વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વૈભવી વિકત્થન

વૈભવી વિકત્થન

એક રીતે કોઈ પણ એક વરસાદી દિવસ એ ઠંડા વાયરા અને ઝાપટા સાથેનો આનંદદાયક દિવસ હોય છે. વરસાદી ક્ષણ વ્યક્તિના મૂડને ઉત્તેજીત કરવાની ક્ષમતા ધરાવતી હોવાથી તે તમામ વયના લોકોને પ્રિય હોય છે. દરેક વ્યક્તિ વરસાદી મનોહર દૃશ્યનો આનંદ માણે છે. વરસાદ બધા માટે સંગીતમય, રોમાંટિક તથા આનંદકારક વાતાવરણ સાથે ઠંડકભર્યું હવામાન લાવે છે. ઘાટા વાદળો પૃથ્વી પર પાણીના ટીપાં વરસાવી આબોહવાને સુખદ બનાવે છે.

વરસાદ જમીન પરની ઇમારતો, વૃક્ષો તથા વનસ્પતિ વગેરેને કુદરતી રીતે સાફ કરી નવી તથા તાજી બનાવે છે. પરિણામે, આપણી આસપાસની દરેક વસ્તુ હરિયાળી બની જતાં તેના લીલાછમ રંગ ખીલી ઊઠે છે. વરસાદ સિંચાઈ અને કૃષિ ઉપજ વધારવા માટે પણ શ્રેષ્ઠ છે. એ ભવિષ્યના ઉપયોગ માટે વરસાદી પાણીથી પૃથ્વીના કુદરતી જળાશયોને ફરીથી ભરી દે છે. વળી પાણીની ગેરહાજરીમાં સંઘર્ષ કરી રહ્યા હોય એવા પ્રાણીઓને નવજીવન મળે છે. આમ તમામ જીવ, વનસ્પતિ અને સૃષ્ટિ માટે વર્ષાના પાણી આશીર્વાદ સમાન છે.

વરસાદ વિવિધ સરિસૃપ અને જમીનની ઉભયજીવી પ્રજાતિઓને જેમકે અળસીયા, સાપ અને દેડકા જેવા છુપાયેલા પ્રાણીઓને બહાર લાવે છે.

જોકે નદીઓ, નહેરો અને જળાશયોમાં પાણી ભરાઈ ગયા બાદના વરસાદને લીધે જનજીવન ખોરવાઈ પણ જાય છે. કેટલીકવાર, વરસાદની વિસ્તૃત માત્રા પૂર જેવું નુકસાનનું કારણ બને છે તો દહાડીયા લોકોના રોજિંદા જીવનને પણ બગાડે છે, જેનાથી તેમના માટે બંને છેડા મળવાનું મુશ્કેલ બને છે.

જોકે વરસાદની રાતો હંમેશા લગભગ દરેક માટે દુઃસ્વપ્ન સમાન જ હોય છે કારણ કે એ દરમ્યાન બહાર ફરવું ખૂબ જ ભયજનક હોય છે વળી એ રાતો ચાંદની રાતોથી બિલકુલ વિપરીત, ખૂબ જ અંધારી પણ હોય છે.

મોટાભાગના લોકોને વરસાદી રાત્રિનો કોઈક ખરાબ અથવા અવિસ્મરણીય અનુભવ હશે જે તેઓ ક્યારેય ભૂલી શકે નહીં. વૈભવ રાજ પાસે પણ વરસાદની એક રાતનો એવો અનુભવ હતો.

તે જૂન મહિનાનો પ્રારંભ હતો જ્યારે વરસાદની મોસમ લગભગ શરૂ થઈ રહી હતી. સામાન્ય રીતે તો એ સમયે એના ઘરમાં વરસાદી ઠંડા હવામાનનો આનંદ માણવા માટે ઘણી ગરમ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. એના માટે ઘરની બાલ્કનીમાં બેસીને એ ભજીયા તથા અન્ય ગરમ વાનગીઓ સાથે વરાળ નીકળતી ગરમાગરમ ચાની ચૂસકી લેવી એ હંમેશા જીવનની શ્રેષ્ઠતમ ક્ષણો હોય છે.

વૈભવ રાજ એની પત્ની વૈશાલી રાજ સાથે એમના વતન રંગપુરના ઘરથી કારમાં નજીકના શહેર પડાણાંમાં પોતાના એપાર્ટમેન્ટ તરફ પાછો ફરી રહ્યો હતો. એમણે મુસાફરી શરૂ કરી ત્યારે લગભગ મોડી સાંજ થઈ ગઈ હતી. જ્યારે એમણે મુસાફરી શરૂ કરી ત્યારે વાતાવરણ આહલાદક હતું એટલે એમણે લગભગ અડધી મુસાફરી નિરાંતે કરી હતી. પણ પછી અચાનક આકાશમાં કાળા વાદળો એકઠા થઈ ગયા અને અનપેક્ષિત રીતે, ભારે વરસાદ શરૂ થયો આથી તેઓ તણાવમાં આવી ગયાં હતા કારણ કે જોરદાર પવન અને ધોધમાર વરસાદ સાથે વાતાવરણ ખરેખર ખરાબ થઈ ગયું હતું. અવાવરુ રસ્તાની એક બાજુ કાર પાર્ક કરવી તદ્દન અસુરક્ષિત હતી, વળી ભારે વરસાદને કારણે કંઈ દેખાતું પણ ન હતું.

આથી તેઓ એ કાચા રસ્તાના મધ્ય ભાગમાં ખૂબ જ ધીમી અને સ્થિર ચાલે આગળ વધી રહ્યા હતાં ત્યારે અચાનક એમની કાર સંતુલન ગુમાવી રહી હતી. સદનસીબે વૈભવ કારને રસ્તાની એક બાજુએ લઈ જવામાં સફળ થયો. શું થયું હશે એની વિચાર કરતી વખતે એના ધ્યાનમાં આવ્યુ કે એમની કારનું ટાયર પંકચર થઈ ગયું હોવુ જોઈએ.

બહાર ખૂબ જ અંધારું હતું. ભારે વરસાદને કારણે ન તો એ બહાર નીકળી શક્યો, ન તો ટાયર ચેક કરી કે બદલી શક્યો. ધીમે ધીમે વરસાદ ઓછો અને હળવો થવા લાગ્યો ત્યાં સુધી એમને લગભગ એક કલાક સુધી કારમાં જ બેસી રહેવું પડ્યું. જોકે આસપાસ ભરાવો કરી રહેલ પાણીની સપાટી પણ ભયજનક રીતે ઉપર તરફ અગ્રેસર હતી. તેઓ શહેર પડાણાં તરફ જવાના હાઇવેથી ત્રણેક કિલોમીટર દુર એવા અવાવરુ ગ્રામ્ય રસ્તા પર ફસાયા હતાં.

લગભગ રાત્રે એક વાગ્યા સુધીમાં, વરસાદ નરમ થઈ ગયો અને તેઓ કારમાંથી બહાર નીકળવામાં સફળ થયા. પાણીમાં ડૂબેલા ફ્લેટ ટાયરને બદલવા માટે એ સૌથી મુશ્કેલ સમય હતો એટલે એમની યાત્રા આગળ વધી શકે એમ નહોતી. એણે અફસોસ વ્યક્ત કર્યો કે વતન રંગપુરના ઘરમાં જ રહ્યા હોત તો આ જ વરસાદ રોમાંટિક લાગ્યો હોત. એમ પણ વૈશાલી રાતની મુસાફરી માટે સદૈવ નકારાત્મક વલણ ધરાવતી હતી એટલે એનો કકડાટ ચાલુ હતો. 

થોડે દૂર એક બલ્બ નિર્માલ્ય પ્રકાશ આપી પોતાના અસ્તિત્વની જાણકારી આપવા પ્રયત્નશીલ હતો. એણે કોઈ મદદ મળશે એ આશાએ વૈશાલીનો હાથ ઝાલી એ દિશામાં જવા નિર્ણય લઈ લીધો. ઝરમર વરસાદ, આછી પાતળી વધઘટ સાથે નિરંતર ચાલુ હતો. વૈશાલી એની પાછળ ઘસડાઈ રહી હતી. નીચે ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક થોડા ઓછા વધુ પાણી સાથે એ રસ્તો જળબંબાકાર હતો. એ વૈશાલીને હિંમત આપી આગળ વધી રહ્યો હતો. ત્યાં અચાનક…

ત્યાં અચાનક જ એક મોટો ખાડો આવી ગયો અને વૈશાલી એ અદ્રશ્ય કૂવામાં ડૂબી ગઈ. એક ઝટકામાં જ એનો ભીનો હાથ વૈભવના ભીના હાથમાંથી છટકી ગયો. અંધકારના સામ્રાજ્યમાં કાંઈ દેખાય કાંઈ સમજાય એ પહેલાં વૈશાલી એ અદ્રશ્ય કૂવામાં ગરક થઈ જળસમાધી લઈ ચૂકી હતી. એ પાગલોની જેમ ચીસો પાડી આક્રંદ કરવા લાગ્યો હતો પણ એ સાંભળવા ત્યાં કોઈ હાજર નહોતું. એણે પાણીમાં ઘણાં હાથ પગ પછાડ્યા પણ વૈશાલીની કોઈ ભાળ મળી નહીં. ફરી વરસતો વરસાદ પોતની ચરમસીમા પર હતો. એ જે વિસ્તારમાં ફસાયો હતો ત્યાં મોબાઈલ નેટવર્ક રેન્જ પહોંચતી ન હોવાથી એનો મોબાઈલ ફોન નિરર્થક હતો. 

એ ત્યાં જ ગુમસૂમ બની બેસી રહ્યો. વહેલી સવારે વરસાદ અને અંધકાર બંને હળવા થતાં ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા. હકીકતમાં વૈશાલી પડી ગઈ એ મેનહોલ અર્ધ ખોદેલી બોરવેલ હતી. એના નીચેના ભાગમાં વરસાદી કિચડ જમા થયેલ હોવાથી વૈશાલી અનાયાસે ડૂબકી ખાઈ એમાં પડીને ખૂંચી ગઈ હતી. એટલે એ ઉપર આવી શકી નહીં અને પાણી પી લેવાના કારણે ગુંગણામણને લીધે મૃત્યુ પામી હતી. 

બીજા દિવસે વહેલી સવારે હાઇવે પર ચાની દુકાન ચલાવતો એક સ્થાનિક પોતાની સાયકલ પર ત્યાંથી નીકળ્યો. અને થોડીવારમાં હાઇવે પોલીસ વાન ત્યાં આવી પહોંચી. એમણે ચીખલ માટીને લીધે ડહોળા થયેલા પાણીમાં એક ગ્રામજનને કમર પર દોરડું બાંધી કમર સુધી અંદર ઉતાર્યો તો એ વૈશાલીની લાશ ખેંચી લઈ બહાર આવ્યો. હતપ્રભ વૈભવ રડવાનું ભૂલી ગયો. એ વૈશાલીને વળગી પડ્યો. 

એક હવાલદારે એને ટોણો માર્યો, "આવા તોફાની વરસાદમાં આવા અજાણ્યા રસ્તા પર બહાર નીકળવાની શું જરૂર હતી?" એ બોલી ઊઠ્યો, "સાહેબ અહીં મારું વતન રંગપુર છે. આ રસ્તો અજાણ્યો નથી પણ નસીબ ખરાબ છે." પોલીસે વૈશાલીની લાશ પોસમોર્ટમ માટે મોકલી આપી. પછી પોલીસે એનું સ્ટેટમેન્ટ નોંધી લીધું. એની દરેક વાત સાચી જણાઈ રહી હતી. પાણીમાં ગરકાવ એની કારનું ડાબી તરફનું વ્હિલ પંકચર હતું. થોડે દૂર એક પાન બીડીની દુકાન હતી. એનો માલિક ઘરે જવા નીકળ્યો હશે ત્યારે પાવરકટને હિસાબે બંધ બલ્બ બેધ્યાનપણે એ ચાલુ રાખીને જ જતો રહ્યો હતો. એ તરફ જતાં રસ્તાના કિનારે આ અર્ધ ખોદેલ બોરવેલ, મેનહોલ બની ચૂકી હતી. 

પોલીસે અકસ્માતનો કેસ નોંધી લીધો. પોસમોર્ટમ રિપોર્ટ અનુસાર પણ મેનહોલમાં ડૂબી ગયેલી વૈશાલીનો ભય સાથે પાણી આખા શરીરમાં ફેલાઈ, શ્વાસ ના લઈ શકવાને કારણે જીવ જતો રહ્યો હતો. હવે બીજી કોઈ શક્યતા બચી ન હોવાથી અકસ્માત મૃત્યુની મહોર લગાવી એ ફાઇલ બંધ કરી દેવામાં આવી. 

હવે વૈશાલી વગરનો વૈભવ એમના વૈભવી એપાર્ટમેન્ટમાં એકલો પડી ગયો હતો. સંસારમાંથી એનું મન ઊઠી ગયું હતું. એનો પોતાનો પીપરમેન્ટ ચોકલેટ બનાવવાનો ધમધોકાર ધંધો હતો પણ એણે પોતાના કારખાના પર જવાનું બંધ કરી દીધું હતું. 

હકીકતમાં એ બિઝનેસ એ વૈશાલીના પપ્પાનો હતો. વૈશાલી એમની એકની એક દિકરી હતી અને એ એના પપ્પાને મદદરૂપ થવા કારખાને આવતી હતી. વૈભવ રાજ એમને ત્યાં ઉત્પાદન સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. સમય જતાં બે યુવાન હૈયા, બે યુવાન આંખોમાં તાલમેલ બેસી ગયો.

વૈશાલીના પપ્પાની બે ચિંતાઓ, સાધારણ સ્વરૂપવાન શ્યામલ જુવાન દિકરીના લગ્ન તથા પીપરમેન્ટ ચોકલેટ બનાવવાનો ધમધોકાર ધંધો, બંનેને વૈભવ રાજે પોતાના ખભા પર ઉંચકી લીધી હતી. 

એ પોતાના વતન રંગપુરથી અહીં આવી એક ભાડાના મકાનમાં રહેતો હોવાથી એમના સંસારનો શુભારંભ એ ભાડાના મકાનમાં કરવાનો હતો. પણ એના સસરાએ પોતાની એકમાત્ર દિકરીની સુખાકારીની ચિંતા કરતાં એમના સ્વાભિમાની જમાઈને પોતાના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા રાજી કરી લીધો હતો. 

એમના આકસ્મિક મૃત્યુ બાદ એમના એપાર્ટમેન્ટ, બિઝનેસ, કારખાનું તથા તમામ બેન્ક બેલેન્સ, દાગીના, રોકાણ અને રોકડ વૈશાલી વૈભવ રાજના થઈ ગયા હતાં.

હવે એમના માટે વૈભવ અને વૈશાલી તથા વૈશાલી અને વૈભવ એટલી જ દુનિયા રહી ગઈ હતી. એમના સંસારનો રથ એકમેકના સહવાસમાં સુખ પૂર્વક આગળ વધી રહ્યો હતો. પણ વૈશાલીની અચાનક આ રીતે વિદાય બાદ વૈભવ રાજ એકલો રહી ગયો હતો.

વૈશાલીની વિદાય બાદ શોકાગ્રસ્ત વૈભવ કારખાને જતો નહીં. આ સમાચાર મળતા એમના એક વ્યવસાયિક પ્રતિસ્પર્ધીએ આ કારખાનું, સંપૂર્ણ ઉત્પાદન યુનિટ, ધંધો, સ્થાયી તથા અસ્થાયી મિલ્કત, બ્રાન્ડ તથા પ્રોડક્ટ્સ રાઇટ્સ સાથે ખરીદી કરી હસ્તાંતરણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. થોડી ઘણી આનાકાની, ચડભડ, ખેંચતાણ, વાદવિવાદ અને ભાવતાલ બાદ સમગ્ર બિઝનેસનો હાથ બદલો થઈ ગયો.

સદનસીબે સસરા તથા પત્નીના મૃત્યુ બાદ એમની માલ મિલકત, વિમાની રકમ, બેન્ક બેલેન્સ, દાગીના તથા અન્ય રોકાણ અને બિઝનેસ વેચવાથી મળેલ પૈસાની એણે એક મોટી બેન્ક ડિપોઝિટ બનાવી દીધી હતી. એના વ્યાજમાંથી જ એ આરામદાયક આયુષ્ય ભોગવી શકતો હતો. 

સંપૂર્ણ પણે નવરો થયેલો વૈભવ રાજ સમય પસાર કરવા મોબાઈલ પર સોશિયલ મીડિયાના સહારે સમય પસાર કરવા લાગ્યો હતો. એક વખત વૈખરી નામની એક યુવતી એના સંપર્કમાં આવી. ધીરે ધીરે બંને વચ્ચે દોસ્તી વધવા લાગી. 

સોશિયલ મિડિયામાંથી વ્યક્તિગત સંવાદ વધવા લાગ્યા. વિચારોની આપલે અને ચર્ચાઓ રસપ્રદ બનવા લાગી. આ સોશિયલ મિડિયા પણ કમાલની માયાજાળ છે પ્રત્યક્ષ રીતે અજાણ હોવા છતાં પરોક્ષ રીતે એમના સંબંધો અત્યંત ગાઢ બનતા ગયા. એમની વચ્ચે એવી લાગણી ઉભરાઈ આવી જાણે તેઓ જનમ જનમના સાથી હોય. એમણે આપસમાં ફોન નંબરની અદલાબદલી કરી લીધી. 

હવે ડાયરેક્ટ ટેક્સ મેસેજ શરૂ થઈ ગયા. અપેક્ષિત રીતે ફોન કોલ્સ અને વિડિઓ કોલ્સ સુધી વાત ક્યારે પહોંચી ગઈ હતી એની જાણ સુધ્ધાં એમને થઈ નહીં. વૈખરી ખરેખર પ્રેમાળ અને લાગણીશીલ યુવતી હતી. વળી કુદરતે એના શહેર પડાણાંની જ વતની હતી. પણ પોતાના કામ અર્થે એમની મૈત્રી સમયે એ મુંબઈ ગઈ હતી.

બંને માટે હવે રૂબરૂ થવું એ એક અતિ મહત્વપૂર્ણ ઘટના હતી. વૈખરી પોતાના પાછાં આવતા વેંત મુલાકાત કરવા તત્પર હતી તો વૈભવ એને મળવા માટે મુંબઈ જવા પણ તૈયાર હતો. પણ વૈખરી પોતાની નોકરીની બિઝનેસ ટૂર દરમ્યાન આ મુલાકાત માટે ઇચ્છુક નહોતી. એ નિશ્ચિંત હતી તો વૈભવ બેબાકળો.

આખરે એક દિવસ એની અધીરાઈનો અપેક્ષિત અંત આવી રહ્યો હતો. કામ સમાપ્ત થઈ જતાં વૈખરી એમના શહેર પડાણાં પાછી આવી રહી હતી. હવે બંને એકમેકને મળવા ઉત્સુક હતાં. છેવટે એ ઘડી પણ આવી જ ગઈ. 

વૈખરી વૈભવના ઘરે એને મળવા આવવાની હોવાથી વૈભવ રાજ કાગડોળે એની રાહ જોઈ રહ્યો હતો. પડાણાં શહેરના પોશ કહી શકાય એવા ઓસવાલ બાગ વિસ્તારમાં પદ્માવતિ પેલેસ નામના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેતા એકાકી વૈભવના ઘરમાં એક ખાસ મહેમાનના પ્રવેશનો પ્રસંગ હતો.

એ દિવસે એના આખા દિવસના ઘરનોકર હેમરાજકાકાને આખી સવાર ઘરની સાફસફાઈ બાદ બપોર પછી રજા આપી દેવામાં આવી હતી. એ દિવસે બારે મેઘ ખાંગા થયા હતા. એણે બાબુકાકા ભજીયાવાળાને ખાસ ઓર્ડર આપી રાખ્યો હતો કે હું મિસ્ડ કોલ કરું એટલે તમારે દસ મિનિટમાં ગરમાગરમ ભજીયા, વરાળ નીકળતી, મલાઈ વગરની ચા તથા તળેલા મરચાં અને ગરમાગરમ કચોરી આપી જવાના. આ બાબુકાકા ભજીયાવાળા માટે વૈભવ રાજ એક ખાસ ગ્રાહક હોવાથી એ એને પેઈડ હોમ ડિલીવરી સેવા પ્રદાન કરતો હતો. 

કાયમ છાપાની પડીકીમાં આવતા ભજીયા આજે સિલ્વર ફોઇલમાં આવવા જોઈએ એવો સ્પષ્ટ ઓર્ડર અપાઈ ગયો હતો. સાથે મિનરલ વોટરની બોટલ અને છુટકી માઉથ ફ્રેશનરના પાઉચ પણ ખરા. આમ વૈખરીના સ્વાગત માટે તૈયાર વૈભવ રાજ એની મૃત પત્ની વૈશાલીની જીવંત તસવીર પાસે ખુરશી રાખી બેઠો હતો. એ તસવીર પર આજે જ ચડાવેલ ગુલાબના ફૂલોનો તાજો હાર એની અનેરી લહેજતદાર સુગંધીદાર હાજરીથી માહોલને તરોતાજા બનાવી રહ્યો હતો. 

વૈખરી આવી. વૈભવે એનું ઉમળકાભેર સ્વાગત કર્યુ. એ એને પોતાના ઘરના આલીશાન દિવાનખંડના વિશાળકાય નરમ, મુલાયમ અને સુવિધાજનક સોફા સેટ પર બેસાડી પાણી લેવા રસોડામાં ગયો. એ પાણી ભરીને પાછો આવ્યો તો વૈખરી, વૈશાલીની તસવીર પાસે ઊભી હતી. એ હસીને બોલ્યો, "મીટ માય વાઇફ, લેટ વૈશાલી રાજ."

વૈખરી એને નીરખી રહેતા બોલી, "બહુ પ્રેમ કરતા હતા, વૈશાલીને?" 

એણે સામે સવાલ કર્યો, "કોઈને અસીમ પ્રેમ કર્યા સિવાય એની સાથે જીવનભર કેવી રીતે જોડાઈ શકાય? એ મારી પત્ની હતી." 

"શું થયું હતું એમને?" એ જાણવા ઉત્સુક હતી.

વૈભવ રાજની નજર સમક્ષ એ દ્રશ્ય ભજવાઈ રહ્યું હોય એમ એ વર્ણન કરવા બેસી ગયો, "વરસાદની એ રાત…"

એની વાત પૂરી થઈ ત્યારે બંનેની આંખોમાં ભીનાશ ફરી વળી હતી. વૈખરીએ વૈભવનો હાથ ઝાલી લીધો તો વૈભવ એને ભેટી રડવા લાગ્યો. એ એક એવી ક્ષણ હતી કે વૈખરીએ ભાવુક બની વૈભવની બાથ ભરી લીધી. 

થોડીવાર બાદ બંને છૂટા પડ્યાં. આ વખતે વૈખરી પાણી લેવા ગઈ ત્યાં સુધી વૈભવે નક્કી થયા મુજબ બાબુકાકા ભજીયાવાળાને એક મિસ્ડ કોલ કરી દીધો હતો.

બહાર પાણીનો વરસાદ અનરાધાર હતો તો અંદર લાગણીઓનો. વૈભવ વૈખરીનો હાથ પકડી દિવાનખંડમાંથી એક છજું કહી શકાય એવી વિશાળ બાલ્કનીમાં લઈ ગયો. વરસતા વરસાદની વાછટ વચ્ચે બંને એક કોફી ટેબલ પર સામસામે બેઠાં હતાં. 

વૈખરી એની આંખોમાં તાકી રહી હતી ત્યાં ડોરબેલ વાગી. જોતજોતામાં ખાલી કોફી ટેબલ, બાબુકાકા ભજીયાવાળાની વિવિધ વાનગીઓથી ભરાઈ ગયો. એની સોડમથી હિલોળા લેતાં હૈયા ભરાઈ ગયાં. બંને એકમેકથી સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચિત તો હતાં પણ એમની આ મુલાકાતથી સંબંધોનું નવુ અંકુર ફૂટી નીકળ્યુ. 

પોતાની મૃત પત્નીને પ્રેમ કરતો વૈભવ એને અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ વ્યક્તિ લાગ્યો. વરસાદી માહોલ, વરસાદી વ્યંજન અને વરસાદ ભીની લાગણીઓ પરસ્પર પ્રેમ વ્યક્ત કરી ગઈ. વૈખરી એને વળગી પડી ત્યારે વર્ષોરાણી પોતાની વાછટનો અભિષેક કરી એમને આશીર્વાદ આપી રહી હતી.

વૈખરીએ વચન આપ્યું કે એ વૈભવના જીવનમાં વૈશાલીનું સ્થાન લેવા નહીં પણ વૈશાલીની પૂર્તિ બનવા પ્રયત્ન કરશે. એ ક્ષણે વૈભવ હસી પડ્યો, "વૈખુ, આજ સુધી સમાચાર પત્રની વિશેષ વાંચન પૂર્તિ સાંભળી હતી. પણ તું!!!"

વૈખરીએ ભાવુક થઈ જવાય આપ્યો, "આ તારી વૈખુ, તારા સ્મરણ પત્રની વિશેષ જીવન પૂર્તિ બની રહેશે. પણ વચન આપ કે તું જીવનભર આવો જ લાગણીશીલ પતિ બની રહેશે." સામસામે કોલ અપાઈ ગયાં. 

વૈખરીએ હકથી વૈશાલીનો કબાટ ખોલ્યો. એના કપડાં, એની શૃંગાર સામગ્રી, એના જૂતાં, એનો મોબાઈલ ફોન, એના દાગીના, વગેરે જે વૈભવે સાચવીને રાખ્યા હતાં એ ધ્યાનપૂર્વક જોયાં.

સાંજ પડતાં વૈખરીએ વિદાય લીધી ત્યારે વૈભવે એને ઘર સુધી મૂકવા કાર રાઇડ આપવાની ઇચ્છા વ્યક્ત કરી પણ વૈખરીએ પ્રશ્ન પૂછ્યો, "આ એ જ કાર છે જેમાં વૈશાલીએ તારી સાથે અંતિમ યાત્રા માણી હતી?" વૈભવ ઊર્મીલતામાં તણાઈ ગયો. એના જવાબની રાહ જોયા વગર વૈખરીએ મોબાઈલ ફોનથી ટેક્સી બુક કરી લીધી. 

એની વિદાય બાદ વૈભવ રાજ ખુશખુશાલ થઈ નાચવા લાગ્યો. એણે સોશિયલ મિડિયાનો ખૂબ ખૂબ આભાર માન્યો. જે કામ કરવા કુંવારા યુવકોના ચંપલ ઘસાઈ જાય એ જ કામ એક વિયોગી વિધુર માટે ઘેરબેઠા થઈ ગયુ હતું.

આ પ્રેમી યુગલ અનન્ય હતું. આમાં પ્રેમી આખો દિવસ નવરોધૂપ હતો તો પ્રેમીકા અત્યંત વ્યસ્ત હતી. એટલે તેઓ પ્રેયસીના સમયાનુસાર ફોનના માધ્યમથી સંપર્કમાં રહેતા પણ મળવાનું મુશ્કેલ હતું. 

વૈખરીને રવિવારે રજા હોવાથી, વૈભવની જીદ સામે હારી એમણે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જવા હકાર આપી દીધી. પણ ક્યાં જવુ એ નિર્ણય લેવાની જવાબદારી વૈખરીએ સ્વેચ્છાએ સ્વીકારી. 

બંને એક જ શહેરમાં રહેતા હોવાથી વૈભવના વૈભવી એપાર્ટમેન્ટ નજીક મળીને લોંગ ડ્રાઈવ જવુ એમ નક્કી થયું. એ દિવસે વૈખરી પિંક ટીશર્ટ અને લાલ ચટક નાયલોન પેન્ટમાં કાતિલ જણાઈ રહી હતી. એને જોઈ વૈભવના મનમાં વસંત ખીલી ઊઠી. એણે ખુલાસો કર્યો કે એને વૈશાલીની પસંદ એનું કબાટ જોઈને સમજાઈ ગઈ હતી. વૈભવ મનોમન રાજી થઈ ગયો.

એ વૈભવની કારમાં વૈભવની બાજુમાં સીટ બેલ્ટ પહેરીને બેઠી. વૈભવે એની તરફ ઝૂકી કાર ચાલુ કરી. એ તરત ટહુકી, "પહેલાં સીટ બેલ્ટ પહેરી લે, ઇડિયટ." 

વૈભવ બેફિકરાઈ ભર્યો જવાબ આપ્યો, "વૈખુ, શહેરમાં ચાલે. હાઇવે પર પોલીસ તપાસ હોય એટલે લગાવવો પડે. જસ્ટ ચીલ." ગાડી શહેરના રસ્તા પર ચાલી પડી.

એ હસી પડી, "વૈભવ, આપણે સીટ બેલ્ટ લગાવતા નથી પણ પહેરીએ છીએ. અને એ પણ આપણી પોતાની સુરક્ષા માટે, પોલીસ તપાસથી બચવા નહીં."

વૈભવ રાજ ખુશખુશાલ હતો. એણે દાવો કરતા કહ્યુ, "યુ ડોન્ટ વરી અબાઉટ સુરક્ષા. મૈં હું ના!"

વૈખરીએ વૈભવની આંખોમાં આંખ પરોવી વેધક સવાલ કર્યો, "વૈશાલી પણ વરસાદની એ રાતે આવા જ દાવા મુજબ અનિચ્છા છતાં તારી સાથે આવી હશે. હૈ ના?"

વૈભવ રાજનું મોઢું પડી ગયું. એ સમજી ગયો કે આ મીઠી વાતોમાં ફસાઈ જાય એવી નથી. એના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો હોવાથી એ ખોંખારો ખાઈને બોલ્યો, "વૈખુ, એ એક ગોઝારો અકસ્માત હતો. બાકી હું મારી જાતને દાવ પર લગાવીને પણ મારી વૈશુને કાંઈ થવા દઉં નહીં."

વૈખરીએ ભાવુક થઈ જવાય એવી રીતે બોલી, "સાચી વાત છે, વૈભવ. મને સમજાય છે કે એના ગયા બાદ પણ તું એને આટલો પ્રેમ કરે છે તો એની હયાતીમાં તો સુખના ખાબોચીયામાં એને ડૂબકીઓ ખવડાવતો હશે. હવે મારા બે હુકમનો અમલ કરવાનો સમય આવી ગયો છે. એક, હાઇવે આવી ગઈ છે, એટલે સીટ બેલ્ટ પહેરી લે. અને બે, આજે આપણે તારા રંગપુર ગામ તરફ એ સ્થળે જઈએ જ્યાં તારી વૈશુએ જળ સમાધી લીધી હતી."

એ ચમક્યો, "કેમ?"

વૈખરીએ સસ્મિત જવાબ આપ્યો, "મને એવું થાય છે કે એક વખત એને મળી લઉં, એની પૂર્તિ બનવા એની પરવાનગી તથા આશીર્વાદ મેળવી લેવા ઠીક રહેશે. બરાબર ને?" 

હવે વૈભવ રાજ ખુશખુશાલ નહોતો. છતાં પોતાને પત્ની પ્રેમી સાબિત કરવા એ વૈખરીને એ સ્થળ પર લઈ ગયો. એ પોતે પણ એ સ્થળે ફરી ગયો નહોતો. આમ લગભગ એક વર્ષના અંતરાલ બાદ પણ એણે નોંધ્યુ કે એ વિસ્તારમાં ઝાઝો ફરક પડ્યો નહોતો.

એના આશ્ચર્ય વચ્ચે એણે પોતાના ઘરે કહેલ એક એક વાત વૈખરી એ સ્થળે એ સમયે હાજર હોય એમ તાદૃશ સ્પષ્ટ રીતે યાદ હતી. એણે એક એક સ્થળના દર્શન કર્યા.

જ્યાં એમની કાર પંકચર થઈ અટવાઈ ગઈ હતી એ સ્થળ. ત્યાંથી એ કેવી રીતે વૈશાલીને હિંમત આપીને કારમાંથી ઉતારીને આગળ લઈ ગયો. ત્યાંથી થોડે દૂર એક પાન બીડીની દુકાન દેખાતી હતી. એ તરફ જતાં રસ્તાના કિનારે આવેલ અર્ધ ખોદેલ બોરવેલ, એ દરેક સ્થળના દર્શન કરી એણે વૈશાલી પાસે વૈભવ સાથે લગ્ન કરવાની પરવાનગી માંગી લીધી હતી. 

એ મેનહોલ, જેના નીચેના ભાગમાં વરસાદી કિચડ જમા થયેલ હોવાથી વૈશાલી અનાયાસે ડૂબકી ખાઈ એમાં પડીને ખૂંચી ગઈ હતી અને પાણી પી લેવાના કારણે ગુંગણામણને લીધે મૃત્યુ પામી હતી, ત્યાં અટકી.

વૈખરી એ મેનહોલ નજીક આવી તો એ વધારે ઊંડાણ ધરાવતો હોય એમ જણાયું નહીં. એણે વૈભવને પૂછી લીધું, "વૈશાલી આ જ ખાડામાં ખૂપી ગઈ હતી?" 

વૈભવ રાજ હસ્યો, "હા, મિસ વૈખરી મહેતા. પી. આઈ. એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર, પડાણાં પોલીસ સ્ટેશન." એ ચમકી.

"તમને શું લાગે છે કે મને સોશિયલ મિડિયાની જાળ પાથરી, મુર્ખ બનાવી, ફસાવી દેવાશે?" વૈભવ બેફિકરાઈ ભર્યુ હસ્યો, "ફક્ત મારી ધર્મપત્ની વૈશાલી જ નહીં એના પરમ પૂજ્ય પિતાજી એટલે કે મારા સસરાજીને પણ આ મોહ માયા પ્રપંચ તથા કાવાદાવાઓથી ભરેલી સ્વાર્થી દુનિયામાંથી સ્વર્ગ એટલે કે સાક્ષાત ઇશ્વરના ઘરમાં પ્રવેશ મળે એવી નિસ્વાર્થ પ્રવૃતી કરી મારા પ્રેમનો પરચો આપી દીધો છે. હવે થાય એ કરી લેજે."

વૈખરી હસી, "ઓહ! વેરી સ્માર્ટ, મી. રાજ. તો તમે મારા વિશે જાણતા હતા? આટઆટલી સાવચેતી રાખવા છતાં તમને હું પી. આઈ. પડાણાં પોલીસ સ્ટેશન, વૈખરી મહેતા છું એ ઘેર બેઠા ખબર કેમ પડી?"

વૈભવ રાજ હસ્યો, "એ તારા વિચિત્ર અને અસ્વાભાવિક નામને લીધે. મને ખબર છે પોલીસ અધિકારીઓ ભલે કહે કે ફલાણા કેસની ફાઇલ બંધ થઈ ગઈ છે પણ કોઈ ને કોઈ, તારા જેવા પ્રમોશન ભૂખ્યા અફસરો આવીને જૂના કેસ ઉખેડીને ફેમસ થવા પ્રયત્ન કરતા હોય છે. એટલે ધ્યાન રાખવુ પડે."

વૈખરી સમસમી ઊઠી, "વૈભવ તારું રાજ સમાપ્ત થવા આવ્યુ છે. હું ગમે તે ઘડીએ પુરાવાઓ સાથે તારી ધરપકડ કરવા આવીશ."

"ઠીક છે." એ મરક્યો, "મીસ મહેતા, તારું એ સ્વપ્ન હંમેશા માટે સ્વપ્ન બનીને વિખેરાઈ જશે. આજે તારા ઉપરીને જણાવી દેજે કે તારું આ લવ સ્ટિંગ ઓપરેશન નાકામયાબ થઈ ગયું છે. પણ તારી ફરજ પ્રત્યે નિષ્ઠા અને જોખમ લેવાની દિલેરીને લીધે તારા માટે માન ધરાવુ છું. આગળ આ કેસમાં પ્રયત્ન છોડી દઈશ તો પોલીસ બની જનતાની સેવા કરતી રહીશ પણ આ ચળ જો ઓછી ના થઈ તો મારી વૈશુ ટાઇમ્સ અખબારની વિશેષ વૈખરી, સોરી, વિશેષ વિખેરાઈ પૂર્તિ બની જઈશ. ઓકે? ચાલ ગાડીમાં બેસ ક્યાંક સરસ જમવા જઈએ. મને ખબર છે તું ના નહીં પાડે કારણ વાતવાતમાં કોઈ ક્લૂ, કોઈ સંકેત, કોઈ સગડ, કોઈ હિન્ટ, કોઈ ઇશારો મળી જાય એ માટે પ્રયાસ તો ચોક્કસ કરીશ. રાઇટ?"

એ હસી પડી, "મી. રાજ, મારી નાની કારકિર્દી દરમ્યાન પણ મેં ઘણા ગુનેગાર, ઘણાં રીઢા ગુનેગાર જોયા છે પણ કોઈ આવો કુલ કિલર જોયો નથી. છતાં આ વિચિત્ર અને અસ્વાભાવિક નામવાળી વૈખરીથી બચજે, સાવધ રહેજે નહીં તો વૈભવ ખરી જશે અને ખબર પણ નહીં પડે. તારા જેવા શાતિર અને ચાલાક ગુનેગાર પણ એકાદ ભૂલ તો અવશ્ય કરી લેતા જ હોય છે."

એણે આત્મવિશ્વાસ ભરપૂર હાસ્ય કર્યુ, "મીસ વૈખરી, એ બધું ટીવી પર ચાલતી સીઆઈડી ક્રાઈમ સિરિયલમાં બતાવવામાં આવે. જેમાં આવા ડાયલૉગ સારા લાગે. સમજી? હવે જોઈએ તારાથી શું થઈ શકે છે? અહીં તો મોબાઈલ નેટવર્ક રેન્જ પણ નથી અને આપણાં બંનેના મોબાઈલ મારી કારમાં જ છે. નાવ બી અ ગૂડ ગર્લ એન્ડ કોઓપરેટ.." 

એ સસ્મિત કારનો વિરૂદ્ધ દરવાજો વૈખરી માટે ખોલીને ઊભો હતો. ગાફેલ પોલીસ ઇન્સ્પેક્ટર વૈખરીને જરા પણ અણસાર સુધ્ધાં નહોતો આવ્યો કે આ કુલ કિલર એની સાથે પણ ઉંદર બીલાડીની રમત રમી રહ્યો હતો. એ પણ લાચારી છુપાવી સસ્મિત એની કારમાં બેઠી. એ જાણતી હતી કે આ વખતે ધંધાદારી ના હોવા છતાં પણ એક અતિશય ચાલક અને ગુનાહિત માનસ ધરાવનાર, ગુનેગાર તરીકે કોઈ પણ રેકોર્ડ ન ધરાવનાર, એવા ખતરનાક અપરાધી સાથે એનો પનારો પડ્યો હતો. 

એને વિચારોમાં અટવાયેલી જોઈ વૈભવ બેફિકરાઈ ભર્યુ હસ્યો, "મીસ મહેતા, પોલીસ તપાસથી બચવા નહીં પણ પોતાની સુરક્ષા માટે સીટ બેલ્ટ પહેરી લો તો કાર સ્ટાર્ટ થાય."

વૈખરી હસી પડી, "મી. રાજ, એક પોલીસ અધિકારી સાથે રહીને તમે કાયદાનું પાલન કરતા શીખી ગયા છો એ આનંદની વાત છે." આ સાથે એક હસીન રોમાંટિક લોંગ ડ્રાઈવ હવામાનની જેમ અચાનક પલટો ખાઈને ચોર પોલીસ ગેમ બની ગઈ હતી.

હકીકતમાં એ નસીબનો બળીયો હતો. જે બાબુકાકા ભજીયાવાળા માટે વૈભવ રાજ એક ખાસ ગ્રાહક હોવાથી એ એને પેઈડ હોમ ડિલીવરી સેવા પ્રદાન કરતો હતો. એની એક બ્રાંચ પડાણાં પોલીસ સ્ટેશન સામે પણ હતી. એના માણસો માટે પોલીસ અધિકારીઓ ખાસ ગ્રાહક હોવાથી એ એને ભજીયા તથા ચાની ડિલીવરી સેવા પ્રદાન કરતા હતા. એટલે એના માણસોની પડાણાં પોલીસ સ્ટેશનમાં આવનજાવન રહેતી. 

આ પી. આઈ. વૈખરી મહેતા બહારના ચા નાસ્તા ખાતી નહીં. એ ચાનું થર્મોસ અને ટિફિન લઈને પોલીસ સ્ટેશન આવતી પણ પોલીસ સ્ટેશનમાં આવનજાવન કરતા બાબુકાકા ભજીયાવાળાના માણસો એને ઓળખતા હતા. એ દિવસે જ્યારે વૈખરી વૈભવની બાલ્કનીમાં બેઠી ત્યારે બાબુકાકા ભજીયાવાળાનો જે માણસ ફૂડ ડિલીવરી માટે આવ્યો હતો એ ક્યારેક પોલીસ સ્ટેશન સામેની બ્રાંચમાં પણ જતો. એ દિવસે વૈખરી પોલીસ માનસ પ્રમાણે કોણ આવ્યુ હતુ એ જોવા બાલ્કનીમાંથી અંદર આવી ડોકિયું કર્યું. બસ એ નાની ગફલત અને એ માણસ એને જોઈ ગયો. 

બીજા દિવસે અકારણ એ બાબુભાઈ ભજીયાવાળાની દુકાને પહોંચી ગયો તો એણે કુતુહલપૂર્વક તપાસ કરી, "સાહેબ, આપની ઓળખાણ તો જબરજસ્ત છે. કડક પોલીસ ઇન્સ્પેક્ટર મેડમ વૈખરી મહેતા પોતે આપના ઘરે પધાર્યા હતાં. માનવુ પડે સાહેબ." એની સામે માત્ર સ્મિત આપી વૈભવે તપાસ કરાવી તો પડાણાં પોલીસ સ્ટેશનમાં એક વૈખરી મહેતા નામની પોલીસ ઇન્સ્પેક્ટર કાર્યરત હતી. એ સાવધાન થઈ ગયો. એને નવાઈ લાગી કે પોલીસ અધિકારીઓ પણ ગુનેગારો પકડવા માટે હની ટ્રેપ ગોઠવવાના ગતકડા કરતા હોય છે! જોકે એને પ્રથમ વખત પોતાની ટક્કરનું કોઈ મળ્યુ હતું. 

બીજા જ દિવસે, એટલે કે સોમવારે પોલીસ ઇન્સ્પેક્ટર વૈખરી મહેતાએ વૈશાલી વૈભવ રાજના અકસ્માત મૃત્યુની ફાઇલ ફરી ખોલવા વિનંતી પોલીસ બેક ઓફિસ સોફ્ટવેર મારફત એની પરવાનગી માટે અપલોડ કરી દીધી. એણે આ બંધ થઈ ગયેલ કેસ ફરી ખોલવા કારણ તરીકે એ અકસ્માત નહીં પણ કત્લ હોવાનો દાવો કર્યો હતો. એક વર્ષ જૂનો બંધ કેસ, કોઈ પણ સાક્ષી વગરનો કેસ, ખૂબ વ્યવસ્થિત આયોજનપૂર્વક પાર પડાયેલુ ખૂન, છતાં પણ તર્કબદ્ધ રીતે કોઈ પણ એક તાર્કિક સંકેત વગર આ કેસને હત્યાનો કેસ સાબિત કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન અસંભવ બાબત હતી. છતાં વૈખરી મહેતાની લગન અને કર્તવ્ય પરાયણતાને લક્ષમાં રાખી આ વિનંતી અપ્રુવ કરવામાં આવી.

વૈખરી મહેતાએ તરત વૈભવ રાજ વિરુદ્ધ વિશેષ ફરિયાદ દાખલ કરી આ બંધ ફાઇલ ખોલી દીધી. એટલે વૈભવને પડાણાં પોલીસ સ્ટેશન પરથી ફોન કોલ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર મીસ વૈખરી મહેતાને બે દિવસમાં સવારે દસથી બપોરે એક વાગ્યા સુધી મળવા બોલાવવામાં આવ્યો. એણે સામે પ્રશ્ન કર્યો, "જો મેડમ હમણાં સમય કાઢે તો હું આજે જ, હમણાં જ, આવવા તૈયાર છું." 

એને જવાબ મળ્યો, "સાહેબ, આપ આપને જણાવેલા સમય દરમ્યાન આપની અનુકૂળતા અનુસાર પધારી શકો છો. આભાર." ફોન કપાઈ ગયો અને વૈભવ, વૈખરીને મળવા અધિરો થઈ ગયો. 

બીજા દિવસે સવારે વૈભવ રાજ પોણા દસ વાગ્યે પડાણાં પોલીસ સ્ટેશન પર પહોંચી ગયો. એ આજે યુનિફોર્મમાં સજ્જ પોલીસ ઇન્સ્પેક્ટર મીસ વૈખરી મહેતા સામે બેઠો હતો. વૈખરી કોઈ અન્ય કેસના પેપર્સ તપાસી રહી હતી. એણે સામે નજર કરી તો ખુશખુશાલ વૈભવ રાજ બે હાથ જોડી બેઠો હતો.

એણે જ વાતની શરૂઆત કરી, "મેડમ, આપ કામમાં વ્યસ્ત હતાં એટલે આપની પરમિશન વગર અહીં બેસી ગયો માટે ઝંઝીર ફિલ્મના અમિતાભ બચ્ચનની જેમ એંગ્રી યંગ વુમન ના બની જતા."

"મેડમ, આપ નિરાંતે કામ પતાવો. દસ વાગવાને હજી આઠ મિનિટની વાર છે." એ ખંધુ હસ્યો, "હું રાહ જોઈશ."
વૈખરીએ પોતાના હાથમાં હતી એ ફાઇલ બંધ કરી. એ એને અપલક દ્રષ્ટિએ તાકી રહી હતી.

એણે વાતનો તંતુ સાધ્યો, "મેડમ, મેં સાભળ્યુ છે કે તમે મારી સ્વર્ગિય પત્નીના કાતિલ એવી વરસાદની એ રાતને શકમંદ બનાવી આ કેસને ફરી ખોલ્યો છે. મારો એમાં આપને સંપૂર્ણ સહકાર રહેશે."

એણે પહેલાં વર્ણવી હતી બિલકુલ એ જ વ્યથા કાનોમાતરના ફેર વગર ફરી જણાવી. એણે દુઃખી શબ્દો હસું હસું થઈ રહેલા ચહેરા સાથે, વૈખરોને નવી કોઈ પણ હિન્ટ ના મળે એટલી સાવધાની સાથે રજૂઆત કરી. જોકે વૈખરી માટે એ અપેક્ષિત હતું.

વૈખરી મક્કમ નાદથી બોલી, "મી. રાજ, આપણે એ હત્યાના સ્થળે જઈ, એ રાત્રીએ શું અને કેવી રીતે બન્યુ હતું એનું નાટ્યપ્રયોગ ભજવીને એ દ્રશ્યને જિવંત બનાવવું પડશે."

વૈભવ બેફિકરાઈથી હસ્યો, "મેડમ, આપના કહેવાનો તાત્પર્ય હત્યાના સ્થળે નહીં પણ ઘટનાના સ્થળે એમ જ હશે. આપણે એ ઘટનાના સ્થળે હમણાં જ જઈ શકીએ તેમ છીએ. આપ મારી કારમાં બિરાજમાન થશો કે મારે આપની જીપમાં બેસવાનું રહેશે."

એ હસી પડી, "મી. રાજ, આપનું મારી જીપમાં બેસવાનું સ્વપ્ન જરૂર પૂર્ણ થશે એ પણ હથકડી પહેરીને હાલ આપણે પોતપોતાના વાહનમાં હત્યાના સ્થળે જઈશું." એ ઊભી થઈ ગઈ.

વૈભવે વૈખરીને તમામ બાબતો, એની કારના ટાયરનું પંકચર થવાથી જે મેનહોલમાં વૈશાલી ખૂંચીને ડૂબી ગઈ હતી. એ તમામ ઘટનાની મોક ડ્રિલ (ઘટનાનું નાટ્યરૂપાંતર) કરી બતાવ્યુ. ખૂની ખરેખર ચાલક હતો. રીઢા ગુનેગારોને ભૂ પિવડાવે એવો કાબેલ ધૂર્ત હતો. વૈખરીને કાબિલ ફિલ્મનો દિવ્યાંગ ઋતિક રોશન યાદ આવી ગયો. વૈભવ પણ અતિશય જુગુપ્સિત રીતે પોતાની પત્નીનું કત્લ કરી, કોઈ પણ ક્ષતિ કે ઊણપ વગર એને એક અકસ્માત તરીકે ખપવવામાં તથા પોલીસ તંત્રને થાપ આપવામાં સફળ રહ્યો હતો. 

અગાઉ પણ એ પોલીસ તપાસને ચક્કર ખવડાવવામાં સફળ રહ્યો જ હતો. પાણીમાં ગરકાવ એની કારનું ડાબી તરફનું વ્હિલ પંકચર હતું. થોડે દૂર એક પાન બીડીની દુકાન હતી. એનો માલિક ઘરે જવા નીકળ્યો હશે ત્યારે પાવરકટને હિસાબે બેધ્યાનપણે એ બલ્બ ચાલુ રાખીને જ જતો રહ્યો હતો. એ તરફ જતાં રસ્તાના કિનારે આ અર્ધ ખોદેલ બોરવેલ મેનહોલ જ હતી. 

પોલીસે તો અકસ્માતનો કેસ નોંધી લીધો પણ પોસમોર્ટમ રિપોર્ટ અનુસાર પણ મેનહોલમાં ડૂબી ગયેલી વૈશાલીનો ભય સાથે પાણી આખા શરીરમાં ફેલાઈ, શ્વાસ ના લઈ શકવાને કારણે જીવ જતો રહ્યો હતો હોવાથી અકસ્માત મૃત્યુની મહોર લગાવી એ ફાઇલ બંધ કરી દેવામાં આવી. 

વૈખરીની છઠ્ઠી ઇંદ્રિય એને કહી રહી કે એ હત્યા જ હતી. વળી એને ચેલેન્જ આપતી વખતે વૈભવ પણ કહી ચૂક્યો હતો કે એ આ હત્યાને હત્યા સાબિત નહીં કરી શકે. અહીં કાતિલ ખરેખર માસ્ટર માઇન્ડ ગુનેગાર હતો. એણે સ્થળ, સમય અને સંજોગ એવા પસંદ કર્યા હતા કે કોઈ નજરે જોનાર સાક્ષી પણ નહોતો. તેઓ પાછાં આવી ગયા.

વૈખરીએ એ દૂધવાળો, હાઇવે પોલીસ અધિકારીઓ, પોસમોર્ટમ નિષ્ણાંતો, વૈભવનો ઘરનોકર હેમરાજકાકા, એના પડાણાં એપાર્ટમેન્ટ તથા રંગપુર ગામના આડોશી પાડોશી, સગા વહાલાં, મિત્રો, કારખાનાના કર્મચારીઓ, એમનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એમનો વકીલ, સંભવત: દરેકે દરેકની પૂછપરછ કરી લીધી પણ કોઈ સગડ મળ્યા નહીં. 

વૈખરી વિખરી રહી હતી અને વૈભવ રાજ કરી રહ્યો હતો.

એણે ફરી વરસાદની એક રાત પસંદ કરી વૈભવ રાજને ફોન કર્યો, "મી. રાજ, આ સમયે આપને ખલેલ પહોંચાડવા બદલ ક્ષમાર્થી છું. પણ આપે આપેલા સહકારના વચનને ધ્યાનમાં રાખીને આપને હમણાં આપની પત્નીના હત્યાના સ્થળે આવવા વિનંતી કરી શકું?"

વૈભવ રાજને આ ટોમ એંડ જેરીની રમતમાં આનંદ આવી રહ્યો હતો. એ મલકાઈ ઊઠ્યો, "જરૂર મેડમ, પણ એ ગોઝારા અકસ્માત પછી હું આવી વરસાદી રાતે મારી કાર ચલાવવાનું જોખમ લઈ શકતો નથી માટે તમારી જીપમાં સાથે આવવા પસંદ કરીશ." એણે હકારમાં જવાબ આપી કોલ સમાપ્ત કર્યો.

વૈખરીની જીપમાં વૈભવ છત્રી સાથે બેઠો. પણ આ વખતે એ સાવધ હતો. રખેને વૈખરી એનું સ્ટિંગ ઓપરેશન કરી લે તો! જોકે વૈખરીએ જીપ ચાલુ કરી, ત્રણ વખત કાર લાઇટ ચાલુ બંધ કરી એની પાછળ ઊભેલી એક વાનને છુપો ઇશારો કર્યો. જોકે વૈભવ મનોમન મૂંઝવણમાં મૂકાઈ ગયો, 'અતિ આત્મવિશ્વાસને કારણે મેં આ સમયે એના ઝાંસામાં આવવાની ભૂલ તો નથી કરી લીધીને!'

વૈખરી હસી, "ચિંતા ના કરો હત્યારાજી અમે દગાથી તમને નહીં ફસાવીએ પણ તમારા કર્મ તમને નક્કી ફસાવશે." આ સાંભળી એણે હસવાની એક્ટિંગ કરી પણ કાંઈ પણ બોલવાનું ટાળ્યુ.

છેવટે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસની આખી ટીમ રેઇનકોટ પહેરેલી હતી. એમાં વિડિયો રેકોર્ડિંગ ડિવાઇસ સાથે શૂટિંગ ટીમ પણ હતી. વૈખરીએ વૈભવને જણાવ્યુ કે તેઓ આખી ઘટનાની રીલ બનાવવા માંગે છે તો વૈભવ પાસે આનાકાની કરવાનો પ્રશ્ન જ નહોતો.

એણે પોલીસ જીપ ચલાવી તેઓ જે સ્થળે ટાયર પંકચર થયુ હતું ત્યાં સુધી આવ્યા. તેઓ શહેર પડાણાં તરફ જવાના હાઇવેથી ત્રણેક કિલોમીટર દુર એવા અવાવરુ ગ્રામ્ય રસ્તા પર હતાં.

પાણીમાં ડૂબેલા ફ્લેટ ટાયરને બદલવા માટે એ સૌથી મુશ્કેલ સમય હતો. થોડે દૂર એક બલ્બ ચાલુ હતો આથી એણે કોઈ મદદ મળશે એ આશાએ વૈશાલીનો (વૈખરીનો) હાથ ઝાલી એ દિશામાં જવા નિર્ણય લઈ લીધો.

વૈખરી એની સાથે ચાલી રહી હતી. એ વૈખરીને હિંમત આપી આગળ વધી રહ્યો હતો. ત્યાં અચાનક જ એક મોટો ખાડો આવી ગયો અને વૈખરી ત્યાં અટકી ગઈ. 

એણે ઇશારો કર્યો એટલે વાનમાંથી એક આદમકદની પૂતળી લાવવામાં આવી. એની હાઇટ પાંચ ફૂટ ત્રણ ઇંચ, એટલે કે વૈશાલીની સમકક્ષ ઉંચાઈ હતી. એનું વજન બાવન કીલો એટલે કે વૈશાલી જેટલી જ એ વજનદાર હતી. 

આ પૂતળી જોઈ આત્મવિશ્વાસથી છલોછલ વૈભવ રાજ પ્રથમ વખત ગભરાયો. વૈખરીએ ઇશારો કરી એણે એ ખાડાની ધાર પાસે ઊભી રાખેલી પૂતળી સાથે એક ડગલું આગળ વધવા જણાવ્યુ. એ પૂતળી કૂવામાં પડી ગઈ. એક ઝટકામાં જ એનો ભીનો હાથ વૈભવના ભીના હાથમાંથી છટકી ગયો. અંધકારના સામ્રાજ્યમાં કાંઈ સમજાય એ પહેલાં વૈશાલીની પૂતળી એ અદ્રશ્ય કૂવામાં ગરક થઈ જળસમાધી લઈ ચૂકી હતી. એ પાગલોની જેમ ચીસો પાડી આક્રંદ કરવા લાગ્યો હતો પણ એક ક્ષણમાં વૈશાલી રૂપી પૂતળી પાછી ઉપર આવી ગઈ. વિડિયો રેકોર્ડિંગ ચાલુ હતું. હજી બે વખત આ સીન ભજવવામાં આવ્યો પણ દરેક વખતે વૈશાલી રૂપી પૂતળી પાછી ઉપર આવી ગઈ હતી.

વૈખરીએ વિજયી સ્મિત આપ્યું, "મી. રાજ, કોઈ પણ બાવન કીલો વજનનો માણસ આવા સાત ફૂટ ઊંડા મેનહોલમાં લપસીને પડે તો એના પગ કિચડમાં ખૂંચી જાય નહીં. હવે એ પૂતળાને અંદર નાખી, મેનહોલના કિનારે બેસીને પગથી એના ખભા દબાવો." વૈભવ રાજે એમ કરવાની ના પાડી દીધી, "હું મારી વૈશુના પૂતળાની સાથે પણ આવું ના કરી શકું."

વૈખરીએ એની મનાઈ સ્વીકારી એની સાથે આવેલા એક કોન્સ્ટેબલને એમ કરવા કહ્યું. એણે પૂતળીને ફરી એ મેનહોલમાં નાખી પણ એ ફરી ઉપર આવી ગઈ. આ વખતે વૈખરીના ઇશારા પ્રમાણે એણે પૂતળીને ફરી એ મેનહોલમાં નાખી એના ખભા પર ઊભો રહી ગયો. આ વખતે એ ફરી ઉપર ના આવી શકી પણ કીચડમાં ખૂંચી ગઈ. 

વૈખરી વિડિયો રેકોર્ડિંગ ડિવાઇસ સામે જોઈ બોલી, "યોર ઓર્નર, પ્લીઝ આ મુદ્દાની નોંધ લેવા વિનંતી કે એક પાંચ ફૂટ ત્રણ ઇંચ ઉંચી અને બાવન કિલો વજન ધરાવતી કોઈ પણ મહિલા ફક્ત સાત ફૂટ ઊંડા મેનહોલમાં લપસીને પડે તો એના પગ કિચડમાં ખૂંચી જાય નહીં. પણ એને મારી નાખવા માટે એની પર પ્રેશર આપવું પડે. આપે નોંધ લીધી હશે કે એક નિર્જીવ પૂતળીને કિચડમાં ખૂંચાડવા કેટલા બળાબળનો પ્રયોગ કરવો પડ્યો! જ્યારે અહીં તો એક જીવતી જાગતી કોડભરી કન્યાને 
ખૂંચાડવાની હતી. વળી હત્યા બાદ ત્રણ કલાક સુધી અહીં આ હત્યારા સિવાય કોઈ હાજર નહોતુ. મારી ઇન્વેસ્ટિગેશન સમાપ્ત થાય છે. આભાર." પોતાની પર હત્યાનો આરોપ અકલ્પ્ય વળાંક સાથે સિધ્ધ થતાં વૈભવ રાજ ભાગવાનો પ્રયાસ કરતાં એના લમણે ગન આવી ગઈ, "મી. રાજ, હવે હથકડી પહેરી પોલીસ જીપમાં બિરાજમાન થશો? હજી તમારા સસરાની હત્યાની કબુલાત તો બાકી જ છે." 

ચાલાક હત્યારો રડવા લાગ્યો એ સમયે વરસાદની એ રાત હસતી હતી.

(સમાપ્ત.)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ