વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુક્તિ


પ્લોટ નં-૨:- બીભત્સ અને ક્રૂર


                    મુક્તિ

મારા કાળમીંઢ વક્ષસ્થળ પર પરસેવાથી નીતરતો એ બન્ને ઘૂંટણ વાળીને મસ્તક ઝૂકાવી બેસી રહેતો અને કદીક દીવાલને ટેકે ઉપરની એક માત્ર નાનકડી જાળીમાંથી આવતા પ્રકાશ તરફ આંખ માંડી તાકી રહેતો જાણે ધૂંધળા વર્તમાન પાછળ છૂપાયેલા ભવિષ્યના આશાના કિરણોને નીરખી રહ્યો હોય! આંખોમાં ખુમારી અને મરકતા હોઠ એટલે વીરસેન. આ માણસ દર્દ છુપાવીને હસી શકતો હતો કે પછી પોતે આદરેલ અભિયાન પૂર્ણ કરવાની ધગશ તેને દર્દનો અનુભવ નહોતી થવા દેતી? તેનું આખું અંગ બહેરું બની ગયું હતું.

કાટ ખાધેલા લોખંડી સળીયાવાળો ભારેખમ દરવાજો કિચૂડાટ કરતો ખૂલ્યો. એલ્યુમિનિયમની ગોબા પડેલી થાળી મારી ફરશ ઉપરથી ઘસડાઈ અને એની તરફ સરકાવાઈ. થાળીમાં પડેલી ચામડા જેવી સૂકી રોટલી અને પાણી જેવી દાળ જોઈ એના વધી ગયેલ દાઢીમૂછવાળા તંગ ચહેરા પર આક્રોશ ઝળક્યો.

"હાક્ થૂ." મારી કોરીકટ દિવાલોએ પોતાની પથ્થરિયાળી બાહુઓ ફેલાવી એ બે શબ્દોને પોતાના આશ્લેષમાં સમાવીને શોષી લીધાં. રોટલી પર થૂંકી એણે થાળીને ધક્કો માર્યો. દાળનો રેલો મારી છાતી ઊપર ફેલાયો. એની તારલા જેવો ચમકતી આંખોમાં રોષ અંજાઈ ગયો. હા, એ હતો, વીરસેન. નામ જેવાં જ એના ગુણ હતાં.

પંદર બાય આઠની સાંકડી કોટડીના એક ખૂણે ઊંડો ખાડો કરીને બનાવેલ શૌચાલયમાંથી આવતી પેશાબ અને સંડાસની તીવ્ર ગંધમાં દાળની વાસ દબાઈ ગઈ. ચારે તરફ ઉડતી બણબણતી માખીઓ પોતાની અણગમતી હાજરી નોંધાવતી હતી. શૌચાલયના ખાડામાંથી એક મોટો વંદો બહાર નીકળ્યો અને વીરસેનના પગ પર ચડ્યો. વીરસેને પગ પછાડી એને દૂર કર્યો. બીજા હાથે ઝાપટ મારી વંદાને પોતાની મૂઠ્ઠીમાં ઊંચકી લઈ તેણે જમીન પર મૂકી મજબૂત પંજા હેઠળ ચગદી કાઢ્યો.

બહાર, એક તરફથી આવતો ઘૂઘવતા સમુદ્રનો અવાજ અને બીજી તરફ સળિયા પાર ઘોર અંધકારમાં કાને અથડાતી ભયંકર ચીસો, પીડાથી કણસતી રાડો. મને કમકમા આવી જતાં પણ મારે લાચાર સાક્ષી બનીને બધું મૂકપણે જોયા કરવાનું હતું. બીજું કરૂંયે શું? ભારેખમ બૂટનો ખટ્ ખટ્ અવાજ હવે સમીપે આવી રહ્યો હતો. હવાબારીમાં બેઠેલા કબૂતરની પાંખનો ફફડાટ વીરસેનના કાને ઝીલ્યો. કેદમાંથી છૂટીને મુક્તિ પામવાનો ફફડાટ; બહાર અને ભીતર!

'ખોલ.' ક્રૂર સ્વરે હુકમ કર્યો. જાણીતો અવાજ. હા, એ જેલર હતો. ખટાક્ કરતું તાળુ ખોલાયું, દરવાજો હડસેલાયો અને મારી છાતી સમી કાળી ભોંય પર  ચંપાતા સત્તાવાહી ભારેખમ બૂટ આગળ વધ્યા.

'બહોત ચરબી ચડી હૈ?' બરાડો સંભળાયો અને પછી સટ્ટાક! એ સ્વાતંત્ર્ય સેનાનીના ગાલે જોરદાર તમાચો પડ્યો. સટ્ટાક... થપ્પડનો એ અવાજ બંધ કોટડીમાં પડઘાયો. વીરસેનને ગાલે પંજાના સોળ ઉઠ્યા. એણે જેલરની આંખ સાથે આંખ મિલાવી. એના હોઠના ખૂણા પહોળા થયા. એનું માર્મિક હાસ્ય જેલર માટે જીરવવું અઘરું હતું.

'ચલ ખા.' થાળી એની સામે પછાડી જેલર કમર પર હાથ ટેકવી ઊભો રહ્યો. એની પાશવી આંખોમાં સત્તાનો કેફ ડોકાયો, 'અબે સાલે... નજર નીચે કર.'

બહારથી એક દર્દનાક ચીસ સંભળાઈ. હું આંખ કે કાન બંધ કરી શકું તેમ નહોતું. મારે તો માત્ર એક શાહેદ બનીને જોયા કરવાનું હતું. લાગે છે, દર વખતની જેમ, એકાદ કેદી શહીદ થઈ ગયો હતો. મને હતું જ તેમ, એના ડોળા ફાટી ગયા હતા, પગ જમીનથી અધ્ધર થઈ માથું એક તરફ લટકી પડ્યું હતું. મોઢામાંથી ફીણ નીકળી ગયેલું.

વીરસેને ઊંચું જોયું. એ હસ્યો અને થાળી જેલર તરફ ઊછાળી. જેલરે એના વાળ પકડી, એની ડોક પોતાની તરફ ફેરવી અને બળજબરીપૂર્વક રોટલીનો ડૂચો એના મોઢામાં ખોંસ્યો, 'ભેણ... તેરી તો...' ગંદી ગાળ સંભળાઈ.

વીરસેને તરત જ રોટલી થૂંકી નાખી.
બે બળૂકા હાથે જેલરે વીરસેનનું જડબું દબાવ્યું પછી એનો ચહેરો નીચે થૂંકાયેલી રોટલી સુધી એ લઈ ગયો અને ઘૂરક્યો, 'ચલ ચાટ ઈસે. નખરા કિયા તો તેરે પીછવાડે યે ડંડા ગાડ દૂંગા સમજા? દિન મેં તારે દેખને હૈં? દેખ લે. લેકિન તુઝે જેલ કા ખાના ખિલા કર કે ઝિંદા રખના હૈ.'

જેલરના લાંબા નખ વીરસેનની ચામડીમાં ઘોંચાયા તે સાથે જ તેના હોઠને ખૂણે લોહી ધસી આવ્યું. ગળામાં ભેરવેલી રીંગ સાથેની સાંકળ હાથકડીઓ સાથે જોડાયેલી હતી. બન્ને પગને બંધાયેલી લોખંડની જાડી બેડીઓને વીરસેન તાકતો રહ્યો. તેના હાથ બંધાયેલા હતા. કૂતરાની માફક એ થૂંકી દીધેલી રોટલી ચાટી ગયો; ચાટી જવી પડી.

ક્રૂર જેલરનું બેહૂદું અટ્ટહાસ્ય મારી ઊંચી બરછટ દિવાલોમાં અથડાયું. વીરસેન ઉદઘોષણા કરતો હોય તેમ ગર્જ્યો, "ઈન્કલાબ જિન્દાબાદ." બાજુના સાંકડા સેલમાંથી એટલે કે કાળ કોટડીમાંથી પડઘો પડ્યો, "ઈન્કલાબ જિન્દાબાદ"

કાનમાં તેજાબ રેડાયો હોય તેમ એ શબ્દો સાંભળી જેલર જાણે સળગી ઊઠ્યો. એણે આ યુવાન સ્વાતંત્ર્ય સેનાનીના પેટ પર કચકચાવીને લાત ફટકારી. એ બેવડ વળી ગયો છતાંય તગતગતી આંખોમાં ખુમારી અકબંધ હતી. એ ફરી બોલ્યો, ''જય... હિંદ."

અકળાયેલા જેલરે પોતાનો વજનદાર બૂટ એની હથેળી પર મૂકી જોરથી કચડ્યો. ધગધગતા લોહીની ટશર ફૂટી.  દબાયેલો ઊંહકાર મોઢા વાટે બહાર નીકળી ગયો તે સાથે જ એનો ઢીલો પાયજામો ભીનો થઈ ગયો. અત્યાચાર આચરવા સિવાય જેલર બીજું કંઈ જ કરી શકે તેમ નહોતો.

'જિયાદા નખરા કિયા તો ઈસે ઊસીકા પિશાબ પીલા દેના.' જેલરે ડ્યુટી પરના હવાલદારને હુકમ ફરમાવ્યો. જતાંજતાં એણે પોતાના કાન પાસે ગુનનન... ગુનનન... કરી ઊડતા મચ્છરને પકડી ચપટીમાં મસળી નાખ્યો. આંગળી પર ચોંટેલું ચપટીક લોહી એ ચાટી ગયો, "બડા સ્વાદિષ્ટ હૈ." બોલી એ વિચિત્ર રીતે હસ્યો. 'તૂઝે ભી યૂં મસલ ડાલૂંગા.' કહી એ બીજી કોટડી તરફ આગળ વધી ગયો.

મારી ભીતર અંધકાર ઊતરી આવ્યો. ક્યાંય પ્રકાશનું નામોનિશાન નહીં. અડધી રાત્રે એક તગડો ઊંદર એના દરમાંથી બહાર નીકળ્યો. મેં ફાટી આંખે જોયું,  આડા પડીને ઊંઘી રહેલા કેદી વીરસેનની આંગળીના ટેરવાને ઊંદર કાતરી રહેલો. એ જાગી ગયો. એણે એક હાથે ઝાપટ મારી ઊંદરને પૂંછડીએથી પકડીને હતું એટલું જોર કરીને જમીન પર પટક્યો. તરફડતો ઊંદર મોતને શરણ થયો. ઊંચા કદકાઠીના માલિક વીરસેનના પેટમાં કૂકડા બોલતા હતા. ઊંઘ નહોતી આવતી. છેલ્લા સાતેક દિવસનો ભૂખ્યો એ તાજા મરેલા ઊંદરને તાકતો રહ્યો. એક ભયંકર વિચાર આવતાં જ એ ધ્રૂજી ઊઠ્યો. એણે મન મનાવી પડખું ફરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ પેટમાં લબકારા મારતી આગ ઊંઘવા નહોતી દેતી. પેટ છેક ઊંડું ઊતરી ગયેલું. વિચાર વાગોળતાં જ તેને એક ઉબકો આવ્યો.

ક્યાંય સુધી એ પડખા ઘસતો રહ્યો. ફરી મરેલા ઊંદર તરફ નજર કરી. કાપી નાખવામાં આવેલાં નખનો તેને અફસોસ થયો. તેણે મરેલા ઊંદરને ઊંચક્યો અને પોતાના તીક્ષ્ણ દાંત વડે ઊંદરની ચામડી ઉતરડી નાખી. ચીનાઓને યાદ કરી, આંખો મીંચીને કાચેકાચું માંસ એ ગળા હેઠળ ઉતારી ગયો. હાશ! હવે પેટ ભરાયું.

મને આ બધું જોઈને અરેરાટી થઈ આવી પરંતુ હું એક કાંગરો સુધ્ધાં ખેરવી ન શકી. ન તો અશ્રુ વહાવી શકી. છોને હું બહારથી મજબૂત દેખાઉં પણ મારી  ભીતર કૂણી લાગણીઓ ફૂટી નીકળેલી ભીંત ફાડીને પીપળો ઊગી નીકળે તેવી જ.

બીજી સવારે, એને ઊઠાડીને જેલર પાસે લઈ જવામાં આવ્યો. હું જોઈ રહી હતી કે એનું શરીર નંખાઈ ગયું હતું પરંતુ એ સીધી છાતીએ માથું ટટ્ટાર રાખીને ચાલતો હતો. જમીન સાથે સાંકળ ઘસડાવાથી થતા આવા કર્કશ અવાજથી તો હું ટેવાઈ ગઈ હતી. આમેય એને આ રીતે જતો જોનાર બે સિપાઈઓ જ તો હતા. દરેક કેદીની કોટડીના લોખંડી દરવાજા એકબીજાથી વિરુદ્ધ દિશાએ હતા. હાથકડી પહેરાવેલા હાથ અને પગમાં ભારેખમ બેડીઓ સાથે એને જેલર સામે ઊભો રાખવામાં આવ્યો. છોલાયેલા પગમાંથી વહી જતું લોહી મેલી ફરશ પર રક્તભીના પગલાંની છાપ પાડતું હતું. એક કોટડીમાંથી કેદીની ચીસો કાને અફળાઈ. 'મુઝે છોડ દો.' આજીજીભર્યો સ્વર બરડે વિંઝાતા કમરપટ્ટાના ફટકાના અવાજમાં ગૂંગળાઈ ગયો.

'સચ બતા, કહાં છિપકર બૈઠે હૈ તેરે સાથી? બોમ્બ કિસને ઔર કહાં પે બનાયા? તુમ સબ કા ક્યા પ્લાન થા? ' કાનમાં ધાક પડી જાય એટલા મોટા અવાજે જેલરે ત્રાડ પાડી, 'બોલ.'

ક્રાંતિકારી વીરસેન ઊન્નત મસ્તકે ટટ્ટાર ઊભો રહ્યો. એણે જેલરની આંખમાં પોતાની તેજાબી આંખ નાખી. તણખા ઝર્યા. દાઝેલો જેલર ઊભો થયો, 'તું યૂં સીધી તરહ સે નહીં બોલેગા.' એણે વીરસેનની હડપચી પકડીને ઊંચી કરી, 'સબ સચ બતા દે. તૂઝે છોડ દૂંગા.'

'તું સાલા બે બદામનો નોકરડો, ગોરાઓનો ગુલામ, મને મારી નાખીશ તોય મારા મોઢામાંથી એક હરફ નહીં નીકળે.' વીરસેન જેલરના મોઢા પર થૂંક્યો.

રૂમાલ વડે ચહેરો લૂંછી ક્રોધે ભરાયેલા જેલરે એની આંખમાં બોલપેનની અણી ઘોંચી દીધી, 'ઈતની આસાની સે તુજે નહીં મારૂંગા. દેખ, મુજે ઘુર ઘુર કે દેખ. લોગોં કો પરેશાન હોતા હુઆ દેખ કે મુઝે બડા સુકૂન મિલતા હૈ.' કહી જેલરે ભીંત પર ચોંટેલી ગરોળીને જોયા કરી. ભીંતને ચોંટેલી ગરોળીને એક ઝાટકે પકડી એણે જમીન પર જોરથી પટકી. તરફડતી ગરોળીની કપાયેલી પૂંછડી તરફ નજર ફેંકી તેણે અટ્ટહાસ્ય કર્યું. લાઈટના અજવાળામાં એનો સોનાનો દાંત ચમક્યો. નશો કરેલી લાલ આંખો તેણે મરી ગયેલી ગરોળી પર સ્થિર કરી, 'તેરા ભી ઐસા હી હાલ કરૂંગા.'

વીરસેનની ફૂટેલી આંખમાંથી વહી રહેલી રક્તધારા એના ટૂંકી બાંયના ઝભ્ભાને ભીંજવી ગઈ પણ એનું મનોબળ નહોતું ઓગળ્યું.

પાતળી સળીથી જેલર પોતાનો દાંત ખોતરતો રહ્યો પછી એ જ સળી વીરસેનના શરીર પર ઠેકઠેકાણે ભોંકી, 'મજ્જા આયા? હરામજાદે, અગર કલ સુબહ તક મુજે સબ નહીં બતાયા તો તેરી ટિકટ કટ ગઈ, સમજા?' જેલરે ઘાંટો પાડ્યો. એની મોટી વિકરાળ આંખો વીરસેનને ઘૂરકતી રહી.

જેવી રીતે લવાયેલો તેવી રીતે જ વીરસેનને તેની કોટડીમાં પરત લઈ જઈ પૂરી દેવાયો. અસહ્ય પીડા અનુભવતો વીરસેન ટૂંટિયું વાળીને પડી રહ્યો. હું એક મૂક સાક્ષી જેવી બસ એને જોયા જ કરતી હતી. મારૂં મન અમળાતું હતું. વિચારોનું ધાડું ઊમટી આવ્યું, 'શું કરૂં? હું એક મકાન માત્ર. નામે સેલ્યુલર જેલ.' કંઈ સૂઝતું નહોતું.

બીજા દિવસે સુપરિટેન્ડેન્ટ મારી મુલાકાતે આવવાના હોવાથી દરેકે દરેક કોટડીની સફાઈ કરી સ્વચ્છ કરાવાઈ. હું અને વીરસેન અસહ્ય ગંધમાંથી મુક્તિ તો પામ્યા પરંતુ મારી અદ્મ્ય ઈચ્છા એને આ કારાગારમાંથી મુક્ત થતો જોવાની હતી.

મારા વિચારો એના સુધી પહોંચી ગયા હોવા જોઈએ. અડધી રાત્રે વીરસેન ઊઠ્યો. આમ તો ઊંઘ્યો જ ક્યાં હતો? એણે શરીર પરથી પોતાનું પહેરણ ઉતાર્યું. મારી ખરબચડી ફરશ પર ઊંઘવાથી એના વાંસા પર ચાંઠા પડેલા. મારને લીધે પડેલા લાલ ચકામાય ખરા. ઉતરડાયેલી ચામડીને લીધે ક્યાંકથી શરીરનું માંસ પણ ડોકાતું હતું.

કાળી અંધારી કોટડીમાં આમ અડધી રાત્રે શું કરવા ધારતો હતો એ? કશું જ દેખાતું નહોતું. પોતાનો હાથ સુધ્ધાં ન દેખાય ત્યારે માત્ર સ્પર્શના અડસટ્ટે પોતાનું પહેરણ કાઢી એણે પહેરણના લીરેલીરા કરી નાખ્યા. પછી એને વળ ચડાવી, દોરડીઓ બનાવી. એ દોરડીઓ ગૂંથીને એણે જાડી રસ્સી બનાવી. દિવસનું અજવાળું દેખા દે અને સંત્રી ચાનાસ્તો આપવા આવે તે પહેલાં એણે પોતાનું કાર્ય પૂરૂં કર્યું. રસ્સીની લંબાઈ કદાચ છેક ઊપરની નાનકડી હવાબારીની જાળી સુધી પહોંચે તેટલી જોઈતી હતી. હવાબારીમાં લોખંડના ઊભા સળિયા હતા. જો કે અસંભવ એવું મહામુશ્કેલ કાર્ય તો હજુ હવે પાર પાડવાનું હતું; એણેય અને મારેય.

વીરસેનની આંખમાં ડોકાતા ભાવો પરથી હું એના મનમાં ચાલતી ગડમથલ જાણી ગઈ. ભૂખ, તરસ અને અંગ્રેજોના અત્યાચાર સહન કરવા કરતાં હસતે મુખે શહીદ થવું વધુ ઈચ્છનીય હતું. હું જાણું ને, વીરસેને નક્કી કરી લીધેલું, 'ભલે મારી ચામડી ઊતરડી નાખે પણ હું મોઢું નહીં જ ખોલું.'

આવી દયનીય દશામાં જેને હું પાછલા દોઢેક માસથી જોયા કરતી હતી એ શહીદ થઈ જશે? હું હતપ્રભ બની ગઈ. ના. મને એ મંજૂર નહોતું પણ હું શું કરી શકું? મજબૂત કાળમીંઢ પથ્થરની મારી બાહુઓ શું સહેજેય સામર્થ્યવાન નહોતી? જડતા ધારણ કરીને સ્થાવર બની રહેવાનો મને પારાવાર અફસોસ થયો.

પ્હો ફાટતાં, વીરસેને રસ્સીનો ગાળિયો બનાવી પોતાના ગળા ફરતે પહેર્યો. એણે રસ્સીનો બીજો છેડો ઊંચે ક્યાંક ભેરવવા ચોફેર જોઈ કશુંક શોધવાનો પ્રયત્ન કરવા માંડ્યો. પોતાની જાત સાથે વાતો કરતો હોય તેમ બોલ્યો, 'મને મોતનો ડર નથી. મારી મરજી મુજબ મરીશ. પરતંત્ર બની બ્રિટિશરો કે એમના પાળેલા ટટ્ટુઓના હાથે તો નહીં જ.' સાંભળી હું ભીતરથી ધ્રૂજી ગઈ. વીરસેને જીવિત રહેવું જોઈએ, દેશ ખાતર, સ્વતંત્રતાની લડત માટે, આઝાદીની જંગ સાટે. મને કેટલાય વિચારો આવી ગયા. વિચારોનોય ભાર લાગતો હતો.

હું જ્યાં ઊભી હતી એ જમીન પર મેં દબાણ વધાર્યું અને અચાનક મારી ભીતર કશુંક હલ્યું; બહાર પણ. મને પ્રતિસાદ આપતી હોય તેમ ધરણી  ધણધણી રહી હતી. દરિયાના મોજાં ઊછળીને જેલની દિવાલને અફળાઈને પાછા વળ્યા. ત્સુનામીના ધસમસતા જળના પ્રવાહમાં દસ ફૂટ ઊંચા મોજાં માર્ગમાં જે આવ્યું તેને તાણી ગયા. જેલરના રૂમમાં મૂકેલાં ટેબલ ખુરશી ખખડાટ કરતા હલતા હતાં. કશું જ સ્થિર નહોતું. ઊપર લટકતો સીલિંગ ફેન જાણે આમથી તેમ ઝૂલતો હીંચકો! બધી જ લાઈટો બુઝાઈ ગઈ. ભયાનક ભૂકંપ સર્જાયો હતો. કેદખાનાની બહાર જે હતાં તે સૌ ગભરાટમાં નાસભાગ કરવા લાગ્યા. અસંખ્ય કેદીઓ બે હાથે સળિયા પકડી લઈ તેને બળપૂર્વક હચમચાવી નાખી પોતાને બહાર કાઢવાની બૂમો પાડતા હતા.

પરિસ્થિતિ પામી જઈ વીરસેને રસ્સી એક તરફ ફંગોળી દીધી. એણે બન્ને હાથે લોખંડી દરવાજાના સળિયા પકડી લીધાં અને જોરથી હચમચાવ્યાં. મેં પણ મારી રીતે તૂટી પડવા ખાતર જોર કર્યું. મારી દિવાલનો એક જૂનો ખખડધજ પથ્થર હલ્યો. જોતજોતામાં આખી મજબૂત દિવાલ ધ્રૂજી ઊઠી. હું છો જમીનદોસ્ત થઈ પડું, મારે વીરસેન અને તેના જેવા અનેક કેદી સેનાનીઓને આ અસહ્ય પીડાદાયક યાતનામાંથી મુક્ત કરવા હતાં.

એક પથ્થર ખેરવવામાં હું સફળ રહી. જેના પર હું ચણાયેલી એ લોહી પીધેલી રક્તરંજીત રુદિત ધરાએ મને સાથ આપ્યો. નિર્દોષોના રેડાતા લોહીએ એનેય વિચલિત કરી મૂકેલી. ફરી એકવાર એ ખસી. મારા પથ્થરો એક પછી એક ભોંયભેગા થઈ ચારેબાજુ ધસી પડવા માંડ્યા. સમગ્ર વાતાવરણ ધડાકા, વીજળીના કડાકા, ભયાવહ ચીસો અને "બચાવો"ની બૂમરાણોથી ગાજી ઊઠ્યું. અધૂરામાં પુરૂં, ધરતીને સાથ આપવા જાણે આકાશ આગળ આવ્યો અને ધોધમાર વરસાદ વરસી પડ્યો. ધીમેધીમે મારી આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. મુઠ્ઠીઓ વાળીને વીરસેને દોટ મૂકી. જેલર કે સંત્રી એને પકડી ન શક્યા. જાત બચાવે કે એની પાછળ પડે? એ તો બીચારા મારા પથ્થરના ઢગ હેઠળ દબાઈ ગયા હતાં. જેલરે એમાંથી બહાર નીકળવા વ્યર્થ ફાંફાં માર્યા. એમનાં "કોઈ બચાવો" પોકારતા આક્રંદ અનેક ચીસો સાથે ભળી ગયા હતાં. પૉલીસ વેન ક્યાંય જઈ શકે તેમ નહોતું. વજનદાર પથ્થર હેઠળ છૂંદાઈને વિકૃત થઈ ગયેલો જેલરનો ચહેરો ઓળખાય તેવો રહ્યો નહોતો. એના મોઢામાંથી ઊંહકારોય ન નીકળી શક્યો. એ મોતને શરણ થયો. કોઈના પગ કપાઈ ગયા હતા, કોઈના હાથ. કેટલાય તૂટી પડેલા પથ્થર હેઠળ દબાયા. કેટલાક દોડી જઈને જીવ બચાવવામાં સફળ રહ્યા હતાં. વીરસેને બીજા ત્રણેકને કાટમાળમાંથી બહાર ખેંચી કાઢી એમનાંય જીવ બચાવ્યા.

મારા ધ્વસ્ત ચહેરા પર આનંદ પ્રસરી ગયો. જેલની બંધિયાર ગંધાતી હવા મુક્તપણે દરિયાની ખારી હવા સાથે મળી જઈ આઝાદ થઈ હતી. એ નીરખી મેં રાહતનો શ્વાસ લીધો અને સંતોષથી આંખો મીંચી દીધી. મારા વિધ્વંસ માટે હું જ જવાબદાર હતી પણ મને એ વાતનો સહેજેય રંજ નહોતો.

મારા વેરવિખેર પડેલા અવશેષોના ખંડેરમાં જયઘોષ સંભળાતો હતો, 'ઈન્કલાબ જિન્દાબાદ.' વીરસેન કેદમાંથી છૂટ્યો. એને મુક્તિ મળી. મને પણ.







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ