વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

1. કાવ્યનો પ્રસવ

આમ ઓચિંતુ, સાવ અચાનક, ભીતર કૈંક સળવળ્યું,

 

મન થયું બેચેન ને આકુળવ્યાકુળ,

નિરાકાર કંઈક પ્રસવ્યું

 

ઘણી વાર આવું થાય!

રસ્તે ચાલતાં, બાગમાં ટહેલતાં, ન્હાતાં-ધોતાં!

અધરાત-મધરાતે, સમી સાંજ કે વહેલી સવારે,

ક્યારેક ભર બપોરે,

લાગે મનમાં કંઈ ગગડ્યું!

 

તરત જ મારું મન પ્રસવે.

લાગે કંઈક અદ્રશ્ય, અસ્પર્શ્ય, અદ્ભૂત જન્મ્યું!

 

હું ઊઠું સફાળી,

તમામ કામ મેલી.

જે નવ કલ્પના જન્મેલી

તેને કરવા સાકાર હૃદય થાય રઘવાયું!

એને અક્ષરદેહે આવકારવા મારું મન અકળાયું.

 

 

આડું અવળું સરતું, તરતું, ઊડતું, એ વારંવાર                                        

મારી સાથે સંતાકૂકડી રમ્યું!

 

એને પકડી શબ્દો માં ગૂંથી મઠારું ન મઠારું ત્યાં

ના, ના, કરતાં નાના બાળની

પેઠે આમતેમ ભાગ્યું!

 

વહાલથી પુચકારી ફરી પરોવું. એ નીત નવિન લાગ્યું.

એણે છંદ કે અલંકારનું ના બંધન કોઈ માંગ્યું.

 

મમતામયી માના મધુર કંઠે હાલરડાંરૂપે,

 

તો ક્યારેક કિલકિલાટ કરતાં

ભૂલકાં સાથે નાચતાં-કૂદતાં જોડકણાંરૂપે નાચ્યું!

 

સાવ નગ્ન, નિર્વસ્ત્ર જન્મેલા વિચારરૂપને ઊર્મિઓના

લિબાશમાં સજાવતાં જ એવું મખમલી બન્યું,

 

કે પ્રિયતમાને નિરખતાં જ પ્રેમીના અધરોથી પ્રણય ગીત બની સર્યું

 

ને માનુની ના મનમાં લજ્જાથી મલકાયું.

વિરહ કાળે વિરહ ગીત બની આંખેથી છલકાયું.

કેટકેટલાં રૂપ આપ્યાં મારા એ કવન ને.

 

 

જંગે ચડતાં રણબંકા ને શૂર ચડાવ્યું,

 

તો શહીદોના કફને શ્રદ્ધાંજલિસુમન થઈ પથરાયું!

મેઘ-મલ્હારના શણગાર સજી આભને છલકાવ્યું

તો દીપક રાગના આભરણે પ્રકાશ કીરણ પ્રગટાવ્યું.

 

મારા શબ્દાવતારે કાવ્ય નૃત્ય બની થિરક્યું,

મંદિરે ઘંટારવ સાથે આરતી ને ભજન રૂપે રણક્યું.

 

જામેલા ડાયરા માં એ દુહારૂપે ગરજયું,

કોડીલી કન્યા ના મંડપે લગ્ન ગીતે ગૂંજયું.

 

મુક્તક, રાસ-ગરબા,ગીત, ગઝલ શાયરી, હાઈકુ

મમ હસ્તે એવું ફોરે જાણે

આમ્રમંજરી થઈ મહેક્યું!

 

બસ, આમ જ અનેક કસોટી એ ચડી નૂતન

સર્જન સર્જાયું!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ