વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એકલા ચલો રે...

 

જોદી તોર ડાક સુને કેઉ ના આસે..તોબે એકલા ચલો રે...
એકલા ચલો..એકલા ચલો..એકલા ચલો રે...

'પપ્પા! આ ગીત ગમે છે?'પપ્પા એ વારેવારે સાંભળતા, એટલે મેં પૂછ્યું.

'એકલો જાને રે...જીવનનું સત્ય છે.જીવન સંઘર્ષ ઘણીવાર એકલે હાથે લડવો પડે. અને આમ પણ એકલા આવ્યા અને એકલા જવાના..કેટલા અર્થપૂર્ણ શબ્દો!' પપ્પાએ હસીને જવાબ આપ્યો.

'ગીતોમાં તો કહે એવુ...!આપણે સાથે જ હતા,છીએ અને રહેશું,દરેક સ્થિતિમાં. તમે અમને કદી એકલા છોડ્યા? અમે બંને બહેનો તો તમારા દીકરા છીએ એવુ તમે જ કહો છો ને! તો અમે પણ તમને કદી એકલા નહીં છોડીએ..મેં એકદમથી પપ્પાનો હાથ પકડીને કહ્યું.

એ હસી પડ્યા,'મારો દીકરો..'બોલીને મારું માથું ચૂમી લીધું.

દરેક સ્થિતિમાં એકલા લડી શકાય એવું અમને શીખવ્યું. કદીક ઢીલા પડીએ તો,'હું બેઠો છું ને,પછી તું શું કામ ચિંતા કરે દીકરા?' આ એમનો તકિયા કલામ હતો.

દીકરો ન હોવાનો અફસોસ ના કદી એમને થયો કે,ભાઈ ન હોવાનો અફસોસ કદી અમને.એ અમારા માટે અને અમે એમના માટે પૂરતા હતા જાણે!

પણ ક્યાં ખબર હતી કે આ વાતચીતના થોડા જ દિવસોમાં એ પૂરકતા અપૂર્ણ થવાની હતી!

નોકરીમાં અને નિવૃત્તિ પછી પણ સતત એમની સાથે એમનું કામ કરવા તત્પર રહેતી મમ્મીને પણ એ પોતાનું કામ ક્યારેક જ બતાવતા. જાતે કરવાથી એક્ટિવ રહીએ એવુ માનતા.સતત દોડતા પપ્પાની જિંદગી એક કાળ ચોઘડિયે સાવ અમસ્તી જ થંભી ગઈ, કલાક પહેલા સ્વસ્થ રીતે વાત કરતાં, એમણે અનંત ભાવસમાધિમાં સરી જતા હોય એટલી સહજતાથી આંખો મીંચી લીધી. ના કોઈ પીડા કે ના તકલીફ,ના કોઈની સેવા કે ના કોઈને જરાય હેરાન કર્યા. એક ઉહંકારો સુધ્ધા નહીં! અને ડોકટરે નામ આપ્યું કાર્ડિયાક અરેસ્ટ! અમારા માટે આઘાત અસહ્ય હતો. આંસુ અટકતા નહોતા. આભ ફાડીને કે ધરતી ચીરીને ક્યાંથી લાવું પપ્પા તમને! અસહ્ય વેદના અને મુંજારો!

પપ્પાને એકલા નહીં જ મુકું, એવા કોઈ ભાવથી મેં દરેક વિધિ કરી અને છેલ્લે નવમાં દિવસે હું એમના અસ્થિવિસર્જન માટે દરિયાકિનારે કઝીન ભાઈ, મારા હસબન્ડ અને દીકરા સાથે ગઈ. ત્યાં રેસ્ટ્રીક્ટેડ ઝોન હોવાથી બીએસએફવાળાઓએ મને રોકી,'સબ આગે નહીં જા શકતે..!'
અને મારે ત્યાં જ અટકવું પડ્યું. ત્યારે થયું કે સો-બસો ડગલા માટે મેં પપ્પાને એકલા મૂકી દીધા! હૃદય વલોવાતું હતું. ભીની આંખે,લાચાર નજરે હું દરિયા તરફ જોઈ રહી. થોડીવારે કોઈ ચમત્કાર જેમ પેલા બીએસેફવાળાએ અચાનક પાછળથી આવીને પૂછ્યું,'આપકો જાના હૈ?' અને દડ-દડ આંસુડા સાથે મેં માથું હલાવ્યુ.
'ઠીક હૈ જાઈયે પર યે મોબાઈલ નહીં..' પેલો વાક્ય પૂરું કરે એ પહેલા મેં પૈસા ભરેલું પર્સ અને મોબાઈલ એની તરફ રીતસર ઘા કર્યા. આંસુથી ખરડાયેલો, તરડાયેલો ચહેરો, પવનમાં વિખરાઈ ગયેલા વાળ અને ઊડતી ઓઢણીને સંભાળતી ઉબડ-ખાબડ રસ્તા પર આવતી ઠેસથી માંડ બચતી બહાવરી બનીને દોડી..જાણે પપ્પા મળી જવાના હોય!
'ભાઈ,ઉભા રહેજો હું આવું..' મેં બૂમ પાડી.
ત્યાં એમના અસ્થિ અમે પ્રકૃતિના પાંચમાં તત્વ,જળને અર્પણ કર્યા.
એ પછીનો ભયંકર ખાલીપો! અત્યાર સુધી પપ્પાનું કંઈક પણ મારી સાથે હતું. હવે!? જે વાત્સલ્યમય હાથ મારા પર ફરતો,જે આંખ અમી વરસાવતી એ..એ..બધું પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું!
ત્યાંથી પાછા જવા પગ જ નહોતા ઉપડતા.પપ્પાની સાવ નાનકડી દીકરી બની ગઈ હોઉં એવી જીદ મનમાં ઉતરી આવી. પપ્પા તમારા વગર પાછી નહીં જ જાઉં.મારી આંગળી કોણ પકડશે?
ત્યારે કોટેશ્વરના એ દરિયા પરના અવકાશમાં જાણે પપ્પાનો વાત્સલ્યપૂર્ણ ચહેરો દેખાયો. નાનકડી જીદ્દી દીકરીને એ જાણે સમજાવતા હતા કે,'આ જ તો હું શીખવાડતો તમને. આને જ તો કહેવાયને એકલા ચલો રે! વળી,હું તો વાત્સલ્યરૂપે, તારામાં લોહીરૂપે, તારા દરેક અંશમાં સાથે છું જ ને! ક્યાં નથી?! જીદ ન કર દીકરા..શાંતિથી ઘરે જા.'
ઓહ! પપ્પા તમે જતા-જતા પણ જિંદગીના પાઠ ભણાવતા ગયા..!
થોડીવારે એ ચહેરો ક્ષિતિજમાં વિલીન થઈ ગયો અને મેં એમની શીખ...'એકલા ચલો રે..' અનુસરવા ધોધમાર આંસુ અને ભારે હૃદય સાથે વાસ્તવિકતાની ધરતી પર પગ આગળ ચલાવ્યા.

(મારા જીવનની સત્ય ઘટના. 20-01-23 ના અમને છોડી ગયેલા વહાલા પપ્પા-વૃજલાલ સી.જોબનપુત્રાને સસ્નેહ અર્પણ )

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ