વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્માના અંતિમ સંસ્કાર ! –ખંડ-૨-ભાગ-૧

 

શ્રીલંકા – અત્યારના સમયમાં

ત્રિકુટા પહાડોની ગોદમાં આવેલા લંકાપુરમમાં સાંજ પડી ગઈ હતી. વૃદ્ધ પંડિતે આગ સળગાવી. એની પાસે બેઠેલા નવયુવાને કે જેની આંખોમાં અસંખ્ય પ્રશ્નો હતા એણે ફરીથી પૂછ્યું "મને એના વિષે કહો ને પંડિતજી ! ફરીથી કહોને ! " પંડિતે એક ઊંડો શ્વાસ લીધો ! આ નવયુવાન એમ પીછો નહિ છોડે ! આખી ને આખી રામાયણ એને મોઢે થઇ ગઈ હતી પણ છતાં પણ એ હંમેશા પછી શું થયું, લંકા નું શું થયું અને મહાન રાવણના વંશજો ક્યા ગયા એ પૂછ પૂછ કરતો હતો ! પંડિતે એને વિસ્તારથી સમજાવ્યું કે રાવણના મૃત્યુ પછી વિભીષણ ગાદીએ બેઠો હતો અને હજારો વર્ષો પછી એમની આખી પેઢીનો નાશ થવા લાગ્યો હતો, બહારથી આતંક્ખોરો અને હુમલાખોરો લંકા પર આક્રમણ કરવા લાગ્યા અને નબળા શાસન અને નબળા શાસકોને લઈને ખોખલી થઇ ગયેલી લંકા પરથી એમની પક્કડ છૂટી ગઈ અને ભાગમભાગ થઇ ગઈ ! અમુક રાજવી વંશજોએ ત્યાંજ થોડે દુર આશ્રય લીધો પણ હુમલાખોરોએ એમને પકડીને મારી નાખ્યા અને અમુક રાજવીઓએ ભારત પ્રયાણ કર્યું પણ તટવર્તી વિસ્તારોમાં પણ જોખમ હતું એટલે એ લોકો ત્યાંથી દુર સુદૂર હિમાલયના પહાડોમાં જઈને વસી ગયા કે જ્યાંથી કોઈ કાળે હુમલાખોરો એમને શોધી ના શકે ! ત્યાના સ્થાનિક આદિવાસીઓએ એમને આવકાર્યા અને એમની સાથે એ લોકો હળીમળીને રહી ગયા !

"પણ મને એ સમજાવો કે મહાન અને અદભુત શક્તિઓના સ્વામી એવા રાવણનું લોહી એ લોકોમાં વહેતું હતું તો એમાંથી કોઈ ચક્રવર્તી કે પરાક્રમી નાં પાક્યો ? કે પછી એ અદભુત શક્તિઓ કોઈનામાં ના આવી ? " યુવાને આંખો મોટી કરતા કહ્યું અને જવાબમાં પંડિતજી ફિક્કું હસ્યા ! "હા બેટા, અમુક વર્ષો પછીની પેઢીઓએ શિવજીની ખુબજ ભક્તિ કરી અને એમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી પણ એમને ખબર નહોતી કે એ લોકો કોના વંશજો છે અને પેઢી દર પેઢી પછી એ લોકો બધું ભૂલી ગયેલા ! ખાલી શિવભક્તિ અને શિવજીને પામવાની ચાહ લઈને જ એ લોકો જીવતા હતા. એમના વડવાઓ કહી ગયેલા કે એક દિવસ બધાએ શિવમય થવાનું છે એટલે એ લોકો શિવજીને પહાડોમાં શોધતા હતા અને એમના ચરણોમાં માથું રાખીને મોક્ષ પામવાનું સ્વપનું જોતા હતા ! પણ એક આત્મા અનુઠી નીવડી, એનો જન્મ પણ અનુંઠો થયો હતો અને એનામાં પ્રચંડ શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું હતું ! એ મહાન શક્તિ, આત્મા શિવજીને પણ લલકારે એટલી શક્તિશાળી થઇ ઉઠી છે ! એનામાં રાવણના વંશજો ઉપરાંત શિવજીનો પોતાનો અંશ પણ છે, એને પાર્વતીમાતા અને વિષ્ણુજી ની પણ કૃપા પ્રાપ્ત છે ! એ શક્તિ અવિનાશી છે ! એ પ્રચંડ છે ! એ મહાન છે ! એ અસુરા છે ! એ ધારે તો આખી પૃથ્વીનો વિનાશ કરી શકે એટલી સક્ષમ છે ! પણ એ માનવ જ છે આખરે અને માનવીય લાગણીઓ ને વશ થયેલી છે ! એને છંછેડતા એ ક્રોધિત થઈને ભયાનક દસ માથાવાળી આસુરી બની જાય છે ! પણ એનામાં એના માતા પિતા અને અન્ય લોકોની સારપ પણ છે એટલે એ દૈવીય અને આસુરી વૃત્તિ વચ્ચે ઝોલા ખાય છે ! આવશે એ મહાન શક્તિ એક દિવસ એના ઘેર પાછી આવશે અને એ દિવસ આપણ માટે અદભુત હશે બેટા !" વૃદ્ધ પંડિતે એ યુવાનના માથે હાથ મુક્યો અને બંને અંદર એમની ઓરડીમાં વાળું કરવા  ચાલ્યા ગયા !

***

શિવાનંદની કહાણી !

હું પડ્યો પડ્યો ધ્રુજતો હતો ! હા ! મને તાવ આવી ગયો હતો ! હું, શિવાનંદ, અઘોર વિદ્યાનો અઠંગ ઉપાસક, પંડિત શંભુનાથનો શ્રેષ્ઠ વિદ્યાર્થી, પ્રખર શિવભક્ત, અત્યારે એક અંધારી ઓરડીમાં એક ગંદા ગોદડામાં પડ્યો પડ્યો સખ્ખત તાવમાં સુતો હતો. ઉશ્કેરાટમાં મારું મન પણ ગ્લાની થી ભરાઈ ગયું હતું ! હે શિવ ! મેં શું શું નથી કર્યું આપની ભક્તિ માં ! અઘોર તપસ્યા કરી, કઠીન થી કઠીન કાર્યો કર્યા, આપની કૃપા પામવા માટે મેં મારું આખું જીવન દાવ પર લગાવી દીધું અને આજે હું આવી જગ્યાએ પડ્યો છું ?! મારી આખી ઝીંદગીની સાધના અને તપ શું એળે જશે ? મેં આંખો મીચી દીધી અને મારા માનસપટ પર એક પછી એક ચલચિત્રની જેમ દ્રશ્યો ઉપસવા માંડ્યા !

***

"બેટા શિવા, ઓ બેટા શિવા" માં બુમો પાડતી અને હું ગોદડામાં માથું નાખીને મનમાં હસતો હસતો સુઈ જવાનું નાટક કરતો ! માં ફરીથી મારી પાસે આવતી અને ગોદડામાં હાથ નાખીને મારું માથું પસારતી “મારા લાલ, મારા બેટા, શિવાઆઆ“ મને માં નો સ્પર્શ બહુ ગમતો. હું માનો હુંફાળો હાથ પકડીને મારા માથા નીચે મૂકી દેતો અને ફરીથી સુઈ જવાનો ડોળ કરતો. માં હસી પડતી અને બીજા હાથે મારા ગાલ પર હાથ ફેરવતા મને મારું મનગમતું પહાડી ગીત સંભળાવતી. શિયાળાની સવાર, સ્કુલમાં રજા અને ગોદડામાં મારા માથે ફરતો માં નો હાથ અને એના મુખે ગવાતું પહાડી ગીત...મારા શરીરમાં અનોખો આનંદ ભરાઈ જતો ! બસ બધું થંભી જાય, પૃથ્વી એની ધરી પર ફરતી રોકાઈ જાય, હું આમ જ માંનો હાથ પકડીને એના  મુખે ગીતો સાંભળતો જ રહું એવું મને થઇ આવતું ! લગભગ બે ત્રણ ગીતો પછી માં એનો હાથ પાછો ખેંચી લેતી અને ખુણામાં પડેલા ચૂલા પાસે જઈને ખાંસતા ખાંસતા એમાં ફૂંકો મારતી અને મારા માટે જુવાર કે બાજરીના રોટલા બનાવતી ! હું ઉભો થઇને અમારી નાનકડી પણ પાક્કી ઝુંપડીની બહાર આવેલા પાત્રમાંથી મોઢું હાથ ધોતો. માં સવારના વહેલા ઉઠીને ચુલા પર પાણી ગરમ કરીને બહાર ખુણામાં મૂકી દેતી જેથી મારે ઠંડા પાણીથી હાથ મોઢું ના ધોવું પડે ! મને મનોમન એના માટે આદર થતો ! માં, કેવી હતી મારી માં ! લગભગ પાંચ ફૂટ ચાર  ઇંચ ઊંચાઈ, મજબુત પહાડી બાંધો, ગોરો ગોરો વાન, લાંબા કેડ સુધી આવતા એક પણ સફેદ ના હોય એવા કાળા ભમ્મર વાળ, સપ્રમાણ સફેદ હિમાલયના પહાડો જેવી દંતાવલી, મધુરું સ્મિત અને આંખોમાં ભીનાશ ! ઓહ ! માં ! મેં પડ્યા પડ્યા હાથ લાંબા કર્યા અને માં ને સ્વપ્નમાં આલિંગન આપ્યું !

અતિશય ઠંડીમાં અમારી એકમાત્ર સ્કુલ બંધ રહેતી. હું હાથ મોઢું ધોઈને ચુલા પાસે માં ની સાથે બેસી જતો. હું લગભગ આઠ વર્ષનો હોઈશ ત્યારે તો ! માં મને એક થાળીમાં જુવાર કે બાજરાનો રોટલો અને તાજી બનાવેલી લસણની ચટણી પીરસતી. સાથે ગરમ કરેલા દૂધનો પવાલો તો ખરો જ ! હું એકી શ્વાસે દૂધ ગટગટાવી જતો અને મારા હોઠો પર સફેદ મૂંછ થઇ જતી જે મારી માં પ્રેમથી એની સાડીના પાલવથી લુછી દેતી ! માં પાસે બે જ સાડી હતી અને કેટલાક અમારા પહાડી પહેરવેશ કે જે વણઝારાઓ પહેરતા ! મને એ બહુ ગમતા, ખરેખર કહું તો મારી માં એ પહેરતી ત્યારે એ મને કોઈ સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપ્સરા જેવી લાગતી ! એ પહાડી વણઝારા પોશાકમાં ભાતભાતના આભલા હતા અને એ પોશાકો ખુબજ રંગબેરંગી અને સુંદર હતા. મારા બાપુ મારી માં માટે એ લઇ આવતા. મારા બાપુ ખેડૂત હતા. અમારી ઝુંપડીથી થોડે દુર અમારું ખેતર હતું. બાપુ ત્યાં એક નાનકડી બેઠક બનાવીને બેસતા અને હુક્કો પીધે રાખતા. પહાડી હુક્કો નાનકડો અને એક વિશિષ્ટ પ્રકારનો હોય છે. એ લોકો એમાં એક વિશિષ્ટ પ્રકારના તમાકુના પાન નાખતા અને બાપુ અને એના મિત્રો બપોરે કે ક્યારેક મોડી રાત્રે પાક ઉભો હોય તો ત્યાં બેસીને હુક્કાની અને ગરમ ગરમ કાવાની લિજ્જત માણતા. હું બપોરે બાપુને ભાથું આપવા જતો અને આશ્ચર્યથી એમની બધી પ્રવૃત્તિઓ જોઈ રહેતો ! મને મારા બાપુ એક સજ્જન, વિશાળ અને વ્હાલસોયા વ્યક્તિ લાગતા. એ મને પ્રેમથી એમની બાજુમાં બેસાડતા અને જમાડતા ! એ મને પહાડોમાં વસતા વિચિત્ર લોકોની વાતો પણ સંભળાવતા ! મને એ વાતો ખુબજ રોમાંચિત કરતી ! ખાસ તો એ ચમત્કારિક સાધુઓની અને અઘોરીઓની ! મને ખુબજ મન થતું કે હું એ લોકોને ક્યારેક મળું ! બાપુ ખડતલ હતા, એ થોડાક લોકો સાથે મળીને ખેતર ખેડતા અને અમારે આખું વર્ષ ચાલે એટલું ધાન ઉપજાવતા ! પણ એ બહુ જ પ્રેમાળ અને છુટા હાથના હતા અને આજુબાજુ રહેતા ગરીબ પહાડી લોકોને છૂટથી અમારા ધાનનું દાન કરી દેતા !

ખુબજ આનંદ ના દિવસો હતા ! ક્યારેક ક્યારેક અડધી રાત્રે અમારા ઘરની બહાર આર્મીની ટ્રક આવી ને ઉભી રહેતી અને એમાંથી ખડતલ એવા બે-ચાર આર્મીના જવાનો ઉતરતા અને અમારો દરવાજો ખટખટાવતા ! હું ગોદડામાં લપાઈને બધું જોતો રહેતો. એ લોકો અંદર આવી જતા અને માં એમની સરભરા કરતી અને એમને એટલી રાત્રે પણ ગરમ કાવો પીવડાવતી. એ લોકો પિતાજી પાસે બેસીને જાત જાતની વાતો કરતા અને પિતાજી એમને કૈંક નવી નવી જગ્યાઓની માહિતી આપતા અને એ લોકો પિતાજીને ઘણા બધા રૂપિયા આપતા અને જતા રહેતા !

એક દિવસ અચરજ થયું, હું લગભગ ૧૨ વર્ષનો થઇ ગયો હતો અને હવે આગળ ભણવા માટે અમારા ગામમાં નિશાળ નહોતી. રવિવારની બપોર હતી અને હું મારા પિતાજી પાસે ખેતરમાં ઉભો હતો ત્યાજ એક મીલીટરીની જીપ આવીને ઉભી રહી અને એમાંથી બે ખડતલ ઓફિસર ઉતર્યા. એક ઉંચા અને હેન્ડસમ વ્યક્તિએ જુકીને મારા માથે હાથ ફેરવ્યો (કે જે પાછળથી મારા ખાસ મિત્ર/માર્ગદર્શક અને પિતા જેવા બની જવાના હતા ! રેવાના પાપા, મેજર આનંદકુમાર શેરગીલ) અને મને ચોકલેટ આપી ! હું ખુશ થઇ ઉઠ્યો. એ લોકો ખેતરની પાસે ઢાળેલા ખાટલામાં હુક્કો અને કાવો પીતા બેસી રહ્યા અને થોડીવારમાં આનંદકુમારે મને ઇશારાથી નજીક બોલાવ્યો. "આ શું કરે છે ? તું એને ભણાવે છે કે નહિ ? " મેજરે મારા પિતાજીને કહ્યું. પિતાજીએ હકારમાં ડોકું ધુણાવ્યું અને મારી પ્રશંસામાં કહ્યું કે એ સ્કુલમાં અવ્વલ નંબર લાવે છે અને ભણવામાં ખુબજ તેજસ્વી છે ! મેજર ગંભીર થઇ ગયા અને બોલ્યા "હવે આને તું પરદેશ મોકલી દે ભણવા, અહી ખુબજ જોખમ છે, તને તો ખબર જ છે ને આપણી લાઈન, સતત ભય તોળાય છે !!! હું આર્મી ફંડમાંથી એની વ્યવસ્થા કરું છું અને એને અમેરિકા મોકલી આપવાનું કરું છું ! એ દુર રહે એમાં જ સાર છે ! " મારા પિતાજીએ  એક વહાલભરી નજર મારી સામે નાખી અને હકારમાં ડોકું ધુણાવ્યું ! મને કઈ ખબર ના પડી પણ પિતાજી અને માં થી દુર જવાનું છે એ વિચારીને મને રોવું આવી ગયું !

એ ભયાનક રાત તો કેમ વિસરાય !? પથારીમાં પડ્યા પડ્યા પણ મને ભયનું લખલખું આવી ગયું ! હે મહાદેવ ! આવો પ્રકોપ !!! હું પથારીમાં સુતો હતો અને અચાનક મને બહાર કોલાહલ સંભળાયો ! માં એ મને ઉઠાડીને તાત્કાલિક અમારી ઘરની પાછળ આવેલા કુવામાં ઉતારી દીધો ! એ ખાલી કુવો હતો અને એમાં નીચે બેઠક જેવું હતું ! હું ભયથી થરથરતો ત્યાં બેસી રહ્યો ! માં મને ઉતારીને ફટાફટ ઉપર જતી રહી ! થોડીવારમાં મને ઘણાબધા અવાજો સંભળાયા અને પછી ગોળીબારના અવાજો આવ્યા ! મેં કાને હાથ દઈ દીધા ! પછી બધું શાંત થઇ ગયું ! હું માં ની રાહ જોતો નીચે બેસી રહ્યો અને ખબર નહિ કેટલી વાર થઇ હશે પણ હું ઝોકે  ચડી ગયો ! સવારનો તડકો કુવામાં ઉતરી આવ્યો ત્યારે મારી આંખ ખુલી ! મેં હાંફળા ફાંફળા થઈને ઉપર જોયું તો આશ્ચર્ય ! મેજર આનંદનો ચહેરો મને દેખાયો ! એમણે નીચે આવીને મારો હાથ પકડ્યો અને મને ઉપર ચડવામાં મદદ કરી. એમના મુખ પર ગ્લાની હતી ! જેવો હું ઉપર આવ્યો કે મેં જોયું કે મારા ઘરની આગળ બે સફેદ કપડામાં ઢાંકેલી લાશ પડેલી હતી ! મેજર મને ઊંચકીને એમની જીપમાં બેસાડવા લાગ્યા પણ મેં એમનો હાથ ઝટકો મારીને છોડાવી દીધો અને હું દોડીને માં-બાપુ ની ચીસો પાડતો ઘર તરફ દોડ્યો ! અચાનક પવન સુસવાટા મારતો આવવા લાગ્યો અને સફેદ કપડા ઉડી ગયા અને મારી આંખો ફાટી ગઈ ! મારા બાપુ અને માં નીચે સુતેલા હતા ! એમના કપડા લોહીયાળ હતા ! હું એમના પગ પાસે બેસી પડ્યો અને મારી આંખોમાંથી ચોધાર આંસુ નીકળી પડ્યા ! મેજર દોડતા આવ્યા અને મારા માથે હાથ ફેરવવા  લાગ્યા ! હું ઉંધો ફરીને એમને વળગીને રડી પડ્યો ! મારું સર્વસ્વ લુંટાઈ ગયું હતું ! મારા માં અને બાપુ ને આતંકવાદીઓએ મારી નાખ્યા હતા ! હું કુવામાં ઉતરી ગયો હતો એટલે બચી ગયો ! આજે પણ એ યાદ કરું છું ને મારી આંખોમાં આંસુ અને ક્રોધ બંને આવી જાય છે !

અચાનક મેજરે મને ઊંચકી લીધો અને મારી આંખોમાં જોયું ! મેં પણ એમની આંખોમાં જોયું અને મને કૈંક દેખાયું ! મારું રુદન અટકી ગયું ! "તારા પાપા અને માં ની શહાદત એળે નહિ જાય શિવા, હું, મેજર આનંદકુમાર શેરગીલ, આજથી તારો મિત્ર/માર્ગદર્શક અને તારો માતા અને પિતા ! બેટા, દુખી નાં થઈશ, હું તને ભણવા અહીંથી બહુ દુર મોકલું છું, ટૂંક સમયમાં હું તને લેવા આવીશ અને પછી હું તને વચન આપું છું કે તારી આંખો સમક્ષ જ હું આ જેણે શરુ કર્યું છે એનો બુરો અંજામ કરીશ ! " હું સ્તબ્ધ થઇને મેજરની રોષભરી આંખોમાં જોઈ જ રહ્યો ! એમણે પણ એમનો પ્રિય મિત્ર અને એની પત્ની ગુમાવી હતી !

બસ, એ દિવસ પછી હું મેજરની સાથે શિમલા જતો રહ્યો. શિમલામાં આવેલી આર્મી સ્કુલમાં મેં કડક મીલીટરી શિસ્ત અને પહેરા હેઠળ મારું ભણવાનું પૂરું કર્યું અને પછી મને એમણે અમેરિકા હાવર્ડમાં આગળ ભણવા મોકલી દીધો ! મારા રસ ના વિષયો બોટની સાયંસ અને વર્લ્ડ હિસ્ટરી હતા ! મારે વનસ્પતિ શાસ્ત્રમાં પારંગત થવું હતું. હું મન લગાવીને ત્યાં ભણવા લાગ્યો ! મેજર વર્ષમાં એક વાર ખાસ મને મળવા આવતા અને મારી પ્રગતિ જોઇને સંતુષ્ટ  થતા ! હું કોઈ દિવસ એમને મારા માતા પિતા વિષે અને એમને શું થયું તુ એ વિષે પૂછતો નહિ પણ એ મને હમેશા કહેતા કે પાછો ફરીને પહેલું કામ એ વિષે અમારે કરવાનું છે અને મને મેજર પર પૂરો વિશ્વાસ હતો !

શિવાનંદે પડખું ફેરવ્યું ! એનું આખું શરીર હવે તૂટી રહ્યું હતું ! એણે એના દાંત ભીંસ્યા અને મન મક્કમ કરીને એ પદ્માસનની મુદ્રામાં બેઠો થયો. એણે આંખો બંધ કરી અને સમાધિમાં બેઠો. જેવી એણે આંખો બંધ કરી કે નોરાનો ચહેરો એની નજર સમક્ષ તરવર્યો ! એના મુખ પર એક સ્મિત આવી ગયું !

નોરા ! ઓહ નોરા ! સુંદર ભૂખરા વાળ, બદામી આંખો, ડાબી આંખ નીચે એક તલ, ખભા સુધી આવતા વાળ,મોટી મોટી આંખો, સુડોળ સપ્રમાણ શરીર, લગભગ પાંચ ફૂટ આઠ ઇંચ ની લંબાઈ અને વિચિત્ર અંગ્રેજી ઉચ્ચારો !!! હા, નોરા રશિયા/મોસ્કોથી એની યુનીવર્સીટીમાં ભણવા આવી હતી. એને પણ બોટની સાયંસ અને વર્લ્ડ હિસ્ટરીમાં રસ હતો અને એ વર્ગમાં મારી બાજુમાં જ બેસતી. શરૂઆતમાં હું એની સાથે બહુ વાતો નહોતો કરતો પણ ધીરે ધીરે ક્લાસ નોટ્સ આપ લે કરવાના બહાને અમારી મુલાકાતો વધતી ચાલી. એ કેમ્પસમાં ગર્લ્સ વીંગમાં રહેતી હતી અને હું બોયઝ વીંગમાં. ઘણીવાર ક્લાસ પછી હું રાત્રે મેસમાં જમવા જતો અને એ પણ મારી સાથે થઇ જતી. એના પાપા રશિયન વાયુસેનામાં કમાન્ડર હતા અને પ્લેન ક્રેશમાં માર્યા ગયા હતા, એની માતા અને મામાએ એને ઉછરી હતી અને અહી ભણવા મોકલી હતી. એ ખુબજ આનંદમાં રહેતી અને હંમેશા ખુશ થઇ જાય એટલે રશિયન લોક ગીતો લલકારતી. મને એમાંનું કઈ સમજણ પડતી નહોતી પણ એ મને રશિયન શીખવતી. હું પણ એને હિન્દી શીખવતો અને એનું અંગ્રેજી પણ પાકું કરવામાં એની મદદ કરતો. અમારી દોસ્તી જામતી ચાલી. મને ખબર પણ નાં પડી કે હું ક્યારે એના પ્રેમમાં પડી ગયો ! મને ચેન ના પડતું એના વગર. વચ્ચે એ બે મહિનાની છુટ્ટી હતી ત્યારે મોસ્કોની બાજુમાં આવેલા એના નાનકડા ગામમાં જવા નીકળી ! હું ઉદાસ બેઠો હતો. બે મહિના નોરા વગર કેમ ચાલશે ! એ મને મળવા આવી ત્યારે પણ એની આંખોમાં તોફાન હતું ! અમે રૂમમાં બેઠા અને એણે એની નાનકડી બેગમાંથી ટીકીટો કાઢીને મને બતાવી અને કહ્યું કે એ મોસ્કો જાય છે અને પછી ત્યાંથી ઘોડા પર બેસીને એના નાનકડા ગામ જશે. એના મામા અને માં ને મળવા અને પછી બે મહિનામાં પાછી આવી જશે. મેં ફિક્કા સ્મિત સાથે એનો ખભો થપથપાવ્યો. મારે તો ક્યાય જવાય એમ નહોતું ! મેજર પણ લગભગ ચાર મહિના પછી આવવાના હતા અને એ પણ નક્કી ના રહેતું ! મને પહેલીવાર મારી એકલતા ખલી ! અચાનક એણે મારું મુખ પકડ્યું અને મને એક દીર્ધ ચુંબન કરી દીધું ! હું અવાક રહી ગયો ! એણે ફરીથી મારી આગળ ટીકીટો લંબાવી અને પછી મને ભાન થયું કે એ બે ટીકીટોનો સેટ હતો ! નોરાએ મને પણ એની સાથે રશિયા લઇ જવાનું નક્કી કર્યું હતું ! હું આનંદના અતિરેકમાં આવી ગયો ! વર્ષો પછી-જ્યારથી મારી માં અને બાપુ ગુજરી ગયા હતા એ પછી પહેલી વાર મને આટલી પ્રેમની તીવ્ર લાગણી અનુભવાઈ હતી ! મારી આંખમાં આંસુ આવી ગયા અને હું નોરાને ભેંટી પડ્યો ! એ સુંદર રાત્રે અમે સંવનન કર્યું અને એક બીજાને આશ્લેષમાં લઈને અમે સુતા જ રહ્યા ! મારા માટે  આ એક નવો અનુભવ હતો અને મારા રોમ રોમમાં પ્રેમના અંકુર  ફૂટી નીકળ્યા હતા ! મને કૈંક ના સમજાય એવી અનુભુત થઇ રહી હતી ! મેં કાગળ લખીને મેજરને હું એક મિત્ર સાથે રશિયા બે મહિના જાવ છું એવું લખી દીધું અને એક વીક પછી હું અને નોરા રશિયા જવા ઉડી ગયા !

સામ્યવાદના ઘેરામાં સપડાયેલું રશિયા મેં પહેલીવાર જોયું ! એક તો ભયંકર ઠંડી, ગાત્રો થીજાવી દે એવી ! અને પાછુ બધુજ ધૂંધળું ધૂંધળું દેખાય ! મોઢું ખોલો તો મોઢામાંથી ઠંડીને કારણે ધુમાડા નીકળે ! હું તો પ્લેનની બહાર આવીને થીજીજ ગયો ! સારું થયું કે નોરાએ અગમચેતી વાપરીને મારા માટે ગરમ કોટ અને ઓવરકોટની વ્યવસ્થા કરેલી ! તો પણ હું થરથર ધ્રુજતો નીચે ઉતર્યો ! મારી આવી હાલત જોઇને નોરા ખડખડાટ હસી પડી અને મને એના આશ્લેષમાં લઈ લીધો ! હાશ ! થોડી રાહત તો થઇ !

પથારીમાં બેઠા બેઠા પદ્માસનની મુદ્રામાં પણ શિવાનંદના હોઠો પર સ્મિત આવી ગયું ! અત્યારે પણ નોરાના ગાઢ આલિંગનને એ અનુભવી રહ્યો હોય એવું એને લાગ્યું.

ખેર ! અમે લોકોએ એરપોર્ટથી ટેક્સી પકડી અને લગભગ બે કલાક પછી અમે મુખ્ય રસ્તા પર આવીને ઉભા રહ્યા. નોરાએ અહીંથી ટેક્સી છોડી દીધી અને એ ત્યાં આવેલા એક ખડક પર બેસી ગઈ ! મેં આશ્ચર્યથી એની સામે જોયું તો એણે એની તોફાની બદામી આંખો ઉલાળીને પાછું એક રશિયન ગીત (એણે જાતે કઢંગી રીતે ઉપજાવેલું) લલકાર્યું ! હવે હું પણ રશિયન ભાષામાં લગભગ પારંગત થઇ ગયો હતો અને મને એનો મતલબ સમજાતો હતો ! એ કૈંક આવો હતો "ઓ પરદેશી બુદ્ધુ ! હું તારી સાથે છું તો પણ આ બીકણ મારો વ્હાલો આ કાતિલ ઠંડીમાં ધ્રુજે છે, હું એની પ્રિયતમા છું અને એ મારો પ્રેમી છે, આવી કાતિલ ઠંડીમાં હું એની સાથે પ્રેમગીત ગાઉં છું !!! " મેં પણ મારી રીતે એક ગીત રશિયનમાં ઉપજાવીને એને જવાબ આપ્યો "ઓ રશિયન સુંદરી, હું તારો છું અને તું મારી છે પણ આવી કાતિલ ઠંડી મારા તારા પ્રત્યેના પ્રેમને પણ ઠંડો પાડી દે છે, મને તારા આશ્લેષમાં લઇ લે અને તારા ગરમ ગરમ ચુંબનોથી નવડાવી દે તો મને કૈંક સારું લાગે ! " નોરા મારા આવા વિચિત્ર રશિયન ગીત પર ખડખડાટ હસી પડી અને દોડીને મને ભેંટી પડી અને મને એણે ચુંબનોથી નવડાવી દીધો !

 

"હેલો એવરીવન" અચાનક એક ઘેરા પહાડી અવાજથી અમે બંને ચોંક્યા ! નોરા મને છોડીને એક લગભગ સાડા છ ફીટ ઊંચા લગભગ ૫૫ વર્ષના તગડા વ્યક્તિ તરફ દોડી અને એને કુદીને ભેંટી પડી ! હું પણ આગળ વધ્યો. નોરાએ મારી ઓળખાણ કરાવી. એ એના મામા હતા. મેં પણ માથું જુકાવીને મારી હેટ ઉંચી કરીને એમના વિશાળ હાથમાં મારો હાથ આપ્યો અને રશીયનમાં એમને નમસ્તે કહ્યું. એમણે આશ્ચર્યથી મારી સામે જોયું "વાહ નવજુવાન ! તું તો સરસ રશિયન બોલે છે ! " મેં હસીને નોરા તરફ આંગળી કરીને કહ્યું કે આણે મને શીખવ્યું છે !

નોરાના મામા એની સાથે ઘોડા લાવ્યા હતા. મેં અમારા હિમાલયના પહાડોમાં ઘણી વાર યાકની સવારી કરેલી અને મારી શિમલાની આર્મી સ્કુલમાં અમને ફરજીયાત ઘોડેસવારી કરાવતા. આ વિશાળ અને સુંદર રશિયન ઘોડો મને ખુબ ગમી ગયો. હું ઠેકડો મારીને એના ઉપર ચડી ગયો. નોરા અને એના મામા મારી સામે પ્રશંસાથી જોઈ જ રહ્યા ! નોરા પણ મારી પાછળ બેસી ગઈ અને અમે લોકો એના મામાની પાછળ પાછળ ઘોડો લઈને ચાલી નીકળ્યા. લગભગ અડધા કલાકના અંતરે એમનું ઘર આવેલું હતું.

ચીડ અને દેવદાર જેવા વૃક્ષોની લાંબી હારમાળા પછી એક ઉંચી ટેકરી પર અમે ઘોડા દોડાવ્યા અને અચાનક મેં જોયું કે ટેકરીની નીચે જતા ધુમસ આછાદ્દિત રસ્તાના એક કિનારે એક મોટું લાકડાનું ઘર આવેલું હતું ! મને મારા હિમાલયના પહાડી રસ્તાઓ અને મેદાનો અને ટેકરીઓ યાદ આવી ગઈ ! ઉપરના ભાગે ત્રિકોણાકાર – ચર્ચ જેવો ઘાટ હતો, એની ચીમનીમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, એ ઘરની બહાર લગભગ બીજા ત્રણચાર ઘોડાઓ બાંધેલા હતા અને એક બાજુ ઘેટાઓ હતા ! મોટા મોટા રૂ ના ગુચ્છા જેવા ઘેટાઓની ટોળી અમને જોઇને માથું હલાવવા લાગી. દરવાજે બે મોટા સફેદ અને કાળા કલરના કુતરાઓ પણ બેઠા હતા. ઘોડાઓના પગરવથી એ લોકો પણ કાન સરવા કરીને ઉભા થઇ ગયા અને પરિચિત અવાજો સંભાળતા એમણે સામે દોટ મૂકી ! ઘર પાસે આવતા નોરા ઘોડા પરથી કુદી પડી અને બંને કુતરાઓ એને વળગી પડ્યા. એ એમને વ્હાલથી ભેંટીને ધૂળમાં આળોટવા લાગી. એના મામા પ્રસન્ન નજરે આ બધું જોઈ જ રહ્યા ! અચાનક ઘરનો જાળી વાળો મુખ્ય દરવાજો ખુલી ગયો અને લગભગ ૫૦ ની આયુની નોરા જેવીજ લાગતી એક સુંદર સ્ત્રી બહાર  આવી. "મોમ" નોરાએ જોરથી ચીસ પાડી અને દોડીને એને વળગી પડી. હું પણ ઘોડાથી નીચે ઉતર્યો અને મેં જુકીને નોરાની મોમનો હાથ પકડીને જમણા હાથમાં ચુંબન કર્યું. જવાબમાં નોરાની મોમે મીઠું હસીને મારું માથું પકડીને મારા કપાળે  ચુંબન કર્યું અને રશીયનમાં મને અંદર આવવા નિમંત્રણ આપ્યું.

સાંજે એમના ઘરની બહાર એમણે બાર્બેક્યુ ની ગોઠવણ કરી હતી. ખુલ્લામાં એક સગડીવાળા ચૂલા પર ગ્રીલ મુકીને માંસ અને અન્ય વાનગીઓ રાંધવાની સગવડ. ઘરની પકવેલી બ્રેડમાં એ મુકીને ખાવાનું અને જોડે જોડે લોકલ રશિયન વોડકા અને વાઈન પીવાનું ! નોરાની માં સ્વાતલાના બહુ વાતોડિયણ હતી, એણે મને ભારત વિષે બહુ  જ પૂછપરછ કરી. મેં શક્ય હોય એટલા જવાબ આપ્યા. મારા માતા પિતાની વાતો સાંભળીને એ બહુ દુખી થઇ ! આતંકવાદીઓએ એમને મારી નાખ્યા હતા એ સાંભળીને એની આંખોમાં આંસુ આવી ગયા.

મોડી રાત્રે જમણ પછી મામા એમના ઓરડામાં સુવા જતા રહ્યા એ પછી સ્વાતલાનાએ એનો ગ્લાસ  ખાલી કર્યો, એ લગભગ આખી વોડકાની બોટલ પૂરી કરી ચુકી હતી અને એની આંખોમાં નશો છવાયેલો હતો. એણે પણ નોરાના પિતા વિષે અમને વાતો કરી અને એમના બહાદુરી ભર્યા કિસ્સાઓ સંભળાવ્યા. પછી એ ઉભી થઇ અને એણે મારો હાથ પકડ્યો. મેં નોરા સામે જોયું અને એણે એની આંખો નમાવીને હકારમાં ડોકું ધુણાવ્યું. સ્વાતલાના મારો હાથ પકડીને મને એના ઘરની પાછળ  આવેલા એક જુના ગેરેજમાં લઇ ગઈ અને મને કહ્યું કે નોરાના પિતાજીની જૂની વસ્તુઓ એમણે ત્યાં  મુકેલી છે અને એમાં મારા માટે કૈંક છે ! મને આશ્ચર્ય થયું. એણે એ એક વિશાળ લાકડાનું બોક્સ ખોલ્યું, એમાં નોરાના પિતાજીનો યુનિફોર્મ હતો, એણે પ્રેમથી એના પર હાથ ફેરવ્યો, એની અને નોરાની આંખોમાં આંસુ હતા ! ત્યારબાદ એણે એક ચામડાનું જૂની જર્જરિત પાકીટ કાઢ્યું અને એમાંથી એક પ્લાસ્ટિકમાં મુકેલી જૂની નોંધપોથી બહાર કાઢી. એના પાના પણ ફાટવા આવ્યા હતા.

નોરાના પિતાજી જ્યારે વાયુદળમાં હતા ત્યારે એક સંયુક્ત ડ્રીલમાં એ ભારત ગયા હતા, લગભગ બે  મહિના માટે અને ત્યારની એમણે એક નોંધપોથી લખેલી હતી. એમાં એમણે ભારતના લોકો વિષે અને ત્યાના ધર્મો વિષે અને ત્યાના મુખ્ય શહેરો વિષે લખ્યું હતું, એમને ભારત ખુબજ ગમી ગયું હતું અને ખાસ તો ત્યાના લોકોની ધર્મ પ્રત્યેની માન્યતાઓ અને સંસ્કૃત ભાષા એમને ગમી હતી અને રીટાયર થયા પછી એ ભારતમાં સ્થાયી થવાનું વિચારતા હતા ! હું રસપૂર્વક સ્વાતલાના ડાયરીમાંથી આ બધું વાંચતી હતી એ સાંભળી રહ્યો. એક કિસ્સો અદભુત હતો ! સ્વાતલાનાએ અમને એના પતિએ લખેલો એ કિસ્સો વાંચી સંભળાવ્યો !

"હું રશિયન વાયુસેનાના અમારા ડેલીગેટ્સમાં સહુથી જુનિયર હતો અને મારા સાથીઓ મને બહુ સાચવતા ! અમે બધા મળીને લગભગ ૧૫ હતા અને અમારે અમારા ફાઈટર પ્લેનને લઈને ભારત જવાનું હતું ! ભારત વિષે મને બહુ ખબર નહોતી પણ ભારતની વિશાળ જનસંખ્યા, ત્યાની ફિલ્મો, ત્યાના ધર્મો વિષે મેં થોડું ઘણું સાંભળેલું. ખેર ! ત્યાં પહોંચ્યા પછી અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતીયો બહુજ વિશાળ હૃદયના અને ગમી જાય એવા હતા. મોટેભાગે અમારો સમય આર્મીના વાયુસેનાના કેમ્પમાં જ પસાર થતો અને અમે ભારતીય વાયુસેનાની સાથે સંયુક્ત ડ્રીલ કરતા ! એ લોકો અમારા ફાઈટર જેટ મોટે ભાગે વાપરતા અને મને એમના કેટલાક જવાનો સાથે સંયુક્ત ઉડ્ડયન કરવામાં બહુ મજા આવતી ! એમના ઘણા જવાનો પણ સારું એવું રશિયન બોલતા. એમાંનો એક તરવરીયો જવાન ચરણસિંગ મારો ખાસ મિત્ર બની ગયેલો. હું એના રૂમમાં ઘણો સમય પસાર કરતો. એ ભારતના મહાન દેવોના દેવ એવા શિવજીનો ભક્ત હતો અને એણે શિવાજીના અસંખ્ય ફોટાઓ એના રૂમમાં મૂકી રાખેલા. એ મને શિવજીને લગતી બધીજ પૌરાણિક વાર્તાઓ કહેતો અને મને બહુ મજા આવતી. એ દ્રઢ પણે માનતો કે શિવજી હજી પણ કૈલાશ પર્વત પર રહે છે અને લોકોને ક્યારેક ક્યારેક એમના દર્શન થાય છે ! મને બહુ જ અચરજ થતું !

આખરે અમને એક દિવસ હિમાલયમાં આવેલા કૈલાશ પર્વત ની નજીક ઉડવાની પરવાનગી મળી ગઈ ! એ એનું એક સ્વપન હતું અને એ એના માટે બહુ જ ઉત્તેજિત હતો. અમારે ભારતીય આર્મીનું એક રશિયન બનાવટનું જેટ લઈને એ બાજુ જવાનું હતું અને કોકપીટમાંથી જ એ મહાન પર્વત કૈલાશના દર્શન કરવાના હતા !

એક વહેલી સવારે ચરણસિંગ અને હું જેટમાં સવાર થયા ! એનો તો આનંદ નહોતો માતો. એ મનમાં ને મનમાં પ્રાથના પણ કરતો હતો કે કદાચ એને શિવજી ના દર્શન થઇ જાય ! ખેર ! હું આ બધું જોઇને મન માં ને મન માં હસતો હતો પણ હું એની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા નહોતો માંગતો.

ખેર ! આખરે અમે એ મહાન પર્વતની નજીક પહોંચી ગયા ! કોકપીટમાંથી હું એ અદભુત પર્વતને જોઈજ રહ્યો ! ચરણસિંગની આંખોમાં તો આંસુ આવી ગયા હતા ! અમે આ બધું કરી રહ્યા હતા કે અચાનક અમારું જેટ એક ઝટકો ખાઈને જમણી બાજુ નમી ગયું ! હવે એનું નીચેની તરફ ઝડપથી પતન થઇ રહ્યું હતું ! મેં બુમ પાડીને ચરણસિંગને સાવધાન કર્યો અને અમે કંટ્રોલ્સ હાથમાં લીધા અને બહુ પ્રયત્ન કર્યો પણ જેટ ઝડપથી નીચે જઈ રહ્યું હતું ! ચરણસિંગે મને ઈશારો કર્યો અને અમે લોકોએ અમારી સીટ પાસેનું એક બટન દબાવ્યું અને બીજી જ ક્ષણે અમે લોકો બહાર ફંગોળાઈ ગયા. એ ઈમરજન્સી બટન હતું કે જે અમને સીટ સાથે બહાર ફેંકી દેતું હતું. પ્લેન કાબુમાં ના રહે એવી સ્થિતિમાં જ અમારે એનો ઉપયોગ કરવાનો હતો. થોડીવારમાં એમાં લાગેલું પેરેશુટ ખુલી ગયું અને અમે ધીમે ધીમે નીચેની તરફ ધસતા ગયા. એ મહાન પર્વતની ડાબી બાજુએ આવેલા બરફના ઢગલામાં મારું લેન્ડીંગ થયું. થોડીવારમાં આઘાતમાંથી બહાર આવીને હું ચરણસિંગને શોધવા દોડ્યો. મારાથી થોડે દુર એ બરફમાં ચત્તો પાટ પડ્યો હતો. મેં નજીક જઈને જોયું તો મને આઘાત લાગ્યો ! એનું ડોકું એક તરફ વળી ગયું હતું અને કરોડરજ્જુ ભાંગી જવાથી એનું મૃત્યુ થઇ ગયું હતું ! મારી આંખોમાં આંસુ આવી ગયા ! એક ક્ષણ મને શું કરવું એની સમજણ જ ના પડી ! થોડા સ્વસ્થ થઈને મેં એના શરીરને નજીક આવેલા એક ખડકના ટેકે ગોઠવ્યું અને હવે મેં આજુબાજુ નજર કરી ! દુર સુદૂર બરફ જ બરફ હતો. મારી પણ કબર અહી થઇ જાય એવું હતું ! મેં હિંમત હાર્યા વગર આગળ ડગલાં માંડ્યા અને લગભગ જેવો હું એ વિશાળ પર્વતની નજીક પહોંચ્યો હઈશ કે મારા કાનોમાં ઓમ કે ઉમ્મ એવું કૈંક સંભળાવા લાગ્યું ! એ ધ્વની મારા કર્ણપટલને ઉત્તેજિત કરી રહ્યો હતો અને હું જાણે કે સંમોહન માં આવી ગયો હોવ એમ એ ધ્વની તરફ ચાલી નીકળ્યો.

એક વિશાળ ગુફાની અંદરથી એ ધ્વની આવી રહ્યો હતો ! હવે એનો અવાજ મોટો થઇ ગયો હતો. હું કુતુહલથી એ ગુફામાં પ્રવેશ્યો. એના દ્વાર પર વિચિત્ર પ્રકારના રંગો વાળા મોટા  મોટા જંગલી ફૂલો ખીલેલા હતા ! લગભગ દસ મિનીટ જેવું હું એ ગુફામાં ચાલ્યો હઈશ કે અચાનક હું એક વિશાળ જગ્યાએ આવીને ઉભો રહી ગયો. એ ધ્વની હવે ખુબજ મોટા અવાજે આવી રહ્યો હતો. મેં જોયું કે એ જગ્યામાં એક પાણીનો મોટો કુંડ હતો અને એમાં મેં ઝીન્દગીમાં પણ ના જોયા હોય એવા સફેદ ધવલ શ્વેત હંસો તરતા હતા. ત્યાંથી એક કેડી જતી હતી અને ત્યાં એકદમ સામે એક વિશાળ તેજોમય કુંડાળું પ્રગટ્યું હતું અને એની નીચે એક આકૃતિ બેઠી હતી ! એ અવાજ એ ધ્વની - એ આકૃતિમાંથી આવી રહ્યો હતો. હું આશ્ચર્યથી આગળ વધ્યો અને મેં જોયું કે એ આકૃતિ પલોઠી વાળીને બેઠી હતી, એના માથા પર વિશાળ જટાઓ હતો અને ગાળામાં વિચિત્ર પ્રકારના મણકાઓની માળાઓ અને એ આકૃતિના આખા શરીર પર કૈંક ચોપડેલું હતું, સફેદ ચુના જેવું ! એની વિશાળ આંખો બંધ હતી અને એની નાભિમાંથી એ સંમોહિત કરી નાખે એવો અવાજ  આવી રહ્યોં હતો ! મેં કુતુહલથી આગળ વધીને એ આકૃતિને સ્પર્શ કર્યો અને અચાનક વાદળોની ગડગડાટી જેવો અવાજ આવ્યો અને એ આકૃતિએ એની લાલ લાલ આંખો ખોલી અને પછી એ તેજોમય કુંડાળું ગાયબ થઇ ગયું અને એ આકૃતિ એક મોટા ધડાકા સાથે ગાયબ થઇને રાખમાં પરિવર્તિત થઇ ગઈ ! મારા આશ્ચર્યનો પાર ના રહ્યો ! ખબર નહિ કેમ પણ મેં જુકીને એ રાખને મુઠ્ઠીમાં લઇ લીધી અને મારા પહેરણમાં રહેલ એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દીધી, અચાનક મેં જોયું કે ત્યાં એક મણકો પડેલો હતો, પછી મને ખબર પડી કે એને ભારતીયો રુદ્રાક્ષ કહેતા હતા, મેં એ પણ લઇ લીધો અને હું ત્યાં થોડીવાર આઘાત અને ભયથી ઉભો રહ્યો અને પછી જેમ આવ્યો હતો એમ પાછો ફરી ગયો ! મારું આખું માથું ભમતું હતું અને મને ખબર નહોતી પડતી કે મારી સાથે શું થઇ રહ્યું હતું !

લગભગ બે કલાક પછી અમારું જેટ પાછું ના ફરતા ભારતીય વાયુસેના ના અન્ય જેટ અમારી ભાળ કાઢવા ત્યાં ઉડવા લાગ્યા અને અમારા પેરાશુટના કલર પરથી એમણે અમારું સ્થાન પકડી લીધું અને પછી અમને ત્યાંથી લઇ જવા એક હેલીકોપ્ટર મોકલવામાં આવ્યું. મારા પરમ મિત્રના અવસાનથી હું દુખી તો હતો જ ! મેં કોઈને મને થયેલા અનુભવની વાત ના કહી અને હું પછી મારા ઘેર – રશિયા પાછો ફરી ગયો. મારી સાથે યાદગીરીમાં રહી ગઈ એક પ્લાસ્ટિકમાં મૂકી રાખેલી રાખ અને એ રુદ્રાક્ષનો મણકો !

ઘણા વર્ષો પછી હું પાછો હિંમત ભેગી કરીને ભારત ગયો અને ત્યાં હિમાલયમાં રહેલા એક પ્રાચીન શિવ મંદિરના એક પુજારીને મેં મારી આખી વાત કહી અને એ રુદ્રાક્ષ દેખાડ્યો અને એ ચોકી ગયા અને એમણે મને માથા પર હાથ મુકીને શિવજી ની સ્તુતિ ગાઈ સંભળાવી, મને એ ખુબજ ગમી ગઈ અને મેં એમની પાસે થોડા સમય રોકાઈને એ સ્તુતિ શીખી લીધી. એણે મને કહ્યું કે શિવજીનું એ અતિ પવિત્ર સ્થાન છે અને ત્યાં જવું નિષેધ છે ! મૃત્યુ નક્કી છે ! હું ચોંકી ગયો પણ મેં કઈ કીધું નહિ !

પાછા આવ્યા પછી પણ મેં મારી પત્નીને એ સ્તુતિ શીખવી અને આખો વૃતાંત  કહી સંભળાવ્યો. અમે લોકો પછી તો નિયમિત રીતે એ પુજારીના કહ્યા મુજબ એક ચોક્કસ  દિવસે – ભારતીયો જેને શિવરાત્રી કહે છે એ દિવસે એ રુદ્રાક્ષ અને રાખને બહાર કાઢીને એ સ્તુતિ ગાતા થઇ ગયા, અમને એમાં ખુબજ શાંતિ નો અનુભવ થતો હતો. " સ્વાત્લાનાએ ડાયરી બંધ કરી અને એક પાઉચમાં રહેલી રાખ મને બતાવી. પછી તો એક ડ્રીલમાં એના પતિનું પ્લેન ક્રેશ થઇ ગયું અને એમનું મૃત્યુ થઇ ગયું પણ સ્વાત્લાનાએ એ રાખ અને રુદ્રાક્ષ સાચવીને રાખ્યા હતા અને એ નિયમિત એની પૂજા પણ કરતી હતી.

અચાનક સ્વાતલાનાએ એક બીજું પાઉચ કાઢ્યું અને એમાંથી એક મોટો ફોટો બહાર કાઢ્યો અને એને માથે અડાડ્યો ! હવે એણે એ ફોટો મારી તરફ કર્યો અને મારું હૃદય એક ધબકારો ચુકી ગયું ! એ શિવજીનો ફોટો હતો ! એક પગે નૃત્યની મુદ્રામાં ઉભેલા નટરાજ !!! મારા આશ્ચર્ય નો પાર ના રહ્યો ! એણે એક બીજો ફોટો પણ કાઢ્યો અને મને બતાવ્યો, એ પણ શિવજીનો હતો, એક ઉત્તુંગ પર્વત પર નૃત્ય કરતા શિવજી ! મેં ધ્રુજતા હાથે એ ફોટો મારા હાથ માં લીધો અને હજીતો હું આશ્ચર્યમાંથી બહાર આવું એ પહેલા મારા કાને ધીમા પણ શુદ્ધ ઉચ્ચારોમાં શિવ સ્તુતિ સંભળાઈ !

નોરાની માતા, સ્વાતલાના એકદમ શુદ્ધ ઉચ્ચારોમાં શિવ સ્તુતિ ગાઈ રહી હતી ! ઠંડો પવન જોરજોરથી વાઈ રહ્યો હતો અને હું, શિવાનંદ, એક ભારતીય, અમેરિકન યુનીવર્સીટીનો અભ્યાસુ, મારી મિત્ર જોડે રશિયામાં મોસ્કોની નજીક આવેલા એક ગામમાં બેસીને એક રશિયનના મુખે શિવસ્તુતિ સાંભળી રહ્યો હતો ! મારી આંખો આપોઆપ બંધ થઇ ગઈ અને હું પણ એ પવિત્ર ઉચ્ચારોમાં વહી ગયો !!!

ખંડ -૨ ભાગ -૧ સમાપ્ત.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ