વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડમરી

 

રાંધણિયામાં ખીચડી ઓરતી આહીરાણીના હાથ સહેજ ધ્રુજ્યા.

'આજ બે વરહે તૈણ જણનું આંધણ ચૂલે ચડ્યું.' એના મનમાં થયું.

ધ્રૂજતાં હાથ પરના છૂંદણાંમાં રહેલ પોતાનું અને આહિરનું ભેગું જ છુંદાવેલું નામ પણ સહેજ ધ્રૂજ્યું હોય એવું લાગ્યું. 'વિરમ..અવ્વલ' એટલું વાંચતા તો છારીવાંઢની પંચાયતી શાળામાં એ શીખી હતી.

જૂના વાહનની ખરેરાટી જેવો મઘી ડોશીના ગળામાંથી કફનો અવાજ અને પછી ખાંસવાનો અવાજ ફળિયામાંથી આવ્યો. ખીચડીના તપેલાંને અડધું ઢંકાય એમ છીબું ઢાંકતીક પાણીનો લોટો લઈને એ ફળિયામાં દોડી. ખાટલા પર બેઠેલી ડોશીના વાંસા પર હાથ ફેરવીને પાણી આપ્યું. પાસે રહેલું ડબલું લઈને એનાં મોઢા પાસે ધર્યું. મઘી ડોસીએ કફ થૂંક્યો એટલે ખાંસી શાંત થઈ. અવ્વલના કડલાં અને કામ્બીના અવાજથી રાતનો સન્નાટો થોડો ખખડ્યો.

રણકાંઠે આવેલા છારીવાંઢમાં માઝમ રાત પથરાઈ હતી.  જોબનવંતી નારના મનમાં ઉઠતાં સોણલાં જેમ આકાશમાં તારા ટાંકેલા હતાં. ફળિયામાં એક બાજુ પડેલા વિરમની ટ્રકના ટાયર પર અવ્વલની નજર ગઈ. દોડીને ટાયરને છાતી સરસું ચાંપવાનું મન થઈ ગયું. ક્યારેક એ આવું કરતી ત્યારે ડોશીથી નિઃસાસો નખાઈ જતો.

એ અવ્વલની વિરમ સાથેની પ્રીત જાણતી,  તોય છણકો કરીને કહેતી,  'એમ ટાયરને બથોડા ભર્યે જીવતર ચ્યમ જાય?'

'અવુ, મે'માન હારું લાપસીનું આંધણ મેલ્યું?' થોડી શાંતિ થતાં મઘી ડોશી બોલી. ડોશીના અવાજથી ભાનમાં આવી હોય એમ અવુથી પરસાળના થાંભલાને અઢેલીને બેઠેલા રણમલ સામે જોવાઈ ગયું.

'ના માડી મું તો ખીચડી મેલી.' વાળી લેતી નજર સાથે એ બોલી.

મઘી ડોશીને ન ગમ્યું. 'વિરમો ગ્યો તી'કેડે પે'લી વાર આ રણમો આયો.'

રણમલ વિરમનો ખાસ ભેરુબંધ. છારીવાંઢની બાજુમાં જ આવેલા જિયાપર ગામમાં રહેતો. વિરમ અને અવ્વલના લગ્ન પહેલાથી જ રણમલને અવ્વલ પ્રત્યે આકર્ષણ હતું. પરંતુ પછી એણે ભાઈબંધની પત્ની તરીકે એની મર્યાદા જાળવી હતી. પહેલા ઘણીવાર આવતો પણ જ્યારથી વિરમો કચ્છની સરહદેથી ગુમ થયો પછીથી રણમલનું વિરમના ઘરે આવવાનું ઓછું થઈ ગયું. છારીવાંઢમાં મોટે ભાગે આહીરની વસ્તી હતી જેમાંથી ઘણાખરા ટ્રક ચલાવવાનું કામ કરતાં.

ડોસીને જવાબ આપ્યા વગર સાડલો સંકોરતી અવ્વલ અંદર ચાલી ગઈ. ચૂલામાં બળતણને જરાક સરખું કરીને ફૂંક મારી, આંખમાં કંઈક ઉડીને પડ્યું. થોડી બળતરા સાથે પાણી આવી ગયું. આંખ ચોળતાં એણે ઓસરીમાં રાખેલ ફાનસની વાટને સંકોરી. જરાક અજવાળું વધ્યું એટલે પરસાળમાં બરાબર ઓસરીની સામે બેઠેલ રણમલનો ચહેરો થોડો વધારે ઉજળો લાગ્યો. ઘડીક એની આંખ રણમલ સાથે મળી. આંખ મળતાં જ વધેલા અજવાળાથી વધી ગયેલી ગરમીએ જાણે બધી હવા શોષી લીધી હોય એમ અવ્વલને મુંજારો થયો અને એણે આંખ ઝુકાવી દીધી. દોડીને ઓરડાનો દરવાજો ખોલી નાખ્યો. કિચૂડાટ સાથે ખુલેલા દરવાજામાંથી ઓરડાની પાછલી બારીની  હવા સાથે કેટલીય રાતો અને અને વાતો બહાર ધસી આવી. એને બહાર જતી રોકવા અવ્વલ દરવાજા પાસે બેસી પડી. ખબર નહીં કેમ પણ આ રાત જલ્દી વીતી જાય એમ એ ઇચ્છતી હતી.

ચૂલા પર ખીચડી ઉકળવાનો બડ બડ જેવો અવાજ આવી રહ્યો હતો. અવ્વલે ઓરડાની અંદર નજર કરી. વિરમના ખોવાયા પછી એ ભાગ્યે જ ઓરડો ખોલતી. એ રાંધણિયા પાસે પથારી કરીને સૂઈ જતી અને મઘી ડોશી ક્યારેક ફળિયામાં તો ક્યારેક ઓસરીમાં ખાટલો ફેરવ્યે રાખતી. એકનો દિકરો અને એકનો ધણી ખોવાયો હતો એટલે જાજી ફરિયાદની જગ્યા નહોતી. રણમાં આંધી ઉઠ્યા પછી ચારેબાજુ પથરાઈ ગયેલી રેતાળ જિંદગી બેઉં જીવી રહ્યા હતાં.

ઉકળાટ વધી રહ્યો હતો. અવ્વલની નજર સામે ઓરડાનો ખાલી ઢોલિયા પર વિરમ સાથે ગાળેલો સમય પસાર થવા લાગ્યો.

આખું ગામ આ સારસ બેલડીની પ્રીત જાણતું. કામ-રતિની જોડી જાણે!

'ક્યા પુણ્યે આવી જોડીયું બનતી હશે? એક બીજા વિના કોળિયો તો ઠીક શ્વાસેય લેતાં હશે કે કેમ!' એવું ગામવાળા વિચારતા.

'આહીર,  જાગે સે?' પોતાના લાંબા વાળ પતિના મોઢા પર ફંગોળતા અવ્વલ બોલી. અવ્વલ કામ પતાવીને ઓરડામાં આવે ત્યાં સુધી એની રાહ જોતાં જાગતાં જ આંખ બંધ કરીને આડા પડેલા વિરમે આંખ ખોલી.

'આહીરાણી, તારી ઓથ વન્યા તો આંખ્યુ શે બિડાય?' વિરમે અવ્વલને ગળે વળગાડીને કહ્યું.

'મારા આહીર, જાજેરી પ્રીત શે ખમાશે!' અવ્વલની આંખે ઝળઝળિયાં આવ્યા.

'તંયે ઈમા ઘટ કર્યે પાલવશે?' નેહ ઝરતી આંખે આહીર વિરમ,  પોતાની સુંદર આહીરાણીનું મોઢું હડપચીથી ઊંચું કરીને એની આંખ સામે જોઈને બોલ્યો.

ડોકું ના માં ધુણાવીને અવ્વલે વિરમની પહોળી છાતીમાં માથું ખોસી દીધું.

'ભો લાગે સે વિરમ, નજરાઈ જઈ તો?'

'જન્મોનો હંગાથ ઈમ નો છૂટે અવુ, ઘેલી વાતો કર મા.' અને ધણીએ આપેલા સધિયારા સાથે અવવ્લ, વિરમની સોડમા સુખની નીંદર માણતી.

રોજરોજની કેટલીય આવી સ્નેહભીની રાતો અચાનક એક દિવસ સંકેલાઈ ગઈ.

વિરમ કચ્છની પાકિસ્તાન બાજુની સરહદ પર ટ્રક લઈને કોઈ કામથી ગયો હતો. ત્યારે કોઈક કારણસર સરહદ પર બેય દેશોના જવાનો વચ્ચે નાનકડું છમકલું થયું. ગોળીથી જાતને બચાવવા ભાગવા જતાં વિરમ પાકિસ્તાનની સરહદમા ઘૂસી ગયો અને ત્યાંના સૈનિકોના હાથે ઝડપાઈ ગયો હતો. એની સાથે સરહદ પર કામ કરતો એનો બીજો એક સાથી પણ ઝડપાયો હતો,  જેની લાશ પછીથી મળી હતી. પરંતુ વિરમનો કોઈ પત્તો નહોતો ખાધો. ત્યારે ગોળીઓની એટલી બધી રમઝટ ચાલી હતી કે વિરમ બચી શક્યો હોય એ શક્યતા નહિવત હતી.

બધાં લોકોનું, સરહદ પરના જવાનોનું અને હવે તો મઘી ડોશીનુંય એવું જ માનવું હતું કે વિરમ હવે નથી રહ્યો.

એક અવ્વલ જ હતી કે રોજ દિવસ ઉગવામાં જેવો ફેર પડે એવો એનો વિરમની રાહ જોવામાં ફેર પડે. સાંજે વિરમના આવવાના ટાણે ખડકી સામે તાકીને બેસી જાતી. અંધારું ઘેરાતાં મઘી ડોશી રાડો પાડીને થાકે ત્યારે સજળ આંખે ઘરમાં આવતી.

રાતોની રાતો ભર્યા જોબનનો ભાર વેંઢારતી એ વિરમના ફોટાને છાતીએ ચાંપીને ઢોલિયા સામે બેસી રહેતી. ખાંસતી ડોશીનો દમિયલ ચહેરો જોઈને દોડતીક અરીસા સામે જઈને પોતાના ચહેરા પર હાથ ફેરવી આવતી.

મઘી ડોશી કહેતી, 'અવુ, ખૂટ્યા દિવેલ જેવી મારા ખોળિયાની જો'ત (જ્યોત) હવ ચ્યા લગી? હારે ઠેકાણે નાતરું કર્ય તો હુંયે ટાઢે કોઠે જઉ.'

'રેઢા ખળેથી તમુએ બાજરી ખણી સે માડી, એમ ની ખૂટે. એક ભવમાં બે ભવ કરે ઈ વિરમની અવ્વલ નઈ!' ડોશીની વાત ઉડાડી દેતાં એ કહેતી

'મારો આહીર આવસે.'ની રટ લગાવીને બેઠેલી અવ્વલને સમજાવવી મુશ્કેલ હતી.

ઠણક..અવાજ સાથે છીબું ઉભરાનો ભાર સહન ન કરી શકવાથી તપેલી પરથી નીચે પડ્યું. અવ્વલે ઝટથી કડછી લઈને ખીચડી હલાવી. ખીચડી ચડી ગઈ'તી. માથે ઓઢેલો સાડલો દાંતમા ભરાવતી ઓસરીના મોઢા પાસે આવીને એ બોલી, 'માડી વાળું તીયાર સે.'

મઘી ડોશીની આંખમાં અવ્વલ માટે રણમલ વસ્યો હતો. પણ અવ્વલને કહેતાં જીભ નહોતી ઉપડતી. છારીવાંઢમાં  ઉઘરાણીએ આવેલો રણમલ ડોશીની ખબર કાઢવા દીવાટાણે આવ્યો એટલે ડોશીએ જ આગ્રહ કરીને એને રોક્યો. એ બહાને અવ્વલ એનાથી વાત કરીને થોડી પોતાનાથી છૂટી થાય.

'રણમા જા, ઓસરીયે જઈ વાળું કર.'  મઘી ડોશીએ કહ્યું એટલે રણમલ અંદર ગયો. 

ખીચડી સાથે સવારનો વધેલો પપૈયાનો સંભારો અને છાશની વાટકી ડોશીને આપવા બહાર આવતી અવ્વલ ઉંબરા પરના અંધારામાં અંદર આવતા રણમલ સાથે અથડાઈ. રણમલના કસાયેલ શરીર સાથે અથડાતાં શરીરમાં ડમરી જેવું ઉઠ્યું અને અવ્વલે ઝડપથી પગને પાછો ઉંબરાની અંદર લઈ લીધો.

સાડલો સંભાળતી બાજુ પર હટીને બોલી, 'પડથારે બેહો,  ભાણું પીરસી દઉ સુ.'

હોંકારો દેતાં રણમલ અંદર જઈને બેસી ગયો. ફાનસના ઝાંખા અજવાળામાં એની થાળી પીરસતા રણકી ઉઠેલા અવ્વલના હાથના બલોયા રણમલ જોઈ રહ્યો. રણમલની નજરનો પીછો કરતી અવ્વલની નજર પોતાનાં હાથના બલોયા પરથી પાંચેય આંગળીએ પહેરેલા વેઢ પર ગઈ.

'વિરમા વેઢ પેરવા તો મુને ઈવા ગમે કે એમ થાય પાંચેય આંગળીયે પેરુ.' નવી પરણીને આવેલી અવ્વલે  વિરમને કહ્યું.

અને ચોથા દિવસે તો વિરમો એક બોક્સ લઈને આવ્યો.

'મારી હાટુ લાયો આ ડબ્બુ? ' કહેતાં એણે વિરમના હાથમાંથી બોક્સ લેવાની કોશિશ કરી.

'ઈમ ન મલે ઈ.' વિરમે હાથ પાછળ કરી લીધા.

અવ્વલના હાથની લાપસી ખાઈને રાતના ઢોલિયા પર બેસીને એણે એના ડાબા હાથની પાંચેય આંગળી પર ચાંદીના વેઢ પહેરાવી દીધા. પછી એ વેઢ રોજ રાતના ઉતરતા અને સવારના પાછાં પહેરાઈ જતાં.

'બસ થ્યું.' રણમલનો અવાજ સાંભળીને એને ખીચડી પીરસતા અવ્વલના હાથ અટક્યા.

વાળું કર્યા પછી રણમલ મઘી ડોશી પાસે આંગણામાં રેયાણ કરવા બેઠો. અવ્વલને આજે આમેય ઓરડામાં સૂવું પડે એમ હતું. એ અંદર જઈને,  પાછલી બારી પાસે બેસી ગઈ. ખબર નહીં કેમ પણ એનાં મનમાંથી એક સૂર ઉઠી રહ્યો.

'આજની રાત હેમખેમ વીતે બસ.'

અંધારિયા રણથી ટેવાયેલી આંખો દૂર જોવા લાગી. દિવસોથી મૂંગા પડેલા રણમાં બેસી ગયેલી ડમરી આજે  ફરી ઉઠી હતી. ડમરીથી ઉડેલી રેતીના કણો ક્યાંક આંખમાં ઉડીને ખૂંચશે એ બીકે અવ્વલ બારી બંધ કરવા જતી હતી પણ મન ન થયું. કેમ જાણે ડમરી ગમવા લાગી હોય! ક્યાંક કૂતરું રડવાનો અવાજ આવી રહ્યો.

ફળિયે બેઠેલી મઘી ડોશીએ સાંભળ્યું હોત તો કહેત,  'કૂતરું રુએ ઈ અપશગન કે'વાય.' 

થોડીવાર પહેલા ઉઠેલી ડમરી વધુ વેગેલી બની હોય એવું લાગ્યું. અવ્વલના સુવાંળા વાળ પવનથી ખુલ્લા થઈ ગયા. છાતી હાંફવા લાગી. તંગ થયેલી છાતી પરથી સાડલાનો છેડો સરકી ગયો. શરીરને ભીંસ આપતી ડમરીની સાથે આવતાં રેતીનાં કણો ચૂભવા લાગ્યા. આખા શરીરે લ્હાય લાગી. એ સફાળી ત્યાંથી ઊભી થઈ ગઈ અને ઢોલિયા પાસે આવીને નીચે બેસી ગઈ. તકિયાને ઉપાડીને અડધી ખુલ્લી થયેલી છાતીએ ચાંપ્યો. હોઠને સખત રીતે ભીડીને ડમરીને નાથવા મથી રહી. હોઠ પર લોહી ફૂટી નીકળ્યું.

'અંદરથી તાડપત્રી લઈ આય.' રણમાં ઉઠતી ડમરીની પારખું મઘી ડોશીએ રણમલને અંદર મોકલ્યો.

ખટાક.. અવાજથી અધૂડકો વાસેલો ઓરડાનો દરવાજો ખુલ્યો. અવ્વલ ઊભી થઈ ગઈ. સામે રણમલને જોઈને બઘવાઈ ગઈ. રણમલ અવ્વલની રૂપ નીતરતી કાયા પરથી ઇચ્છવા છતાં નજર ન હટાવી શક્યો. એ નજીક આવ્યો. રણમલ અને એની વચ્ચે હવે ખાલી રેતીના કણો જ હતાં.

રણમલ ઉભો હતો એની પાછળની દિવાલ પર ટીંગાડેલા વિરમનાં ફોટા પર અવ્વલની નજર ગઈ.  બારીમાંથી ઊડતી ધૂળ એ ફોટા પર ચડતી ગઈ,  ધીરે ધીરે ફોટો આખો ઢંકાઈ ગયો. ઓસરીમાં બળતું ફાનસ ઓલવાઈ ગયું.

બીજા દિવસની સવારનો સૂરજ ખબર નહીં કેવી લાલાશ લઈને ઉગવાનો હતો!

પ્હો ફાટતાં અવ્વલની આંખ ખુલી. ચોળાયેલા ઢોલિયા પરથી એ સફાળી બેઠી થઈ ગઈ. રણ હવે શાંત હતું. શરીર પર સાડલો નાખતા એ ઊભી થઈ. પછીથી ઓસરીમાં જઈને સૂતેલા રણમલને એણે જોયો. તરત ત્યાંથી નજર હટાવીને એ વિરમનાં ફોટા પાસે આવી. સવારના અજવાળામાં ચોખ્ખા દેખાતા ફોટાને તાકી રહી અને પછી પોક મૂકીને રડી પડી.

'આહીર, તારી અવ્વલ ન રઈ મું..  વિરમા તારી આહીરાણી અભડાઈ જઈ..'

એની નજર સામે બારીમાંથી દેખાતા રણમાં એને વિરમનો આકાર ઉભરતો લાગ્યો. એ ઊભી થઈને બારી પાસે આવી.  'અવ્વલ..' બૂમ પાડતો દોડતો હોય એવું લાગ્યું. ફરી રણ તોફાને ચડ્યું હોય એમ ધૂળના ગોટેગોટા ઉડવા લાગ્યા. વિરમનો આકાર એ ધૂળમાં દટાવા લાગ્યો. પહેલા એના પગ, પછી કમર, હાથ અને ધીરે ધીરે એના ખભા સુધીનું શરીર દટાઈ ગયું જાણે. વેગીલા પવનની ડમરી આટલું ભરખ્યાં પછીયે ભૂખી હોય એમ માથું પણ દટાઈ ગયું હોય એવું અવ્વલને લાગ્યું. એ અવાક બનીને જોઈ રહી.

'વિરમાઆઆ...ઘડીક રેજે.  હુંયે આવું સુ. તારા વન્યા જીવતર ભારી થસે..' આંસુભરી આંખે એણે ચીસ પાડી.

ઢોલિયા નીચેથી પેટારો ખેંચીને એમાં રહેલી કટારી કાઢી...

પાકિસ્તાનીઓ દ્વારા પકડાયેલ ભારતીય નાગરિકોને છોડાવવાની કવાયતનાં પરિણામરૂપે આજે જ છૂટીને હોંશભેર વિરમો પોતાનાં ઘર તરફ આગળ વધી રહ્યો. અચરજ અને આનંદથી એને જોતાં ગામલોકો બે ઘડી ઉભાડીને ખબર પૂછવા લાગ્યા.

'આહીર, તારી આહીરાણીના સતનું કેવું પડે હો! દિ રાત તારું નામ જપે એવી એને પુરો ભરોહો કે મારો આહીર આવસે.' 

'ને જો કેવા પતિવ્રતાનાં તેજ! તી દુસ્મન દેશથીય તું હેમખેમ આયો. માતાજી રખોપા કરે તમુ જોડલાના.' 

આવા વાક્યો સાથે રસ્તામાં મળતી ગામની સ્ત્રીઓ વિરમનાં દુઃખણા લેતી રહી.

અવ્વલના વખાણ સાંભળતો,  મનમાં હરખાતો આહીર ઘરની ડેલીમાં પગ દે છે ને ફળિયામાં જ જોરજોરથી રડતી માને જોઈ.

અચાનક બે વરસે હેમખેમ આવેલા દિકરાને જોઈને ખુશ થવું કે બની ગયેલ અમંગળને રડવું! મઘી ડોશી નક્કી ન કરી શકી.

મોટા પગલાં ભરતો વિરમ અંદર જઈને જુએ છે તો એની પ્રાણથીયે પ્યારી આહીરાણીનો નિષ્ચેત દેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. પેટમાં કટારીના ઘા વાગેલા હતાં. તમ્મર ખાઈ ગયો આહીર.

અવ્વલ પાસે પોતાના ઓરડામાં ઉભેલો રણમલ, ચોળાયેલ, ધૂળમાં રજોટાયેલ ઢોલિયો અને ઢોલિયા પર ઉતારાયેલ અવ્વલના પાંચેય આંગળીના વેઢ જોઈને ચતુર આહીર પળમાં રાતે આવેલી ડામરીનો અણસાર પામી ગયો.

છતાંય જીવથીયે વહાલી અવ્વલને માનપૂર્વક વિદાય આપવા એણે રણમલને તૈયારી કરવા કહ્યું.

રણમલ ગયો એટલે એ નીચે બેસી પડ્યો. અવ્વલનું માથું ખોળામાં લીધું.

'રે આહીરાણી....એક રાતની ડમરી આડી પડીને, આપણી  વચ્ચે જન્મારાનું છેટું થઈ ગ્યું....' એ પોક મુકીને રડી પડ્યો.

વહાલી આહીરાણીને જાજા જુહાર કરતો હોય એમ કોઈકે ઉતારેલા એની આંગળીઓના વેઢ ઢોલિયા પરથી લઈને છેલ્લીવાર એને પહેરાવ્યા.

 

*સમાપ્ત*

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ