વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પોતીકો કિનારો..

શીર્ષક- પોતીકો કિનારો.*

"સ્વરા ડાર્લિંગ, પ્લીઝ હવે તો આ થોથો સાઈડમાં મૂક. જોને, કેવો મસ્ત વરસાદનો માહોલ છે! આમ દૂર ચોપડીમાં માથું નાખીને બેઠી છે." વિનીતે પોતાની પત્નીને નજીક ખેંચતા તેના હાથમાં રહેલ પુસ્તક નીચે પડી ગયું. 

"વાંચવા દો ને..પ્લીઝ..થોડીવાર..!" પછીનું વાક્ય સ્વરાનાં કોમળ હોઠ પર મૂકાયેલ વિનીતના હોઠે પૂરું ન થવા દીધું. નીચે પડેલ પુસ્તક પાનાં ફફડાવી સ્વરાની જેમ થાકી ગયું. વિનીત સૂઈ ગયો પછી સ્વરાએ તેનો કમર પર વીંટળાઈ વળેલ હાથ ખસેડયો. બરાબર મધ્યભાગમાં પ્રવેશેલ નવલકથા 'વમળ'માં ગળાડૂબ સ્વરાએ નીચે પડેલ પુસ્તક હાથમાં લીધું. બંધ પુસ્તકનાં છેલ્લાં પૃષ્ઠ પર સફેદ દંતપંક્તિ બતાવતી લેખક આર્જવ આચાર્યની મનમોહક તસવીર પર સ્વરાની કોમળ આંગળીઓ એમ જ ફરી રહી. દરેક નવલકથાનાં અંતિમ પૃષ્ઠ પર આવી જ અલગ-અલગ અંદાજની બોલકી તસવીરો સાથે આર્જવના નવલકથાને સંલગ્ન શબ્દો "મારી વાતો" સ્વરાને આકર્ષી જતાં. પછી જેમ-જેમ નવલકથા વંચાતી જતી, તેમ-તેમ તે પાત્રો સાથે ઓતપ્રોત થઈ જતી. આર્જવની લેખન શૈલી પર તે ઓળઘોળ થઈ જતી.  

મોટેભાગે પ્રેમ કહાની અને માનવીય લાગણીઓ, સંવેદનાઓ તેમજ ભાવનાત્મક બાબતોને ઉજાગર કરવામાં પાવરધી એ કલમે સર્જેલ કોઈ પણ નાયકમાં સ્વરા આર્જવને શોધવા લાગતી.

"મમા, તમે આજે કેમ અચાનક ખુશ દેખાવ છો?" નાનકડો દીકરો વિસ્મય બોલ્યો. 

સ્વરાના મરક-મરક ચહેરા પર ખુશીઓ છલકી રહી હતી. તે હાથમાં રહેલાં ન્યુઝપેપરનાં ફ્રન્ટ પેજ પર નીચે છપાયેલ લાઈનો વાંચવામાં એટલી હદે તલ્લીન હતી કે તેને વિસ્મયનો માત્ર અવાજ સંભળાયો પણ શબ્દો નહીં. 

" બોલો ને મમા!" ફરી કહીને વિસ્મયે પેપર ખેંચ્યું. 

"વિસુ..! વ્હોટ ઈઝ ધિસ નોનસેન્સ! ખબર નથી પડતી? ફાટી જાય પેપર. ચાલ આમ, હોમવર્ક કરવા." વિસ્મય વીલું મોં કરી સ્વરા સાથે જવા ઊભો થયો. સ્વરાએ પેપર સાચવીને ટિપોઇમાં ગોઠવ્યું.

તેના ગયા પછી વિનીતે પેપર હાથમાં લઈ જ્યાં સ્વરાની નજર હતી તે પર નજર કરી. તેણે એક કાળા ચશ્મા પહેરેલ લેખકનો ફોટો જોયો. નીચે લખ્યું હતું. 'ફરી એકવાર આર્જવ આચાર્યની નવલકથા 'અજંપો'ને સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયું.' વિનીત મનોમન સ્વરાની વાંચન ઘેલછા પર હસ્યો અને પેપરને ફગવતો ન્હાવા ગયો.  

એક પછી એક આર્જવની નવલકથાઓ વંચાતી ગઈ. સ્વરા જે કદીક ખુદ કોલેજ મેગેઝિનની ક્વીન ગણાતી, તે વર્ષોથી સુષુપ્ત પડેલ સાહિત્ય અને સંવેદનાઓની દુનિયામાં ખોવાતી ગઈ. તે આર્જવની કલમના કમાલમાં પોતાને ઓગળતી મહેસૂસ કરવા લાગી. એ જ કલ્પનાઓની પાંખ લઈ તે જ્યારે સ્વપ્ન ઊડાન ભરતી હોય ત્યારે વિનીત પોતાની કોઈ પુરુષ કે પતિ સહજ લાગણીઓ સ્હેજે બતાવવા જાય તો આસ્થા વિફરી બેસતી. 

*****

"હેલ્લો, જતીન! બોલ ને.. આજ સન્ડે કી સુબહ ઔર તુમ! શું હતું?"

"વિનીત, આપણાં રોયલ ક્લબે આ વખતે એન્યુઅલ મિટીંગ નેક્સ્ટ સન્ડેએ ફાઈનલ કરી છે અને આ વખતે પાંચ વર્ષ પૂરા થવાની ખુશીમાં વિથ ફેમિલી ડિનર અને પાંચ અલગ-અલગ કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ લોકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજ્યો છે. જેમાં સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ આર્જવ આચાર્ય, સંગીતનો મલ્હાર માંકડ.."

"અરે..બસ..બસ...આ બોરિંગ માહિતી નથી સાંભળવી હો. મારે શું કરવાનું? એ કહી દે."

"તારે પાંચ મોમેન્ટો તૈયાર કરાવવાનું છે. રોયલ ક્લબનાં લોગો વાળાં." જતીન બોલ્યો.

"ઑકે. થઈ જશે. ચલ, ગુડ નાઈટ. તારી વાતો સાંભળીને ફરી ઉંઘ આવવા લાગી." વિનીતે ખડખડાટ હસીને કૉલ કટ કર્યો ને જતીને તેને ગાળ દઈ ને!

આર્જવ આચાર્યને અવોર્ડ..! સ્વરાને પછી કંઈ વિચારવાની પણ ફૂરસદ ન હતી! પછીના શનિવારે સવારે સ્વરાના પગ જમીન પર ન્હોતાં. આગલાં દિવસે પાર્લરમાં જઈ બ્યુટિ ટ્રીટમેન્ટ લઈ આવેલી સ્વરા આજે બત્રીસને બદલે માંડ પચીસની હોય તેવી સોહામણી લાગતી હતી. 

"સ્વરા, કાલે સાંજે આપણે રોયલ ક્લબનાં એન્યુઅલ ફંક્શનમાં જવાનું છે અને હા...તારા માટે એક ગુડ ન્યૂઝ એ છે કે તારા પેલા ફેવરિટ લેખક મહાશય ...!કોણ...? નામ પણ પોથી પંડિત જેવું કંઈક રાખ્યું છે..!" કહીને વિનીત માથું ખંજવાળી રહ્યો. 

"આર્જવ...આઈ મીન આર્જવ આચાર્ય." એકદમ ત્વરાથી બોલ્યાં પછી સ્વરાએ જરા ક્ષોભ અનુભવ્યો.

"હા..બસ..એ જ..એમનું અમે સન્માન કરવાનાં. સો બેબી, તારે જો ઑટોગ્રાફ લેવો હોય તો ડાયરી તૈયાર રાખજે. ઑકે?" વિનીત તદ્દન નિખાલસ મનથી બોલી રહ્યો પત્નીનું મનોભાવોથી સદંતર અજાણ પણે!

બસ ત્યાર પછી કોઈ ષોડશી જેવાં ઉત્સાહથી સ્વરા આર્જવને મળવાં આતુર હતી. એક-એક પળ તેને મોટી લાગી રહી હતી. પંદર સાડીઓ બદલ્યા પછી આસમાની રંગની સિલ્વર બુટ્ટીવર્ક કરેલી સાડી પર તે જ શેડનો ડાયમંડ નેકલેસ અને લોંગ ઇયરિંગ,  બે ભ્રમરની વચ્ચે સ્કાય કલરની નાની બિંદી કમર સુધી લહેરાતાં સોનેરી જાંયવાળા વાળ. સ્વરાને ખુદને અરીસામાં જોયા પછી ઝડપથી ફંકશનમાં જવાની ઉતાવળ હતી જ્યારે વિનીતને તો તેને જોઈને બસ રાતની પ્રતિક્ષા હતી!

આખરે એ સમય પણ આવી ગયો. સ્ટેજ પર જ્યારે આર્જવ આચાર્યનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે સૌથી વધારે તાળીઓ સ્વરાએ પાડી. તે પછી આર્જવનાં પ્રશંસકોએ તેની આસપાસ ભીડ જમાવી. સ્વરાએ વિસ્મયને અન્ય દોસ્તો પાસે રમવા મોકલી દીધો. વિનીત ડિનર અરેન્જમેન્ટમાં બિઝી હતો. પોતે હાથમાં ડાયરી અને પેન લઈ ભીડ વિખરાવાની રાહ જોઈ ઊભી રહી. ત્યાં તો આર્જવની નજર જ આ આસમાની રૂપ તરફ ખેંચાઈ. તેણે એક હળવું સ્મિત આપી સામેથી ડાયરી લેવા હાથ લંબાવ્યો અને પૂછ્યું, "આપનું નામ?" 

"સ્વરા..." કોઈ સપનું જોઈ રહી હોય એમ સ્વરા બોલી.

"વાહહહહ ..!"

પછી ડાયરીમાં ઑટોગ્રાફ સાથે લખ્યું, 'વિથ લોટસ ઓફ લવ ટુ સ્વરા...માય નેક્સ્ટ નોવેલ હિરોઈન..!'

ત્યાં તો વિનીત આવ્યો અને પછી સ્વરાએ ઔપચારિક ઓળખાણ કરાવી. સ્વરાને કથાનકમાં જીવંત ઉતારવાની હોય તેમ બાકીનાં કાર્યક્રમ દરમિયાન આર્જવની નજરો તેના પર જ કેન્દ્રિત હતી. જ્યારે આ નજરોને ઝીલતી સ્વરાની નજર તરત નીચે ઢળી જતી હતી.

સ્ત્રીની લાગણીઓ નદીનાં વહેણ જેવી હોય છે તે પોતાનો માર્ગ મેળવી જ લે. સ્વરાએ એફબી. પર આર્જવને શોધી લીધો. રિકવેસ્ટ મોકલ્યાં પછી દસ સેકન્ડમાં સામેથી સ્વીકાર થઈ ગયો. હવે સ્વરાની સવાર અલગ રીતે ઊગતી. સાંજ દુનિયાથી જુદી રીતે આથમતી. રાતે વિનીતનાં નસકોરાંની તેને કોઈ અસર ન્હોતી! ફરી એક પ્રોગ્રામમાં સ્વરાનાં શહેરમાં આવેલ આર્જવે તેને મળવાની ઈચ્છા જાહેર કરી. વિનીતે પોતાની તથા વિસ્મય સાથે બદલાયેલી સ્વરાને અનુભવી પણ તેણે આ વાતોને સ્વરાનાં થોડા  વિચિત્ર સ્વભાવનો ભાગ ગણી સમય પર હલ છોડી દીધો. તેથી જ સ્વરાએ બહેનપણીની ઘરે પાર્ટીમાં જવાની વાત કહી તો વિસ્મયની જવાબદારી પોતે સંભાળી લેશે, એમ કહી વિનીતે તેને ખુશીથી જવા દીધી. 

 ગુલાબી રંગની સાડીમાં પિન્ક બ્યુટિ બનીને સ્વરા ઘરની બહાર તો નીકળી પણ પછી આ રીતે હોટલનાં સ્યૂટમાં મળવા જવાનું તેને અંદરથી ડંખવા લાગ્યું. હોટલ સુધી પહોંચતા તો તેનો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો પણ ત્યાં તો તેને રિસેપ્શનિસ્ટ વેલકમ બૂકે આપી ઉપર લઈ ગઈ. આર્જવે લાલ ગુલાબ આપી તેને વેલકમ કરી. થોડી ઔપચારિક વાત પછી આર્જવે તેની નવી નવલકથાનું પુસ્તક ભેટમાં આપ્યું. સ્વરાએ કોફી પી ત્યાંથી જવાનું વિચારી અચાનક ઊભી થઈ ગઈ. આર્જવે તેનો હાથ પકડી તેની નાજુક કલાઈ પર એક ડાયમંડ બ્રેસલેટ પહેરાવી દઈ કેટલીય વાર સુધી હાથ ન છોડ્યો. સ્વરા અચાનક સંમોહનમાંથી બહાર આવી. તેની આંખોમાં આંસુ ઉભરાયા. આર્જવ બોલ્યો,"સોરી સ્વરા, મારું કોઈ વર્તન અગર તને ન ગમ્યું હોય તો.."

"નહીં, વાંક મારો છે. તમારો નહીં." આટલું બોલી તેણે તરત નીચે ઉતરી ઘર તરફ જતી ટૅક્સી પકડી. 

તે પછી સ્વરાની દશા મઝધારે ઝોલા ખાતી નાવ જેવી હતી. મન સતત આર્જવમાં અને શરીરથી વિનીત. ભેટમાં આપેલ નવલકથાની નાયિકાનું વર્ણન તે સ્વરા હોવાનું સાબિત કરતું હતું. બંને વચ્ચેનો પ્રેમ સંબંધ પરાકાષ્ટાએ હતો ને અચાનક એક દિવસ સવારનાં મેસેજમાં આર્જવની ગેરહાજરી દિવસમાંથી રાતોમાં પરિણમી. ડીપી. દેખાતું બંધ થયું. કૉલ પહેલાં ઉપડતાં અને પછી લાગતાં બંધ થયાં. એફબી.માં પણ તેને અનફ્રેન્ડ કરી નખાઈ હતી. સ્વરા બેબાકળી બની ગઈ. આખરે તેને થયું કે તે આર્જવ વગર જીવી નહીં શકે. ત્યારે કઝિનને મળવાનાં બહાને તે કાલે સાંજે આવી જઈશ એમ કહી આર્જવનાં શહેરની બસમાં બેસી તેની ઘરે પહોંચી ગઈ. 

આર્જવની પત્નીને તો મુલાકાતીઓ માટે ટેવાયેલી હતી તેથી તેણે સ્વરાએ કોઈ કાર્ડ બતાવતા આર્જવના લાઈબ્રેરી અને લેખન રૂમ તરફ જવા દીધી. સામાન્ય દેખાવની તે સ્ત્રીની સ્વરાને અદેખાઈ આવી!

 તે ઝડપથી અંદર ગઈ. અવગણનાથી સળગતું હૃદય લઈ તે આક્રોશથી ટેબલ પરના લેપટોપમાં ટાઈપ કરી રહેલા આર્જવની પાછળ ઊભી રહી. આર્જવ હજુ બેધ્યાનપણે લખવામાં મગ્ન હતો પણ તે વારંવાર પાસે પડેલ મોબાઈલ જોઈ લેતો હતો. સ્વરાનાં આશ્ચર્ય વચ્ચે લેપટોપ પાસે પડેલા આર્જવનાં મોબાઈલમાં સ્વરાની આસમાની સાડીમાં હસતી તસવીર સ્થિત હતી, જેની સામે ઘડીભર જોયા કરી પછી આર્જવ લખ્યે જતો હતો! સ્વરાની આંખો ડબડબી.

"કેમ આર્જવ કેમ? મને આમ પ્રેમમાં ડૂબાડી મઝધારમાં એકલી મરવા મૂકીને કેમ જતા રહ્યા?" પછી મોબાઈલ સામે ધરીને કહ્યું, "જો આટલો જ પ્રેમ હતો તો શા માટે મને મધદરિયે તડપવા છોડી ગયા? મારા ક્યાં ગુનાની આ સજા છે?" સ્વરા ધ્રુસ્કા ભરતી બોલી રહી. 

"સ્વરા, તું અને હું એક સાગરનાં સામ-સામા કિનારા છીએ, જેને એકબીજાંને કોઈ ક્ષિતિજની જેમ જોવાનો હક છે પણ પામવાનો અધિકાર નથી. તને મઝધારે મૂકવાનું પાપ મને મંજૂર છે. કેમકે તારી મંજિલનાં કિનારે પરત ફરવાની તારી તાકાત પર મને ભરોસો છે પણ તારી મજબૂત નાવને મારા પ્રેમની ઊધઈ કોરી ખાય ને તું મઝધારે ડૂબી જા તે મને મંજૂર નથી. તારા પવિત્ર પ્રેમને જાળવી શકવાનો મને મારા પર ભરોસો નથી. તેથી તું મારા પ્રેમને ન ભૂલતી પણ મને ભૂલી જા અને હા, મને શક્ય હોય તો માફ કરજે."

સ્વરા પોતે જેને આદર્શ પુરુષ ગણેલો તેની સાચી અને પવિત્ર લાગણીઓ જોઈ તેનાં પગમાં પડી ગઈ અને પછી આંસુ લૂછી કશું બોલ્યા વગર પરત આપવા સાથે લાવેલ બ્રેસલેટ પહેરી ત્યાંથી પોતીકા કિનારાની દિશા તરફ નીકળી ગઈ.

 જાગૃતિ, 'ઝંખના મીરાં'...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ