વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક દિવસ

એક દિવસ....
આ અસ્ત થતા સૂર્ય માફક,
આંખોની રોશની પણ અસ્ત થઈ જશે.
ગુલાબ સમાન મહેકતા હોઠની લાલી,
પીળા થઈ ગયેલા પાંદડા માફક,
સુકાઈ જશે, કરમાઈ જશે.
લીસી અને ખિસકોલીની પીઠ જેવી આ ત્વચા,
હાડકા સાથેનું પ્રગાઢ મિલન પણ ખંડિત કરી દેશે.
ઉલ્લાસથી ઉછળ કુદ કરતી છાતી,
દમથી ભરાઈ જશે.
પછી શું?
સૂરજ અસ્ત થાય છે ત્યારે પણ એના રંગો,
આખા આકાશને નવપલ્લવિત થતા હોય એમ,
રંગી પોતાનો રુઆબ સાચવી લે છે.
પરંતુ આપણે...?
અસ્તિત્વના તમામ રંગોથી મુક્ત થઈ જશું.
ના કોઈ સગું, ના કોઈ વ્હાલું.
ના કોઈ પોતાનું, ના કોઈ પરાયું.
જે હતું અને છે એનું પણ જ્ઞાન નહિ રહે.
આ રંગત, આ મસ્તી,
ઢળતી પાંપણમાં સમાઈ જશે.
મંદ મંદ ચાલતા શ્વાસ પણ,
જર્જરિત થઈ ગયેલા ફેફસા પાસે હિસાબ માંગશે.
જીવનમાં ક્યારેય કોઈની આશા ભલે ના રાખી હોય,
ખુદનો હાથ ઉઠાવવા માટે પણ આપણે,
બીજાનો સહારો લેવો પડશે.
બધું જીવંત છે છતાં નાશવંત છે.
બધું જાણતા હોવા છતાં આપણે અજાણ છીએ.
આ ક્રોધ, આ અહંકાર, આ નફરત,
કાલે રાખમાં ભળી જશે.
તો શું કામ આજને ના જીવી લઈએ?
એકબીજાને માફ કેમ ના કરી દઈએ?
એકબીજાની આંખમાં સમાઈને,
ખારા આંસુમાં અમુક પ્રસંગોનો ખાર કેમ ના વહાવી દઈએ?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ