વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

...અને હું મરી ગઈ

બધા ખૂબ રડતાં હતાં, મારાં બે દિકરા,વહુઓ દિકરીઓ,જમાઈ.મારું હૈયું વલોવાતું હતું.જો હું સદેહે હાજર હોત તો એમના માથા પર હાથ ફેરવીને છાના રાખત.હા હા હા..હું પણ શું!હું સદેહે હાજર હોત તો એ લોકો થોડા રડત!હા,હું જમીન પર નિષ્ચેત અવસ્થામાં પડી હતી,પણ કહ્યું છે ને કે બાર દિવસ સુધી
આત્મા આસપાસ જ રહે છે,માટે હું એમને જોઈ શકતી હતી, એમના વિચારો વાંચી શકતી હતી.

બિચારા બહુ જ દુઃખી હતાં મારાં મૃત્યુ પછી.મને કેટલો પ્રેમ કરતાં હતાં.બધાને મારાં માટે આટલો વલોપાત કરતાં જોઈને મને લાગ્યું કે મારું મૃત્યુ પણ સુધરી ગયું.મારે કહેવું હતું કે,'અરે!રડો નહીં,હું ક્યાં મરી ગઈ છું?હું તો જીવું છું તમારા દિલમાં,અસ્તિત્વમાં,તમે બધાં મારો જ તો અંશ છો" મરનાર પાછળ થનાર બધી વિધિઓમાં તેઓએ કયાય કોઈ કચાશ ન રહેવા દીધી.'ઓ ઈશ્વર!તે મને દેહથી ભલે મારી નાખી,પરંતુ હું મરી નથી.હું હંમેશા જીવંત રહીશ મારાં પરિવારજનોના દિલોમાં.' બારમાની બધી વિધિ પૂરી થઈ ગઈ હતી.

ત્યાં ઓરડામાં બધાં મને યાદ કરતાં બેઠા હશે. હું હળવેકથી પ્રવેશી.આમ પણ હવે મારે આવવા જવા દરવાજાની ક્યાં જરૂર!વાતાવરણ કશુંક ઉગ્ર લાગ્યું.મારો દિકરો બોલી રહ્યો હતો..."આ માનું વિલ જરાય વાજબી નથી.આટલી સેવા એમને એમ થોડી કરી,અમને હતું કે કંઈક અમારા ભાગે વધુ આપશે પણ આ તો.." જમાઈ : "અરે પણ દિકરીઓનોય ભાગ તો હોય ને,ડોસલીએ જીવતા તો કંઈ ન આપ્યું મર્યા પછીય... "ત્યાં ઊભવાનો હવે કોઈ અર્થ ન જણાયો.હું બહાર નીકળી ગઈ અને..હું મરી ગઈ.મારાં બારમાના દિવસે હું સાચે જ મરી ગઈ!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ