વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખુદા ખૈર કરે..!

 

વિષય નંબર ૩ (રહસ્ય અને રોમાંચ)

 

 

વર્તમાનપત્રમાં ફ્રન્ટ પેજ પર કાળા અને ઘાટા અક્ષરે સમાચાર હતાં. 
'એક વધુ રૂપજીવીની ગુમ થવાની ઘટના. રેડ લાઈટ એરિયામાં ફફડાટ! પોલીસ સંપૂર્ણપણે નાપાસ!'

ઇન્સ્પેક્ટર આકાશની આંખોમાં રહેલી તમામ ઝીણી રેખાઓ વધુ જ લાલ થઇ ગઈ. ગળા નીચે ઉતરતી સવારની ચા કડવી લાગવા માંડી. ચાનો નશો ચડતાં પહેલાં જ ઉતરી ગયો! બત્રીસે દાંત સાથે મળી કચકચી ગયાં. 

'કેટલી આસાનીથી પોલીસને ગુનેગારના કઠેડામાં ઊભી રાખી દે છે, આ અખબારવાળાં! પોલીસ અપૂરતા પગારમાં પણ પૂરી ઈમાનદારીથી તપાસ કરતી હોય તો પણ પોતાનાં અખબારને વધુ ફેલાવવા ગમે તે ઘટનાને તોડી મરોડીને છાપી મારવી એ જ જાણે હવે અખબારનો ધર્મ રહ્યો છે. સા #..!' મનોમન આટલું વિચારી પોતાના આક્રોશને અખબાર સામે પડેલી કાચની ત્રિપાઈ પર ફેંકી બહાર કાઢ્યો. તેના પર પડેલ રિમોટ અખબારનાં મારથી બચવા આકાશના શરણે થયું હોય એમ બરાબર પગ પાસે આવી પડ્યું. ઈચ્છા તો ન હતી છતાં રોજની દિનચર્યાનાં એક ભાગ રૂપે સ્થાનિક ચેનલ શરૂ કરી. ત્યાં પણ એક ચિબાવલી પત્રકાર ટીઆરપી વધારવાની ફિરાકમાં ઉવાચી, "એક અઢાર વર્ષની રૂપલલના બની ગઈ મીસ્ટર ઈન્ડિયા! જી હા, આકાશ ગળી જાય છે કે ધરતીમાં ઉતરી જાય છે, આ લાચાર યુવતીઓ! પોલીસ ફરી એક વાર ઊંઘતી ઝડપાઈ ગઈ! આમ જનતા.."

"સા#..!" હલકું લોહી હવાલદારનું.. પોલીસ..પોલીસ..પોલીસ..! શું નથી કરી રહી પોલીસ પણ..!" ને રિમોટ પણ આકાશના ગુસ્સાનો ભોગ બની તૂટી જ પડત પણ ત્યાં પત્ની શ્વેતાએ આવી તેને બચાવી ટીવી. બંધ કરી દીધું. 

આકાશના હાથમાં ચાર્જીંગમાં પડેલો વાઈબ્રેટ થતો મોબાઇલ આપ્યો. કમિશનરશ્રીનો કોલ હતો. આકાશ પાંચ મિનિટ સુધી ' યૅસ સર..યૅસ સર.. ઑકે સર.. ફાઇન સર.. સ્યોર સર.. ' જેવાં જીભ પર ઝેરોક્ષ કરેલ વાક્યોની કોપી કાઢતો રહ્યો ને પછી પલટાતાં હાવભાવને પત્ની પકડી પાડે ને એ પણ કોઈ પૂછપરછ કરી પોતાને આરોપી આકાશ બનાવે તે પહેલાં ચાલતી પકડી. જીપની ઘરઘરાટી ને ટાયરોની ચરચરાટીએ બધું સમજી ગયેલ શ્વેતા મર્મ હસીને ભજન વગાડવામાં વ્યસ્ત થઈ ગઈ, જાણે સાંજે કે રાતે આકાશ ન આવે ત્યાં સુધી દરવાજાની બહાર શું થાય છે, એની સાથે કોઈ નિસ્બત ન હોય એમ દરવાજો સજ્જડ બંધ કરી દીધો.

**
"રેશ્માબાઈ, સાવ નવો ને તાજો માલ આવ્યો છે. એ પણ રાજ્યની બહાર છેક અંતરિયાળ ગામડેથી! એનો ભાવ એવો ઊંચકાશે કે તમારાં કોઠાની શાન વધી જશે! ઘરાકો રસ્તામાં આવતાં કેટલાંય રૂપનાં ખજાના ઠેકાવતા પણ અહીં જ આવશે. અસ્લમ ભાઈએ ખાસ કહ્યું છે કે હમણાંથી ગાયબ થયેલ પાંચ છોકરીઓની નુકસાની ભરપાઈ કરવા આ માલ મેળવેલ છે ને એ પણ સાવ મફતના ભાવે! તો કોઈ ચૂક ન થાય એ જોવાની તમારી જવાબદારી છે, રેશ્માબાઈ. સમજી ગયાં ને?" સરફરાઝે તેના તમાકુથી લાલ બનેલ અને સડીને શામળા પડેલ દાંતને પ્રદર્શિત કરવા, દારૂની વાંસ ફેલાવતું મોં ફાડી ગંદુ હસી લીધું.

રેશ્મા આ બધી વાતોથી ટેવાઈને ઠાવકી બની ગઈ હતી. તેણે પાસે પડેલ પિકદાનીમાં પોતાનાં મોંમાં રહેલ કડવી સોપારી થૂંકી નાખી. તેણે પૂછ્યું, "નામ શું છે, છોરીનું?"

"પરિંદા છે, નવાં પંખીનું નામ! જાળ તો એનાં જ પ્રેમીએ ફેલાવી હતી અહીં સુધી લાવવાં! આપણે તો બસ હવે પીંજરામાં સાચવવું પડશે પારેવડાને! કેટલાં રૂપિયામાં એ દબોચાવવું એ તો તમારી આવડત પર છે રેશ્માબાઈ, બસ અસ્લમભાઈ ખફા ન થાય એ જોજો. પરિંદા ઊડી ન જવી જોઈએ." સરફરાઝ આજે પોતાની દલાલ વાળી ભાષા બદલીને અસ્લમ ભાઈની હુકમવાળી ભાષા બોલતો હતો, એ રેશ્માથી અજાણ્યું નહોતું. 

તેણે પણ સરફરાઝને કહી દીધું, "ખુદા ખૈર કરે, એ પરિંદાની, સરફરાઝ! એ સલામત રહેશે એ મારી જવાબદારી..! કહી દેજો અસ્લમ ભાઈને."

***

"નહીં, હું નહીં પહેરું, આ ગંદા કપડાં. મને મારો કુર્તો ને સલવાર આપો. મને બાપુ પાસે જવું છે. મને મૂકી જાવ, એની પાસે. દયા કરો મારાં પર. એ સવારથી ભૂખ્યા હશે ને આ હું ક્યાં છું? રોશન ક્યાં છે? એણે તો કહ્યું હતું શહેરમાં જઈ લગન કરી સાંજે બાપુ પાસે પાછો મૂકી જશે. પછી બાપુ માની જશે, માનવું પડશે. એ ક્યાં છે? રોશન...રોશન..! અરે, અમારે લગ્નનાં કાગળ પર બાર વાગે સહી કરવાની હતી. હું રસ્તામાં બેહોશ થઈ ગઈ હતી.. હા..! યાદ આવ્યું હવે. બધું યાદ આવ્યું. રોશન સાથે હું રસ પીતી હતી ને મને ચક્કર આવ્યાં હતાં! રોશન... રોશન..! એ મારી ચિંતા કરતો હશે. કોઈક એને બોલાવી દયો ને.. હે..! મહેરબાની થશે. ભગવાન ભલું કરશે..!" પછી હૈયાફાટ રૂદન ને કાકલુદી.. પણ એ માત્ર બે જ કાન સાંભળતા હતાં..! બાકીનાંને મન તો આ નવી છોકરીએ આદરેલી ખીંચ ખીંચ.. બસ! કોઈ બોલ્યું, "એ તારો રોશન જ તને અહીં અંધારા કૂવે ધકેલી ગયો છે.. કોઈ સમજાવો આને..સા..#!"
ને પરિંદાની આંખો સામે રોશન રૂપે અંધારું છવાઈ ગયું!

***
ઇન્સ્પેકટર રાજેશ તપાસ માટે ચારે તરફ નજર દોડાવતા હતા. કમિશનરની કેબિનમાં અત્યારે ખૂબ અગત્યની મીટિંગ ચાલી રહી હતી. 

લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે આ છોકરીઓનાં પોલીસની રહેમ નજર હેઠળ બહારનાં દેશોમાં મોટે પાયે સોદા કરવામાં આવી રહ્યાં છે, જે પોલીસ માટે બહુ શરમજનક ઘટના હતી. આશ્ચર્ય એ હતું કે ગુમ થયેલ કોઈ છોકરીની લાશ નહોતી મળી. એટલે અંગ વિક્રય કે પછી બીજો કોઈ હેતુ સાબિત નહોતો થતો.

"ઇન્સ્પેકટર આકાશ, શું લાગે છે તમને?  
આખરે કોણ છે આ, જે કોઈ સામાન્ય છોકરીઓને નથી ઉઠાવતું પણ પ્રોસ્ટિટ્યુટને જ ઉપાડી જાય છે? જો પૈસા માટે ઉઠાવવી હોય તો અમીર બાપની ઓલાદને ટાર્ગેટ કરે. જો સ્ત્રી શરીર માટે ઉઠાવવી હોય તો કોઈ સામાન્ય ઘરની છોકરીઓ પકડે. જે દેહવિક્રયના ધંધા કરતી હોય તેને તો એમ પણ કોઈ પૈસાની લાલચ કે ઓફર કરી લઇ જઈ શકે. એનાં માટે આવું જોખમ કેમ લેવામાં આવતું હશે? કયાં જાય છે આ બધી છોકરીઓ?"

"સર, મને બે શક્યતા લાગે છે. એક કે આ કોઈ સાયકોનું કામ છે, જેને માત્ર રૂપલલનાઓ જ ગમતી હોય કે જોઇતી હોય પોતાના કોઈ વિચિત્ર હેતુ માટે! બીજું કે કોઈ તાંત્રિક હોય કે જેને કાળી વિદ્યા માટે.."

"નો વેઇઝ.. તાંત્રિક હંમેશા કુંવારી છોકરીઓ જ પસંદ કરે. હા, કોઈ સાયકો હોય શકે પણ સવાલ એ છે કે કોઈ રૂપજીવિની કોઈ વિરોધ તો કરે ને? કીડનેપર આટલી આસાનીથી કેમ કામ કરી જાય છે?"

"સર, હું કંઇક કહું?" સબ ઇન્સ્પેકટર કુલદીપ બોલ્યો.

"યૅસ, વાય નૉટ!"

"સર, આ બધી છોકરીઓની મિસિંગ  કમ્પલેઇન રેશ્માબાઈના કોઠાની છે. મને લાગે છે કે એની કોઈ હરીફ કે દુશ્મન હોય જે આ કામ કરતી હોય!"

"મોટે ભાગે આવી સ્ત્રીઓ કોઠાની સંચાલક હોય છે, સૂત્રધાર નહીં. એ કોઈ બીજાં જ ખતરનાક લોકો હોય છે એટલે એ દિશામાં નજર દોડાવો. એ કોઠો કોની રહેમ નજર હેઠળ ચાલે છે? એનો કર્તાહર્તા કોણ છે? એનો દુશ્મન કોણ છે? આ દિશામાં તપાસ આદરો." કમિશનર સાહેબે હુકમ કર્યો.

એ જ વખતે ઇન્સ્પેકટર આકાશને પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો. "વ્હૉટ..? ઑકે. હા હું આવું છું." કહી એમણે કોલ કટ કર્યો. 
"સર, એક ઓર રૂપજીવિની પણ આ વખતે તેને મારી નાખવામાં આવી છે. પોલીસ સ્ટેશનની બહાર લોકોનાં ટોળાં એકઠાં થયાં છે. વી હેવ ટુ ગો રાઈટ નાઉ!"

"ઓકે..! ડુ સમથિંગ બેટર એન્ડ ટેક ક્વિક એક્શન! મારે પણ જવાબ દેવા પડે છે ઉપર." જરા સત્તાવાહી અવાજે બોલી કમિશનરે મીટીંગ પૂરી કરી.

***
પોલીસ સ્ટેશનની બહાર પત્રકારો, ન્યૂઝ રિપોર્ટરોએ ઈરાદાપૂર્વક બબાલ મચાવી હતી. તેમને માટે આ કેસ કમાણીનો માંડ મળેલ કાચી વસ્તુ જેવો હતો, જેમાં એ નખાય એટલાં મિર્ચ મસાલા નાખી, પોલીસ પર આરોપબાજીથી તેને ગાર્નિશ કરી સરસ વાનગી બનાવી પીરસી રહ્યાં હતાં. ઇન્સ્પેક્ટર આકાશની ખોપરી એટલે ચસકી રહી હતી કે આમાંના કોઈ એક ને પણ એ લાપતા થયેલ છોકરીઓ કે તેની સ્થિતિ વિશે ચિંતા ન હતી બસ ઢોંગ હતા, જાગૃત નાગરિક હોવાનાં! અધિકાર માટે લડતી જનતા જો ફરજ તરફ પણ એક નજર કરે તો ગુનાખોરી ડામવી સરળ બને પણ..

જોકે આ બધું વિચારવા કરતા આકાશને અત્યારે મીઠાં જવાબ આપી બધાને રવાના કરવા વધુ વ્યાજબી લાગ્યાં. તેણે બધાંને કહ્યું, "પોલીસને તેમની રીતે પૂરી ઈમાનદારીથી કામ કરવા તમારા ટેકાની જરૂર છે. હું ડિપાર્ટમેન્ટ વતી તમને ખાતરી આપું છું કે બહુ ઝડપથી ગુનેગાર તમારી સામે લઈ આવીશ." લોકો પોલીસનાં તુમાખી ભર્યા વર્તનને બદલે નમ્રતા જોઈ કૂણાં પડી ગયાં. ઇન્સ્પેક્ટર આકાશની જીપ કોન્સ્ટેબલો અને સબ ઇન્સ્પેક્ટર કુલદીપના કાફલા સાથે હત્યાનાં સ્થળે રવાના થઈ.

લાશ રૂશાલી નામની રૂપલલનાની હતી. કોઈ ટ્રકની જોરદાર ટક્કર તેની ગાડીને વાગી હતી. જોકે તે ઈરાદાપૂર્વક મારવામાં આવી હોવાનું નજરે જોયેલાનું કહેવું હતું.
 
તપાસમાં જાણવામાં આવ્યું કે તે ખૂબ મોંઘી અને એકદમ તેજતર્રાર રૂપજીવિની હતી. તેના રૂપનાં ચર્ચા હતાં. વળી થોડાં સમય પહેલાં તેનો કોઈ કારણથી રેશ્માબાઈ સાથે બહુ મોટો ઝઘડો થયો હતો. 

**
પરિંદા કોઈનાથી વશમાં નહોતી થઈ રહી. અસ્લમભાઈનું દબાણ વધતું જતું હતું. રેશ્માએ પરિંદાને પોતે સીધી દોર કરી દેશે, એવું વચન આપી અસ્લમભાઈને શાંત કર્યા. એક દિવસ માસુમ પરિંદા "નહીં... નહીં..!"ની ચીસો પાડતી રહી પણ આજે તે રેશ્માની નિગરાની હેઠળ એક રૂમમાં બંધ હતી, જ્યાં ફકત એ અને રેશ્માબાઈ બે જ હતાં.

બે કલાક પછી રેશ્મા બહાર આવી ત્યારે અંદર રૂમમાં પરિંદાનાં હાથ પર પાટો બાંધેલ હતો, જેની નીચે તાજું નીકળેલ લોહી ડોકા કાઢતું હતું. ગાલ પર રેશ્માની આંગળીઓની છાપ પણ હતી ને માસૂમ પરિંદાનો ચહેરો રડીને સુકાયેલ આંસુથી ખરડાયેલો હતો.

અસ્લમભાઈ અને સરફરાઝે રેશ્મા સામે પ્રશ્નસુચક નજર કરી. રેશ્માએ અસ્લમભાઈ અને શંકાભરી નજરે જોઈ રહેલ સરફરાઝ તરફ એક શુષ્ક નજર ફેંકી. પછી કહ્યું, "અસ્લમ ભાઈ, મુશ્કેલીથી મનાવી છે છોરીને પણ મારું માનો આને પહેલી વાર કોઈ અંતરિયાળ ફાર્મ હાઉસ પર મોકલો. સા# જો વિફરી ઊઠી ને દેકારા આદર્યા તો એક તો પોલીસ હમણાંથી જરા વધુ જ સતેજ થઈ ફરે છે ને ઉપરથી પેલી કુતિયા રૂશાલી સા..#. મરતી ગઈ ને મારતી ગઈ છે, એનાં પેલાં સુ# યાર માટે..!" રેશ્માએ જાણે મોઢું કડવું થયું હોય એમ સોપારી થૂંકી કાઢી. 

અસ્લમભાઈ પાસે એક મોટું રાજકીય માથું તૈયાર હતું, પરિંદાની મોં માંગી કિંમત દેવા. જો એ નારાજ થાય તો પરિંદા પણ હાથમાંથી જાય એમ હતી પણ હમણાંથી છોકરીઓ ગાયબ એવી રીતે થતી હતી કે અસ્લમભાઈ બહાર મોકલવા બાબતે બરાબર મૂંઝાયા હતા. આખરે એણે પરિંદાને પહેલી વર્ધીમાં જ બહાર મોકલવાની છૂટ આપી પણ પૂરી તકેદારી હેઠળ ને રેશ્મા ખુદ સાથે જશે એ શરતે! કેમકે રૂશાલીનાં રૂપની કમી પૂરી કરવા પરિંદા એક માત્ર રસ્તો હતી.

****
"પરિંદા નામની માત્ર અઢાર વર્ષની કૂમળી બાળા જે નવી-નવી રૂપનાં બજારમાં આવી હતી, તે રાતોરાત ગાયબ થઈ ગઈ. તેની સાથે રહેલી પ્રખ્યાત રેશ્માબાઈને ઘાયલ કરી બેહોશ કરીને આરોપી ભાગી ગયા. પાછલા બારણે સમાચાર છે કે કોઈ નેતા પણ આમાં સંકળાયેલ છે. શું આ પોલીસ અને નેતા બંને સાથે મળીને વહેતી ગંગામાં હાથ ધોતાં હશે? જનતાનાં મનમાં હજાર સવાલ ને તરફડાટ ને પોલીસ ફરી વાર નાપાસ!" આકાશે અખબારને કટકામાં નહીં ચૂરામાં તબદીલ કરી નાખ્યું. ઠંડી પડેલ ચા એક ઘૂંટડે પીવાતાં ઝેરની જેમ ગળે ઊતરી ગઈ ને ફરી એકવાર શ્વેતા કપ ઠેકાણે મૂકી પોતાની ભજનની દુનિયામાં મસ્ત થઈ ગઈ!

**
એ દરમિયાન આકાશે એક સાદા વેશમાં મૂકેલ હવાલદારને સરફરાઝની હિલચાલ શંકાસ્પદ લાગી. તેણે સબ ઇન્સ્પેક્ટર કુલદીપને કહી તેને પોલીસ સ્ટેશને બોલાવ્યો.

આકાશ પાસે સરફરાઝ આવ્યો ત્યારે તે ખૂબ જ ડરેલો લાગતો હતો. આકાશે હવામાં તીર ચલાવ્યું.

"સરફરાઝ, રૂશાલીનાં અચાનક મોતથી સૌથી વધુ તકલીફ તને પડી હોવાનાં ખબર છે. પરિંદાને એ દુઃખ ભૂલાવવા તે જ ક્યાંક ગાયબ કરી કે પછી એનો ખેલ પણ..!"

"સાહેબ, રૂશાલી મને કહેવાની જ હતી કે કોણ આ બધું કરાવે છે પણ એ રાતે એ ઘરાક પાસે જતી હતી ત્યારે જ કોઈએ તેને મરાવી નાખી. ખુદા કસમ મને એ હાથમાં આવે તો આ હાથે એનું.."

એ પછી ચાલાક આકાશ અનેક સવાલો કરતો રહ્યો. ગાયબ થયેલી રૂપલલનાઓનાં સરદર્દ જેવાં બનેલા કેસ માટે સરફરાઝ ઉકેલનો એકમાત્ર રસ્તો હોય, એવું આકાશ અને કુલદીપ બેયને લાગ્યું હતું. સરફરાઝે આપેલ એક સવાલનાં જવાબથી આકાશના મનમાં એક ઝબકારો થયો ને તેના ચહેરા પર વિજયી સ્મિત રેલાયું. તેણે તરત સરફરાઝને કશુંક સમજાવી રવાના કર્યો. થોડીવાર પછી રેશ્માબાઈનાં કોઠા પર પોલીસનું ધાડું આવી પહોંચ્યું ને સૌના આશ્ચર્ય વચ્ચે રેશ્મા બાઈને હાથકડી પહેરાવી પોલીસ લઈ જઈ રહી હતી!

સાંજે તો તમામ ટીવી ચેનલ પર એ વાત ચવાઈ ને છવાઈ ગઈ કે રેશ્માબાઈ ખુદ જ એ રૂપલલનાઓની કીડનેપર હતી પણ કેમ? એ સવાલ અનુત્તર હતો.

***
આખરે રેશ્માએ પોલીસને આપેલું બયાન પ્રેસ કોન્ફરન્સ બોલાવી જાહેર કરાયું. 
'પાંચ બહેનમાં સૌથી મોટી અને રૂપાળી એવી હું, રુખસાર માત્ર પાંચ હજાર રૂપિયા માટે સગાં બાપનાં હાથે વેચાઈ ગઈ, મા ન હતી, એની સજા રૂપે! મને જેને વેચી હતી, એ મને ચૂસીને થૂંકી ગયો. તેણે પોતાનાં ડ્રગ સહીસલામત પહોંચતા કરવાના બદલામાં મને અસ્લમને ખેરાતમાં આપી દીધી ને ત્યારથી હું આ અસ્લમભાઈનું રમકડું બની! સમય જતાં એમને એક વિશ્વાસપાત્ર સ્ત્રીની જરૂર હતી તેનાં ગોરખ ધંધા વધારવા ને મારે એ તકની! હું એમનો વિશ્વાસ મેળવી રુખસારમાંથી રેશ્માબાઈ બની ગઈ પણ મારાં જેવી માસૂમ છોકરીઓને આ દોજખમાં આવતી જોઈ ન શકતી. મે એક મિશનરી ટ્રસ્ટનાં વડા સાથે મળીને તેમની સંસ્થામાં આશરો આપી આવી છોકરીઓને સારી જિંદગી આપવાનો નિર્ધાર કર્યો.

રૂશાલી મને એક વાર એમની સાથે પરિંદાની વાત કરતી સાંભળી ગઈ હતી. તેને મેં અનેકવાર સમજાવી હતી, આ નર્ક છોડી જવા પણ તેને ચસ્કો હતો, રૂપ ને રૂપિયાનો! મારી સાથે ઝઘડો કરી એ જતી હતી ત્યારે છેલ્લે મેં તેને સમજાવવા કોલ કર્યો હતો પણ
 તેણે તો સામી મને ધમકી આપી હતી, "આજે રાતે હું આવી જઇશ પછી કાલ તારું રાજપાટ ખતમ સમજી લેજે, રેશ્માબાઈ! દુનિયા આખી દરેક ચીજનાં સોદા જ કરે છે. શું ખોટું છે જો કોઈ સ્ત્રી એનાં શરીરનો સોદો કરે તો! તું એક આ દુનિયાને સુધારી લઈશ?" 

સરફરાઝ સાથે મળીને તે મારો ખાતમો કરી મારી જગ્યા છીનવવા માગતી હતી. મારે ન છૂટકે અનેક છોકરીઓને ખાસ કરીને માસૂમ પરિંદાને બચાવવા તેને ચૂપ કરાવવી પડી, જેથી એ સરફરાઝની સાથે મળી બધી બાતમી અસ્લમભાઈને ન પહોંચાડે. આ અનેક છોકરીઓની જિંદગીને નર્ક બનતી અટકાવવા મેં કરેલો એકમાત્ર જિંદગીનો સોદો હતો. હું તે રાતે ખૂબ રડી હતી. ખેર, કદાચ મારી કિસ્મતમાં આટલું જ લખ્યું હતું કે હું આ શેતાનોથી આટલી જ નિર્દોષ રુખસારને રેશ્મા બનતી અટકાવી શકું. મને ફાંસી આપવામાં આવે કે ઉંમરકેદ, મને કોઈ દુઃખ નથી. બસ ખુદા ખૈર કરે દરેક રુખસારની માસૂમિયતની!'

જાગૃતિ, 'ઝંખના મીરાં..'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ