વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

AK vs AK - ફિલ્મ રીવ્યુ - એક મેટા મીમ - અનિલ કપૂરને ખુલ્લો પત્ર

AK vs AK ફિલ્મ રિવ્યુ: એક મેટા મિમ: અનિલ કપૂરને ખુલ્લો પત્ર

 

પ્રિય અનિલ કપૂર,

આપશ્રીના ૬૪માં જન્મદિને આ ફિલ્મ રીલીઝ થઈ, બૉલીવુડમાં એક નવા પ્રકારની ફિલ્મનો ટ્રેન્ડ શરૂ કરી શકે એવી આ ફિલ્મમાં આપ ૪૪ વર્ષના દેખાઈ રહ્યા છો એ બદલ સૌ પ્રથમતો આપને અભિનંદન.

આટલી ઉમરે પણ જો કોઈ બૉલીવુડ એક્ટરને લીડ રોલ્સ ઓફર થતાં હોય તો એની પાછળ આપની ગજબની મહેનત, આપનો ધારદાર અભિનય અને આપની અનુસરવા જેવી લાઇફસ્ટાઇલ જવાબદાર છે. અમિતાભ બચ્ચન, સંજય મિશ્રા જેવા ગણ્યા ગાંઠયા અભિનેતાઓ સિવાય બૉલીવુડ પીઢ અભિનેતાઓ માટે લીડ રોલ પ્રત્યે ખાસું એવું ઉદાસીન છે. પણ આપે આ ફિલ્મમાં કમાલની એક્ટિંગ કરીને આ પસંદગી સાચી ઠરાવી છે.

ફિલ્મ પર આવીએ તો ફિલ્મ એક ચાલતી ફરતી મિમ જેવી વિએર્ડ અને ફની બની છે. આ પ્રકારની ફિલ્મને મેટા ફિલ્મ કહે છે એ પણ બૉલીવુડમાં તો આ ફિલ્મ આવી પછી ખબર પડી છે. હોલીવુડ અને અન્ય અમુક ભાષામાં આવી ફિલ્મો બની ચૂકી છે તેમજ સફળ પણ બની ચૂકી છે. બોલિવુડમાં પણ આ પ્રકારની ફિલ્મ બનવાનીતો હતી જ, પણ ઑ.ટી.ટી. પ્લેટફોર્મના આવતા કદાચ બૉલીવુડને આવી ફિલ્મ અડધા દાયકા પહેલા મળી ગઈ એવું કહી શકાય. જો કે આપની આ ફિલ્મના દિર્ગદર્શક વિક્રમદિત્ય મોટવાણે આ ફિલ્મ આજથી પાંચેક વર્ષ પહેલા શાહિદ કપૂરને અનુરાગ કશ્યપ સાથે ચમકાવીને AK vs SK નામથી બનાવવાનો પ્રયાસ કરી જ ચૂક્યા છે, પણ એ સમયે એ વાત થાળે પડી નહીં. એવું તો શું છે આ ફિલ્મમાં? શું નવીન છે? આવો આપને લખેલો આ પત્ર માણનારા વાચકોને જણાવીએ.

આ ફિલ્મની શરૂઆતમાં જ દરેક ફિલ્મની જેમ ડિસ્ક્લોઝર આવે છે કે ‘આ ફિલ્મની કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે’ પણ એ તો દરેક ફિલ્મમાં આવે જ, પણ આ ફિલ્મમાં એ ડિસ્ક્લોઝરનું ખાસ મહત્વ એટલે છે કે દર્શકો વચ્ચે વચ્ચે એમ જ માનવા માંડે કે આ સાચી વાર્તા છે. ફિલ્મમાં એક ફિલ્મ એક્ટર અને એક પાગલ ડાયરેક્ટર વચ્ચેનું ઘર્ષણ રજૂ કરવામાં આવ્યું છે. આ એક્ટરનું નામ અનિલ કપૂર છે અને એ એક જમાનાનો સ્ટાર એક્ટર છે જે અત્યારે સાઠ વર્ષે પણ યુવાન લાગે છે, ડાયરેક્ટરનું નામ અનુરાગ કશ્યપ છે જે આર્ટ ફિલ્મોના નામે એવી ફિલ્મો બનાવે છે જેને પસંદ કરનાર ચોક્કસ વર્ગ છે તો એની ફિલ્મો ઢંગધડા વગરની હોય છે એવું માનનારો પણ એક ચોક્કસ વર્ગ છે. આ બંને કાલ્પનિક પાત્રોને પરદા પર ભજવે છે ખુદ અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ. પણ ના... આ એક સત્યઘટના પર આધારિત ફિલ્મ નથી જ. થયુંને કંફ્યૂઝન મિત્રો? હજુ નહીં? હજુ બધું ક્રિસ્ટલ ક્લિયર કે આ એક કાલ્પનિક ફિલ્મ જ છે? કોઈ વાંધો નહીં, આ ફિલ્મમાં એ એક્ટરના મોટા ભાઈ બોની કપૂરનો રોલ ભજવે છે બોની કપૂર, એની સ્ટાર પુત્રી સોનમ કે જેને પેલા સનકી ડાયરેક્ટરે કીડનેપ કરી છે, એનું પાત્ર ભજવે છે સોનમ કપૂર. અને એના ફ્લોપ પુત્ર કે જે હોલીવુડની ફિલ્મોનો શોખીન છે અને જેના કરિયરની વાટ અનુરાગના મિત્ર વિક્રમદિત્ય મોટવાણે (હા, હા ભાઈ... આ ફિલ્મનો ડાયરેક્ટર વિક્રમદિત્ય મોટવાણે જ) એ ‘ભાવેશ જોશી સુપરહીરો’ નામની સારી પણ સુપર ફ્લોપ ફિલ્મથી લગાડી દીધી છે એવા હર્ષવર્ધન કપૂરનો રોલ ખુદ હર્ષવર્ધન કપૂર કરે છે. અને એવું તો હજુ ઘણું બધું જે અનિલ કપૂરથી વાત કરતાં કરતાં આપણે આગળ માણીશું. છે ને રિયાલીટીની સાવ જ નજીક એવી આ મેટા રિયાલીસ્ટિક કાલ્પનિક ફિલ્મ? છે ને એકદમ જ અલગ અને મજાનો કોન્સેપ્ટ? હવે અનિલથી વાત કરવા પત્ર પર પાછા ફરીએ.

અનિલ સાહેબ, આપે આ ફિલ્મ કરી એ માટે આપની હિમ્મતને દાદ આપવી જ જોઇયે. હજુ તો અડધા દાયકા પહેલા થયેલા AIBના રોસ્ટના જખમો તાજા છે. આપના જ ભત્રીજા અર્જુન કપૂર સહિત એ લાફ્ટર રાયોટ સામા પ્રોગ્રામના કસબીઓ, લેખકો પર ૧૬થી વધારે એફ.આઈ.આર. ચાલી રહી છે, ત્યારે આ ઉમરે પહોંચીને આટલી લાંબી કરિયરની મજલ ખેડીને ગાળાગાળી કરતું પાત્ર (એ પણ અનિલ કપૂરના નામનું) નિભાવ્યું અને પોતાના પર કૈંક કેટલીય મજાક પણ ખેલદિલીથી સહન કરી છે આપે ફિલ્મમાં. અનિલ કપૂરને આ ઉમરે પણ હીરોનો રોલ કરવો છે, એવરગ્રીન એને જ કહેવાય કે જે ખરેખર બુઢ્ઢો થઈ ચૂક્યો હોય, કપૂર સરનેમનો ફાયદો અનિલ કપૂરે ખાસો એવો ઉપડયો છે.. એવા બધા ટોંટ્સ આ પાત્રને ફિલ્મમાં મજાક રૂપે મળે છે અને આમ જોઇયે તો ઇનડાયરેક્ટ્લી (આમ તો ઇનડાયરેક્ટ્લી પણ નહીં, ડાયરેક્ટ્લી જ) ખુદ તમને મળે છે, એવી બે કલાકની આ ફિલ્મ સીધેસીધી રોસ્ટ ફિલ્મ જ છે. જો કે એના માટે દાદ અનુરાગ કશ્યપને પણ આપવી જોઇયે, એની રોસ્ટિંગ પણ આ ફિલ્મમાં ઓછી નથી થઈ. અનુરાગની ફિલ્મોમાંથી ગાળો કાઢી નાખો તો ખુદ વાસેપુર વાળા પણ એની ફિલ્મ જોવા ન જાય, બોમ્બે વેલ્વેટ દ્વારા રણવીર કપૂરની કરિયર ડૂબાડવાની પૂરેપુરી કોશિશ કરી અનુરાગે, અનુરાગ કશ્યપની બધી હિટ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન કરતાં વધારે તો એના ભાઈ અભિનવ કશ્યપની ફ્લોપ ફિલ્મોની કમાણી છે વગેરે વગેરે જેવુ ઘણું બધું. પણ અનુરાગને તો એની આદત છે. ઈંટરવ્યુઝમાં પણ અને ટ્વિટર પર પણ. અને એ હજુ તમારા પ્રમાણમાં ઈન્ડસ્ટ્રીમાં નવો છે. હજુ લાંબી મજલ ખેડવાની બાકી છે, તમારા માટે રોસ્ટ થવું આ ઉમરે ખરેખર સરાહનીય છે. અને એ પણ ઠીક, પણ ફિલ્મમાં અનિલ કપૂરનું પાત્ર જલસીથી ભરપૂર છે, ઘમંડી પણ છે જે ખરેખર આપ ન પણ હો, અથવા આપણે માનતા તો ન જ હો, અને લોકો ફિલ્મ જોયા પછી આપ ખરેખર એવા છો એવું માનવા લાગી જાય એ રિસ્ક પણ હતું જ તો પણ આપે એ રિસ્ક લીધું છે.

ફિલ્મમાં આપના માટે હજુ એક વધુ ટોંટ – આખા કપૂર ખાનદાનમાં અનિલ કપૂર એક માત્ર સ્ટાર છે કે જેને એક્ટિંગ પણ આવડે છે. હા હા હા... સો મીન... અને આમ જોવા જઇયે તો આ ફિલ્મમાં પણ એક્ટરના નામે એક આપ જ છો. ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, વખાણ થતી વખતે ફુલાવું, સ્ટેજ પરનું માય નેમ ઈઝ લખન વાડું એ ડાન્સ... કહેવું પડે. અનિલ કપૂર એ અનિલ કપૂર જ છે. ચાલો વખાણ બહુ થયા, હવે એ પણ કહી દઉં, કે તમારા સિવાય કોઈ પાત્ર એ આ ફિલ્મમાં અભિનયના નામે કશું કર્યું જ નથી. અનુરાગ કશ્યપ એક જોરદાર ડાયરેક્ટર છે અને એક્ટર પણ ઠીકઠાક છે, પણ પોતાને અપાયેલા કામથી વિશેષ અહી કશું ઉખાડી શક્યો નથી. સનકી ડાયરેક્ટરના પાત્રમાં સનક પણ ખાસ દેખાતી નથી. પાગલની જેમ હસવાનો અભિનય કરવાથી કોઈ સનકીની છાપ છોડી શકતું નથી. અને આપ બંને સિવાય બીજું કોઈ પાત્ર ફિલ્મમાં છે પણ નહીં. સોનમ કપૂરને બાંધી રાખી છે અને મોઢા પર પટ્ટી બાંધી રાખી છે એ માટે દિર્ગદર્શકશ્રીનો ખૂબ ખૂબ આભાર, અને હર્ષવર્ધનથી મને થોડી ઘણી આશા છે કે જે પ્રમાણે એના ઇન્ટરવ્યુમાં એ સાંભળવી ગમે એવી વાતો કરે છે એ પ્રમાણે એ ભવિષ્યમાં સારી એક્ટિંગ પણ કરી દેખાડશે પણ આ ફિલ્મમાં તો એ પણ ઓવર એક્ટિંગ જ કરે છે. (અહીં ફિલ્મ જોઈ ન હોય એ વાચકોએ આ કૌંસ પછીનું જ સીધેસીધું વાંચવું, કેમકે હવે પછીના વાક્યમાં સ્પોઈલર છે. જોકે ફિલ્મનો એન્ડ જોયા પછી એવું લાગ્યું કે આમ તો એની એ ઓવર એક્ટિંગ વાજબી છે.) ફિલ્મમાં આવતા બીજા કોઈ નાના પાત્રો (ખરેખર તો કોઈ યાદ પણ નથી આવતા એવા પાત્રો)માં પણ કોઈ અભિનેતાએ ખાસ કોઈ છાપ છોડી નથી.

ફિલ્મમાં આવતા નાના મોટા વન લાઇનર્સ જે ખાસ તો એના મજેદાર લેખન અને આપના કન્વીન્સિંગ અભિનયના કારણે મોજ કરાવી દે છે એ આ ફિલ્મની કમાલ છે. જેમકે કોઈ કોઈ અનુરાગ કશ્યપને અનુરાગ બાસુ કહી ને બોલાવે છે તો કોઈ મધુર ભંડારકર તો કોઈ અભિનવ કશ્યપ, કે જે કશ્યપની ટીખળ ઉપરાંત ફિલ્મોના ખરેખરા હીરો એવા ડાયરેક્ટર્સને ભારતમાં ચેહરાથી કોઈ ઓળખતું નથી એ હકીકત પર કટાક્ષ છે. એક એક્ટર સાથે થયેલી લાઈવ ચડભડને કારણે નુકશાન ટેલેંટેડ હોવા છતાં દિર્ગદર્શકને જ થતું હોય છે એ પણ સરસ રીતે બતાવ્યું છે. નવાજૂદ્દીન સાથે થતી ફોન પર વાતચીતમાં પોતે જ બનાવેલા સ્ટાર (આમ તો ખરેખર એવું હોય છે? પ્રતિભાને કોઈ રોકી થોડું શકવાનું હતું? પણ જો નવઝુદ્દીનને વસેપુરના ફયઝલનો રોલ ન મળત તો એ આજે આટલો પ્રખ્યાત હોત ખરો? એ પણ એટલું જ સાચું.) તમારી સાથે છેડો ફાડતા વાર નથી લગાડતા એ પણ બૉલીવુડની ઊગતા સૂર્યને પૂજવાની અને પડેલાને પાટું મારવાની નીતિ પર હસતાં હસતાં ફટકારેલું ચાબખું છે. ડીટ્ટો વીથ ટાપસીની ટ્વિટ. અહીં બૉલીવુડમાં કોઈ પર્માનેંટ મિત્ર નથી. અને છેલ્લે દર્શકો પણ પર સરસ મજાનું ચાબખું કે જ્યારે અથડાયેલા, કુટાયેલા, પોતાની દીકરીને શોધતાં પોતાના પસંદીદા સ્ટારને પણ દર્શકો પહેલા તો ભાંડની (ફિલ્મમાં જ આપના પોતાના મોઢે બિન્દાશ્ત બોલાયેલો ચોંટી જાય એવો શબ્દ) જેમ પહેલા તો નચાવે છે, પછી માહિતી આપે છે. સરસ વિક્રમાદિત્ય....!

હા, એવું તો નહીં કહી શકું કે આ ફિલ્મ અદ્ભુત છે, પણ મેટા રિયાલીટીની આ પહેલી ભારતીય ફિલ્મ છે અને એક વાર જોવાની ખૂબ મજા આવે એવી તો બની જ છે. ખાસ કરીને અલગ ફિલ્મો જોવા માગતા દર્શકો અને દેશવિદેશની વેબ સીરિઝ જોતી આજની ઑ.ટી.ટી. પેઢીને તો ગમશે જ. ભવિષ્યમાં મેટા રિયાલીટી બેઝ્ડ બીજી ફિલ્મો આવશે ત્યારે ભારતમાં આ ફિલ્મને યાદ તો કરાશે જ એ વાત ચોક્કસ છે. કેમ કે પહેલું પગથિયું ચડ્યા વગર બીજું પગથિયું ચડવું કેમ? (આહ… આ લખતા લખતા પણ તમને જોહની લિવરે ‘દિવાના મસ્તાના’ ફિલ્મમાં ઠપકારેલો પેલો ડાયલોગ યાદ આવી ગયો..! હા હા હા... (કયો ડાયલોગ એવું પુછો છો મિત્રો? જાવ જલ્દીથી ફરી એક વાર દિવાના મસ્તાના જોઈ નાખો..))

આ ફિલ્મને મારા દસમાંથી સાત સ્ટાર્સ.

ચાલો ત્યારે.. પૂર્ણાહુતિ કરીયે લેખની? આપને આપના ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે બેસ્ટ ઓફ લક. આપ આવા જ સુંદર પ્રોજેક્ટ્સ કર્યા રાખો એવી શુભેચ્છા. સોનમને કહેજો કે એની ફેશન સેન્સ કમાલની છે. હર્ષવર્ધનને સારા દિર્ગદર્શક અને સારી પટકથા પર હજુ પણ પહેલા જેવો જ ભરોસો રાખે, તો એનો પણ દિવસ આવશે જ એવી ધરપત આપજો. અર્જુન કપૂરને કહેજો કે શક્ય હોય તો અમારા પર મહેરબાની કરીને સત્વરે જ ફિલ્મ લાઇન છોડી દે. સંજય કપૂરને.. જવા દો.. એ આમ પણ નહીં માને... માધુરી સાથે ડાન્સ કરીને એણે આમ પણ પોતાની લાયકાત કરતાં ઘણું બધું વધારે મેળવી લીધું છે લાઈફમાં.. (ખી ખી ખી..!!)

આપનો અને બૉલીવુડ ફિલ્મોનો ફેન,

હાર્દિક રાયચંદા

 

તા.ક. (વાચકો માટે)

આપનો કીમતી મત અહીં આપો..!

મિત્રો,

ઉપર લખ્યું એમ આ ફિલ્મ એક વાર જોવા જેવી ચોક્કસ છે, તો આપ જુઓ તો અહીં કમેંટમાં કહેજો કે આપણે કેવી લાગી. અને એ તો ઠીક, એ પરથી મનમાં થયું કે આજકાલ એટલો જોવા લાયક કન્ટેન્ટ ઠલવાયા કરે છે કે કોઈ પણ ફિલ્મ કે સીરિઝ બીજી વાર જોવાની તો જાણે પ્રથા જ જતી રહી છે. આ પહેલા એવું થતું કે ‘અંદાઝ અપના અપના’ ૨૭ વખત જોઈ હોય કે ‘રહેના હૈ તેરે દિલ મેં’ આઠ વખત જોઈ હોય. (અરે... આ ‘સૂર્યવંશમ’ કોણ બોલ્યું???!! અને ભાઈ એમ.એફ.હુસેને ‘હમ આપકે હૈં કૌન’ ૬૭ વખત જોઈ એની પાછળ પાછું અલગ કારણ હતું... અહા.....!) તો હજુ પણ આપણે કોઈ ફિલ્મ એકથી વધારે વખત જોઇયે છે ખરા? ચાલો કદાચ એવું બને કે એક વાર જોયા પછી ખબર ના પડી ‘ટેનેટ’ જેવી ફિલ્મ કે ‘ડાર્ક’ જેવી સિરીઝમાં તો બીજી ત્રીજી વખત જોઈ કાઢી. પણ ફક્ત અને ફક્ત મજા માટે અને એ પણ કોઈ બૉલીવુડ ફિલ્મ આપે ત્રણ કે એથી વધુ વખત જોઈ હોય.. અને એ પણ છેલ્લા દાયકાની એટલે કે ૨૦૧૦ પછીની... તો નીચે કમેંટમાં જણાવજો તો જોઇયે...!  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ