણ મે શાંતિ જાળવી. પણ મારી માં આ વાર્તાલાપ સાંભળી ગઈ હતી. એટલે મારું લેસન પતિ ગયા પછી તેણીએ મને કહ્યું કે ,"બેટા આકાશ સાચું કહે છે, કે જે દાખલા તને પહેલા આવડ્યા નહોતા અને આકાશે શીખવડ્યા છે, તે ફરી એકવાર કરી જોજે એટલે હવે ફાવે છે કે નહી તે ખબર પડે."

મારે નાં છૂટકે એ નોટબુક જોવી પડી જેમાં આકાશે મને દાખલા શીખવાડયા હતા.

અને જેવી મે એ નોટબુક ઉપાડી, એમાંથી એક ગુલાબી રંગનું કાગળિયું નીચે પડયુ. મે એ ઉઠાવીને વાંચ્યું તો એ.."મારી વ્હાલી," થી શરૂ થતું એક પ્રેમપત્ર હતું, કે આકાશે મારા માટે લખ્યું હતું

આનો અર્થ એ હતો કે એ બી મારા પ્રેમમાં પાગલ હતા..! ઓહ્ ..! કેવી મસ્ત ફિલિંગ આવતી હતી..જાણે અતિશય ગરમ ધરતી પર પહેલા વરસાદના છાંટા પડ્યા હોય અને એ તરસી ધરતી તૃપ્ત થઈ હોય એમ હું પણ તૃપ્ત થઈ અને ભવાવેશ માં અવનીની ઘરે દોડી ગઈ.

આકાશ સામેજ ભટકાણા,"જૂના દાખલા ગણ્યાં લાગે છે" કહીને તેમણે મારી સામે સ્મિત કર્યું. હું શરમાઈ ગઈ. મારા જેવી બિન્ધાસ્ત છોકરી શરમાઈ એટલે આકાશે ફરી કહ્યું,"જવા દે શરમાઈ જવું તારા પર સુટ નથી કરતું" અને જોરથી હસવા લાગ્યા.

મને બહુજ ગુસ્સો આવ્યો. મેં એમની સામે બહુજ ગુસ્સાથી જોયું એટલે એ મારી નજીક આવ્યા અને એકદમ ધીમી આવાજે બોલ્યા,"વ્હાલી, મજાક કરું છું..તારા પર તો કઈ પણ સુટ થાય છે...ગુસ્સામાં તો તું એક નંબર લાગે છે."

એટલા માં અવની ત્યાં આવી ગઈ. 

એમ ક્યારેક ટીખળ, ક્યારેક મજાક મસ્તી કરતા કરતા, એકબીજાને પ્રેમપત્રો લખતા, છાના છુપા મળતા અમે કૉલેજ પહોંચ્યા. હજુ સુધી અમે અમારી સાવચેતીથી, અવનીને અમારા વચ્ચે કઈ છે એની ભનક પડવા નહોતી દીધી પણ કૉલેજ માં એક છોકરાએ મારી છેડતી કરી અને આકાશે, એ છોકરાની ધુલાઈ કરી નાખી અને એટલું ઓછું હોય તેમ એ છોકરાને ધમકી આપતી વખતે કહ્યું કે,"જો ભૂલ થી ક્યારેય મારી દિશા તરફ જોયું તો તારા હાડકા ભાંગી નાખીશ." બસ પતી ગયું. અવની ને ખબર પડી અને પછી તો બે મહિનામાં ઘરમાંય ખબર પડી ગઈ.

આકાશ એ વખતે એમ ટેક છેલ્લા વરસ માં હતા અને હું બી ઇ નાં ચોથા વરસમાં. બસ ઘરવાળાએ નિર્ણય લઈ લીધો કે જેવી આકાશને નોકરી મળે તરતજ અમારા લગ્ન લઈ લેવા.

અને એક વરસની અંદરજ અમારા લગ્ન લેવાઈ ગયા.

મારા માટે મારું સાસરું નવું નહતું, એટલે મને અહી સેટ થવામાં જરાય વાર ન લાગી. પણ સાસરું એટલે સાસરું..થોડા બંધનો તો હોયજ!

હું આકાશને બહુ ટાઈમ આપી શકાતી નઈ તેના લીધે આકાશ હંમેશા મારાથી ગુસ્સે રહેવા લાગ્યા. પણ એમનો એ ગુસ્સો હું બેડરૂમ માં જાઉં ત્યાં સુધી જ રહેતો.જેવી હું બેડરૂમ માં જતી તેવીજ પૂર્ણ પ્રેમવર્ષા કરી આકાશને હું વ્હાલથી ભીંજવી નાખતી એટલે તેમનો ગુસ્સો ઓગળી જતો.

પણ એમાં બીજું વરસ પૂરું થતાં તો અમીનો જન્મ થઈ ગયો.હવે તો બેડરૂમમાં પણ મને અને એમને નજીક આવવાનું ઓછું થઈ ગયું. મને એમની તકલીફ સમજાતી હતી. એટલે જ્યારે અમી ત્રણેક વરસની હશે ત્યારે એકવાર મે આકાશ માટે એક સરપ્રાઈઝ ગોઠવ્યું.

ઘરનાને બધાને ખોટું કહ્યું કે આકાશ ની ઓફિસેથી પિકનિકમાં જવાનું છે. મારા સાસુને મારી દીકરી સોંપીને હું, આકાશનાં ઑફિસેથી છૂટવાના સમયે, તેમની ઓફિસની બહાર કાર લઈને ઉભી રહી. મને ત્યાં જોઈને એમને આશ્ચર્ય થયું, પણ મે એમને ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો. અને ગાડી લઈને નીકળી પડી. ગાડી અમારા ઘરથી અવળી દિશામાં જતી જોઈને આકાશ ચોકી ગયા,"ક્યાં જઈએ છીએ આપણે? આપણે ઘરના રસ્તે નથી." 

"નાં નથી" મે સ્મિત સાથે કીધું,

"તો"

"એ સરપ્રાઈઝ છે" મે આંખ મારીને કહ્યું.

આકાશ મારી સામે જોઈ જ રહ્યા.

હું એમને લઈ ગઈ સીધી એક  રિસોર્ટ માં. જ્યાં પહોંચતા પહોંચતા આકાશ થોડા સામાન્ય થઈ ગયા હતા. રૂમમાં પહોચ્યા પછી નટખટ સ્વરમાં ધીમેથી બોલ્યા,"પહેલા કહ્યું હોત તો મારી પણ તૈયારી કરીને આવત ને,મારી મીઠડી, જલેબી."

"જલેબી? હું તો એકદમ સીધી છું" મે કહ્યું.

"હાસ્તો જલેબી જ વળી લોકોને એમ લાગશે કે મે આ પ્લાનિંગ કર્યું હશે, અને કરવાવાળી તું છે, બહુ સીધી નહી.પણ હવે માટે મેડિકલ જઈને આવવું પડશે." મને બાહુપાશમાં લેતા તે બોલ્યા.

મે થોડું શરમાતા કહ્યુ,"નાં એની જરૂર નથી. હું તમારી તૈયારી પણ સાથે લઈનેજ આવી છું." 

"મારી સ્વીટ જલેબી" કહીને તેમણે મે બતાવેલ બેગ તરફ નજર કરી.

બેગમાં પડેલી એક કોથળીમાં એમની મનગમતી ફ્લેવરની એ વસ્તુ જોતાંજ એ એકદમ  ખુશ થઈ ગયા..અને પછી તો ...! બધુજ કહેવાનું ન હોય, કઈક તમે જાતે સમજી લો.

લગભગ દોઢ કલાક પછી આકાશે ઘરે ફોન કર્યો અને કહ્યું કે મમ્મી અમે પિકનિક કરવા નીકળ્યા ત્યાજ એક અરજન્ટ મુંબઈનું કામ આવી ગયું છે એટલે બે દિવસ માટે અમે મુંબઈ જઈએ છીએ તું અમીને સાચવી લેજે.

એ બે ત્રણ દિવસ અમારા માટે સ્વર્ગ સુખ આપનારા હતા. દસ મિનિટ એકબીજાનો સથવારો ઝંખતા અમે ચોવીસ કલાક સાથે હતા. એ દિવસ પછી ફરી આકાશ સામાન્ય થઈ ગયા પણ પછી બે ત્રણ મહિનામાં જ હું ફરી ગર્ભવતી થઈ, જેના માટે આકાશ તૈયાર ન હતા. 

આ વખતે બેડ રેસ્ટ કહેવામાં આવ્યો એટલે ફરી માંડ ઠેકાણે પડેલ અમારો સંબંધ ફરી લાઈન પરથી ગબડી જવાની સરુવાત થઈ ગઈ.

નઉ મહિના પૂર્ણ થતાં આશિષ પુત્ર રૂપે અવતર્યો. આશિષનાં આવવાથી આકાશ એકદમ ખુશ હતા પણ અમારા સંબંધોમાં પહેલા જેવી ગરમી નહોતી રહી.

ધીરે ધીરે હું ઘર માં અને એ ઓફિસ માં બિઝી થઈ ગયા. હવે અમારામાં રહેલ નટખટપણું ઓછું થઈ ગયું હતું. એકબીજાની છેડ કાઢવી, જાણી જોઈને આગળ પાછળ ફરવું ઘણું ઓછું થઈ ગયું હતું.

પાંચેક વરસ પછી છોકરાઓ પોતપોતાની રૂમમાં સુવા લાગ્યા પણ આકાશ હજુ પણ રાતના ઓફિસનાં કામનાં બહાને મારી પાસે આવવનું ટાળતા હતા. દરેક વખતે કંઈ મને સેકસ ની જ ઈચ્છા રહેતી એવું નહી પણ મારો વર મારી પાસે આવે અને પ્રેમ થી ચાર વાતો કરે, ક્યારેક વાતો પણ નાં કરે બસ ખાલી મારા ખોળામાં પહેલાની જેમ માથું રાખીને સુએ ,એવું બધું હું વિચારતી. અને ઘણી વાર એમને કહેતી પણ. 

પણ કદાચ વધતી ઉંમરને લીધે, કામના પ્રેશરને લીધે હોય કે પછી શારીરિક અક્ષમતાને લીધે હોય પણ ઓછો આત્મવિશ્વાસ એમને કોરી ખાતો હતો. એમાંય મે એમને ઘણી સાથ આપી, ડોક્ટર પાસે લઈ ગઈ, પણ માનસિક તાણને લીધે આવી તકલીફ થઈ છે એવું ડોક્ટર નું કહેવું હતું. ધીરે ધીરે અમારા સંબંધો ફક્ત અમુક શબ્દો સુધી અને ખાવા પીવા સમયે વસ્તુઓની આપ લે સુધી સીમિત થઈ ગયા.

આ બાજુ અમી પણ હવે ચૌદ પંદર વરસની થઇ ગઈ હતી અને એક દિવસ મને રડતી જોઈ એ બધું જ સમજી ગઈ.

પણ પછી એને મને ચાલવા જવાનું, કીટી પાર્ટી જોઈન કરવાનું કહ્યું, કે જેથી મને મારી એકલતા સહન કરવું સહેલું થાય. મે એના કહ્યા પ્રમાણે કર્યું પણ. અને એથી મારા મનને તો શાંતિ મળતીજ હતી. 

એમજ એક દિવસ મે, "મારે આ ઘરમાંથી બહાર નીકળી , બહારનું વિશ્વ જોવુ છે, અહીથી તારા પપ્પાથી દુર જતું રહેવું છે" એવું અમીની સામે કહ્યું.ત્યારે એ કૉલેજનાં પ્રથમ વરસ માં હતી. બસ પછી તો એણે તરતજ મારા માટે એક સ્ત્રી સ્પેશિયલ સામૂહિક પ્રવાસની ટિકિટ કાઢી આપી. મને એ પ્રવાસ દરમ્યાન મારામાં રહેલી જૂની દિશા પરત મળી. પણ હું અને આકાશ હવે ઘણા દૂર થઈ ગયા.

અને એટલેજ મારે એની સાથે ફરી લગ્ન કરવામાં કોઈ ઉત્સાહ નહતો લાગતો અને આકાશને બી ક્યાં ઉત્સાહ હતો.

"શું વિચારે છે મમ્મી?" લે આ લે ટિકિટ, મને ખબર હતી કે તું દસ વાર વિચાર જ કરીશ પણ ટિકિટ કાઢવા નહિ જાય એટલે મે પહેલાં જ કઢાવી લીધી. અહી હું સંભાળી લઈશ બધું. જા નવેસર થી જિંદગી જીવી લે મારી માં" કહીને એણે મારા બંને ગાલ બેઉ હાથમાં લઇ મારા કપાળને ચૂમી લીધું, આજે એ મારી દીકરી મટીને મારી માં બની ગઈ હોય એમ લાગતું હતું.

"તારી ટેક્સી ઘરની બહાર આવી ગઈ છે." આશિષ આવીને બોલ્યો "એટલે આ પણ એમાં શામિલ છે!" હું મનોમન મારા બેઉ સંતાનોને માં મન ભરીને જોઈને ઘરમાંથી નીકળી. 

છેલ્લે એકવાર આકાશને મળવાની ઈચ્છા હતી પણ એ ઓફિસના ટૂર ઉપર ગયા હતા એટલે એ શક્ય નહતું.

ટેક્સીમાં હું એરપોર્ટ પર આવી ત્યાંથી મારી ફ્લાઇટ હતી મુંબઈ માટે. મુંબઈથી ફરી ટેક્સી બુકિંગ હતી ખંડાળાની. 

પૂર્ણ પ્રવાસ દરમિયાન ઘણીવાર આકાશ યાદ આવ્યાં, હું હજુ પણ એને પ્રેમ કરું છું એવી ગવાહી મારું મન વારંવાર આપતું હતું. એટલે મે એને ફોન કર્યો.

"શું કામ છે? કઈ અર્જન્ટ હોય તો બોલ મિટિંગમાં છું."આકાશે રુખા સ્વરે કહ્યું.

 એટલે આકાશમાટે મારી કિંમત મિટિંગ કરતા ઓછી છે, એ વિચાર આવ્યો અને પાછુ મન 'આપણે કોઈ ભૂલ નથી કરતા' એ વાતનો સ્વીકાર કરવા લાગ્યું.

સાંજે સાડા આઠે હું ખંડાળા નાં એક ચાર સિતારા હોટેલ,"ગુલમહોર" પાસે પોહચી. કાઉન્ટર ઉપર મારી બુકિંગનાં પેપર બતાવ્યા, રિસેપ્શનવાળીએ પૂછ્યું,"કેટલા દિવસ રહેવાનો વિચાર છે?"

મે દુઃખી મન સાથે કહ્યું,"જો તમે રાખી લો તો કાયમ માટે."

ઓલીને લાગ્યું કે હું મજાક કરું છું એટલે એ બોલી,"બિલકુલ મેમ રહી શકો છો."

મને રૂમ નમ્બર 204 આપવામાં આવી હતી. મનથી ઉદાસ અને તનથી થાકેલી હું, રૂમમાં ગઈ અને નાહીને બિસ્તરાપર  આડી પડી. ન જાણે કેટકેટલાય એવા પ્રસંગો નજર સામે આવવા લાગ્યા જ્યાં આકાશે મારું મન રાખવા ગમે તે કર્યું હતું, મને પ્રેમથી કેટ કેટલીય વાર સમજી લીધી હતી અને ખાસ તો ક્યારેય એની તીવ્ર ઈચ્છા હોવા છતાંય , મારી પર બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધ્યો ન હતો!

મને લાગ્યું કે 'એ મારાથી ઘણો પ્રેમ કરે છે એટલે જ ને! પણ મે શું કર્યું? મને મારી ભૂલ સમજાઈ કે આજે જ્યારે એ જરાક નમતા છે તો મારે એમને સમજી લેવું જોઈએ,આમ છોડીને આવવું સારું ન કહેવાય.'

મે મારા ટ્રાવેલ એજન્ટને આવતી કાલની પાછી જવાની ટીકીટ કરવાનું કહ્યું. હવે મને જરા નિરાંત થઈ, એટલે મે જમવાનું મંગાવ્યું. અમીને ફોન કરીને હું કાલે આવું છું કહું, એ થોડી ગુસ્સે થઈ પણ પછી બોલી,"સારું મમ્મી તું ગમે તે કહે પણ તું હજીયે પપ્પાને પ્રેમ કરે જ છે." એની વાત ખોટી નથી. "હું આજ પણ આકાશને .." એમ હું વિચારતી હતી ત્યાજ મારા રૂમ પર કોઈ બારણું ખખડાવતું હતું. 

' કદાચ જમવાનું આવી ગયું ' વિચારતા મે બારણું ખોલ્યું

એક ટોપી પહેરેલ વેઈટર, નીચા મોએ ટ્રેમાં જમવાની સામગ્રી લઈને ઉભો હતો, મે એને અંદર મૂકવા કહ્યું. એણે અંદર આવી બધું ટેબલ પર ગોઠવ્યું. અને પાછા જતી વખતે, બારણું અંદરથી જ બંધ કરી લીધું, એટલા માં લાઈટ જતી રહી. હું ઘબરાઈ ગઈ. રૂમ માં હું એકલી હતી, લાઈટ નહોતી, અને વેઇટર !

એટલા માં મને મારા શરીર પર એક હળવો સ્પર્શ જણાયો. મે ચીસ પાડી," કોણ છે? દૂર રહો"

તેણે ન સાંભળ્યા જેવું કરીને મારો હાથ જોરથી એવી રીતે ખેંચ્યો કે હું એની સાથે અથડાણી. 

અને જેવી હું એને અથડાણી એણે તરતજ મારા હોઠ ચૂમી લીધા. એટલે મે એને ધક્કો માર્યો.

એટલા માં લાઈટ આવી અને જ્યારે એનો ચહેરો જોયો તો  હું સામેથી એને વળગી પડી, એ આકાશ હતા. મારી એકદમ પાસે...મારા આકાશ!

"તમે ..તમે અહી કેવી રીતે?" મે પ્રશ્ન પૂછ્યો.

"તને શું લાગે છે કે તને એકલીનેજ સરપ્રાઈઝ આપતા આવડે છે, અમને નહિ?" મને પોતાની નજીક લેતા એ બોલ્યા.

"ઓહ્ તો આ બધા માં છોકરાઓ પણ સામેલ છે ખરું ને?" મે આકાશને કહ્યું.

"એમને છોડ ને, મારો વિચાર કર બસ" કહી આકાશે મારી ઓઢણી ફગાવી દીધી.

 મનમાં મને બહુજ આનંદ થયો આજે ખરેખર પચ્ચીસ વરસ પહેલાંના આકાશ મને પાછા મળ્યા હતા.

આખી રાત જાણે અમારા હનીમૂન નું પુનરાવર્તન હોય એમ અમે માણી અને સવારે નાસ્તા માટે બહાર નીકળ્યા તો સામે બેઉ છોકરાઓ, મમ્મી પપ્પા , સાસુ સસરા અને બાકીના બધાજ સામે મળ્યા. હું ચોંકી ગઈ, પણ મારા સાસુમા બોલ્યા કે, "ભાઈ આ ડેસ્ટીનેશન વેડિંગ નો જમાનો છે, તો તમારી પચ્ચીસ મી એનીવર્સરી કેમ સાધી ઉજવવાની?"

"બિલકુલ માં તમે સાચું જ કહો છો,પણ સ્વીટ માં તો જલેબી જ કરાવજો માં,કારણ મને જલેબી બહુ ભાવે છે." આકાશે મારી સામે આંખ મારતા, માં ની હા માં હા ભેળવી.

અને હું એ કંઈ જલેબીની વાત કરે છે એ સમજીને, શરમ થી નીચું જોઈ ગઈ..હવે મને ભાગી આવી એનો અફસોસ નથી થતો.

©®અનલા બાપટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ