વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરમસુખ

આ આરતીનો ઘંટારવ, દૂર પર્વતોના શિખર પરનો સૂર્યાસ્ત, કંદરાઓના ગાઢ અંધકારના બીજા છેડેથી આવતો નિતાન્ત પ્રકાશ,અલખ નિરંજનનો નાદ..આ બધું એક પરમ અનુભૂતિ કરાવતા કહેતું હતું કે,'આવ..અહીં,અહીં જ ઈશ્વરની પ્રાપ્તિ થશે,અહીં જ પરમસુખને પામીશ.'

આજે તો ગમે તેમ કરીને નીકળી જ જઈશ. દર વખતે કોઈ જવાબદારી રોકી લેતી.ક્યાં સુધી ઈર્ષા, વેરઝેરથી ભરેલા સંસારમાં રહેવું! ઘર છોડીને પરમતત્વની અનુભૂતિ માટે સાધનાનો માર્ગ અપનાવવાની વરસોની ઈચ્છા આજે પાછી ફેણ ફુત્કારીને ઉભી હતી. રોજ કમાવાની ઝંઝટ,પત્ની,બીમાર મા,નાના ભાઈ બહેનોને ભણાવવાની માથાકૂટ,આવી પરિસ્થિતિમાં ઈશ્વરની આરાધના તો ક્યાં શક્ય જ હતી!

થેલામાં બે જોડી કપડાં ભર્યા,પાછો આવવાનો નથી એ ખબર હોવા છતાં 'હમણાં આવું છું' કહી નીકળ્યો. ઉંબરો વટાવ્યો ત્યાં માની બૂમ સંભળાઈ.પત્નીને વેણ ઉપડી.ઉફ્ફ !પાછું અટકી જવાયું.

હોસ્પિટલની લોબીમાં ઉચાટમાં ચાલતા પગની સાથે મગજમાં વિચારોનું તોફાન મચ્યું, 'પત્નીનો છુટકારો થાય,એટલે નીકળી જ જવું છે. બાળકને જોવા પણ રોકાવું નથી.નહીં તો આમ જ દિવસો, વરસો વીતશે..'

'હે પાર્થ!કર્મ-યોગ જ ધર્મનો માર્ગ છે. સૃષ્ટિચક્ર ચલાવવામાં યોગદાન આપનાર તેમજ કર્તવ્ય પથ પર ચાલનાર જ આધ્યાત્મિક ઉંચાઈને,પરમસુખને પામે છે . તેનાથી ભાગનાર કાયરને કદી ઈશની પ્રાપ્તિ થતી નથી.' હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં રાખેલા ટીવીમાં ચાલતા મહાભારતનાં એપિસોડમાં શ્રીકૃષ્ણનો અવાજ....

બિલકુલ વિપરીત દિશામાંથી મનનાં કોઈ તીવ્ર વમળો ઉઠ્યા અને વરસોથી અડીખમ ઉભેલી દીવાલને તોડવા લાગ્યા.ઉંવા..ઉંવા અવાજ સાંભળીને પગ આપોઆપો એ રૂમ તરફ વળ્યાં. માતાનું થાન મોઢામાં લેતા નવજાત શિશુના ઉઘડેલા મોઢામાં બ્રહમાંડના દર્શન થયા. ચહેરામાં પરમતત્વ,પરમસુખની એ અનુભૂતિ...!!

ઘરે આવીને પહેલું કામ થેલામાંથી કપડાં કાઢીને કબાટમાં મુકવાનું કર્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ