વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખાલીપો

 

મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. સુલેખાએ છત્રી કાઢી અને ઓફીસથી થોડે દૂર આવેલા બસ સ્ટેન્ડ પાસે આવીને એ ઉભી રહી. સાંજનાં ૭.૩૦ થયા હતા પણ બધે અંધકાર છવાઈ ગયો હતો. બસ સ્ટેન્ડ પર કોઈ નહોતું. સુલેખાએ પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને કલરવને ફોન જોડ્યો.

“હેલ્લો મોમ્સી...” કલરવનો અવાજ ગુંજ્યો.

“હાઈ બેટા, જો વરસાદ ચાલુ થઇ ગયો છે. હું ટ્રાય કરું છું ટેક્સી કરવાનો. તું ઓનલાઈન કૈંક મંગાવી લે. હું બને એટલું જલ્દી આવું છું. ચિંતા ના કરતી બેટા” સુલેખાએ ચિંતિત નજરે આકાશમાં થતી વીજળી તરફ જોતા કહ્યું.

“નો પ્રોબ્લેમ મોમ્સી આઈ વિલ ઓર્ડર પિઝ્ઝા, તું ખાઈશ ને?” કલરવે ખુશ થઇને કહ્યું.

“યેસ બેટા, ધ્યાન રાખજે, હું જલ્દી જ આવીશ” સુલેખાએ ફોન કટ કર્યો અને ચારે બાજુ આશાભરી મીટ માંડી. વરસતા વરસાદે પાણીની ચાદર એની આંખો સામે પાથરી દીધી હતી. કોઈ રીક્ષા કે ટેક્સી દેખાતી નહોતી. એણે ફરીથી કલરવને ફોન જોડ્યો.

“બેટા, મને પેલી ટેક્સીવાળી એપની લિંક મોકલને..”

થોડીવારમાં સુલેખાના વોટ્સએપ પર બે લીનક ફ્લેશ થઇ. એક ઓનલાઈન ફોરવ્હીલર ટેક્ષી માટેની અને એક નવી એપ આવી હતી...બાઈક વાળી!!!

સુલેખાએ પંદર મિનીટ સુધી સર્ચ કર્યું પણ કોઈ ટેક્ષી ઉપલબ્ધ બતાવતી નહોતી. કંટાળીને એણે બીજી એપ ટ્રાય કરી. ‘બાઈક તો બાઈક, મારે નજીક જ જવું છે ને, ભલે પલળી જાઉં, ઘેર તો પહોંચી જઈશ ટાઈમથી. એણે રેપીડબાઈક પર ક્લિક કર્યું. ત્યાં પણ કોઈ બાઈક ઉપલબ્ધ બતાવતું નહોતું. કંટાળીને એણે મોબાઈલ બંધ કર્યો.

૧૦ મિનીટમાં જ એક બાઈક બસસ્ટેન્ડ આવીને ઉભું રહ્યું. બાઈકસવારે હેલ્મેટ અને રેઇનકોટ પહેરેલો હતો.

“હેલો મિસ સુલેખા, યોર રેપીડબાઈક ઈઝ હિયર” હેલ્મેટનો કાચ ઉંચો કરીને સવારે સુલેખાનું અભિવાદન કર્યું.

“ઓહ...હાય, હું...આ વરસાદમાં બાઈકમાં...” સુલેખા અચકાઈ.

“ડોન્ટ વરી મેડમ, મારો રેઇનકોટ આપ પહેરી લો, અને એક્સ્ટ્રા હેલ્મેટ પણ છે જ. આપ ચિંતા ના કરો, હું સાચવીને આપને મૂકી જઈશ.” સવારે બાઈકમાં પાછળ લટકાવેલું હેલ્મેટ સુલેખાને આપ્યું અને એનો રેઇનકોટ ઉતારી દીધો.

થોડુક ખચકાઈને સુલેખાએ રેઈનકોટ લઇ લીધો અને એ પહેરવા લાગી. એણે જોયું તો એક સુંદર યુવાન લગભગ ૨૨-૨૩ વર્ષનો વરસતા વરસાદમાં બાઈક લઈને આવ્યો હતો. એનું સુંદર સ્મિત એને ગમી ગયું. એ હવે આખો પલળી ગયો હતો.

સુલેખા થોડું અંતર રાખી સંકોચાઈને પાછળ બેઠી. એડ્રેસ તો એપ થકી આપેલું જ હતું એટલે બાઈકસવારે બાઈક મારી મુક્યું.

સુલેખા ધ્યાનથી રસ્તો જોઈ રહી હતી. એના જાણીતા રસ્તા પર જ બાઈક સરકતું હતું એટલે એને શાંતિ વળી. બાઈકસવાર પણ ખૂબ જ ધીરે સંભાળીને બાઈક ચલાવી રહ્યો હતો.

જલ્દી જ સુલેખાનું ઘર આવી ગયું. એ ધીરેથી નીચે ઉતરી અને રેઇનકોટ કાઢવા લાગી.

“અરે મેડમ, તમે પલળી જશો. રહેવા દો. એવું હોય તો હું પછી લઇ જઈશ આપને ફોન કરીને.” બાઈકસવારે કહ્યું.

સુલેખા વરસતા વરસાદમાં એના પાણી નીતરતા મુખ સામે જોઈ જ રહી. એના દિલમાં એક ટીસ ઉઠી!

“એક કામ કરો, તમે મારી સાથે આવો. તમે પણ આખા પલળી ગયા છો.”

“પણ...હું મેડમ...” એ અચકાયો.

“નો પણ વણ...ચાલો, નહિ તો હું તમારી ફરિયાદ કરી દઈશ...” સુલેખાએ હસીને કહ્યું.

બાઈકસવાર એની સામે જ જોઈ રહ્યો. ત્યારબાદ એણે બાઈક પાર્કિંગમાં મુક્યું અને એ સુલેખાની પાછળ લીફ્ટ તરફ ચાલ્યો.

પાંચમાં માળે લીફ્ટ રોકાઈ અને સુલેખાએ દરવાજાની બાજુમાં આવેલા સ્ટેન્ડ પર ભીનો રેઇનકોટ લટકાવી દીધો.

કલરવે દરવાજો ખોલ્યો અને અજાણ્યા આગંતુકને જોઇને એક નેણ ઉંચી કરી.

સુલેખાએ આંખોથી એને સધિયારો આપ્યો અને અંદર બાથરૂમમાંથી એક ટોવેલ લઈને આવી.

“તમે શરીર લુછી કાઢો અને અંદર આવી જાવ.” એટલું બોલી એ પણ કપડા બદલવા અંદર જતી રહી.

થોડીવારમાં એ એક ઝભ્ભો અને લેંઘો લઈને આવી.

“આ પહેરી લો. તમારા કપડા હું ડ્રાયરમાં નાખી દઉં છું. કલાકમાં સુકાઈ જશે.” એણે એનો હાથ લંબાવતા કહ્યું.

“પણ મેડમ...આટલું બધું આપ...હું...” બાઈકસવાર અચકાયો.

કલરવે એને બાથરૂમ તરફ જવાનો ઈશારો કર્યો.

*

‘ડીંગ ડોંગ’ બેલ વાગતા જ કલરવના મુખ પર સ્મિત આવી ગયું અને એ દરવાજો ખોલવા દોડી.

“ગરમાગરમ પિઝ્ઝા અને ગાર્લિક બ્રેડ આવી ગયું છે. કોઈ ભૂખ્યું છે આ ઘરમાં કે પછી હું જ આખો પિઝ્ઝા ખાઈ જાઉં?”

“ઓ ચિબાવલી, જા અંદર જા અને ત્રણ પ્લેટ લઈને આવ” સુલેખાએ બાઈકસવારની સામે જોતા કહ્યું. એના મુખ પર સ્મિત આવી ગયું.

“મેડમ...હું...”

“મારું નામ મેડમ નથી, સુલેખા છે, આ મારી દીકરી કલરવ છે. અને તારું નામ?” સુલેખાએ પિઝ્ઝાનું બોક્સ ખોલતા કહ્યું.

“મારું નામ સુયશ છે!”

સુલેખા ચમકી અને એના ચહેરા પર વિષાદયુક્ત ભાવો આવી ને જતા રહ્યા.

*

“બસ બસ સુલેખામેડમ બસ, પેટ ભરાઈ ગયું.” સુયશે પ્લેટ ઉંધી કરીને ટેબલ પર મૂકી દીધી.

કલરવ હસી પડી. એણે સુલેખાએ સુયશને લંબાવેલો પિઝ્ઝાનો ટુકડો લઇ લીધો.

સુલેખાએ પ્રેમથી કલરવ સામે જોયું અને હસી પડી.

“બાય ધ વે મારું નામ કલરવ છે અને હું બારમાં ધોરણમાં ભણું છું. મારા ફેવરીટ સબ્જેક્ટ હિસ્ટરી અને લિટરેચર છે અને હા, ઈંગ્લીશ પણ.” કલરવે એનો હાથ લંબાવ્યો.

સુયશે હસીને એની સાથે હાથ મિલાવ્યો. “મારું નામ સુયશ, મેં બી કોમ કરીને એમ બી એ કર્યું છે, ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં.”

“વાઉ, ઇમ્પ્રેસિવ, તો પછી તમે આ બાઈકટેક્ષી...?”

“એક્ચ્યુલી હું એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છું. સાંજ પછી હું અહિયાં જોબ કરું છું.” સુયશે પાણીનો ગ્લાસ ઉઠાવતા કહ્યું.

“ઓહ, વાહ! સેડ સ્ટોરી ઓફ લાઈફ? ઘેર પાપા બીમાર છે? મમ્મીને મદદ કરવા તમે ડબલ જોબ કરો છો, એમ આઈ રાઈટ?” કલરવની આંખોમાં ચમક આવી. સુલેખાએ એની સામે આંખો કાઢી.

સુયશ ખડખડાટ હસી પડ્યો. “ના એવું નથી, મારા પાપા અને મમ્મી નથી. પાપા થોડા વર્ષો પહેલા એક એક્સડેંટમાં...અને મમ્મી એક લાંબી બીમારીથી કંટાળીને આપઘાતમાં...” એના મુખ પર ગમગીની છવાઈ ગઈ.

સુલેખા અને કલરવ એકદમ ચૂપ થઇ ગયા.

“આઈ એમ સોરી...કલરવ ગમે તેમ બોલી કાઢે છે.”

“નો નો...ઇટ્સ ઓકે, યુ સી, મને કઈ વાંધો નથી સાચું કહેવામાં. મારા જીવનમાં રાત એક ખાલીપો લઈને આવે છે. હું મારા ઘેર જવાનું ટાળું છું. મને ત્યાં મારી મમ્મી અને પાપા દેખાયા કરે છે, મને ત્યાં ગમતું નથી. મારે કોઈ ખાસ મિત્રો પણ નથી. બસ મારા ખાલીપાને દૂર કરવા હું આ જોબ કરું છું. અજાણ્યા વ્યક્તિઓને એમની મંઝીલ પર પહોંચાડીને મને અનેરો આનંદ આવે છે. એક અંદરથી સૂકૂન મળે છે. કૈંક ના સમજાય એવી લાગણી થાય છે.” સુયશનો ચહેરો ગંભીર થઇ ઉઠ્યો. સુલેખા અને કલરવ બંને એને તાકી જ રહ્યા. એનો ચહેરો, એનો અવાજ...સુલેખાની ભીતર સંવેદનાઓનું પૂર ઉમટી રહ્યું હતું.

*

એકાદ કલાક પછી સુયશ ઉભો થયો. એના કપડા સુકાઈ ગયા હતા. એ ચેન્જ કરીને આવ્યો. સુલેખાએ એના પર્સમાં હાથ નાખ્યો અને સુયશે બે હાથ જોડ્યા.

“પ્લીઝ, ડોન્ટ, આપે આજે જે કર્યું છે એ મારા માટે બહુ છે. એક અજાણ્યા બાઈકસવારને આપે ઘેર બોલાવીને જમાડ્યો, વાતો કરી અને મારી વાત સાંભળી એ મારા માટે બહુ છે. પૈસા આપી મને લજ્જિત ના કરશો! આજે પહેલી વાર મને આ રાત સારી લાગી છે, આજે હું સીધો ઘેર જઈને સુઈ જઈશ. મને અંદરથી ખૂબ જ સારું લાગી રહ્યું છે.”

સુલેખા સજળ નજરે એને જોઈ રહી. સુયશ ત્યાંથી નીકળી ગયો.

“ક્યારેક ક્યારેક આવતો રેજે, તને મન થાય ત્યારે...” એ દરવાજો બંધ કરતા બોલી.

“ચોક્કસ, મને ખૂબ ગમશે, આપનો ખૂબ ખૂબ આભાર સુલેખાઆંટી” સુયશ સ્મિત કરીને ગયો. એનું સ્મિત, એનો ચહેરો, ડાબા ગાલે પડતું ખંજન, એની આંખો, એની બોલવાની સ્ટાઈલ, એનો અવાજ, બધું જ સુલેખાની અંદર સમાઈ રહ્યું હતું. ભીતરમાં ઉઠેલો વંટોળ શમવાનું નામ જ નહોતું લઇ રહ્યો.

એણે સુયશે આપેલું કાર્ડ હાથમાં લીધું અને નામ વાંચ્યું.

*

“મમ્મી...આ તો...” કલરવનું ગળું ભરાઈ આવ્યું. એ ફેસબૂકમાં સુયશનો પ્રોફાઈલ જોઈ રહી હતી. એની આંખોમાં આંસુ હતા. એ સુલેખાને દોડીને વળગી પડી.

સુલેખાએ કલરવને આશ્લેષમાં લઇ લીધી.

“હા બેટા, એ જ છે. બિલકુલ તારા પાપા જેવી આંખો, ચહેરો, અવાજ, ડાબા ગાલે પડતું ખંજન, એ જ સ્મિત...” સુલેખાની આંખો વરસી પડી. પાસે ટેબલ પર સુયશનું કાર્ડ પડેલું. ‘સુયશ યશકુમાર પંડ્યા’ મેનેજર, બાર્કલેબેંક.

‘નામ પણ અમે વિચારેલું એ જ પાડ્યું યશે. સુલેખા અને યશ, સુયશ!’ સુલેખાની આંગળીઓ કાર્ડ પર ફરી રહી હતી. જાણે કે એ સુયશના ચહેરા પર હાથ ફેરવી હોય એવું એને લાગ્યું. એના દિલમાં ફરીથી એક ટીસ ઉઠી. એણે ફોન ઉપાડ્યો...

*

“તારા પાપાને અને મમ્મીને તો મેં ક્યારના માફ કરી દીધા હતા બેટા. એ  આટલા જલ્દી ચાલી જશે એવી મને ખબર નહોતી.” સુલેખાએ સુયશનો હાથ પકડેલો હતો. બંને એક કોફી હાઉસમાં બેઠા હતા. સુયશની આંખોમાં પાણી ધસી આવ્યા.

“મારી સાથે રહેવા આવીશ? તારી રાતનો ખાલીપો હવે આ તારી મા અને બહેન ભરી દેશે. બોલ આવીશ?” સુલેખાએ આશાભરી આંખે સુયશ સામે જોયું.

સુયશ કશું જ કહ્યા વગર એનો હાથ છોડાવીને ત્યાંથી જતો રહ્યો. સુલેખા એની પીઠને તાકી રહી.

*

“બાય મોમ્સી, હું રિક્ષા કરી લઈશ, તું ચિંતા ના કર, હજુ વરસાદ હળવો જ પડે છે.” કલરવે જોરથી સુલેખાના ગાલ પર ચુંબન કર્યું અને લીફ્ટ તરફ દોડી.

જેવી એ નીચે આવી કે વરસાદ જોરથી વરસી પડ્યો.

એકાએક ભારે વરસાદમાં એક બાઈક આવ્યું. બાઈકસવાર નીચે ઉતર્યો અને એણે કલરવનો હાથ પકડ્યો અને એની પાસે રહેલું રેઇનકોટ એને આપી દીધું. કલરવે ઉપર બાલ્કનીમાં ઉભેલી સુલેખા સામે જોયું. સુલેખાએ હકારમાં માથું હલાવ્યું. અને કલરવ બાઈક ઉપર સવાર થઇ ગઈ. બાઈકસવારે હેલ્મેટ કાઢી નાખ્યું અને બાલ્કનીમાં ઉભેલી સુલેખા તરફ એક સ્મિત કર્યું અને કલરવને લઈને બાઈક મારી મુક્યું.

બાલ્કનીમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. સુલેખાનું અંતર પલળી રહ્યું હતું. એ ધીમું હસી અને નીચે વરસાદમાં પલળવા જતી રહી.

*

ખાલીપો ભીતરનો સ્નેહના સથવારે વહી જાય છે

એક અજાણી વ્યક્તિ પણ ક્યારેક કોઈ કહાણી કહી જાય છે

વરસતા વરસાદમાં પલળજો તો ખરા એક વખત

વરસાદમાં પણ કયારેક કૈંક ના સમજાય એવું થઇ જાય છે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ