વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લડવૈયાઓને સલામ

'લડવૈયાઓને સલામ'


લોકડાઉનમાં સૌને આત્મમંથન કરવાનો મોકો મળ્યો છે તો તેનો સદુપયોગ કરી આપણે આપણી આસપાસ રહેતા સમાજના વિવિધ નોકરી અને વ્યવસાય કરતા તેમજ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની ઉજળી બાજુનું પણ અવલોકન કરવું જોઈએ.

     અત્યાર સુધીની જિંદગીમાં આપણે સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને કદી નજીકથી જોયા નથી. કેટલાક વ્યવસાય કરતા લોકો પ્રત્યે આપણે પૂર્વગ્રહ રાખીને જીવન જીવતા રહ્યાં છીએ. આપણને ઘણીવાર એમ થાય છે કે અમુક લોકો પોતાનો સ્વાર્થ સાધવા અથવા તો વધુ પૈસા કમાવવા જુદા-જુદા પેંતરા રચતા હોય છે પરંતુ વાસ્તવમાં કદાચ એવું નથી હોતું. હા, કોઈ અપવાદરૂપ કિસ્સા હોઈ શકે છે પરંતુ બધા મનુષ્યો કદાચ સ્વાર્થી કે ભૌતિક સુખના ભોગી હોતા નથી.

    આ બાબત સમજાવવા માટે હું આપની સમક્ષ ગઈકાલનો અમારી બાજુની સોસાયટીમાં બનેલો એક પ્રસંગ મૂકવા ઈચ્છું છું.

ગઈકાલે બપોરે અમારી બાજુની સોસાયટીમાં એક ચોવીસ વર્ષની યુવાન ડૉ. દીકરીને કોરોના વાઈરસનો ચેપ લાગી ગયો હોવાથી તેને લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આવી હતી. સુરતની એક ખ્યાતનામ હોસ્પીટલમાં ડૉકટર તરીકે કાર્યરત હોઈ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સેવાની તેને ફરજ ફાળવવામાં આવી છે. દર્દીઓની સેવા કરતાં કરતાં તેને  કોરોના વાઇરસનો ચેપ લાગી ગયો. ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે એમ્બ્યુલન્સ આવીને તે દીકરીને હોસ્પિટલ લઇ ગઈ ત્યારે ભરબપોરનો બે વાગ્યાનો સમય હતો. એમ્બ્યુલન્સ ગઈ કે તરત જ તે ધોમધખતા તડકામાં પોતાના મોતની પરવા કર્યાં વગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો આવી ગયા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ આવીને ફટાફટ પોતાની સેવામાં કાર્યરત થઈ ગયા. આખી સોસાયટી સેનેટાઇઝ કરી દીધી. તેમના મોંઢે માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને ચહેરા પર રૂમાલ બાંધેલો હતો. ટૂંકમાં શરીરને ભલે સંપૂર્ણપણે વસ્ત્રથી ઢાંકી દીધેલું હતું છતાંય મોત તો મુઠ્ઠીમાં લઈને ફરતા હતા...! 

     ત્યારે અમે (આજુબાજુના રહીશો) સૌએ પોતાની બાલ્કનીમાં ઉભા રહીને તાળીઓથી અને થાળી ને ચમચી વગાડીને તેમના ઉત્સાહને,તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને તેમના અનમોલ યોગદાનને બિરદાવવાનો નાનકડો પ્રયાસ કર્યો હતો

  જ્યારે આપણે એ.સી.ના ઠંડા પવનમાં સુતાં હોઈએ ત્યારે આ કર્મચારીઓ અને અધિકારીઓ સમાજમાં આવેલ કોરોના વ્યાધિ વધુ ન ફેલાય અને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે પોતાનું મોત મુઠ્ઠીમાં રાખીને હિંમતભેર પોતાના ભાગે આવેલ ફરજને હસતાં મોંઢે બજાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.

   આપણે જોઈ રહ્યા છીએ કે દર્દીઓની સેવા કરતાં કરતાં ઘણા ડૉકટરો કોરોના વાયરસનો ભોગ બન્યાં છે. કેટલાક ડૉકટરોએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. સુચારું વ્યવસ્થાના ભાગરૂપે હોસ્પિટલના કર્મચારીઓ ચૌદ ચૌદ દિવસ સુધી સતત ફરજ બજાવી રહ્યા છે. નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓ પોતાના દૂધ પીતા બાળકોને પોતાની છાતીથી અળગા કરીને પોતાના પતિના કે સાસુ-સસરાના હવાલે કરી આ જીવલેણ રોગના દર્દીઓને સાજા કરવાની ફરજ બજાવી રહી છે. કદી આપણને તેવી મહિલાઓના હૃદયની વેદના  સ્પર્શી છે ખરી...? 

મિત્રો, પ્રમાણિક્તા અને ગંભીરતાથી આ બાબતે વિચારી જોજો...કદાચ આપને તે માતાના હૃદયમાં પોતાના બાળક માટેના સંઘરાયેલા ડૂસકાં જરૂર  સંભળાશે..!

40-42 ડિગ્રી તાપમાનની કાળઝાળ ગરમીમાં કોઈ પણ જાતના છાંયડા વિના સતત આઠ કલાક રોડના સર્કલ પર ઊભા રહી લોકડાઉનનો ભંગ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઊભા રહેતા પોલીસ કર્મીઓને જોયા છે ને..! તેમની પત્ની અને બાળકો સાંજે કેટલીય આતુરતાથી તેમના આવવાની રાહ જોતાં હોય ત્યારે સમાચાર મળે કે તે પોલીસકર્મીને  કોરોના વાયરસના પોઝિટિવ દર્દી તરીકે તાત્કાલિક દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવા પડેલ છે ત્યારે તેની બે વર્ષની દીકરી અને તેની પત્નીના હૃદયમાં ઊંડા ચીરા પાડતી વેદનાભરી  ચીસને આપણે કદી સાંભળવાનો પ્રયત્ન કર્યો છે ખરો..?  

  આપણે નિરક્ષર માણસોની જેમ જાહેર રસ્તા પર જ્યાં ને ત્યાં અને અસ્ત-વ્યસ્ત રીતે કચરો ફેંકી ગંદકીના ઢગ ખડકી દઈએ છીએ. એ ખડકેલા ઢગલાઓમાંથી સૂગ ચઢે તેવી ઉઠતી બદબૂ વચ્ચે પર્યવારણને ભારોભાર નુકશાન કરતી એ ગંદકીને આપણા સ્વાસ્થ્ય માટે  રોજ સવારે ઊંચકી જતાં તે સફાઈ કામદારો, જ્યારે બપોરે ઘી વિનાની લૂખી-સૂકી રોટલીનો કોળિયો પોતાના મોંઢામાં મૂકતા હશે ત્યારે તેમણે જોયેલી ગંદકી તેમની નજર સમક્ષ તરવરી ઊઠીને વાનગીને બેસ્વાદ કરી જતી હશે તેવો વિચાર આપણને આજ દિન સુધી કદી આવ્યો છે ખરો...?

જીવન જીવવા માટે ફરીથી મજબૂર બની બીજા દિવસે નિયમિત રીતે સમયસર પોતાની ફરજ પર હાજર થઈ પોતાની ફરજ બજાવતાં તે સફાઈ કામદારો માટે કદીય આપણને સમભાવ જાગ્યો છે ખરો ..?

તેમની આર્થિક સંકળામણ વિશે વિચારી તેને આર્થિક મદદ કરવાનો વિચાર સુદ્ધાં આપણા મગજના તરંગોમાં આવ્યો છે ખરો ..?

  આવા તો અસંખ્ય દાખલાઓ સમાજમાં છે.

મિત્રો... આ લેખથી આપ સૌને આત્મમંથન કરીને આપના અંતરાત્માને જગાડવાનો મારો પ્રયાસ છે. આપ આજથી  આપની આજુબાજુ રહેતા તમામ વર્ગના મનુષ્યોને સન્માનની નજરથી જોવાનો પ્રયત્ન કરી મારા લેખને સફળ બનાવવા માનવતા દાખવશો.. સાથે-સાથે ઘરમાં રહીને આ મહામારી કોરોનાના કહેરને નાથવામાં સંપૂર્ણપણે સહયોગી બનશો.. તેવી  હું એક નાનકડી વિનંતી કરું છું. 

       મને આશા છે કે આપ જરૂર મારી વિનંતીને   નજરઅંદાજ નહીં કરો... ઘરમાં રહો .. સુરક્ષિત રહો .. ખૂબ જ જરૂરી હોય તો બહાર જાવ ત્યારે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જરૂર રાખો.. હકારાત્મક અભિગમ કેળવો...સૌનો સાથ હશે તો ગમે એવો પડકાર હશે તો પણ તેમાંથી આપણે પાર ઉતરી જઈશું જ.

            *जान है तो जहान है।*


✍️ - વર્ષા કુકડીયા..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ