વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

શિવ તાંડવ સ્ત્રોતની ધૂન સાથે ઓમીનો મોબાઈલ ગુંજી ઉઠ્યો. ડિરેક્ટર સુરજ પ્રકાશ વર્ધનનો ફોન હતો. ઓમીએ બીજી જ રીંગે ફોન ઉપાડી લીધો. સામેથી એક ઘૂંટાયેલો પુરુષ સ્વર સંભળાયો.

“હેય ઓમી, હાઉ આર યુ મેન? આઈ હેવ ફાઈનલાઇઝ્ડ યોર સ્ટોરી.”

આ સાંભળી ઓમી ખુશીથી ઝૂમી ઉઠ્યો. 

“થેન્ક યુ સર. હું તમારા જ ફોનની રાહ જોતો હતો.”

“જો ઓમી તે જે પ્લોટ મને મોકલ્યો, એ ખરેખર દમદાર છે. હવે શક્ય એટલી જલ્દી આખી સ્ટોરી તું મને લખીને મોકલી આપ. હું તને દોઢ મહિનાનો સમય આપું છું. તારી સ્ટોરી મે થોડા પ્રોડ્યુસર્સને પણ મોકલી છે. એક પ્રોડ્યુસરે હા પાડી દીધી છે. બીજા પણ તૈયાર થઈ જાય તો આપણને વધારે ફાયદો થશે. હવે ઝડપથી કાસ્ટિંગ પણ ચાલુ થઈ જશે. હીરોના મુખ્ય પાત્ર માટે તો સિલેકશન થઈ ગયું છે. હવે તું આખી સ્ટોરી મોકલે ત્યાં સુધીમાં બીજી પ્રોસેસ પણ પૂરી થઈ જશે. લગભગ સિત્તેર કરોડના બજેટનો અંદાજ છે આપણો. બાકી તો પ્રોડ્યુસર્સ મહેરબાન.”

ડિરેક્ટર સુરજ પ્રકાશ હજી પણ આગળ બોલતા રહેતે પણ ઓમીએ એમને વચ્ચે જ અટકાવ્યા. “એક મિનિટ સર. તમે કહ્યું કે મુખ્ય પાત્ર માટે હિરોનું સિલેકશન થઈ ગયું છે, તો કોણ ભજવે છે એ પાત્ર?”

એક સેકન્ડ માટે સામેનો છેડો ખામોશ થઈ ગયો. પછી જરા અથરા અવાજે સુરજ પ્રકાશે કહ્યું, “હવે તને શું ફર્ક પડે છે ઓમી? તારે ફક્ત સ્ક્રીપ્ટ તૈયાર કરીને આપી દેવાની. બીજું બધુ કરવા માટે હું બેઠો છું ને.”

ઓમી કડવાશથી બોલ્યો, “સર, એટ્લે ન્યૂઝમાં આવતી વાતો સાચી છે ને? તમે પેલા ખૂંટને હીરો તરીકે લીધો છે ને?”

સુરજ પ્રકાશે સમજાવટના સૂરમાં કહ્યું, “જો ઓમી, તારી ધારણા સાચી છે. મે હીરો તરીકે રાજદીપ સિંઘને ફાઇનલ કર્યો છે. સાચું કહું તો એણે જ સામેથી આ રોલ માંગ્યો છે. મે એને ના પણ પાડી, પણ આ સિરીઝને પ્રોડ્યુસ કરવા પણ એ તૈયાર છે. તું તો જાણે છે કે કોરોનાને કારણે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ખોટમાં ચાલે છે. બીજા પ્રોડ્યુસર્સ પણ તૈયાર તો થયા પણ એમનું બજેટ એટલું વધારે નથી, જેટલું આપણને જોઈએ છે. મને ખબર છે કે તારા અને રાજદીપ વચ્ચે સંબંધો ખરાબ થઈ ગયા છે, પણ ઓમી તું જરા સમજ. તું મારો મિત્ર છે એટ્લે તને કહું છું, ભૂતકાળ ભૂલી જા અને આજ પર ફોકસ કર. જો આપણી સીરિઝ હિટ ગઈ તો આપણાં બંનેની કેરિયર તરી જશે. નહિતો હમણાં આપણી પરિસ્થિતિ શું છે એ તને ખબર જ છે. રાજદીપ જેવા મોટા માથા સાથે વધારે મગજમારી નહીં થાય, નહિતો આપણાં જેવા ઈન્ડસ્ટ્રીના નવા નિશાળિયાને દૂધમાં પડેલી માખીની જેમ ફેંકી દેતા રાજદીપને વાર નહીં લાગશે. એટ્લે તને હાથ જોડી વિનંતી કરું છું મારા ભાઈ, હવે ભૂતકાળ ભૂલીને આગળ વધી જા.”

નિરાશાથી સુરજ પ્રકાશની વાતો સાંભળી રહેલા ઓમીએ હળવો હોંકારો કર્યો અને ફોન કટ કરી દીધો. એ ત્રણ વર્ષ પહેલાના ભૂતકાળમાં ખોવાઈ ગયો. 

ઓમીની પહેલી જ બે વેબસિરીઝ સુપરહિટ થઈ હતી. જેને કારણે એની સ્ક્રીપ્ટની ડિમાન્ડ એક્દમ વધી ગઈ હતી. એ જ વર્ષે ફિલ્મી એવોર્ડ ફંક્શનમાં શ્રેષ્ઠ ન્યુ રાઈટર અને શ્રેષ્ઠ વેબસિરીઝના બંને એવોર્ડ્સ ઓમીના ફાળે ગયા હતા. એ એવોર્ડ આપવા માટે પિસ્તાળીસ વર્ષીય અભિનેતા રાજદીપ સિંહા, જે છેલ્લા વીસ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરતો હતો, એના હાથે એનાયત કરવામાં આવ્યા. જ્યારે એવોર્ડ માટે બંનેના નામ એનાઉન્સ થયા ત્યારે બંને અલગ અલગ દાદર ચડી સ્ટેજ પર પહોંચ્યા. 

આયોજક પાસે એવોર્ડ લઈ રાજદીપે ઓમીને આપવાનો હતો, જેમ સામાન્યરીતે એવોર્ડ ફંકશન્સમાં થાય છે, એમાં એવોર્ડ સ્વીકારનાર માટે બે વખાણભર્યા શબ્દો બોલવામાં આવે છે. પણ રાજદીપે આયોજકના હાથમાંથી માઈક લઈ થોડી વિચિત્ર સ્પીચ આપી.

“આજકાલ જાતજાતના એવોર્ડ આપવાની જાણે ફેશન થઈ ગઈ છે. કોઈ સારું નાચે તો બેસ્ટ ડાન્સર એવોર્ડ, કોઈ સારું ગાય તો બેસ્ટ સિંગર એવોર્ડ, કોઈ મારામારી કરે તો બેસ્ટ એક્શન એવોર્ડ. આ જુઓને મારા હાથમાં પણ એક એવોર્ડ છે, કોઈ ઓમી જયદેવના નામનો. પણ કોઈ એ વાત કેમ નોટિસ નથી કરતું કે મારા જેવા ઓલરાઉન્ડર એક્ટર આ બધા જ રોલ કેટલી આસાનીથી ભજવી જાય છે. એક ઉદાહરણ આપું, તો આ ઓમી જયદેવનું જ જુઓ. મે આજે પહેલીવાર એમનું નામ સાંભળ્યુ. એમની વાર્તા ભlલે ગમે એવી સારી હોય પણ મારા જેવા કાબેલ એક્ટર જ્યાં સુધી એને પડદા પર નહીં ભજવે, ત્યાં સુધી કોઈને ખબર પણ નહીં પડે કે વાર્તા કેવી છે. આવા કેટલાય લેખકો આવીને જતાં રહે છે, પણ ભાગ્યેજ કોઈ એમને જાણતું હોય છે. પણ જવા દો હવે. આ લ્યો ઓમી જયદેવજી તમારી ટ્રોફી. મારો સ્પર્શ પામીને એ પણ ધન્ય થઈ ગઈ.” અને એક કટાક્ષયુક્ત હાસ્ય વેરી રાજદીપ સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગ્યો. 

 

રાજદીપ સિંહાની વાત સાંભળી ઓમી પગથી માથા સુધી સળગી ઉઠ્યો. એણે સાંભળ્યુ તો હતું કે મોટા સ્ટાર્સ થોડા ઉધ્ધત હોય છે. પણ જ્યાં લાઈવ કવરેજ ચાલી રહ્યું હોય, આખી દુનિયા તમને નિહાળી રહી હોય, જ્યાં જીવનની સૌથી મહત્વની ક્ષણ હોય, ત્યારે આવું અપમાન કોઈ કાળે સહન નહીં થઈ શકે. ઓમીએ પણ એ જ ક્ષણે પોતાના અપમાનનો જવાબ વાળ્યો.

 

“એક મિનિટ રાજદીપ સર, તમે હમણાં જે વાતો કહી એની સાથે હું સંપૂર્ણ અસહમત છું. તમે કલાકારો ફક્ત લખેલી સ્ક્રીપ્ટને ભજવી જાણો છો. એમાં તમારું પોતાનું યોગદાન ફક્ત એટલું જ હોય છે કે જાણે એક કઠપૂતળી એના માલિકના ઇશારે નાચતી હોય. જો સ્ક્રીપ્ટમાં દમ નહીં હોય તો તમારી એકટિંગની કોઈ કદર નહીં થાય. જેની જે ક્ષમતા હોય એ પોતાની રીતે નિભાવતા હોય. બીજાની ક્ષમતા પર આંગળી ઉઠાવવાનો તમને કોઈ હક નથી.” 

 

ઓમી તો આટલું કહી ઝડપથી સ્ટેજના પગથિયાં ઉતારી ગયો, પણ રાજદીપ સિંહાની હાલત જાણે એવી થઈ ગઈ કે કોઈએ એને ચીરીને એના ઘાવમાં મીઠું ભરી દીધું હોય. પરિસ્થિતી વધુ વણસેએ પહેલા આયોજકોએ ઝડપથી એક નૃત્ય ચાલુ કરાવી દીધું. પરંતુ ઓમી અને રાજદીપ પોતાના થયેલા આવા અપમાનને કારણે બીજી જ મિનિટે ફંકશન છોડી જતાં રહ્યા. સૌથી વધારે ગુસ્સો રાજદીપ સિંહાને હતો. એના પિતા યશરાજ સિંહા એમના જમાનાના સુપરસ્ટારહતા, જેને કારણે ખાસ કોઈપણ સ્ટ્ર્ગલ વિના રાજદીપ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જામી ગયો હતો. મોટાભાગે સામાજિક અને પ્રેમકહાની કરવાને કારણે એની ફિલ્મો સામાન્ય પબ્લિકમાં ઘણી હિટ જતી હતી. 

 

ઓમી જયદેવ છેલ્લા ચાર વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. પોતાની જાત મહેનતે આગળ આવીને એણે બે બ્લોકબસ્ટર સીરિઝ આપી હતી. પરંતુ એનું નામ એટલું પોપ્યુલર નહોતું થયું, કે એ રાજદીપ જેવા મોટા માથા સામે ટક્કર લઈ શકે. પરંતુ અકસ્માતે થઈ ગયેલા અણબનાવને કારણે બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા હતા. ઓમીની નેક્સ્ટ સિરીઝમાં એન્ટર થઈને રાજદીપે ઓમીને જાણે સમજાવી દીધું હતું કે મારા અપમાનનો બદલો તો હું લઇશ જ. ઓમીને જરાપણ મંજૂર નહોતું કે એના લખેલા પાત્રમાં રાજદીપ સિંહા આવે. પરંતુ એની મજબૂરી હતી કે જ્યારે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં મંદી ચાલતી હોય ત્યારે જ્યાંથી પૈસાનો સ્ત્રોત ઊભો થાય એ બાજુ જવું. જો રાજદીપ સિંહા પ્રોડ્યુસર નહીં હોતે, તો ઓમી કદી એની સાથે કામ નહીં કરતે. 

ઓમીએ પોતે લખેલી નેક્સ્ટ સીરિઝના પ્લોટ પર નજર નાખી. એની વાર્તાનો હીરો એક્દમ જેંટલમેન હતો. હવે રાજદીપની એન્ટ્રી થયા પછી ઓમીએ એના પાત્રને ગ્રે શેડ આપવાનું નક્કી કર્યું. જેથી પોતાના મનની ભડાશ કાઢી શકે. એણે નવેસરથી પોતાના પાત્રની કલ્પના કરવા માંડી.

બિઝનેસ ટાયકુન રાજીવ કિર્લોષ્કર , જે પોતાના જીવનમાં ઘણો સફળ વ્યક્તિ છે. મોબાઈલ નેટવર્કીંગ અને પેટ્રોલિયમ રિફાઈનરી એના મુખ્ય બિઝનેસ છે. વર્ષોથી જમાવેલા કરોડોના કારોબારને કારણે એની સામાજિક પ્રતિષ્ઠા પણ ખૂબ ઊંચી છે. એના અંગત જીવનમાં પણ એ ઘણો ખુશ છે. જેને પ્રેમ કર્યો, એની સાથે જ લગ્ન કર્યા. અનેક અનાથાશ્રમ અને મહિલા આશ્રમના ટ્રસ્ટી તરીકે એનું ખૂબ માન છે. 

અચાનક જ એને પોતાના વૈભવી જીવનમાંથી રસ ઊડી જાય છે. પોતાના સ્વની ખોજમાં એ એક જંગલી બર્ફીલા પ્રદેશમાં પહોંચી જાય છે. ત્યાં એનો સામનો થાય છે.... 

એકાએક ઓમી આગળ લખતા અટકી ગયો. એના મને એને ટપાર્યો, ‘ઓમી, તું આ શું લખવા લાગ્યો? ભૂલી ગયો કે રાજીવ કિરલોસકરનું પાત્ર તારો કટ્ટર દુશ્મન રાજદીપ સિંહા ભજવવાનો છે? તારે એને હીરો બનાવવો છે?’

‘પણ વિલન બનાવીશ, તો રાજદીપ સ્ક્રીપ્ટ માટે હા નહીં પાડશે. કોઈ બીજા પાસે સ્ક્રીપ્ટ લખાવશે. કઈંક તો વિચારવું જ પડશે, જેનાથી મારી સ્ક્રીપ્ટ પણ સચવાઈ જાય અને રાજદીપની ઈમેજ પણ બગડી જાય.’ 

થોડીવાર વિચાર્યા પછી એના મનમાં એક ઝબકારો થયો. એણે સ્ક્રીપ્ટમાં વચ્ચે થોડું ઉમેરી દીધું.

જેને પ્રેમ કર્યો, એની સાથે જ લગ્ન કર્યા. પણ એના જીવનમાં ફક્ત એક જ આડખીલી હતી, નિહારિકા. રાજીવની પત્ની સૌમ્યાની દીકરી નિહારિકા. રાજીવ સાથે સૌમ્યાના બીજા લગ્ન હતા. પહેલા લગ્નથી એને એક દીકરી હતી. રાજીવ કોલેજ સમયથી સૌમ્યાને ચાહતો હતો, પણ અમુક કારણોસર એમના લગ્ન નહીં થઈ શક્યા. લગ્નના થોડા જ સમયમાં વિધવા બનેલી સૌમ્યાને રાજીવે સહારો આપ્યો. એની નાનકડી દીકરી નિહારિકાને પણ પોતાનું નામ આપ્યું. પણ આ નિહારિકાને જોઈને હંમેશા રાજીવના પેટમાં તેલ રેડાતું. એને હંમેશા લાગતું કે સૌમ્યા પોતાના કરતાં નિહારિકાને વધારે મહત્વ આપે છે. આ ઉપરાંત લગ્ન સમયે સૌમ્યાએ એક શરત એ પણ રાખી હતી કે તેઓ નિહારિકા સિવાય બીજું બાળક નહીં થવા દે. કમને રાજીવે સૌમ્યાની શરત મંજૂર રાખી હતી. સહુના દેખતા એ નિહારિકા પર બહુ પ્રેમ વરસાવતો. પણ એકાંતમાં એ હમેશા નાનકડી નિહારિકાને હડધૂત કરતો. પહેલા નાદાન નિહારિકા રાજીવનું આવું વર્તન નહોતી સમજી શક્તી, પણ જેમ જેમ એ મોટી થતી ગઈ, એમ સમજતી ગઈ કે પોતે પોતાના સાવકા પિતાની નજરોમાં ખૂંચે છે. ધીરેધીરે નિહારિકાએ પણ રાજીવની જેમ ડબલ વર્તન કરવાનું ચાલુ કરી દીધું. સહુની સામે એ રાજીવના ગળે વળગતી, એના પર પોતાનો હક જતાવતી. પણ અંદરખાને એ થોડી ડરેલી રહેતી. એને ખબર હતી કે રાજીવે પોતાની માતાને કપરા સમયમાં સાચવી હતી. એટ્લે એ દરેક વસ્તુ રાજીવની મરજી પ્રમાણે જ કરતી.

આટલું લખી ઓમી અટકી ગયો અને પોતાના લખાણ પર એક નજર ફેરવી. ‘યસ, હવે બરાબર છે. રાજદીપ તારું પાત્ર ધીરેધીરે ગ્રે શેડ પકડતું જશે. મને હુકમનું પત્તું મળી ગયું, નિહારિકા. બિચારી નિહારિકા માટે લોકોને ધીરેધીરે સહાનુભૂતિ વધતી જશે, અને તું સહુના મનમાંથી ઊતરતો જશે.’

***

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ