વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્લિનચીટ

'ખબર જ હતી,એ પાસ નથી થવાનો..પણ એમાં...!'
સ્કૂલના સ્ટાફ રૂમમાં ચર્ચા ચાલી રહી. અમારી સ્કૂલના એક વિદ્યાર્થીએ બારમાં બોર્ડમાં ફેઈલ થવાથી આત્મહત્યા કરી હતી.

ભણવામાં એનું મન જ નહોતું, એક નંબરનો તોફાની છોકરો. હું જ એનો વર્ગશિક્ષક અને ગણિતનો શિક્ષક. હા,ઈતર પ્રવૃત્તિમાં એ માસ્ટર હતો. મને જોકે, એના પ્રત્યે એક અણગમો હતો.એના ક્લાસના તોફાનોને કારણે કે... કે..પછી એણે મારા કોચિંગ કલાસ જોઈન નહોતા કર્યા એટલે!!!

'તુષાર સરના ક્લાસ જોઈન કરી લે તો બોર્ડમાં ગણિતમાં તો તું પાસ થઈ જ જઈશ..' મારા કોચિંગમાં આવતાં વિદ્યાર્થીઓ એને કહેતા, પણ એણે એવું ન કર્યું.

એની આત્મહત્યાના સમાચારથી હું હલબલી ગયો.મને મનમાં થયું,'તે દિવસે જો...'

એમ તો આખી સ્કૂલને મોટો ઝાટકો હતો આ, પરંતુ મને કશુંક ખટકતું હતું.

વેબસાઈટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરતાં મારો હાથ ધ્રુજયો હતો, જયારે એની માર્કશીટમાં મેં જોયું કે એ માત્ર ગણિતમાં ફેઈલ હતો.

'પણ એમાં હું શું કરુ?હા, હું સ્કૂલમાં એનું ગણિત લેતો, મેં તો બધું  બરાબર કરાવ્યું હતું. પ્રેક્ટિસ ન કરે તો કેમ પાસ થાય?' મેં મનમાં જ દલીલ કરી.

આખો દિવસ સ્કૂલમાં એજ વાતો, એજ ચર્ચા, રડતા કકળતા એના મા-બાપ,પોલીસની પૂછતાછ..
આ બધા વચ્ચે મારું અળવીતરું મન મને વારેવારે ટાંકણી ભોંકી રહ્યું, 'તુષાર, એ આજે આમ મર્યો ન હોત..જો તે દિવસે..'

'અરે મેં તો આખો કોર્સ સરસ રીતે કરાવ્યો હતો..કોઈ તો કહે કે,તુષાર સર સારું નથી કરાવતા!' એનું ધ્યાન જ ન હોય તો હું શું કરી શકું..' એ આખો દિવસ મેં જાત સાથે દલીલો કરી અને મનમાં જ જાતને નિર્દોષ સાબિત કરવા મથી રહ્યો.

આખરે 'ના મારો આમાં કોઈ વાંક નથી.' એવું મનમાં મજબૂતપણે ઠસાવીને, 'તે દિવસ'ને મગજમાંથી ખંખેરતો હોઉં એમાં માથું ધુણાવીને સાંજે ઘરે આવવા નીકળ્યો.
અને મારા કોચિંગ સેન્ટર પર ગયો.

ત્યાં સાંજના ઉતરતા અંધકારમાં ફરી પાછો 'તે દિવસ' મને ઘેરી વળ્યો.

તે દિવસે.. હા તે દિવસે..એ આવ્યો હતો, મારા કોચિંગ સેન્ટર પર, બોર્ડની પરીક્ષાને એક મહિના પહેલા. એણે મને કહ્યું હતું,'સર મને ગણિતમાં ખાસ કાંઈ આવડતું નથી. તમે મને થોડુ માર્ગદર્શન આપો તો પાસ થઈ જાઉં..'

મેં કહ્યું હતું 'હું કાંઈ નવરો નથી બેઠો, પહેલાથી મારા ક્લાસ જોઈન કરવા જોઈતા'તા.'

'સર,મારા માબાપ એટલી બધી ફીસ....સર પ્લીઝ થોડુ.... થોડા અગત્યના દાખલા કે કંઈક એવું મને કહો, હું મહેનત કરીશ,મારે પાસ થવું છે...નહી તો બાપુ..' એની આંખોમાં આજીજી હતી.

મારી અંદરનો શિક્ષક કહેતો હતો કે, મારા જ્ઞાનરૂપી અમૃત માટે મારો વિદ્યાર્થી તરસી રહ્યો છે. હું ઈચ્છું તો મહિનામાં એને પાસિંગ માર્ક્સ જેટલું કરાવી જ શકું..
જયારે મારી અંદરનો પ્રોફેશનલ,કોચિંગ ક્લાસનો માલિક કહેતો હતો કે, એણે ફીસ ભરીને ક્લાસ જોઈન કરવા જોઈતા'તા.

આખરે એ પ્રોફેશનલ વ્યક્તિની જીત થઈ અને મેં એને ગમે તેમ એકાદ વસ્તુ શીખવાડીને ભગાડી દીધો.

પરિણામરૂપે આજે એણે..

હું બેન્ચ પર ફસડાઈ પડ્યો.સ્કૂલ,પોલીસ કે એના માબાપની દ્રષ્ટિએ હું ગુનેગાર નહોતો.પણ હું જાણતો હતો કે હું કદાચ એને બચાવી...મારી આંખમાંથી ખારા પાણીનું ટીપું ખરી પડ્યું..આખરે હું મારી જાતને ક્લિનચીટ ન જ આપી શક્યો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ