વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળહે કોણ

<< બાળહે કોણ >>

‘અઇલા હરિયા, જલ્દી લાકડાં સિંચવા માંડ!’ ચહેરા ઉપર અસંખ્ય કરચલીઓવાળા એક વ્યક્તિએ મોટા અવાજે બૂમ પાડી.

‘એ જ તો! નિકાલ તો કરવો જ પડશે ને!’ ગામનો આગેવાન જેવો લાગતો એક યુવક બોલી ઊઠયો, ‘એક તો આપણા ખોબા જેવડાં ગામમાં એક જ સ્મશાન... ને એમાંયે પાછી ગણીને માત્ર એક ચિતા!’

મડદાંઓએ બળવા માટે કતાર લગાવી હોય એમ ઠાઠડીઓથી સ્મશાનના જીર્ણ થઈ ગયેલા ઓટલા ઉભરાઈ રહ્યા હતા. ચકરડીએ ચઢેલો વંટોળિયો સ્મશાનની ધૂળ ભેગી ચિતાભૂમિની રાખને પણ હવામાં ફંગોળી રહ્યો હતો. આકાશમાં વાદળો અથડાઈ રહ્યાં હતાં. ક્યારેક વીજળી ચમકી ઊઠતી હતી.

‘હારુ આટલા બધા કેમ કરીને મયરા? આજે એકહામટા જ...’ હરિયો ઝડપભેર ચિતા ઉપર મૃતદેહ ગોઠવવા માંડ્યો. હાંફતા જીવે પોરો ખાધા વગર મનોમન બબડી લેતો, ‘એકાદી ગાળી પાટા પરથી ખલવાઈ પયળી અહે, કાં તો પેલો નવો બનેલો પૂલ...’

થોડી જ વારમાં સ્મશાનભૂમિની આસપાસનું વાતાવરણ મડદાં બળવાની એકધારી તીખી વાસથી ગૂંગળાઈ ઊઠ્યું. ઘી-મીઠાના મારા વગર જ હરિયો સળગતા મડદાને સળિયાનો ગોદો મારવા માંડ્યો. એક પત્યું ને બીજું ખડકાઈ રહ્યું હતું; બીજું રાખ થયું ત્યાં તો ત્રીજું...

‘એમાં હું ફેર પડી જતે અઈલા, તાં મંદિર બાંધો કે મસ્જીદ?’ એક વૃદ્ધે બીડી પેટાવતા કહ્યું.

‘આટલા વરહ લગણ હિંદુભાઈ-મિયાંભાઈ હાથે જ રી’યા કે’ની!’ બીજાએ તપખીર તાણી.

ડાઘુઓની વાતચીતથી હરિયાને કંઈક અણસાર આવ્યો કે બે કોમ અંદરોઅંદર લડી મરી છે. મઢી ગામને છેવાડે આવેલું આ સ્મશાન તથા એને અડીને આવેલું એક ખોરડું ગામમાં ખેલાઈ ગયેલા લોહિયાળ જંગથી અજાણ રહી ગયું હતું.

‘ની મુલ્લો માઈનો, ની મા’રાજ... હું મઈલુ?’

‘કેટલાં ખણ કપાઈ ગીયા; આપળા બી, ને એ લોકના બી!’

સ્મશાનભૂમિ પર એકત્ર થયેલી ભીડમાં દરેક ઠાઠડીની સાથે કોઈ ને કોઈ વળગેલું હતું; વલોપાત કરતું હતું. હરિયો હંમેશાની માફક માત્ર જોઈ જ રહ્યો. એનાથી દરેક જણ એક અંતર બનાવીને ઊભો હતો. ચિતામાંથી ઊઠતો ભૂખરો ધુમાડો એની આંખમાં પેસી રહ્યો હતો. એણે ધુમાડો દૂર હડસેલવાનો કોઈ પ્રયાસ ન કર્યો. એ સાથે જ એના મસ્તિષ્કમાં સળગી ઊઠેલો સવાલ આંખમાં બળતરા આંજવા માંડ્યો. ‘આ લોકના તો હગા-વ્હાલા હો છે, પણ ઉં મરી જવા તો... હારા મને કોણ બાળહે?’

ભડભડ બળતી આગમાં મૃતદેહો બળીને ભસ્મ થઈ રહ્યા હતા. કેટલાંક ખાંધિયાઓ એક મોટો ભાર ખભેથી ઉતાર્યો હોય એમ હળવા થઈને સ્મશાન છોડીને જઈ રહ્યા હતા. મડદાંઓ બળી જઈને રાખના રૂપમાં ગટર તરીકે વપરાતી ખાડી તરફ વહી રહ્યાં હતાં. ઠાઠડી સાથે આવનાર દરેક જણ હાથ ખંખેરતો પોતપોતાના ઘર ભણી રવાના થઈ રહ્યો હતો. સવારથી મચેલો કોલાહલ ધીમે ધીમે મડદાં બળવાની તીવ્ર વાસની જેમ વાતાવરણમાં વિલીન થઈને પોતાની અસર ગુમાવી ચૂક્યો હતો. સ્મશાનભૂમિ ફરી એક વાર ભેંકાર બની ગઈ. ઊગતા અને આથમતા સૂર્યની વચ્ચે ઘણું બધું બદલાઈ ગયું હતું. જો કંઈક ન બદલાયું હોય તો માત્ર હરિયાના દિમાગમાં સળગી ઊઠેલો સવાલ- ‘મને આગ કોણ દેહે?’

સળવળતા સવાલ અને થાકેલા શરીર સાથે એ પોતાની ઓરડી ભણી રવાના થયો. આધેડ થઈ ચૂકેલું પહોળું અને ઠીંગણું શરીર અઢળક અંતિમ-સંસ્કારોના બોજથી હાંફી ગયું હતું. માથાના ઝીણા વાળ અને ગાલ પર કાયમી થઈ ચૂકેલા ચેચકના દાગ રાતના અંધારામાં મડદાનેય બીવડાવે એવા લાગતા હતા. મેલું જરસી અને કોથળા જેવો લેંઘો એના ગણવેશ બની ચૂક્યા હતા. ખાંધ પર લટકતો ગમછો મેશ જેવા મોઢે ચોંટેલી નિર્જીવ રાખને લૂછીલૂછીને ચીંથરેહાલ થઈ ચૂક્યો હતો. બોચી પરના ગૂચ્છેદાર વાળ ખંજવાળીને એણે ખિસ્સામાંથી તમાકુ કાઢી ફાંકી મારી. થોડું ચગળ્યા પછી કાળા પડી ગયેલા વાંકાચૂંકા દાંત વચ્ચેથી એક પિચકારી છોડી. પીળા થૂંકના બેચાર ટીપાં ફાંદ પર પડ્યા. જરસીની બાંયથી ફાફડા થોર જેવા હોઠ લૂછતા એ પોતાની ખોલી નજીક જઈ પહોંચ્યો. બારણાની સાંકળ બેત્રણ વખત ખખડાવી.

થોડી વાર પછી અંદરથી બારણું ખૂલ્યું. ઊંઘરેટી આંખોને પોતાના કુમળા કાંડાથી ચોળતી મિની મોટું બગાસું ખાઈને હરિયાને વળગી પડી. ફાંદ ફરતે વીંટળાઈ વળવા માટે એના હાથ ટૂંકા પડી રહ્યા હતા. હરિયાએ એને અળગી કરીને છાણ-માટીથી લીંપેલી ઓટલી પરથી લોટો ઊઠાવ્યો. રોજની માફક હાથ-મોં ધોઈને કોગળા કર્યા. માથે પાણીના છાંટા નાખ્યા. પછી મિનીના આછાં-સોનેરી વાળ ઉપર હાથ ફેરવ્યો, ને કાથીના ખાટલા ઉપર પડતું મૂક્યું.

‘ખાવું નથી, બાપુ?’ મિની બોલી, ‘બંને થાળીઓ સાંજની ઢાંકેલી પડી છે!’

હરિયો પલાંઠી વાળીને બેઠો. પણ એનું ધ્યાન થાળી ઉપર ઓછું અને સામેની કાચી ભીંત ઉપરથી ઉખડી રહેલી પોપડીઓ ઉપર વધુ હતું. દાળ-રોટલાનો કોળિયો ચાવ્યા વગરનો મોંમાં અટવાઈ રહ્યો હતો. એક નિસાસો નાખી એણે હોઠ ફફડાવ્યા, ‘મિની, હાંભરે કે?’

મિનીએ બાપુની સ્મશાનકથા સાંભળવા માટે ઉમળકા સાથે આંખ ઊંચી કરી.

‘ઉં મરી જવા તો મને કોણ બાળહે?’

મિની બે ક્ષણ માટે એને તાકી રહી. પછી એ જ ઉમળકાથી હસીને બોલી, ‘મારા સિવાય તારું છે કોઈ બીજું?’

‘તને આવળે કે મડદું બાળતા?’ હરિયાએ પણ રમૂજ કરી.

‘તું જ શીખવી દે ને, બાપુ!’ મિની બોલી, ‘તેં મને શાળાએ ભણવા મોકલી. હવે મારું તેરમું બેઠું. તને તો ગણતાંયે ક્યાં આવડે! શાળામાં જે ન શીખવાડાય એ તો તારે જ શીખવવાનું ને!’ પોતાના જ કપાળે ટપલી મારતા એ ફરી હસી.

હરિયાએ મિનીને અપલક તાકી રહેતા ગણગણાટ કર્યો, ‘બૈરાઓને મહાણમાં પેંહવા ની દેય તે આને ખબર અહે કે?’

થાળીમાં હાથ ધોઈ નાખીને એ ખાટલે પથરાયો. મિનીએ થાળીઓ ઊઠાવી. પાણી ભરેલા પ્યાલામાં હલી રહેલા પોતાના પ્રતિબિંબને એ જોઈ રહી. એને પોતાની બે ચોટલીઓ બોજારૂપ લાગવા માંડી. પોતે છોકરો હોત તો બાપુની ચિંતા હળવી કરત. એક નિસાસો ચિતાભૂમિના ધુમાડાની જેમ હવામાં તરતો મૂકીને એ ઓરડીની સાફસફાઈ કરવા માંડી. થોડી વાર પછી એણે પણ નાની ઢોલકી ઉપર લંબાવ્યું. ઓરડીની બંને ખૂણેથી ઊઠતા નિસાસા સાથે મધરાત પછીની બાકી રહેલી રાત ડચકા ખાતી વીતવા માંડી. ભેજવાળી હવા સ્મશાનની રાખની વાસ ફેલાવતી ખોરડા આગળથી પસાર થઈ રહી હતી. સન્નાટાથી કંટાળેલા કૂતરાં થોડી થોડી વારે ડોક ઊંચી કરીને આકાશમાં ઘેરાતાં જતાં વાદળાંને જોઈને રડી લેતાં હતાં. રાત નિર્જીવ બનીને વીતવા માંડી.

બીજે દિવસે હરિયો રોજની જેમ સ્મશાને હાજર થઈ ગયો. આજે થોડી નવરાશ હતી. છતાં આદત મુજબ લાકડાં ખડકીને ચિતા તૈયાર કરવા માંડ્યો. ગઈકાલ તો જાણે કે માનવતાનું બીભત્સ રૂપ દેખાડીને ચિત્કાર કરતી ચાલી ગઈ હતી. પણ આજે... હરિયાને બધું સૂનું સૂનું લાગ્યું. ઓચિંતો જ કંઈક અવાજ થતો ને એના કાન સરવા થતા. ક્યારેક કોઈ કૂતરું-બિલાડું આવી ચઢતું એટલું જ! એને એકલતા સાલવા લાગી. મડદાં વગરનું સ્મશાન આજે ખરેખર જ સ્મશાન જેવું, ઉજ્જડ ભાસતું હતું.

એટલામાં જ કોઈકનો પગરવ સંભળાયો. હરિયાની આશાભરી નજર ઠેકડો મારીને સ્મશાનના દરવાજે જઈ પહોંચી. એક સરકારી ગાડી આવીને ઊભી રહી. બે હવાલદારો ઉતર્યા. એકે સિસોટી મારીને બૂમ પાડી, ‘અંઈ આવ અલા. ઝાડવે ફાંહો ખાધો છે...’

હરિયો હાથ જોડતો દોડ્યો.

‘કેસ બનહે તો પાછી બબાલ રે...’ બીજા હવાલદારે હરિયાના કાનમાં ગણગણાટ કર્યો.

‘ગામનો છે કે, સાયેબ?’

‘ના રે, કોઈ અજાઈણો જ તો!’

એમની પાછળ બીજા બે જણ ગાડીમાંથી ઉતર્યા. જાડી ચાદરની લબડી પડેલી ઝોળી ઉંચકીને તેઓ ચિતાભૂમિ તરફ આગળ વધી ગયા. હવાલદારોએ આપસમાં ગુસપુસ કરી. પછી પોતાની સઘળી જવાબદારી જાણે કે હરિયાને માથે ઢોળી દેતાં હોય એમ કહ્યું, ‘લે અઇલા, હો રૂપિયા. પોટલી મારી જજે! ને કોઈને કે’તો નોખે!’

સરકારી ગાડી જતી રહી. હરિયાએ એક નજર જાણીતી નોટ તરફ તો બીજી નજર અજાણી લાશ તરફ ફેંકી. ‘હારા જેનું કોઈ ની ઓ’ય એને હો બાળવાવાલુ તો મલી જ રે’ય. પણ બાળવાવાલો જ કોઈ દા’ડો ની રે’ય તો?’ ફરી એના દિમાગમાં સળવળાટ થયો. એ વિચારની સમાંતરે એના દિમાગે બીજા એક વિચારને પણ જન્મ આપ્યો. એણે આસપાસ નજર દોડાવી. દિવસના અજવાળામાં પણ સ્મશાન ભયંકર અને વેરાન જ લાગ્યું. હાજર હતા માત્ર ત્યાં હરિયો, એક અજાણ્યું મડદું અને બેચાર કાગડા. વરસાદના છાંટા પડવા શરૂ થઈ ચૂક્યા હતા. દોડીને એ ઓરડીએ જઈ ચઢ્યો.

‘એઈ, ચાલ ની...’ મિનીનો હાથ ખેંચતા એ બોલ્યો.

‘ક્યાં, બાપુ?’

‘પાઠ હિખવા...’

‘પણ ગામમાં કર્ફ્યૂ છે એટલે શાળામાં રજા. કોમી રમખાણ...’ મિનીનું વાક્ય અધૂરું રહ્યું.

‘એમ હમજ કે આજે તારો વર્ગ ઇસ્કૂલને બદલે મહાણે છે.’

બંને હાંફતા હાંફતા ચિતાભૂમિએ જઈ પહોંચ્યા. કોઈ જોતું તો નથી ને એવી ખાતરી કરતો હોય એમ હરિયાએ આસપાસ નજર દોડાવી લીધી.

‘આ હળિયો પકડ. ઉં કેવ ત્યારે મડદાને ગોદો મારજે હેં!’ મિનીના નાનકડાં હાથમાં મોટું ઓજાર સોંપાયું.

કોઈક અજાણ્યાએ કરેલા આપઘાતથી મળેલું એક મૃત શરીર હરિયાની કાર્યશાળામાં મુખ્ય પદાર્થનો ભાગ ભજવવા માંડ્યું. મડદાની છાતી ઉપર વજનદાર લાકડાં ગોઠવીને આગ ચાંપવામાં આવી. લબકારા લેતી અગનજવાળાઓને મિનીની માસૂમ નજરો કુતૂહલતાથી તાકી રહી.

‘બીખ તો નથી લાગતી ને?’

‘ના, રે! મડદાંથી વળી તે કંઈ બીવાનું? બીવાનું તો જીવતાથી હોય, બાપુ!’

‘જો, હલગતી વખતે મડદું કેડમાંથી વાંકું વળવા માંડે તો આ ગોદાથી એની છાતી દબાવી રાખવાની. એવું લાગે તો એખાદું જાડું લાકડું એની ઉપર મૂક્યાપ્પાનું.’

સળગતી હોળીમાં નાળિયેર હોમે એમ મિનીએ લાકડાનો એક ટુકડો ચિતામાં ફેંક્યો.

‘ને હાંભળ, મડદામાંથી ક્યારેક પાણી હો છૂટી પડે. આગ ઓ’લવાઈ ની જાય તે હારુ મૂઠા ભરીભરીને આખું મીઠું ને તલ લાખતા રે’વાનું...’

મિનીએ કોઈના વધેલા તલ-મીઠાનો મારો ચલાવ્યો. એકધારી ગરમીથી એની ચામડી પર લાલાશ વર્તાવા માંડી હતી.

‘મડદું બો લાંબુ ઓ’ય ને તો હાત-પગના પંજા-આંગળા છૂટા પડીને ચિતામાંથી બા’ર હો પડી જાય કોઈ વાર. તો આ પાવડાથી હાંભરી હાંભરીને પાછા અંદર લાખી દેવાના, પડી ને હમજ? કંઈ હો ધાડ નથી મારવાની.’

હરિયો શીખવતો ગયો. મિની અનુસરતી ગઈ. મડદાની ચામડી બળતી રહી. પોલાં હાડકાં ફૂટતાં રહ્યાં. સળિયાના ગોદા પડતા રહ્યા. તીવ્ર અને તીખી વાસ વાતાવરણમાં ફેલાતી રહી. સાથે સાથે હરિયાના ચહેરા ઉપર સંતોષની રેખાઓ ઉપસતી રહી. એને હાશકારો થયો. મિની હીખી જહે તો મને આગ એ જ દેહે!

એ હાશકારો હૃદયમાં સાચવીને એણે મડદાં બાળવાનું ચાલુ રાખ્યું. એમ ને એમ દિવસો વીતતા ગયા. ચોમાસું જોર પકડતું ગયું. વીજળીના કડાકા અને ધોધમાર વરસાદ વાતાવરણને ગજવી રહ્યા હતા; ભીંજવી રહ્યા હતા. એ ભીંજાયેલા વાતાવરણે હરિયાને એક દિવસ બીમાર પાડ્યો. શરીર સાવ લેવાઈ ગયું. ખોરાકનો કોળિયો ગળાની નીચે ઉતરવા મથામણ કરવા માંડ્યો.

‘બાપુ, મને તારી બહુ ચિંતા થાય છે!’ મિની હિબકે ચઢતા બોલી.

‘એમાં ચિંતા હેની?’ અસ્પષ્ટ અવાજે હરિયાએ કહ્યું.

‘પણ તને કંઈ થઈ ગયું તો?’ મિની ઊભી થતાં બોલી. ‘હું ગામમાંથી ડોક્ટરકાકાને તેડી લાઉં...’

મિનીને હાથ પકડીને રોકી શકે એટલી પણ શક્તિ હરિયામાં રહી નહોતી. વળી એ મિનીની ગેરહાજરીમાં આંખ મીંચવા માગતો નહોતો. પણ મિની તો પલકારો ઝબકાવતા જ એની સૂજેલી આંખોથી ઓઝલ થઈ ગઈ. ઓરડામાં માત્ર તેજ ચાલી રહેલા શ્વાસનો અવાજ પડઘાઈ રહ્યો. એ પડઘાને ચીરવા મથતા તમરાંઓ તીણા અવાજે કરુણ ગીત ગાઈ રહ્યાં હતાં. હરિયાનું શરીર ઢીલું પડી રહ્યું હતું. આંખના પોપચાં વજનદાર થઈને ઢળી પડતાં હતાં. ગળું સૂકાતું જતું હતું. ખાટલાની નીચે પાણીનો લોટો ફંફોસતો હાથ ઠંડો થઈને ધ્રૂજી રહ્યો હતો. એને ડોકટરની નહિ, મિનીની જરૂર વર્તાતી હતી. ઉઘાડ-બંધ થતી બારીમાંથી એણે બહાર જોવાની કોશિશ કરી. ગાઢ અંધારામાં આકાશ ચીરતા વીજળીના લીસોટામાં એણે મૂશળધાર વરસાદ વરસતો જોયો.

‘બો ટાઇમ થેઈ ગીયો, મિની ની દેખાતી ને!’  

વીજળીના ચમકારાએ એની ભારે આંખો પહોળી કરી દીધી. પૂરું બળ લગાવીને આખરે ઊભો થયો ને હાંફળોફાંફળો થતો બહારની બાજુએ ભાગ્યો. સ્મશાનના દરવાજા નજીક સરુના ઝાડ નીચે એક મોટો ખાડો દેખાયો. જોયું તો ઝાડ આખું બળીને કાળું પડી ચૂક્યું હતું. વરસાદે કદાચ એના ડાળખી-પાંદડાં સળગતાં રોકી દીધાં હશે એટલે ઠેરઠેર માત્ર ધુમાડો નીકળી રહ્યો હતો. ઝાડના થડ પાસે પડેલા ઊંડા ખાડામાં જેવી હરિયાની નજર પડી કે એની આંખો ખોફથી ફાટી પડી. એના શરીરમાંથી વીજપ્રવાહ પસાર થઈ ગયો હોય એમ એ આખો ધ્રૂજી ઊઠ્યો. મિનીનું કાળું પડી ગયેલું શરીર ખાડામાં ચત્તુપાટ પડેલું જોઈને હરિયો ત્યાં જ થીજી ગયો. નાજુક શરીર શેકાઈને કોલસા જેવું થઈ ગયું હતું. એના કુમળા અંગો ધુમાડાની ઝીણી સેર છોડી રહ્યાં હતાં. હરિયો ફસડાઈ પડ્યો; ભાંગી પડ્યો. જાણે કે હૃદય ઉપર વજ્રાઘાત થયો! મિનીને છાતીએ વળગાડીને દોડ્યો એ તો ગામના પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપર.

‘આ તો ગુજરી ગઈ છે.’ નર્સે આવડત મુજબ નાડી-ધબકારા તપાસ્યા ને સપાટ ચહેરે નિદાન આપ્યું, ‘કશું નથી બચ્યું.’

આખી રાત હરિયો મિનીને સોડમાં ઘાલીને સારવાર કેન્દ્રના ઓટલે બેસી રહ્યો. મડદું સૂંઘતી આવી પહોંચેલી મસીઓને એ એક હાથે હડસેલતો રહ્યો. ક્યારેક અંધારિયા આકાશમાં લપકારા મારતી વીજળીને એ ધૃણાથી જોઈ લેતો.

‘હવે મોડું નહિ કર.’ સવાર થતાં એક અધિકારીએ કહ્યું. ‘તારે ક્યાં ગામ ભેગું કરવાનું છે?’

હરિયો ભારે હૃદયે મિનીના અચેતન દેહને ઘરે લઈ ગયો. એને શણગારવા માંડી. વિદાયની તૈયારી કરી. બંને હાથમાં ઊઠાવીને ઘરેથી સ્મશાન તરફ જવા પગ ઊપાડ્યા, એ જ રીતે જે રીતે તેર વર્ષ પહેલાં સ્મશાનના દરવાજેથી ઉપાડીને એને ઘરે લઈ આવ્યો હતો. ત્યારે દુનિયાએ મિનીને તરછોડી દીધી હતી, આજે મિનીએ દુનિયાને... ‘લોકો બી કેવા...’ વીતી ચૂકેલી ક્ષણ હરિયાની નજર સામે તરવરી ઊઠતા એ બબડાટ કરવા માંડ્યો. ‘મહાણે તો કોઈ મડદું છોડી જાય; આ તો હારુ કોઈ જીવતી પોરીને જ ફેંકીને...’

સ્મશાને પહોંચતા જ એને કંઈક વિચિત્ર લાગણી થઈ આવી. એ રોજ અહીં આવતો. ખાલી હાથ. પણ આજે એ મડદું લાવ્યો હતો. જાણે કે પોતાનું જ મડદું એ પોતાની ખાંધ ઉપર ઉપાડીને આવ્યો હતો. એણે દીકરી સાથે સમય વિતાવવો હતો. મિનીના બળી ગયેલા ચહેરાને એ પંપાળી રહ્યો. એટલામાં પાછળથી એક ઘોઘરો અવાજ આવ્યો, ‘અઈલા, ચાલ તો... ઠાઠડીઓ આવી છે!’ હરિયો સૂનમૂન થઈને દીકરીને વ્હાલ કરતો કંઈક હાલરડું જેવું ગણગણી રહ્યો હતો. ડાઘુઓ ઉતાવળ કરી રહ્યા હતા. બે ઠાઠડીઓ એકસામટી આવીને સ્મશાનને દરવાજે ખડકાઈ ચૂકી હતી.

‘એને રડી લેવા દો થોડી વાર!’ એક વૃદ્ધ બોલ્યો. સગાંઓ ફરી પોતપોતાના મૃતદેહો નજીક ટોળે વળ્યાં. થોડી વિધિઓ ચાલી. ફરી ડાઘુઓને મસાણિયાની જરૂર વર્તાઈ. આગેવાન હરિયાને બોલાવવા આવ્યો.

પણ... પણ, મસાણિયો ક્યાં? હરિયો ક્યાં? શોધખોળ ચાલી. આખું સ્મશાન ફેંદી વળ્યા. અમુક જણ ખોરડે પણ તપાસ કરી આવ્યા. પરંતુ, મસાણના રખેવાળનો પત્તો કશે ન જડ્યો.  સ્મશાનમાં મૂક વલોપાતનો એક વંટોળ ઊઠ્યો.

બળવા માટે સજીધજીને સૂતેલા મૃતદેહો ચિત્કાર કરી ઊઠ્યા, ‘અમને બાળહે કોણ?’

***ઓમ શાંતિ***

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ