વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા વહાલા પપ્પા

એક ખુલ્લો પ્રેમપત્ર

"વહાલા પપ્પા,

શું કોઈ ટપાલી સ્વર્ગના દ્વાર ખટખટાવે છે?
લ્યો... કાંતિભાઈ કહીને પરબીડિયું પકડાવે છે?

ઓ વહાલા પપ્પા, મને ખબર છે કે આ પત્ર તમારા સુધી પહોંચવાનો તો નથી છતાં મારી લાગણીને શબ્દદેહ આપીને સ્વર્ગમાં મોકલી રહી છું. તમારી દીકરી છું ને...!

પપ્પા, આજે મારે તમને ઘણું કહેવું છે. અણકહી લાગણી વ્યક્ત કરવી છે. જે સમયમાં દીકરી સાપનો ભારો ગણતો, ત્યારે તમે દીકરીને તુલસીનો ક્યારો સમજતા હતા. જ્યારે તમારા સંસારમાં નાનકડા મહેમાનનું આગમન થવાનું હતું ત્યારે એ આગંતુક દીકરી હોય એવી જ તમારી અદમ્ય ઇચ્છા હતી પણ ત્યારે મમ્મીના ખોળે લક્ષ્મી નહીં, લાડકવાયો અવતર્યો. બીજીવાર જ્યારે મમ્મીની કૂખે ફુલડું ખીલી રહ્યું હતું ત્યારે તો તમે રાહ જોઈને જ બેઠા હતા કે આ વખતે તો મારી દુલારી જ આવશે; ત્યારે પણ તમારી તે ઇચ્છા પૂર્ણ ન થઈ અને તમે નિરાશ થયા હતા.

મમ્મીની જીદ સામે તમને તમારું અસ્તિત્વ અધૂરું હોય એવો આભાસ થવા લાગ્યો; કારણ કે 'અમે બે, અમારા બે' એ સૂત્રને મમ્મીએ જીવનમંત્ર બનાવી લીધો હતો.

પપ્પા...એમાં વાંક મમ્મીનો નહોતો, ઘરની આર્થિક સ્થિતિ જ એવી હતી ને! પણ દીકરીના પિતા બનવાના અધૂરા અરમાન તમને કનડતા જ રહ્યા અને તમે ભીતરથી સતત દુઃખી થતા રહ્યા. દીકરી પામવા અદમ્ય ઝંખનાથી તમે ઝૂરી રહ્યાં હતાં.

એવામાં એક દિવસ રૂટિન ચેકઅપ દરમિયાન તમને ડાયાબિટીસ હોવાનું જાણવા મળ્યું.

જ્યારે ડૉક્ટર સાહેબ પાસે ગયા ત્યારે એમને અચરજ લાગ્યું. થયું કે સૌને હસાવનારા કાંતિભાઈ આટલા દુઃખી અને નિમાણા કેમ? અંતે એ તો આપણા ફૅમિલી-ડૉક્ટરને, તરત આખી વાતનો તાગ શોધી લીધો. એમણે મમ્મીને બોલાવીને તમારા અંતરની ઇચ્છા પૂરી કરવા એને સમજાવી. જાણે સાક્ષાત ઈશ્વરે ચમત્કાર કર્યો હોય એમ મમ્મી સહમત થઈ.

મારો જન્મ થતાંની સાથે જ તમારી બીમારીઓ તો છૂમંતર થઈ ગઈ. કેવા હરખઘેલા થઈ ગયેલા તમે...!
તમે બધાને કહેતા, 'કાળજા કેરો કટકો મારો મુજને જડી ગયો...!'

મારી બધી જવાબદારી તમે જ લઈ લીધી હતી; જેથી મમ્મીને આરામ મળે. એક પુરુષ માટે આ બધું સરળ તો નહોતું જ છતાં તમે તો ખુશ જ હતા. મારા બાળપણની દરેક ઘટનાના તમે સાક્ષી રહ્યા છો. મારા બાળપણના બગીચામાં તમારી ખુશીઓના ફૂલ તમે સતત ખીલવતા રહ્યાં હતાં. બસ, પછી તો હું દિવસે ન વધુ એટલી રાત્રે ને રાત્રે ન વધુ એટલી દિવસે વધવા લાગી. તમારી સાથે આનંદદાયક ક્ષણો ઉમેરાતી ગઈ.

તમારા ખોળામાં બેસવાની તો ક્યારેક ઘોડો ઘોડો રમવાની એ ક્ષણો કેટલી યાદગાર રહી છે. બજારમાં તમારી આંગળી પકડીને ચાલતી હું કોઈ રાજકુમારીથી કમ નહોતી.

મને યાદ છે હું દસ વર્ષની હતી ત્યારથી જ રસોઈની સાથે ઘરકામ કરવાની જવાબદારી મારા માથે, મમ્મીના વ્યાપારી (હરિહર કરિયાણા સ્ટોર) વ્યસ્તતાને લીધે આવી પડી હતી. તમે મને સમયસર ખવડાવી લેતા...અને તમારી નાનકડી દીકરી રસોઈ કરતા દાઝી ન જાય એટલે તમે ધંધા પરથી વહેલા ઘરે આવી જતા. ઘણીવાર તો મારી સાથે જ ઘરે આવતાં.

મારી મુગ્ધાવસ્થા દરમિયાન તમે મારા દોસ્ત બની રહ્યા છો. પપ્પા, યાદ છે? હું હમેશાં સ્કૂટરમાં તમારી પીઠની વિરુદ્ધ દિશામાં બેસતી; કારણ કે મને બંને બાજુ પાછળ તરફ જતો ટ્રાફિક જોવાની ખૂબ મજા પડતી. પેલો કિસ્સો યાદ છે પપ્પા? આપણી પાછળ પાછળ આવતું કોઈ મારી સામે હસી રહ્યું હતું. એ માણસ આંખ અને હોઠોની અજીબ ગંદી હરકતો કરતો હતો ત્યારે હું સખત ડરીને ધ્રૂજતી હતી. ગાડી પરથી ઉતર્યા ત્યારે મેં કહ્યું, 'પપ્પા, હવે હું તમારી પીઠ પાછળ જ છુપાઈને બેસીશ.'

તમે કહેલુ, 'શું થયું? વર્ષા... તું કેમ આટલી બધી ડરેલી છે?' એ પછી મેં તમને આ વાત કરી ત્યારે તમે ખૂબ સરસ વાત કહેલી.

'અરે, એ તો એની આંખ છે એટલે જોવે. તારે ન જોવાય ને...! આપણે કોઈને ન કહી શકીએ, પણ આપણે શું કરવું જોઈએ એની સમજ આપણને હોવી જોઈએ.'

પછી ધીરે ધીરે ઉંમરને કારણે તમારું શરીર જવાબ આપવા લાગ્યું. તમે તો મને ખૂબ ભણાવવા માંગતા હતાં. જલદી જલદી વિદાય આપવાની તમારી જરાય ઇચ્છા નહોતી પણ મમ્મીની જીદને કારણે અઢાર વર્ષની ઉંમરમાં જ તમારે મને કમને વળાવવી પડી. મારા માટે યોગ્ય જીવનસાથીની શોધ કરીને કન્યાદાનનું ઉચ્ચ પુણ્ય પામી આપે મને વિદાય તો કરી ત્યારે તમારી કોટે વળગીને ચોધાર આંસુડે હું રડી રહી હતી.

એ વખતે તમારા હૈયામાંથી મારા પર આશીર્વાદ વરસી રહ્યો હતો અને તમારો ગળગળો રુદન સ્વર જાણે કહી રહ્યો હતો કે 'કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો.'

મારા વિરહની વેદના તમે કેમેય કરીને સહી ન શક્યા. દિવસો સુધી રડી રડીને તમે તમારા દિલને સાવ નબળું પાડી દીધું. થોડા દિવસો પછી આ દુનિયામાં મને એકલી મૂકીને તમે અનંત યાત્રાએ નીકળી પડ્યા..! અરે આ શું પપ્પા? મેં તો તમારો હાથ જ છોડ્યો હતો ને, તમે તો અમારા બધાનો સાથ છોડી દીધો....

તમને સતત યાદ કરતી કરતી, તમારી યાદોમાં રડતી રડતી હું મારા જીવનમાં ગોઠવાઈ ગઈ.
સતત વહેતા રહેતા સમય નામનો મલમ ગમે તેવા ઘાવને રૂઝાવી દેતો હોય છે.
તમારી યાદો મારા માટે હમેશાં એક શીતળ છાંયડાનો અહેસાસ બની રહ્યો છે.

પપ્પા, એક શુભ સમાચાર આપું!...આજે તમારી વર્ષા પણ પ્યારી દુલારીની દાદી બની ગઈ છે.

આજ સુધીની મારી સફરમાં તમારી શીખ મેં સદાય યાદ રાખી છે. તમારા દીધેલાં સંસ્કારોથી ઘર, પરિવાર, કુટુંબ, સમાજમાં મેં ખૂબ નામના હાંસિલ કરી છે. તમે મને આ શિક્ષણ જગતનું માળખાકીય ભણતર પૂરું ન અપાવી શક્યા પણ જિંદગીનું ગણતર આપ્યું છે.

'વાણીમાં વિનય, વર્તનમાં વિવેક રાખીશ, એટલે નમ્રતા આપોઆપ આવી જશે તારા વ્યવહારમાં!'

'જેવું વાવીશ તેવું જ લણીશ... માટે કર્મ કરજે.'

'સમય સાથે પરિવર્તન...' તમારી આ શીખને મેં મારી જિંદગીમાં ડગલે ને પગલે યાદ રાખી છે. અજાણતા જ ક્યારેક અકળાઈ ઉઠું ત્યારે તરત યાદ આવે કે પપ્પા કહેતા, 'ઇચ્છાઓને ક્યારેય અપેક્ષાનું કવચ ન ચડાવતી... નહીંતર એ તને દુઃખી કરશે.' મારું મન તરત જ શાંત થઈ જતું.

કંઈ પણ થાય એ પહેલાં જ અંતરમનને કહી દઉં કે 'એ નહીં સમજે... તું સમજી જ્જે... સમસ્યા આપોઆપ ટળી જશે.' હું સાસરિયે સૌની માનીતી છું કારણ કે મારી જવાબદારી મેં બખૂબી નિભાવી છે અને નિભાવી રહી છું. આપે જ કહેલું કે ફરજમાંથી ક્યારેય ન છટકતી. મારી ફરજ મુજબ વર્તવાનો હું આનંદ પણ માણી લઉં છું. આપની કહેલી આખરી અમૂલ્ય શીખ...'સામેની વ્યક્તિમાં દોષ જોતાં પહેલાં ભીતર ડોકિયું કરજે...પરમ સુખને પામીશ.' આ બધી જ શીખ મેં મારા જીવનમાં વણી લીધી છે... પપ્પા! તમારી શીખ મેં મારા માનવને કહી છે અને મારી પૌત્રીને પણ કહીશ.

જરૂર હોય એને મદદરૂપ થવું...એ પપ્પા હું તમારા વાણી, વર્તન અને વ્યવહારમાંથી શીખી છું. તમારી પાસે હોય કે ન હોય પણ, તમે હમેશાં સૌ કોઈના મદદગાર બન્યા છો. મદદ કર્યા પછી તમને જે ખુશી મળતી...! એ ક્ષણ પપ્પા મને આજેય યાદ છે.

પપ્પા, આજે પણ જ્યારે હું કોઈને મદદરૂપ બનું, ત્યારે હું જે આનંદ અનુભવું, એ આનંદમાં પપ્પા...હું તમને નિહાળું છું.

પપ્પા, હું ઉંમરના ઘણા આગળના તબક્કે પહોંચી ગઈ છું છતાં પણ ક્યાંય અટવાવું ત્યારે તમને યાદ કરી લઉં છું. એ પછી મારી મુશ્કેલી આસાન થઈ જાય છે.
જાણે કોઈ ગેબી શક્તિની જેમ આપ સદાય મારી આસપાસ છો...! તમારું સ્મરણ કરી તમારા સંસ્કારોને યાદ કરું છું ત્યારે મારો સંતાપ ટળી જાય છે.

આજે તમારી વર્ષા પાસે બધું જ છે. ઘર, પરિવાર, સંપત્તિ, સંતતિ, અને સૌથી અગત્યનું શાંતિ.. કોઈ કમી નથી છતાં તમારી યાદ સતાવે છે.
મને વિશ્વાસ છે કે આપ જ્યાં પણ હશો તમારી દીકરીને જોઈને ખૂબ ખુશ હશો.

અટવાવું હું ક્યાંય,
તો રસ્તો બનતા રહેજો પપ્પા...
આપની અમીદ્રષ્ટિ,
સદા વરસાવતા રહેજો પપ્પા..."


લિ.

આપના નામને ઉજ્જવળ કરી આપની જ રાહ પર ચાલનારી તમારી દુલારી....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ