વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દુખિયારાં

ફ્રેન્ચ સાહિત્યકાર વિક્ટર હ્યુગોની ઓલટાઇમ ક્લાસિક (નવલ)કથા ‘લા મિઝરેબલ’નો અનુવાદ એટલે ‘દુખિયારાં’. મૂળશંકર ભટ્ટ દ્વારા અનુવાદિત આ વાર્તા આકાર લે છે ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં. ઈ.સ. ૧૮૩૨ ક્રાંતિ ‘પેરિસ અપરાઇઝિંગ’ દરમિયાન અટવાટી, કૂટાતી, ઘરબાર-વિહોણી, ભૂખમરો-વેઠતી ફ્રાંસીસી પ્રજાની આ હૃદયદ્રાવક વાર્તાનો નાયક છે ‘જિન-વાલજિન’ જેને ભૂખે મરતા પોતાના પરિવાર માટે ફક્ત રોટી(બ્રેડ) ચોરવા બદલ જેલવાસની આકરી સજા ફટકારવામાં આવે છે. પરિવાર-વિરહ, જેલની ગુલામી, ઢોરસમાન જિંદગી, જેલ તોડીને ભાગવું, આઠ વર્ષની અનાથ છોકરી ‘કોઝેટ’ના પાલક પિતા બનવું, કાયદા અને પોલીસ સાથે સતત લૂકાછુપીનો ખેલ ખેલતાખેલતા દીકરીને મોટી કરવી, અપાર મુસીબતો વેઠીને એને સાસરે વળાવવી અને અંતે…

જિન-વાલજિનના જીવનની જદ્દોજહદની આ કરુણ કથા ભલભલા પાષાણ પીગાળી દે એટલી બળકટ છે. જેટલી સક્ષમ મૂળ કૃતિ એટલો જ પ્રભાવશાળી એનો અનુવાદ. ફ્રાન્સના સામાજિક પરિવેશમાં ઘટતી, દાયકાઓના ફલકમાં પ્રસરેલી આ મહાગાથા એના ‘દુખિયારાં’ જેવા નામને લીધે ફક્ત રોનાધોનાથી ભરપૂર હશે એવું પહેલી નજરે લાગે, પણ ના… સામાજિક હોવા છતાં આ નવલકથા ક્યાંય કંટાળાજનક નથી બનતી. ધીમીય નથી પડતી. રહસ્યમય હોવાથી એનો પ્લોટ સતત જકડી રાખે છે. પાત્રો એટલા મજબૂત ને બિલિવેબલ(સાચુકલા) કે વાચક એમની સાથે લાગણીને બંધને બંધાઈ જાય. કોઝેટને સારું શિક્ષણ મળે, સારું સાસરું મળે, સારું ભવિષ્ય સાંપડે એ ખાતર પારવિનાની મુસીબતો વેઠતો જિન-વાલજિન તો સીધો હૃદયમાં ઉતરી જાય. [પાઉલો કોએલોની ક્લાસિક વાયોલન્ટ થ્રિલિંગ લવસ્ટોરી ‘ધ વિનર સ્ટેન્ડ્ઝ અલોન’ (ગુજરાતીમાં ‘એકલવીર’)નો પ્રતિનાયક(વિલન) ઇગોર આજદિન લગીનું મારું સૌથી મનગમતું પાત્ર હતું. વાલજિનભાઈએ હવે ઇગોરને બીજે ક્રમે ધકેલી દીધો છે] પિતાના દત્તક પુત્રી માટેના પ્રેમની પરાકાષ્ઠા જોઈને વાચક તરીકે આપણે પણ ઈચ્છા કરવા લાગીએ કે આ કોઝેટના જીવનમાં સુખનો સૂરજ ઉગે તો સારું, ભલે પછી એને માટે વાલજિને પ્રાણ ન્યોછાવર કરવા પડે. (વાલજિનના જીવનું એકમાત્ર લક્ષ્ય પણ દીકરીના ક્ષેમકુશળ જ બની જાય છે) અહીં લેખકની કલમની તાકાત એટલી પ્રચંડ છે કે વાચક નવલકથામાં ડૂબી જાય છે અને પાત્રોના દુખે પોતે પણ દુખી થાય છે અને સુખે સુખ અનુભવે છે. (વાલજિન અને કોઝેટ એવાં અદકેરાં સ્વજન બની ગયાં કે એમના દુખે મારાથી અનેકવાર રડી પડાયું.) કાલ્પનિક કથા વાસ્તવિક લાગવાનું કારણ એનો અત્યંત જીવંત પરિવેશ(બેકગ્રાઉન્ડ) પણ ખરો. વાંચવી જ પડે. સાચા વાચકનું વાંચનવિશ્વ ‘દુખિયારાં’ ન વાંચ્યું હોય તો અધૂરું ગણાય. ઈતિહાસનું નોલેજ વધશે એ નફામાં.

‘લા મિઝરેબલ’નું સર્જન કરવા બદલ ફક્ત નવલકથાકાર જ નહીં પણ કવિ અને નાટ્યકાર પણ હતા એવા વિક્ટર હ્યુગોનું સમગ્ર વિશ્વસાહિત્યજગત સદૈવ ઋણી રહેશે. પાંચમાંથી પચ્ચીસ સ્ટાર. સાનંદ. સગર્વ.
પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
પાનાં સંખ્યાઃ ૪૬૦
કિંમતઃ ૩૫૦

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ