વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઑથ

'આઈ સ્વેર બાય અપોલો હિલર એન્ડ બાય ઓલ ધી ગોડ એન્ડ ગોડેસ મેકિંગ ધેમ માય વિટનેસ....'

'ડેડી.. ડે... ડી.. મને... ડે..ડી..માલુ નોઝ બંદ..માલાથી ચ્છવાસ નથી...પ્લીઝ ડેડી.. હેલ્પ.... '

'રિયા...હું.. હું કરું છું કંઈક, ડોન્ટ વરી દિકરા..રિયાઅઅઆ...'

એક આછી ચીસ સાથે હું સફાળો બેઠો થઈ ગયો. માથા પરના પરસેવાના બિંદુ લૂછતાં મેં બાજુમાં નજર કરી.

ડ્રોપ-ડ્રોપ ગ્લુકોઝ સિમ્મીના શરીરમાં એની નસોમાં ચડી રહ્યું હતું. હું બાજુમાં જ બીજા પલંગમાં સૂતો હતો. એની અડધી બીડાયેલી આંખો સામે જોઈ રહ્યો. હમણાં જ સુકાઈ ગયેલા આંસુ એના લીસા ગાલ પર ખરબચડી છાપ છોડી ગયા હતા. બસ આ એક રાતની નીરવતા એના મન, મગજને કદાચ ઊંઘ આવવાને લીધે શાંત કરતી હશે, અને મારાય મનને થોડી શાંતિ મળશે એવું લાગતા મેં આંખ મીંચી, ત્યાં તંદ્રા અવસ્થામાં પેલા શબ્દો, રિયાનું તરફડવું, મારા એને બચાવવાના પ્રયાસો...આ બધું છેલ્લા ચાર મહિનામાં કેટલીયવાર દુ:સ્વપ્ન જેમ આવતું મને. ખાસ તો જયારે સિમ્મીને પેનિક ઍટેક આવતો અને એને હૉસ્પિટલમાં એડમિટ કરવી પડતી ત્યારે. ચાર મહિના પહેલાંની એ ગોઝારી રાત! એ દિવસથી આજ સુધી એક ન સમજી શકાય એવી વેદનાથી પીડાઉં છું. આમ તો મેં જે કર્યું એ મને બરાબર જ લાગ્યું છે, છતાંય એની પીડા તો છે જ ને. લાકડાને કોરી ખાતી ઊધઈની જેમ એ પીડા સતત મને અંદરથી કોરી ખાય છે. મારી એ વેદનાને દરેક ક્ષણે સપાટી લાવીને રાખી દે છે સિમ્મીનું વર્તન. એ કંઈ જાણીજોઈને એવું વર્તન નથી કરતી!

"મમ્મા, મમ્મા.. એ એ મમ્મા બોલને!" વળી પાછો એ મીઠડો અવાજ આવ્યો. એક રીતે સારો લાગતો આ અવાજ સાંભળીને થોડીક ફડક પેઠી મનમાં.

"મમ્મા.. મમ્મા.." અને સિમ્મીના ચહેરા પરની રેખાઓ સળવળી. એણે આંખો ખોલી. એની સાવ નિર્જીવ લાગતી આંખોમાંથી સતત ડોકાતો ખાલીપો બહાર આવ્યો. એમાં કશીક સંવેદનાઓ પૂરાઈ. આમ તો ટ્રોમાના દર્દી માટે આ સારી નિશાની કહેવાય. ડોક્ટર તરીકે મારે ખુશ થવું જોઈએ પરંતુ આ સંવેદનાઓ સિમ્મી માટે કોઈ ખુશી લાવનારી નહોતી. હું હજુ કંઈ વિચારું એ પહેલા જ એણે ભયાનક સ્પીડથી એના હાથમાં લાગેલ નીડલ એડપ્ટર ખેંચીને નીડલ બહાર કાઢી નાખી, પલંગ પરથી ઉતરી રૂમની બહાર દોડી ગઈ.

"રિયા.. રિયા... ક્યા છો બેટા! રિયા,મમ્મા અહીંયા છે."

વિખરાયેલા વાળ, આંખોમાં આંસુ સાથે બહાવરાપણું અને અવાજમાં કોઈને બ્રહ્માંડમાંથી ખેંચી લાવવું હોય એવા આર્તનાદ સાથે સિમ્મી મારી જ હૉસ્પિટલના બીજા માળની લોબીમાં દોડતી રાડો પાડવા લાગી. આઈપીડી માટે એ ફ્લૉર પર બીજા સાત રૂમ હતા, જે બધાં ઓક્યુપાઈડ હતા. સિમ્મીની રાડોથી એમાં એડમિટ પેશન્ટ્સની નીંદરમાં ખલેલ પડી. કેટલાક દરવાજા પાસે આવીને જોવા લાગ્યા. સાત નંબરના રૂમમાં એડમિટ કોવિડ પેશન્ટ સ્ત્રી કે જે ડાયાબિટીક અને હાર્ટ પેશન્ટ પણ હતી, એના રૂમમાં એક નાનકડી બાળકી રડતાં રડતાં, એ સ્ત્રીને મમ્મા મમ્મા.. કહીને પોકારી રહી હતી.

સિમ્મી એ તરફ દોડવા લાગી. હું સિમ્મીની પાછળ દોડ્યો. નર્સ આવી ગઈ. મેં અને નર્સએ થઈને સિમ્મીને પકડી લીધી. એને પાછો પેનિક ઍટેક આવ્યો હતો. બસ, આ જ બીક હતી મને. આવું આજે બીજીવાર થયું. અમે બંને જબરદસ્તીથી રડતી, અમારી પકડમાંથી છૂટવા મથતી સિમ્મીને પાછી એના રૂમમાં લઈ આવ્યા. જેમ સિમ્મી મારી પકડમાંથી છૂટવાની વધારે કોશિશ કરતી હતી, તેમ મારો ગુસ્સો મારા આપામાંથી છૂટતો જતો હતો. સામાન્ય રીતે બહુ જ ઓછો ગુસ્સો આવતો મને, પણ આવું આજે  ફરીપાછું થયું.

"વ્હોટ ધ હેલ ઇઝ ગોઈંગ ઓન? ઇઝ ધીઝ અ હૉસ્પિટલ ઓર અ પાર્ક? ડોન્ટ ધે નો ધ રૂલ્સ?" નર્સ તરફ ગુસ્સાભર્યા ચહેરે જોતા, સિમ્મીને સંભાળતા હું બોલ્યો.

"તમે લોકો કરો શું છો? કોવિડ પેશન્ટ પાસે કોઈ સગાંવહાલાંનું આવવું અલાઉડ નથી. એમની બહુ રિકવેસ્ટ હતી એટલે એ ભાઈને મેં પીપીઈકીટ પહેરીને એમની બહેન પાસે આવવા અલાઉડ કર્યા, તો એ એની સાવ નાનકડી દિકરીને પણ લઈ આવ્યા! ગો એન્ડ ગેટ ધેમ અવે ફ્રોમ ધ પેશન્ટ." પાછો બરાડતાં હું બોલ્યો.

"યસ સર આઈ વીલ ટેક કેર ઓફ ઈટ, તમે સિમ્મી મેમને સંભાળો." કહેતા અમારા એસી રૂમનો દરવાજો બંધ કરીને નર્સ ચાલી ગઈ.

હું મારી જ હૉસ્પિટલમાં એડમિટ હોઉં એવું મને લાગ્યું પણ ઝાઝું વિચારવાનો ટાઈમ નહોતો. સિમ્મી મારી સામે ગુસ્સાભરી, ફરિયાદભરી નજરે જોતી હાથ છોડાવવાની કોશિશ કરી રહી હતી.

"સિમ્મી પ્લીઝ સમજ, એ.. એ આપણી રિયા નથી. એ બીજી કોઈ છોકરી છે. તું શાંતિ રાખ." મેં એને કહ્યું.

"તું.. તું.. જ મારી રિયાને દૂર લઈ ગયોને મારાથી! સોમ, તું જ.. તે જ મારી નાખી એને.. કેમ મારી? ગળું દબાવી દીધું? તે એવું કેમ કર્યું સોમ? મારી રિયા તો, રિયા તો..." સિમ્મીના લવારા પાછા ચાલુ થઈ ગયા. મેં બાજુમાં પડેલું ઘેનનું ઇન્જેક્શન એને કોઈક રીતે આપી દીધું. પકડીને પલંગ પર સુવડાવી દીધી.

"મારી રિયા તો હોમવર્ક પણ બરાબર કરતી હતી તોય તે!,  સોમ તું તો એનો ડેડી છે ને! ડેડી તો એના માટે રિયલ હીરો છે એવું એ કહેતી.. તોય તે..." ઊંઘમાં સરતી જતી સિમ્મીની જીભ ધીરેધીરે અસ્ફૂટ અવાજમાં, મનમાંથી નિરંતર સ્ફુટતી વેદના વર્ણવી રહી.

એ ઊંઘમાં સરી ગઈ પછી હું ઘરે આવ્યો. બાલ્કનીમાં બેસીને સિગારેટ સળગાવી.

**

ફ્લોમીટર કનેક્ટ કરતાં મારા હાથ ક્ષણભર માટે અટકી ગયા, ધ્રૂજી ગયા. નર્સે આવીને મને કહ્યું, "સર રિયા નીડસ ઑક્સિજન, હર સેચ્યુરેશન લેવલ ઇઝ ફોલિંગ." આ વાક્ય સાંભળીને હું અટકી ગયો.

મારી સામે એકએક શ્વાસ માટે તરફડતો મારો દર્દી હતો, છેલ્લા એક અઠવાડિયાથી એ કોરોનાની સારવાર માટે મારી હૉસ્પિટલમાં દાખલ હતો. આજ સવારથી જ એનું ઑક્સિજન લેવલ 90થી ઉપર નીચે થઈ રહ્યું હતું. શહેરમાં ઑક્સિજનની ભયંકર અછત હતી. મારી હૉસ્પિટલમાં પણ સિલિન્ડર ખૂટી ગયા હતા. બીજી બાજુ દર્દીઓનો ધસારો, એમના શરીર શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યા હતા. અંદર બહાર બધી જ જગ્યાએ જાણે શ્વાસ ખૂટી ગયા હતા.

ગણતરીની સેકન્ડ્સમાં મને અંદાજ આવી ગયો કે, હું શું કરવા જઈ રહ્યો હતો. જે શ્વાસ હું મારા દર્દીને આપવા જઈ રહ્યો હતો, એની જ મારી પોતાની દિકરીને, જે છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ હતી, એને પણ જરૂર હતી. આજે આ છેલ્લું જ ઑક્સિજન સિલિન્ડર હતું મારી હૉસ્પિટલમાં, બીજા મળવાના કોઈ ચાન્સ નહોતા. સિલિન્ડર અને ફલોમીટર કનેક્ટ કરીને દર્દીને ચડાવતા મારા હાથ ક્ષણભર માટે અટકી ગયા,ધ્રૂજી ગયા. શું કરું?

'આઈ સ્વેર બાય અપોલો હિલર એન્ડ બાય ઓલ ધી ગોડ એન્ડ ગોડેસ મેકિંગ ધેમ માય વિટનેસ....આઈ વીલ નોટ પરમિટ એની કન્સિડરેશન ઓફ રિલિજિયસ,પર્સનલ..... ટુ ઇન્ટરવેન બિટ્વીન માય ડ્યૂટી એન્ડ માય પેશન્ટ...' જયારે હું કોઈ દબાણ કે ધર્મસંકટમાં હોઉં ત્યારે મેડિકલ પ્રોફેશન શરૂ કરતાં પહેલા લીધેલી આ હિપોક્રેટિક ઑથ મારા મગજમાં જોરશોરથી મને મારી ફરજ યાદ દેવડાવતી અને હું બખૂબી કોઈ પણ લાલચને વશ થયા વગર એ ધર્મસંકટમાંથી રસ્તો કરી લેતો. આજે અત્યારે વળી પાછી એ ઑથ મારા મગજ પર કબ્જો જમાવી બેઠી.

મારામાં રહેલો પિતા,એ ઑક્સિજન સિલિન્ડર મારી દિકરીને લગાડવા અધીરો બન્યો. જયારે મારામાંનો ડોક્ટર કહેવા લાગ્યો કે, 'દિકરીની જગ્યાએ જો બીજો કોઈ પેશન્ટ હોત તો શું તું આવું કરત? ધીઝ ઇઝ ધ ટાઈમ ટુ ફોલો ધ ઑથ, ટુ ધ લેટર...' ક્ષણો પૂરતું જ પણ, મારી અંદર શરૂ થયું એક યુદ્ધ, પોતાની જ વિરુદ્ધ. મહાભારતના ધર્મયુદ્ધમાં અર્જુનને પણ પોતાના લોકો સામે લડવું પડ્યું હતું. અહીં મારે મારી જ વિરુદ્ધ લડવાનું હતું. અર્જુને પણ પોતાના કર્મને પોતાના ધર્મને જ પ્રાધાન્ય આપ્યું. તો મારે પણ...પરંતુ રિયા!

ડોક્ટર તરીકે હંમેશા પ્રેકટીકલ રહેનારો હું, અત્યારે એક મજબૂર બાપ બની ગયો, એવું લાગ્યું કે અપાતા હોય તો મારા શ્વાસ કાઢીને આપી દઉં. આખો દિવસ 'માય ડેડી, માય હીરો' કહેતી, દરેક નાની મોટી બાબતમાં ડેડી સાથે છે તો કોઈ ડર નથી, એવું માનતી મારી ચાર વરસની મીઠડી દિકરી રિયા મારી આંખો સામે તરવરવા લાગી. દસ વરસની ડોક્ટરની કારકિર્દીમાં કદી ન અનુભવી હોય એવી પીડા, એવું ધર્મસંકટ, એવી બેચેની એ ક્ષણોમાં અનુભવી. મારી હાર્ટબીટ્સ જાણે મારા નિર્ણયને જાણતી હોય એમ જોરશોરથી એનો વિરોધ કરવા લાગી. 'મારી સામે સૂતેલો એ પાંત્રીસ વરસનો પેશન્ટ પણ કોઈનો બાપ હશે. એની રિયા જેવડી દિકરી એની રાહ જોઈ રહી હશે! એમ કોઈને આપેલા શ્વાસ હું પોતાના સ્વાર્થ માટે પાછા કેમ લઈ શકું! હું કંઈ ભગવાન નથી!' આવા અનેક વિચારોનો કાફલો..

અને.. અને... આખરે એક ઊંડો શ્વાસ લઈને મારામાંના ડોક્ટરને મેં જીતવા દીધો.

"રિયા માટે ઑક્સિજન કોન્સન્ટ્રેટર યુઝ કરો, હું આવું છું."મેં નર્સને કહ્યું.

નર્સ અવાક થઈને મને તાકી રહી.એ સુપેરે જાણતી હતી કે આનો અર્થ શું થાય.

"સર કોન્સન્ટ્રેટર વીલ નોટ હેલ્પ,એને 10 લીટર પ્રતિ મિનિટથી પણ વધારે ઑક્સિજનની જરૂર છે." એ મારી આંખોમાં આંખ નાખીને બોલી.

હું મારા નિર્ણયમાં નબળો પડું એના પહેલા મેં સત્તાવાહી અવાજે એને કહ્યું,"જાઓ, કહું છું એમ કરો."

ક્ષણભર માટે હું આંખો મીંચી ગયો. કદાચ કોઈ ચમત્કારની આશામાં, પાછું એ દર્દીનું ઑક્સિજન ચેક કર્યું તો એ રિયાથી પણ વધારે ગંભીર પરિસ્થિતિ બતાવતું હતું. મારા નિર્ણય પર મહોર મારતા મેં એને ઑક્સિજન ચડાવ્યું અને ત્યાંથી ફટાફટ રિયાને જ્યાં રાખી હતી એ રૂમ તરફ દોડ્યો.

***

રિયાઆ..આ...આ... આભ ફાટી પડે એવા અવાજમાં સિમ્મીનું આક્રંદ છેલ્લા કેટલાય કલાકોથી હૉસ્પિટલને ધ્રૂજાવી રહ્યું હતું. હું પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. હજારો દર્દીઓનો જીવ બચાવતો હું મારી દિકરીને ન બચાવી શક્યો. આખો હૉસ્પિટલ સ્ટાફ બનેલી ઘટનાથી વાકેફ હોઈ મને તે દિવસે ગુનેગારની જેમ જોઈ રહ્યો.

"સોમ તે કેમ આવું કર્યું, તે જ રિયાને બચાવી નહીં. તે ઇચ્છ્યું હોત તો... " કહેતી સિમ્મી મારો શર્ટ પકડીને ફિટકારથી મને કોસી રહી. હૉસ્પિટલના જ ત્રીજા માળે આવેલ મારા ઘરમાં એને ઘેનનું ઇન્જેક્શન આપીને સુવડાવી, પરંતુ એ દિવસે ઉઠ્યા પછી સિમ્મી, એ સિમ્મી ન રહી. એ મારી પ્રેમાળ, હસમુખી પત્ની, રિયાની વહાલસોયી મમ્મા સિમ્મી, ભયંકર ટ્રોમાનો શિકાર બની ગઈ.

આખો દિવસ ખંડેર જેવી નિસ્તબ્ધતા એની આંખોમાં જોવા મળતી. ક્યારેક થોડા શબ્દોની આપલે કરતી.

એ પોતાની જિંદગી વિશે ભાન ખોતી જતી હતી. ક્યારેક મને કોસવા બદલ મારી માફી માંગતી તો ક્યારેક મને ખૂની કહીને બોલાવતી. મોટાભાગનો સમય એ ચૂપચાપ રહેતી. એ ચૂપી મને સોય જેમ ભોંકાતી.

"સોમ, આ જુઓને રિયાની ઢીંગલીનું ફ્રોક કેવું ગંદુ થઈ ગયું છે?"

તો વળી ક્યારેક, "આજે રિયાને ભાવતી પેલી સ્ટ્રોબેરી કેક બનાવી છે, એ ખુશ થઈ જશે. ક્યાં ગઈ?"

"સોમ, રિયાને બહુ જ શરદી થઈ ગઈ છે. ક્યાંક કોરોના તો.... " કહેતા એની આંખો ભયથી વિહ્વળ બની જતી, પછી મને હલબલાવીને પૂછતી, "એને કોરોના થશે તો તમે એને બરાબર કરી દેશોને!..ના ના તમે જ મારી છે, એને તમે જ..."

ક્યારેક સાવ આવું  અસંબદ્ધ બોલતી સિમ્મીને જોતા મારો જીવ કકળી જતો. રિયા હવે નથી રહી એ વાત એનું મગજ ક્યારેક સ્વીકારતું તો ક્યારેક નહીં. જો હું એને કંઈ પણ વધારે સમજાવવા જાઉં તો એ વધારે આવેશમાં આવી જતી અને રિયા, રિયા કરતાં તોફાન મચાવી દેતી. મારે એને હૉસ્પિટલમાં રીતસર એડમિટ કરવી પડતી.

ચાર મહિના પહેલા એક તોફાન આવીને અમારા ત્રણની નાનકડી દુનિયામાં બધું ઉડાવી ગયું.

***

"સોમ, ચાલો મારે માર્કેટમાંથી ઘણી બધી વસ્તુઓ લેવી છે. કાલે રિયાનો જન્મદિવસ છે. એ કહેતી હતી કે આ વખતે એને બર્થડે ગિફ્ટમાં પિયાનો જોઈશે. ડેકોરેશન માટેનો સામાન...." બોલતા એ સુંદર મરૂન ડ્રેસ પહેરીને તૈયાર થઈને બહાર આવી. ક્ષણભર મને લાગ્યું કે મારી પહેલાવાળી જ સુંદર સિમ્મી!

"રિયાઆ...ચાલ બેટા શોપીંગ માટે, રિયા ક્યાં ગઈ?" કહેતા એ બહારની તરફ જવા લાગી. મેં એને હાથ પકડીને રોકી. પ્રેમથી સોફા પર બેસાડીને કહ્યું, "સિમ્મી તને ખબર છે ને? લૉકડાઉન ચાલે છે."

"લૉકડાઉન! એ શું વળી સોમ?" આંખોમાં આશ્ચર્યના ભાવ સાથે એ બોલી.

"કોરોનાને ફેલાતો અટકાવવા માટે...." હું વાક્ય પૂરું કરું એ પહેલા તો એ મારા હાથમાંથી પોતાનો હાથ છોડાવીને ઊભી થઈ ગઈ.

"કોરોના! હા, કોરોના જ થયો છે રિયાને.. તમે જ તો કહ્યુંને કે એનો રિપોર્ટ પોઝિટિવ છે, પણ ગભરાવાની જરૂર નથી. રિયા પણ કહેતી હતી કે, મમ્મા માલા તો ડેડી જ ડોક્ટર છે, એટલે કોલોના રાકચ્છછ મને કંઈ નહીં કલે." કહેતા એની આંખોના ભાવ બદલવા લાગ્યા.

"રિયાને ઑક્સિજનની જરૂર છે, સોમ જલ્દી કરો.. જલ્દી.. એ તરફડે  છે સોમ.....રિયાઆ..." ચીસો પાડતા  એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એને શાંત પાડવા હું ફરી આજે બીજા માળે આવેલા રૂમમાં એને લઈને ગયો. થોડી સીડેટીવ્ઝ આપી, ગ્લુકોઝ બોટલ લગાવી, ત્યાં પાછો પેલો અવાજ...

***

બાલ્કનીમાં બેઠા ફંગોળાતી સિગારેટની ધૂમ્રસેર જોઈને થયું, જ્યાં સુધી હાથમાં છે, કોઈ આકારમાં છે, કેટલું નક્કર અસ્તિત્વ છે! પણ ક્યારે કોઈ કારમી ફૂંક એનો ધુમાડો કરી નાખે અને માણસનું અસ્તિત્વ ધુમાડાની જેમ કયાં વિલીન થઈ જાય, કંઈ નક્કી નહીં. ગમે તેટલા મુસ્તાક હોઈએ આપણે, પરંતુ વિલીન થતાં ધુમાડાને કયાં કોઈ પકડી શકે!

છાપાઓ મારી ફરજનિષ્ઠાના વખાણ કરતાં થાકતા નહોતા. ડોક્ટર તરીકે હું સફળ રહ્યો કદાચ, પરંતુ પિતા અને પતિ તરીકે? શું સિમ્મી મને ક્યારે માફ  કરી શકશે? અને એ કરી શકશે તો પણ હું પોતે જ, હું રિયાનો ડેડી,  ડોક્ટર સોમને માફ કરી શકીશ? અઢળક સવાલો હતા મારા. જેનો વ્યાપ સામે દેખાતા આકાશ જેવડો ભાસતો હતો, અને આકાશ જેમ એ સવાલોનો પણ કોઈ અંત નહોતો દેખાતો.

મોબાઇલની રિંગ સાંભળીને વિચાર શૃંખલા તૂટી.

"સર જલ્દી આવો. સાતમા નંબરની પેશન્ટની કન્ડિશન સિરિયસ છે. એબનોર્મલ પલ્સ રેટિંગ, બ્રેથલેસનેસ.... " હાંફળી ફાંફળી થતી નર્સ બોલી રહી.

***

'મમ્મા.... એ..એ..એ મને મમ્મા જોઈએ માલી મમ્મા..' રૂમ નંબરની સાતની એ સ્ત્રીની ચાર-પાંચ વરસની દિકરી પાછી એના મામા સાથે જીદ કરીને આવીને જોરશોરથી રડતી હતી. કોઈને અંદર આવવાની પરમિશન મેં આપી નહોતી. આથી એ મામાનો હાથ છોડાવીને વારે વારે અંદર આવવા મથતી'તી અને હવે કદી ન ઉઠનારી એની માને બોલાવી રહી હતી. એની હાલત જોતા મારી અંદર કશુંક સળવળ્યું.

"સિમ્મીને નીચે લઈને આવ." અચાનક જ મેં નર્સને સંબોધીને કહ્યું.

એણે આશ્ચર્યથી મારી સામે જોયું. મેં આંખોથી જ ભારપૂર્વક એમ કરવાનું કહ્યુ. થોડીવારમાં સિમ્મી નીચે આવી.

એ છોકરીનું આક્રંદ સાંભળીને સિમ્મી બહાવરી બનીને દોડી, પેલી બાળકીની બિલકુલ પાસે જઈને "હા રિયા.. મમ્મા છે ને અહીંયા જ છે, જો તારી સામે.." કહેતા એ બાળકીને ચૂમવા લાગી. ક્ષણભર માટે પેલી બાળકી ખચકાઈ, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી મા માટે તરસતી એ, તરત જ સિમ્મીને વળગી પડી, અને... બસ, બેમાંથી કોઈનેય એકબીજાનું નામ, જાતપાત કશુંય જાણવાની પરવા નહોતી.

એક બાજુ વાત્સલ્યને વરસવું હતું, બીજી બાજુ વાત્સલ્યની તરસ હતી. એ જ ક્ષણે મારા મનમાં એક નિર્ણય લેવાઈ ગયો.

***

દત્તક લેવા માટેના લીગલ ડોક્યુમેન્ટસ બનાવવા હું ઘરની બહાર નીકળવા જઈ રહ્યો હતો, ત્યારે સિમ્મી એ બાળકીને તૈયાર કરી રહી હતી. ભલે એ એને રિયા સમજે, એમ તો એમ પણ એના તરસતા મનને થોડી શાંતિ વળશે અને એ અનાથ બાળકીને હૂંફ. આવું કોઈ આશ્વાસન હું છેલ્લા ત્રણ દિવસથી સિમ્મી અને એ બાળકીને સાથે ખુશ જોઈને મેળવી રહ્યો હતો.

"સોમ, એનું નામ નંદિની છે પણ આપણે એને રિયા જ કહીશું ને?" બહાર આવતા એકદમ શાંત સ્વરે સસ્મિત વદને સિમ્મીએ મને કહ્યું. ચાર મહિનામાં પહેલીવાર હું સિમ્મીનો, મારી સિમ્મીનો આવો સ્વર સાંભળી રહ્યો. સાનંદ આશ્ચર્ય અને સ્મિત સાથે મેં એની સામે જોયું.

"હા સોમ, હું જાણું છું એ રિયા નથી, પણ હવેથી એ મારી, તમારી રિયા બનીને રહેશે. તમે તમારી ડોક્ટરની ઑથ નિભાવી, તો એક ઓથ મારી મમતાએ પણ લીધેલી, જે હું હવે આ રિયા સાથે પૂરી કરીશ."

સાંજે જયારે હું બધી ફોર્માલિટીઝ પૂરી કરીને ઘરે પાછો ફર્યો ત્યારે, મા-દીકરી બાલ્કનીમાં બેસીને અલકમલકની વાતો કરતા હસી રહ્યાં હતાં. બાલ્કનીમાંથી બહાર નઝર જતાં, કાલે પાછો ઊગીને જગતને પ્રકાશ આપવાની ઑથ લેતો અને આથમતા આથમતા પણ સંધ્યાના સલૂણાં રંગો આકાશને આપતો જતો સૂરજ દૂર ક્ષિતિજ પર ડૂબી રહ્યો હતો. કદાચ આકાશ વ્યાપનો અંત આ ભ્રામક ક્ષિતિજ જ હશે!

**

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ