વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પપ્પુ પુરાણ!

 

પપ્પુ પુરાણ!

“કહું છું સાંભળો છો ? મારે કુતરું પાળવું છે !!!” શ્રીમતી ઉવાચ અને હું એક સેકંડ બઘવાઈ ગયો !

“પ્રિયે, હું છું ને ! પછી તારે કુતરું પાળવાની શું જરૂર છે ?” મેં સામો કટાક્ષ કર્યો !

“બસ હવે, બહુ ડાહ્યા ના થાવ, મને એક સરસ મજાનું ગલુડિયું લાવી આપો” શ્રીમતીજીએ ડોળા કાઢતા કહ્યું. એટલામાં મારા ચાર અને સાત વર્ષના સુપુત્ર અને સુપુત્રી દોડાદોડી કરતા ત્યાંથી પસાર થઇ ગયા.

મેં વળી કટાક્ષ કર્યો “આ બે બે ગલુડિયા ઓછા પડે છે તને ? તે તારે ત્રીજું લાવવું છે ?!”

“તમે ઓફિસે જતા રહો, આ બેય સ્કુલે જાય, પછી મારે આખો દિવસ શું કરવાનું ઘરમાં? કોઈ હોય તો શું છે કે મારું પણ મન લાગેલું રહે !” શ્રીમતીજીના નાકમાંથી સવારે મ્યુનસીપાલીટીનું પાણી આવું આવું કરતુ હોય એમ નળમાં આવે એવા સુસવાટા બોલ્યા અને મોઢું રડું રડું થઇ ગયું ! પરિસ્થિતિ વણસે એ પહેલા મેં પાળ બાંધી.

“ડાર્લિંગ, તું પણ શું ? તમારું અલાયદું મહિલા મિત્ર મંડળ છે, આજુબાજુ પાડોશીઓ છે, તોય તને એકલું લાગે છે ? કુતરું પાળવું એ ખાવાનો ખેલ નથી, એની નાના છોકરાની જેમ સંભાળ લેવી પડે એ ખબર છે તને ? એનો ખર્ચો પણ...”

“બસ તમને તો કાયમ ખર્ચાની જ પડી હોય છે ! મારી કોઈ ફિકર જ નથી ! આ આજુબાજુ વાળી મહિલા મંડળ કાયમ ભેગી થઈને ગોસીપો જ કરતી હોય છે, મને સહેજે ગમતું નથી” શ્રીમતીજી નું નાક હવે પ્રેશર કુકરના વાલ્વની જેમ ઊંચું નીચું થવા લાગ્યું અને ગમે તે ઘડીએ એમાંથી કે એમની આંખોમાંથી લીક્વીડ પ્રવાહી બહાર આવે એવી ભીતિ મને લાગી.

“મને સ્વપ્નમાં પપ્પુ આવે છે અને કાયમ મારી સામે જોયા કરે છે !” શ્રીમતીજીએ આંખો પટપટાવતા કહ્યું અને હું ચોંક્યો !

“ઓ મેડમ, આ પપ્પુ કોણ છે ?” મારું નાનપણનું નામ બા એ પપ્પુ પાડેલું.

“મેં આપણા નવા આવનારા ગલુડિયાનું નામ પપ્પુ પાડવાનું નક્કી કર્યું છે” શ્રીમતીજી ના મુખ પર સ્મિત ફરક્યું અને હું બગડ્યો

“ના હો ! મારા નાનપણના નામે એનું નામ હું નહિ પાડવા દઉં ! સાલું એ શું કે તું પપ્પુ પપ્પુ કરે અને અમે બંને જ્યાં હોય ત્યાંથી તારા પાસે દોડી આવીએ ! સાલું કોઈ ઈજ્જત જ નહિ ?! મારા ને કુતરામાં પછી શું ફેર રહે ? આમ પણ લગ્ન પછી ક્યાં રહ્યો જ છે”

શ્રીમતીજી ખીલખીલાટ હસ્યા અને એમણે પણ છગ્ગો ફટકાર્યો “જો હું વ્હાલ થી પપ્પુ પપ્પુ કહું તો તમારે સમજવાનું કે ગલુડિયાને બોલાવું છું અને જો હું કરડા સ્વરે પપ્પુઉઉઉ કહું તો તમારે સમજવાનું કે તમને બોલાવું છું !” ગુસ્સાથી મારા નાકના નસકોરા મોટા થઇ ગયા ! સાલું શું કરવું આ બૈરાઓનું યાર ! બોલો હવે આવી મોંઘવારીમાં ગલુડિયું પાળવું છે ! ખેર ! બે ચાર દિવસમાં ઉભરો શમી જશે એમ સમજી મેં ચુપ રહેવાનું નક્કી કર્યું.

“કહું છું સાંભળો છો ? આ જુવો ને છાપામાં એક સ્પર્ધા આવી છે, છ શબ્દોમાં જ દુખ ભરી વાર્તા લખવાની છે ! તમે આમ તો બહુ મોટા લેખક થઇ ને ફરો છો, આ વખતે મને મદદ કરો ને” શ્રીમતીજી એ વાત બદલી અને મને હાશ થઇ. હું પણ મજાકના મૂડમાં આવ્યો “આજ રોજ મારા લગ્ન થઇ ગયા” મેં ટીખળ કર્યું !

“હે ? એટલે શું ? આજે ક્યા આપણી લગ્ન તિથી છે ? શું ગોટાળે ચડ્યા છો તમે ?” શ્રીમતીજી બગડ્યા.

“અરે મેડમ, આ તો તે છ શબ્દોમાં દુ:ખ ભરી સ્ટોરી પૂછી એટલે મેં કહ્યું” મેં હસતા હસતા  કહ્યું અને શ્રીમતીજી એ આંખો કાઢી. હું હજુ પણ મજાકના મૂડમાં હતો.

“હજુ બીજા દર્દ ભર્યા ઉદાહરણ આપું માત્ર છ શબ્દોમાં,,,જો તું

૧. વેકેશન પત્યું એ ઘેર પાછી આવી,

૨. સ્ટેશને સાસુ ને લેવા જવાનું છે,

૩. આજે ફરીથી કંકોડા નું શાક છે”

જોયું, દર્દ તો જો આ વાક્યો મા ! તું આમાંથી એક લખી નાખ અને મને ખાતરી છે કે તને જ પહેલું ઇનામ મળશે” મેં આંખો નચાવી પણ શ્રીમતીજીની આંખોમાં રહેલા રોષને જોઇને હું પાછો ચુપ થઇ ગયો અને ચુપચાપ બેડરૂમમાં ઘુસી ગયો.

***

એક દિવસ શનિવારે સાંજે હું આવતી કાલે રવિવારે જલસા કરીશ, આખો દિવસ પડ્યો રહીશ ખાટલામાં અને મનગમતાં છાપાઓ અને મેગેઝીન વાંચે રાખીશ એવું વિચારતો વિચારતો જેવો ફ્લેટના મેઈન ગેટમાં ઘુસ્યો કે ત્યાં નજીકમાં બેઠેલા બે ત્રણ રખડું અને અભણ કુતરાઓ ઉભા થઇ ગયા અને મારી સામે ભસવા લાગ્યા ! મને કાળ ચડ્યો !

“એઈઈઈ...હટહટહટ...” મેં દુરથી જ એમને આવા અવાજો કાઢીને હાંકવાનો પ્રયાસ કર્યો. એટલામાં મારો સહુથી નાનકો સૂર્યકુમાર (પ્રતાપી) ત્યાંથી હાથમાં લોલીપોપ લઈને પસાર થયો. મેં મહાભારતમાં ચક્રવ્યૂહમાં ફસાયેલા અભિમન્યુને જેમ એને બુમ પાડી “સુર્યાઆઆઆઆ...બેટાઆઆઆઆ... આ કુતરાઓને ભગાડને જરા,,,” મારી બુમ સાંભળીને એક ક્ષણ સૂર્યકુમારે મારી સામે જોયું અને પછી એણે હાથ લાંબો કર્યો. મને એવો ગુસ્સો ચડ્યો ને કે નાં પૂછો વાત ! આ તે કોઈ સમય છે એક મુસીબતમાં મુકાયેલા માણસ પાસે દાદાગીરી કરવા નો ?! ખેર ! કોઈ ઉપાય નહોતો એટલે મેં ચુપચાપ દસ રૂપિયા એના હાથમાં મુક્યા પણ એ હાથ ત્યાનો ત્યાં જ રહ્યો ! મેં ગુસ્સાથી દાંત કચકચાવીને બીજા દસ મુક્યા ત્યારે એ હાથ પાછો એની ચડ્ડીના ખિસ્સામાં જતો રહ્યો અને પછી એ કુતરાઓ પાસે જઈને ખબર નહિ શું બોલ્યો પણ એ કુતરાઓ સમજીને ત્યાંથી જતા રહ્યા ! હું ગુસ્સા કમ આશ્ચર્યથી જોઈ જ રહ્યો મારા સુપુત્રના કામ ! મને લાગે છે કે જરૂર સાલાએ એમને બિસ્કીટ ખવડાવાનું પ્રોમિસ કર્યું હશે ત્યારે જ એ ગયા હશે ! ખેર, આવવા દે સાલાને ઘેર ! હું ગુસ્સામાં ધમધમતો ત્યાંથી નીકળીને ઘેર પહોંચ્યો.

જેવો ઘેર પગ મુક્યો કે શ્રીમતીજી હરખાઈ ઉઠ્યા !  “કહું છું સાંભળો છો ?!, જરા જલ્દી ફ્રેશ થઇને આવો ને તમને થોડા ફોટા બતાવવાના છે !” હું ચમક્યો, સાલું મારી મોટી છોકરીતો હજી નાની છે, બીજા કોઈના લગ્ન તો હમણા નજીક નથી, શેના ફોટા હશે ? ખેર ! સસ્પેન્સમાં ને સસ્પેન્સમાં હું ઠંડા પાણીથી પગ હાથ ધોઈને જલ્દીથી એમની પાસે આવ્યો. શ્રીમતીજીએ મારા હાથમાં એક ફોટો મુક્યો અને મારી આંખો પહોળી થઇ ગઈ !

મારી સામે માસૂમ આંખોવાળું એક ગલૂડિયું જોઈ રહ્યું હતું!

“કેવું લાગે છે? હજુ આ જુવો તો...” શ્રીમતીજીએ બીજા ફોટો મારા હાથમાં મુક્યા.

જેલમાં લઇ જતા પહેલા કેદીના ચારે એન્ગલથીં ફોટો પાડે એમ એ કૂરકુરિયાના ફોટો હતા. સાઈડ પોઝ, પાછળથી પોઝ, પૂંછડી (હજુ તો માંડ ઉગેલી) નો પોઝ, અને હા, એના રાખોડી માથા પર સફેદ રંગનું વર્તુળાકાર ચકતું હતું એનો પણ ફોટો હતો.

“આ...આ શું છે?” મેં બઘવાઈને પૂછ્યું.

“પાપા એ પપ્પુ છે, આપણું પપ્પુ.” મારા નાનકાનો ટીખળી અવાજ ગુંજ્યો.

“ઉભો રે તું, પપ્પુના પપ્પુડીયા...તારી તો...” મેં ઘાંટો પાડી એની પાછળ દોડવાનો પ્રયાસ કર્યો પણ પ્રકાશની ગતિથી પણ તેજ એ ત્યાંથી ફરાર થઇ ગયો.

“તમને તો બસ આખો દિવસ ના ના અને ના જ કીધે કરવાનું. આની સામે તો જુવો, મારા ભાઈને ત્યાં આવ્યું છે. આવા ડઝન છે પણ મને તો આ જ ગમ્યું, મારે પિયરથી કઈ પણ કે કોઈપણ આવે તો તમને વાંધો જ પડે” છણકા સ્પેશિયાલીસ્ટે બોમ્બમારો શરુ કર્યો.

“અલા પણ તારે પિયરથી આવું ગલુડિયું આવે...”

“ગલુડિયું નથી, પપ્પુ છે એનું નામ...સભ્યતાથી બોલો” ધમકી આવી છુટ્ટી!

“હા તે તારું પપ્પુ કે ચપ્પુ જે હોય તે, પણ આવી રીતે મને પૂછ્યા વગર તું એને કેવી રીતે...?” મેં સાવધાનીથી સામે ઝીંક લેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.

“હા તે તમને ના જ ગમે ને વળી. ગઈ સાલ મારી નાની બેનનું તમારા કઝીન માટે માંગુ નાખેલું એમાય તમે પથરા નાખેલા, તમને અમારા ઘરનું ક્યાં કઈ ગમે જ છે...” નાકમાંથી ફરીથી સુસવાટાઓની રમઝટ બોલી!

“અલા એવું નથી, તારી બેન માટે હું શું કરવા નાં પાડું ? પણ એ મારો કઝીન જ આડી લાઈનનો હતો એટલે મેં...”મેં બચાવ કરવાનો પ્રયાસ કર્યો.

“તમે વાત ના ફેરવો, બે દિવસમાં પપ્પુ ઘેર આવી જશે, મારે આ વખતે કઈ સંભાળવું નથી.” અમેરિકાએ વીટો વાપરીને સેશન બંધ થઇ ગયું વાર્તાલાપનું એવો અંદેશો આપ્યો.

હું ચુપચાપ ‘પપ્પુ’ના ફોટો સામે જોઈ રહ્યો, એ મારી સામે કટાક્ષમાં હસતું હોય કે ભસતું હોય એવો મને આભાસ થયો!

*

મારા પગના તાળવે ગલી ગલી થઇ રહી હોય એવું મને લાગ્યું, કશુક ભીનું ભીનું ચોંટી રહ્યું હતું. હું પથારીમાં સળવળ્યો અને ઉભા થઈને આંખો ચોળીને મેં જોયું તો મારા પગ આગળ એક નાનકડું ગલુડિયું બેઠું હતું અને મારા પગને એ ચાટી રહ્યું હતું. હું સફાળો બેઠો થઇ ગયો.

“હાઈ રાહુલ, સોરી સોરી, પપ્પુ, કેમ છે? અપુન આ ગેલા હૈ, અપુન ભી પપ્પુ, આજ સે અપુન દોનો બરોબર કે સાથી” ગલુડીયાએ મરક મરક હસતા મારી સામે જોયું.

“એઈ એઈ, શીશ...શીસ્સ...બહાર નિકળ, અને મને પપ્પુ નહિ કહેવાનો સમજ્યો? ચલ બહાર જા...આજ પછી અહિયાં આવતું નહિ” મેં ક્રોધિત થઇ એને કાઢવાનો પ્રયાસ કર્યો.

“હેહેહે, બ્રો, હવે તો બહાર જાય મારા દુશ્મન, હું તો અહિયાં જ સેટલ છું, વધારે અવાજ ના કરો પપ્પુજી નહિ તો હું મમ્મીને બોલાવીશ તો તમને એ અહિયાથી બહાર કાઢી મુકશે...” ગલુડીયાએ ધમકી આપી અને મારું માથું તપ્યું.

“એયયયય...સંભાળે છેએએએ...આ કોક કુતરું બેડરૂમમાં ઘુસી આવ્યું છે, આને બહાર કાઢ લા...” મેં છેલ્લા બચાવ માટે શ્રીમતીજીને ઘા નાખી.

સાડીના પાલવથી હાથ લૂછતાં લૂછતાં એ રૂમમાં આવ્યા.

“શું સવાર સવારના ઘાંટા પાડો છો? આ પપ્પુ છે, તમને કીધેલું તો ખરું, આજથી એ અહીજ રહેશે. તમને ના ફાવે તો તમે બહાર આંટો મારી આવો, એ બિચારાને હજુ થોડા દિવસો થશે સેટલ થતા” એમણે વ્હાલથી પપ્પુની સામે જોઇને કહ્યું.

હું અચરજથી ઘડીક પપ્પુને અને ઘડીક શ્રીમતીજીને જોઈ જ રહ્યો. સાલું આના માટે મારે બહાર જતા રહેવાનું? આના માટે...?! મને એવો ગુસ્સો ચડ્યો, એવો ગુસ્સો ચડ્યો કે હું તરત જ બહાર નીકળી ગયો!!! (આમ પણ બીજું શું થાય એમ હતું?).એકાએક મારા પગમાં એ ગલુડિયું આવતા આવતા બચી ગયું અને હું ગડથોલીયું ખાઈને પડ્યો.

ધડામ! એક અવાજ આવ્યો અને મારી આંખ ખુલી ગઈ. જોયું તો હું મારા બેડરૂમના પલંગ પરથી નીચે પડ્યો હતો અને હાંફી રહ્યો હતો. હું સપનું જોઈ રહ્યો હતો! હાશ! મને કળ વળી અને મનોમન મારી મૂર્ખાઈ પર હસતો હસતો હું રૂમની બહાર આવ્યો.

જેવો હું બહાર આવ્યો મારી રોજીંદી બેસવાની જગ્યા પર એક રાખોડી કલરનું ગલુડિયું બેઠું હતું અને એ બેઠા બેઠા મારા તાજા તાજા છાપાને ચાવી રહ્યું હતું. મેં ગુસ્સાથી એની સામે ડોળા કાઢ્યા તો એણે મારી સામે જોવાનું બંધ કરી છાપું ચાવવામાં ધ્યાન આપ્યું.

“પપ્પુ બેટાઆઆઆ...ચાલ દૂધ પી લે તો...” અંદરથી શ્રીમતીજીનો પ્રેમાળ અવાજ આવ્યો અને મને ચક્કર આવવા લાગ્યા!

*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ