વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી પત્નીનો બૉયફ્રેન્ડ


                  મારી પત્નીનો બૉયફ્રેન્ડ

ભડભડ બળતી ચિતામાંથી ઉડતા અંગારના તણખા હવામાં આમતેમ ફેલાઈને વિખેરાઈ જતા હતા. ઉપર ઊઠતી ધૂમ્રસેરની સાવ નજીક ઊભા રહેલા પાર્થની બળતી આંખો અને શેકાતું મન જોઈને હવે સ્મશાનગૃહ પણ થાક્યું હતું. તૂટી જઈ પછડાતા મનને માંડ પકડી રાખી પાર્થ વ્હાલસોયી પત્નીની ચિતાને તાકતો રહ્યો; જેનું પડખું સેવેલું, જેની સાથે અંગત પળો માણેલી તે સાવ અચાનક સાથ છોડી ગઈ. સામે હતું, મીણની માફક ઓગળી રહેલું એક શરીર. રહી ગઈ હતી માત્રને માત્ર જીવાઈ ગયેલી યાદો અને ચારે તરફ વેરાયેલા ખાટામીઠા સ્મરણો. જડ બની ગયેલો પાર્થ તદ્દન શૂન્યમનસ્ક! તેની ચોપાસ જાણે કાળો નિ:શબ્દ અંધકાર.

પાર્થને ખભે એક હાથ મૂકાયો. તેણે પાછળ જોયું. વ્હીલચેર છેક તેની પાછળ આવી અટકી હતી. સફેદ ઝભ્ભામાં વીંટળાયેલો અંકિતનો દેહ પૂતળાની માફક તેમાં ગોઠવાયેલો હતો. તેના નંખાયેલા ચહેરાની નિસ્તેજ આંખો જીગરી મિત્રને તાકતી હતી. પાર્થના ખભા સુધી લંબાયેલો એ હાથ સહાનુભૂતિ અને હૂંફ પ્રદાન કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો રહ્યો.

સફેદી ઘેરા અંધકારને ચીરતી બોલી ઊઠી, "આપણે પરફેક્ટ સ્કોર ફોરમાંથી થ્રી થઈ ગયા તેમાંય હું તો સાવ ઇમપરફેક્ટ. અડધો અધૂરો." પગની ગેરહાજરી પૂરાવતા પોતાના લબડતા પાયજામાને તાકતા અંકિતે આંખના ખૂણા લૂછ્યા પરંતુ ભીતર ટપકતી પીડાને નહોતી લૂછી શકાઈ.

"અડધો તો હું થઈ ગયો દોસ્ત. મારી અર્ધાંગીની આમ અધવચ્ચે... બટ થ્રી ઇઝ કંપની. તું આવું ન બોલ. જિંદગી જેવી છે તેવી જીવવાની તો છે જ. સમ હાવ થોડા વખતથી મીનુ સુનમુન રહેતી હતી. ડિપ્રેશન હતું એટલે જ મને એમ થતું કે આપણે હરીશું ફરીશું તો એ મૂડમાં રહેશે. એ ના પાડ્યા કરતી પણ આમ અચાનક હાર્ટ ફેલ્યોર..." પાર્થે મિત્રનો હાથ પકડી લીધો જાણે આવા સમયે એ તેનો સધિયારો ઈચ્છતો હોય. વ્હીલચેરનો હાથો પકડીને પાછળ ઊભેલી સાક્ષી તરફ તેણે એક અછડતી નજર ફેંકી.

મરણ પ્રસંગને અનુરૂપ સફેદ સાડી પરિધાન કરેલી સાક્ષી ચૂપચાપ આ બન્ને મિત્રોને સાંભળી રહી હતી. અપંગ પતિને એક પળ પણ રેઢો ન મૂકવો હોય તેમ તેણે વ્હીલચેર પરની પકડ મજબૂત કરી. તેના સોહામણા ચહેરા પર ગમગીની છવાયેલી રહી. સુંદર ચતુષ્કોણ રચતી ચોથી રેખા અચાનક ભૂંસાઈ ગઈ. ત્રિકોણ પણ નહોતો રચાતો કારણ કે તેમાંની એક રેખા જોઈએ તેટલી લાંબી નહોતી થઈ શકતી. કાટખૂણે ઊભેલી બે અપૂર્ણ રેખાઓ આધાર શોધતી વિરુદ્ધ દિશાઓમાં લંબાતી રહી.

અંતિમ ક્રિયા પતાવી સૌ પોત પોતાના ઘરે રવાના થયા.
"ક્યારનો શું વિચારે છે અંકિત?" સાક્ષીએ સુનમુન બેસી રહેલા પતિને ઢંઢોળ્યો.

"મીનુ આમ સાવ અચાનક ચાલી ગઈ. પાર્થ એકલો પડી ગયો. પાછલા દિવસો યાદ કરૂં છું. ફિલ્મ હોય, તહેવાર કે પિકનિક જ્યાં જઈએ ત્યાં આપણે ચારેય સાથેને સાથે હોઈએ. એ મોજમસ્તીના સોનેરી દિવસો સાવ અચાનક અસ્ત થઈ ગયા."

"લોકોની નજર લાગી ગઈ બીજુ શું? તને ખબર છે અંકિત, આપણા ચારેયનું નામ એક સાથે લેવાતું. જાણે આપણે બે નહીં પણ એક જ કપલ હોઈએ."

"હાસ્તો. કોઈકે આપણું નામ ચંડાળ ચોકડી પાડેલું. વિતેલા વર્ષોમાં ખૂબ ધમાલ કરી છે. બધું વિખેરાઈ ગયું. મારે લીધે તનેય.." સાક્ષીએ અંકિતના મોઢે પોતાની નમણી હથેળી મૂકી તેને આગળ બોલતો અટકાવ્યો પણ આંખો ઓછી ચૂપ રહે? અંકિત પોતાના કપાયેલા પગ તાકતો રહ્યો. એક ગમખ્વાર કાર અકસ્માત આ લાચારી આપતો ગયો હતો. ઠૂંઠા પગ જોઈ અંકિત પોતેય ગૂંચળુ વળી જતો. ઉછળતી કુદતી સાક્ષીએ એકાએક ગંભીરતા ઓઢી લીધી હતી. બાળકો નહોતા. અંકિત કહેતો, "મોજમસ્તી કરવાના દિવસો છે. હરીફરી લઈએ. હમણા બીજી કોઈ લપ ન જોઈએ. બાળકનું આવતા વર્ષે વિચારીશું." તેને તેના જેવા મળતા વિચારો ધરાવતો મિત્ર મળી ગયો હતો, પાર્થ.

પાર્થ, મીનુ, અંકિત અને સાક્ષી. બેફિકર દોડતી ગાડીના ચાર પૈડા. શનિ-રવિનો પ્લાન બની જ ગયો હોય. આજે પિક્ચર તો કાલે હૉટલ. કદી સંગીતની મહેફિલ તો કદી ક્લબનો પ્રોગ્રામ. વેકેશનમાં હિલસ્ટેશન તો રજાઓ લઈને બીચ પર રખડવું. બસ, આનંદ આનંદ. ફક્ત મોજ. જીવનનો રસ પીને ગાડી સડસડાટ દોડતી હતી. તેમાં સવાર ચારેય ભરપૂર જીવતા અને એકાએક પંક્ચર પડ્યું. ઓછી મદિરા અને ગળતા જામમાંથી રસ ચૂસાય તે પહેલાં એ જિંદગીઓ ચૂંથાઈ ગઈ. બધું જ વેરવિખેર થઈ ગયું. ચારે કોર પથરાયેલું અંધારું ઊલેચવા પાર્થ મથતો હતો. આશાનું કિરણ ખાસ મિત્ર અંકિત માત્ર હતો પરંતુ અંકિતની પંગુતા સ્પીડબ્રેકર બનીને માર્ગ અવરોધતી ઊભી હતી તેમાં મીનુનું ચાલ્યા જવું, હસતીરમતી જિંદગીને જાણે એક ઊંડી ખાઈમાં કોઈએ ધક્કો માર્યો હોય તેવું ભાસતુ હતું. દિશાશૂન્ય પાર્થને ક્યાં જવું, શું કરવું સુઝતું નહોતું.

"આ વીકેન્ડ શું કરીશું?" પૂછનારી નહોતી રહી. બધા દિવસ અને રાત સુસ્ત, એક સરખા નીરસ. બધું ભૂલીને પાર્થ પોતાના કામકાજમાં ખૂંપી જવાનો પ્રયત્ન કરતો.

'જિંદગી જેવી છે તેવી જીવવાની તો છે જ.' પાર્થે કહેલું વાક્ય અંકિત વાગોળતો રહ્યો. હ્રદયમાં એક ટીસ ઊઠી. 'મારા લીધે સાક્ષીએ શા માટે આ રીતે જીવવું પડે?' વિચારો ઘૂંટાતા રહ્યા. વ્હીલચેર ફરતી ફરતી ટિપાઈ પાસે ગઈ. અંકિતનો હાથ ફોન લેવા ઊંચકાયો, "પાર્થ, મારી એક વિનંતી છે."

"અરે બોલ દોસ્ત. હુકમ કર."

"તું સાક્ષીને ફિલ્મ જોવા લઈ જા. આરામથી એકાદી મસ્ત હોટલમાં જમીને આવજો. તને પણ સારૂં લાગશે."

"ના." સામેથી મક્કમ નકાર.

"કેમ?"

"તારા વગર મજા આવે? હવે તો મીનુ પણ... જવા દે. અમે બે એકલા? નહીં ગમે યાર. તું કહે તો તારે ત્યાં આવું અથવા તમે બન્ને મારે ત્યાં આવો."

"ઘર તો છે જ. ઘરમાં સાક્ષી ગોંધાઈ રહી છે. ઉડતું પંખી પીંજરાની કેદમાં ન શોભે. મારે એને ચહેકતી જોવી છે. તું એને બહાર લઈ જા. તને પણ ચેન્જ મળશે. તારા જીગરીની વાત તું નહીં માને?" અંકિતે પાર્થની બધી જ દલીલો સામે શું કહેવું તે મનોમન વિચારી લીધુ હતું.

"અમે બે નહીં, આપણે ત્રણેય જઈએ."

"તું તો જાણે છે, મને બહાર નીકળવું હવે નથી ગમતું. સાક્ષી કંઈ બોલતી નથી પરંતુ હું જોઈ શકું છું તેની ભીની આંખોમાં નિરાશા, ઉદાસ ચહેરા પર થાક. તેનું મૌન મને અકળાવે છે. એની ખુશીઓ મારે નથી છીનવી લેવી. શી ઈન્જોય્ઝ યોર કંપની. તું એને કંપની આપી જ શકે ને. જીવનમાં રસ છે તો જીવન છે. હું એને ભરપૂર જીવન માણતી જોવા ઈચ્છુ છું."

"હું અને સાક્ષી જઈએ? એક પર પુરૂષ અને યુવાન સ્ત્રી? આપણો સમાજ, આ લોકો આડું વેતરવા ટાંપીને જ બેઠા છે. સમજે છે ને તું?"

"કેમ? સ્ત્રીને બૉયફ્રેન્ડ ન હોય? અને જો દોસ્ત, મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન સાફ હોય તો દુનિયા જખ મારે. તું એ બધી પરવા ક્યારથી કરતો થયો? પ્લીઝ આ મારી રિક્વેસ્ટ છે. આટલું માન નહીં રાખે? મને જેટલો મારી પત્ની પર વિશ્વાસ છે એથી વધુ મારા મિત્ર પર છે. મારા લીધે સાક્ષી..." અંકિત આગળ બોલી ન શક્યો. તે આડું જોઈ ગયો. તેનો ગળગળો સ્વર પાર્થને ભીંજવી ગયો. ઘરની ચાર દિવાલો જાણે મશ્કરી કરતી ઊભી હતી.

"ના. હું નહીં જાઉં." કહેતી સાક્ષીને હવે મનાવવાની હતી.

"હું કહું છું ને જા. સંકોચ ન રાખીશ. મારી ચિંતા ન કર. મોજ કર. ક્યાં સુધી મન મારીને રહીશ? જા." રીતસર હુકમ કરતો હોય તેમ અંકિત બોલી ગયો. તેના બે જોડાયેલા હાથ સાક્ષીની અનિચ્છા પર હાવી થઈ ગયા.
'દરેક ગાડીની ડીકીમાં એક સ્ટેપની હોય.' અંકિત મનોમન બબડ્યો.'
***********
વહેતા પવનમાં સાક્ષીની ગુલાબી સાડીનો પાલવ લહેરાતો હતો. તેના લાંબા સુંવાળા કેશ બ્લાઉઝના ડીપ રાઉન્ડ નેક ઉપર વ્યવસ્થિતપણે પથરાયેલા હતા. અંકિત બારીમાંથી સાક્ષીને પાર્થ સાથે જતી જોઈ રહ્યો. તેની આંખો ભીની હતી પરંતુ હોઠ પર મલકાટ ચમકતો હતો. તેણે આંખો મીંચી દીધી.

અંકિતના માનસપટ પર દશ્ય ઉપસી આવ્યું. સિનેમા હૉલની લાઈટો બુઝાઈ ગઈ. ફિલ્મ શરૂ થઈ ગઈ. સાક્ષી અને દિનેશ અડખેપડખે બેઠા છે. કદાચ એકદમ લગોલગ. સાક્ષીના હાથ પર દિનેશનો હાથ હળવેકથી મૂકાયો. સામે રોમેન્ટિક દશ્ય ચાલી રહ્યું છે. સાક્ષીનો ચહેરો ખીલી ઊઠ્યો અને...

મગજમાં પેલી જાણીતી પંક્તિઓ ઘુમરાઈ, 'જાણી બૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વહેમ છે.' અને અચાનક અંકિતની આંખો ખુલી ગઈ. તેણે જાતને ટપારી. ગળુ સુકાતુ હતું. વ્હીલચેર રસોડા સુધી કિચૂડાટ કરતી ઘસડાઈ. પ્લેટફોર્મ પર ચૂલા પાસે પડેલી ઘીની લોટી તેણે દૂર મૂકી. ફ્રીજ ખોલી પાણી પીધું. પાછો રૂમમાં ફર્યો. ચેન નહોતુ પડતું. હાથના આધારે શરીર ઊંચકીને તેણે પથારીમાં પડતુ મૂક્યું. ઊંઘવાનો પ્રયત્ન કર્યો. પરાણે આંખો મીંચી. ત્યાંતો વિચારોનું ધાડું ધસી આવ્યું, 'બન્ને શું કરતા હશે?' ઘડિયાળમાં ફરતા લોલક સાથે જ મોટો પ્રશ્નાર્થ નજર  સામે ફરતો રહ્યો. છેવટે તેનાથી ફોન જોડાઈ જ ગયો. ચાર... પાંચ... છ રીંગ. રીંગ વાગતી રહી. રેકોર્ડેડ મેસેજ સંભળાયો, "આપ જીસકો ફોન કર રહે હૈં વહ અભી આપકા ફોન નહીં ઉઠા રહે હૈં. થોડે સમય બાદ ફોન કરેં."

અંકિતે મનને પટાવી પાછું વાળ્યું, 'હુંયે સાવ કેવું ધારી લઉં છું. મારા કહેવાથી જ બન્ને ગયા. સાક્ષી આખો વખત મારી આગળપાછળ થતી હોય છે. આવાં નાનકડા સુખ એને આપી જ શકું. ભલે ને બીચારી આનંદ માણતી.'

પણ રે અવળચંડુ મન! શરીર પડખાં ફેરવતુ હતું અને મન પાછું પહોંચી ગયુ હતું સાક્ષી અને પાર્થની વચ્ચે. 'બે કલાક વીસ મિનિટની ફિલ્મ હતી. હવે બન્ને કોઈ સરસ હોટેલમાં જમવા બેઠા હશે. સાક્ષીને મિસ્ડ કૉલ જોવાનો સમય નહીં મળ્યો હોય કે પછી જાણી જોઈને મને ટાળે છે?'

વિચારોની દિશા ફંટાતી રહી, 'હું તેને ભારરૂપ છું. એના શોખ, એની ઈચ્છાઓ, એના રસરુચિ સંતોષવા અસમર્થ છું. એ બોલતી નથી તેનો અર્થ એ નહીં કે તેને કોઈ અપેક્ષાઓ નથી. ચાલો સારું જ થયું કે પાર્થે મારી વાત માની. શા માટે મારે અઘટિત ધારી લેવું જોઈએ? મેં જ તો આગ્રહ કરી તે બન્નેને મોકલ્યા છે.' પડખું ફેરવાતું રહ્યું.

મોડી રાતે લેચમાં ચાવી ફરી. ધીમેથી મેઇન ડૉર ખુલ્યો. અંકિતે ઊંઘી જવાનો ડોળ કર્યો. અધખુલ્લી આંખે તેણે જોયું સાક્ષીએ બાલકનીમાં જઈ હાથ હલાવ્યો. નીચેથી કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો. સાક્ષી અંકિતના પલંગ પાસે આવી, એક પમરાટ લઈને. તેણે પતિને વ્યવસ્થિત ચાદર ઓઢાડી. પતિનો આભાર માનતો સાક્ષીનો ચમકતો ચહેરો ક્યાંય સુધી મલકાયા કર્યો અને પછી સંતોષ ઓઢીને ભરનીંદરમાં પોઢી ગયો.

"ફિલ્મ કેવી હતી? મજા આવી?" ચ્હાનો કપ મોઢે માંડતાં અંકિતે પૂછ્યું. જો કે પૂછ્યા વગર સાક્ષીની બોડી લેંગ્વેજ બધું જ કહી આપતી હતી. ઉત્સાહપૂર્વક સાક્ષી બોલ્યે જતી હતી પરંતુ અંકિતને દેખાતી હતી માત્ર તેની ખુશી. "ઉફફ. તારો મિસ્ડ કૉલ સવારે જોયો. ફિલ્મ જોતાં  રીંગર ઑફ કરી રાખેલું. "

પછી તો એ સિલસિલો ચાલતો રહ્યો. અંકિતને ઔપચારિકપણે કહેવાતું, "તું પણ સાથે ચાલ." અંકિતનો નકાર સહજતાથી સ્વીકારાઈ જતો. કદીક સંગીતનો કાર્યક્રમ તો કદીક ક્લબ. કદીક નાટક તો કદીક ફિલ્મ. રખડવાના, મોજમજાના ગુલાબી દિવસો પાછા આવ્યા પણ તેમાં બે જણાની બાદબાકી થઈ ગઈ હતી. ચતુષ્કોણની સમાંતર ચાલતી રેખાઓ એકબીજાની અત્યંત નજીક આવી ગઈ, તેમને જોડતી ત્રીજી, ચોથી લીટીઓનું અસ્તિત્વ વિસારી દઈને. પાર્થની એકલતા પણ મહદઅંશે દૂર થઈ હતી. તેના નિરસ જીવનમાં રસનો સંચાર થયો હતો.

સાક્ષી બહારથી આવીને અંકિતને વળગી પડતી. "આજે તને ગમે તેવો પ્રોગ્રામ હતો. વી મિસ્ડ યુ. નેક્સ્ટ ટાઈમ તને લીધા વગર નથી જ જવાના. લવ યુ ડિયર." સચ્ચાઈનો રણકો અંકિતના કાન સુધી નહોતો પહોંચતો.

"નથી જોઈતી મારે કોઈની સહાનુભૂતિ કે દયા. જીવું છું એ જ ઘણું છે." અંકિતે મોબાઇલ પછાડ્યો.

'સાવ ઉપરછલ્લી લાગણી અને અધ્ધરતાલ વાતો.' વિચારીને અંકિત ફિક્કું હસતો. જો કે સાક્ષીના વાણી વર્તન કે અંકિત પરત્વેની લાગણીમાં કોઈ ફરક નહોતો પડ્યો, ઉલટું તે પતિની વધુ કાળજી રાખતી.

'શું તે ફક્ત બોલવા ખાતર બોલે છે કે પછી ખરેખર...' સાક્ષીને સમજવી અંકિત માટે અઘરૂં બનતું ગયું. પાછું વિચારચક્ર ફરતું, 'મારા જેવા અપંગને બધે સાથે ફેરવવો કોને ગમે? ક્યાંક મેં હાથે કરીને મારા પગ પર કુહાડી તો નથી મારીને?' ફરી  ક્યાંકથી આવીને અડ્ડો જમાવતી લઘુતાગ્રંથી મગજને ઘેરી વળતી. શંકા સળવળ સળવળ. સાશંક આંખો ચહેરા પર પાથરેલા હાસ્યના મહોરા પાછળ બળપૂર્વક ઢંકાઈ જતી. સાક્ષી પાર્થ સાથે બહાર ગઈ હોય ત્યારે વિક્ષુબ્ધ મન હાલમડોલ થતું. તાકી રહેવાતા ઘડિયાળના લોલક પેઠે મન આમથી તેમ થયા કરતું. અંકિતે અવલોક્યું, હવે સાક્ષી ખૂબ ખુશ રહેતી. સરસ તૈયાર થઈ બહાર જતી તેમાંય પાર્થ સાથે તો ખાસ. સમાજ કે લોકોની પરવા કર્યા વગર એ બન્ને છૂટથી હરતાફરતા. સાક્ષી મનગમતા કાર્યક્રમો માણતી અને તેનો લૉ બેટરી બતાવતો મોબાઇલ રિચાર્જ થઈ જતો.

સાક્ષી ઉલ્લાસિત રહેતી તે બદલ ખુશ થવાને બદલે અંકિતનો ઉચાટ વધતો ગયો. આખરે તે એક પુરૂષ અને તેથીયે વિશેષ તો પતિ. તેમાં બળબળતી ઈર્ષા લપાતીછૂપાતી આવી ભળી. એકવાર તો નજીક રહેતા માસીને ખબરઅંતર પૂછવાને બહાને તેણે ફોન કરીને અછડતું પૂછીયે લીધેલું, "સાક્ષી તમને ક્યાંક મળી જતી હશે નહીં?" ત્યારે માસી એટલું જ બોલેલા, "હા. એક પ્રોગ્રામમાં એ અને પાર્થ મળ્યા હતા પણ તું આજકાલ દેખાતો નથી." એટલે કે પોતે તેની સાથે હોવું જોઈએ તેવું જ માસી આડકતરૂં કહેવા માંગતા હતા. વ્હીલચેર ખસતી ખસતી એટલી ખસી ગઈ કે હવે તેને સ્થાને પાર્થની ફોર વ્હીલર રુઆબથી ગોઠવાઈ ગઈ હતી.

એ દિવસે તો સાક્ષીએ અંકિતને પૂછ્યા વગર સીધેસીધું કહી દીધું, "બહાર જાઉં છું, સાંજે આવીશ." ક્યાં, કોની સાથે, શા માટે... અંકિતને કશું જ જણાવવાની જરૂર ન હોય તેમ એ તૈયાર થઈને નીકળી ગઈ હતી. મોબિલીટી ગુમાવી દીધેલા અંકિતને કંપની આપવા માટે હતો એક માત્ર મોબાઇલ ફોન અને બીજી કિચૂડાટ કરતી વ્હીલચેર ઉપરાંત ઊંધુ ઘાલીને કરાતું એનું એ એકધારૂં ઑનલાઈન જૉબવર્ક.

નહોતો કરવો છતાંય અંકિતને શક ગયો, 'એ ચોક્કસ પાર્થ સાથે જ ક્યાંક ગઈ હોવી જોઈએ.' તેણે પાર્થને ફોન જોડ્યો. બે રીંગ વાગ્યા બાદ સામેથી ફોન ઊંચકાયો, "બોલ દોસ્ત."

શું પૂછવું તે અંકિતને ન સમજાયું. તેણે આડી અવળી નકામી વાતો કરી. અંકિતના સચેત કાનોએ નેપથ્યમાં એક અસ્પષ્ટ સ્ત્રી સ્વર ગુંજતો સાંભળ્યો. 'નક્કી એ સાક્ષીનો જ અવાજ.' અંકિતે પકડી પાડ્યું. 'આ સમયે સાક્ષી અને પાર્થ સાથે છે. ક્યાં હશે? શું કરતા હશે?' શ્રદ્ધા ઓસરતી ગઈ અને શંકા મજબૂત થતી રહી, 'મારી પીઠ પાછળ મારી પત્ની અને મારો મિત્ર... છી! મેં તેને મોકળાશ આપી સામે મળી બેવફાઈ." શારીરિક લાચારી આવા ફૂટી નીકળેલા વિચારોને ઉછેરતી રહી. અવળચંડુ મન આડીઅવળી ગલીઓમાં રખડતુ રહ્યું.

મૈત્રીપૂર્ણ સબંધો પર કાદવ પણ કેમ કરીને ઉડાડાય? નહોતી કોઈ સાબિતી કે નહોતું કોઈ નજરે જોનાર. જોનાર હોય તોય કોઈ અંકિતને કહેનાર નહોતું વળી અંકિતે પોતે જ સાક્ષીને કંપની આપવા માટે પાર્થને દબાણ કરેલું. અંકિત પરત્વેના સાક્ષીની લાગણી કે પ્રેમમાં કોઈ ફરક નહોતો આવ્યો. 'ડોળ સારો કરે છે.' અંકિત મનોમન બબડ્યો. પાર્થ પણ અત્યંત શાલીનતાથી વર્તતો. તે સાક્ષીને મૂકી જતો, લેવા આવતો. બન્ને એકમેકથી અળગા ચાલતા. બન્ને વચ્ચે શારીરિક અંતર જોઈ શકાતું.
'આગ અને ઘી સાથે હોય તો ભડકો થાય જ. આ બધું સુષ્ઠુ સુષ્ઠુ મારી સામે બાકી એકાંતમાં બન્ને...' અંકિત મગજને ખોતર્યા કરતો.

પોતાનું કામ પતાવી અંકિતે બીજું કામ આરંભ્યું, સાક્ષીની રાહ જોવાનું. કોણ જાણે ક્યાં, ક્યારની ગઈ હતી. આજે તો અંકિત માટે રસોઈ પણ નહોતી ઢાંકી. "હવે તેને મારી ગરજ નથી રહી." અંકિતે વ્હીલચેર અમસ્તા જ ઘરમાં આમતેમ ફેરવી. અકળાઈને મોબાઇલ ઉપાડ્યો અને સાક્ષીને ફોન જોડ્યો, "હમણા જ ઘરે આવ. મારી તબિયત સારી નથી."

"આવું છું." બસ એટલું જ અને ફોન કટ કરી દેવાયો.

"ક્યાં છે? કેમ આટલી વાર?" અંકિત પૂછી ન શક્યો. તેવામાં પાર્થનો સામેથી ફોન આવ્યો, "શું થયું?" સાંભળતાં જ અંકિતનું મગજ ફાટ ફાટ થવા માંડ્યું. તાળો મળી ગયો, પાર્થ અને સાક્ષી સાથે જ હતા. અંકિતના હોઠ ભીંસાયા.

આકાશમાં સંધ્યાના કેસરી રંગો પથરાઈ ગયા હતા. અંકિતે ઘરમાં લાઇટ ઓન કરવાની તસ્દી ન લીધી. ત્યાં લેચમાં શાંત ચાવી ફરી અને અહીં આ તરફ તમતમતી વ્હીલચેર ફરી.

"શું થયું?" એકમેકમાં ભળી જતી બે ચીસ અંકિતના બન્ને કાનમાંથી પસાર થઈ હૈયા સોંસરવી ઊતરી ગઈ. સાક્ષી હાથમાં પકડેલો બુકે એક તરફ ફંગોળી, અંકિતને વળગી પડી. તેણે લાઈટની સ્વીચ ઑન કરી, "કેમ અંધારામાં બેઠો છે?"

"જરા ચક્કર આવી ગયા. પણ તમે બન્ને સાથે?" અંકિતની આંખમાંથી ઝરતો તણખો સાક્ષીને દઝાડી ગયો. તેણે નીચે પડેલ પુષ્પગુચ્છ ઊંચકી લઈ અંકિતના હાથમાં પકડાવ્યું, "હેપ્પી બર્થ ડે અંકિત. અમે તને સરપ્રાઇઝ આપવા માંગતા હતા પણ તને જોઈને લાગે છે કે તું સરપ્રાઇઝ આપશે." અંકિતની ક્રોધ ઓકતી આંખો, ધ્રૂજતા હોઠ અને ચહેરા પર વિખેરાયેલો કડપ ઘણું કહી જતા હતા.

"દોસ્ત, અમે આપણા ક્લોઝ ફ્રેન્ડઝને પાર્ટી માટે ઇન્વાઇટ કર્યા છે. તારો બર્થ ડે સેલિબ્રેટ કરવો છે. તને સરપ્રાઇઝ આપવા માંગતા હતા. અમે બન્ને તેની જ તૈયારીમાં લાગેલા પણ તું આમ... એક વાત કહું દોસ્ત? હું અને સાક્ષી એકબીજાને માત્ર અને માત્ર કંપની આપીએ છીએ. કદાચ બન્નેને એની જરૂર પણ છે નહીંતર હું તો હતાશાથી ભાંગી પડ્યો હોત અને સાક્ષીએ જીવનમાંથી રસ ગુમાવી દીધો હોત. અમારા રસ રૂચી સરખા છે; તું તો જાણે છે પણ એ નથી જાણતો કે મેં એને એક આંગળી પણ નથી અડકાડી કે નથી એ મારી નજીક આવી. હું જાણું છું તને અમારા પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને રહેશે જ. તારો એ વિશ્વાસ ટકાવી રાખવો અમારી નૈતિક ફરજ છે. સાક્ષી મને મિત્ર માને છે એથી વિશેષ કશું જ નહીં."

અંકિતની હાલત કાપો તો લોહી ન નીકળે જેવી થઈ ગઈ. તેણે પોતે કરેલા હીન વિચારો બદલ શરમ ઉપજી.
'પણ તમે નથી જાણતા કે મેં તમારો વિશ્વાસ તોડ્યો હતો.' એ અત્યંત ધીમેથી બબડ્યો.

અંકિતના સ્મૃતિપટ પર ઉપસી આવ્યું, ચારેય સાથે ગયેલા. આબુની શીતળ ચાંદની રાત. રમત રમતી વખતે મીનુની સાડીનો સરી પડેલો છેડો અને અચાનક પોતાની નસોમાં ધસી આવેલું ગરમ લોહી! પછી તેણે મીનુને નજીક ખેંચી લીધેલી. ચુંબન અને આલિંગનથી આગળ વધીને એ અને મીનુ લપસી પડેલા, જાતને રોકી ન શકાય તેવી ખાઈમાં. આખા દિવસની રખપટ્ટી બાદ સાક્ષી અને પાર્થ પોત પોતાની રૂમમાં નિરાંતે ઘોરતા હતા, "મારે  આજે બૉનફાયર માટે નથી આવવું, જાવ તમ તમારે" કહીને.

ઉપરવાળો ન્યાય તોળવા બેઠો હોય તેમ પાછા ફરતાં કારનો અકસ્માત અને અંકિતે ગુમાવેલા બન્ને પગ! "બ્રેક માર." મીનુએ ચીસ પાડેલી.

અપરાધભાવ મીનુને રંજાડતો રહ્યો. અચાનક એ સુનમુન બની ગઈ. તદ્દન દિગ્મૂઢ! કંઈને કંઈ બહાનું કાઢી એ સાથે જવાનું ટાળતી. અંકિત સાથે એ નજર ન મિલાવતી પરંતુ એ બધું સાક્ષી અને પાર્થને પોતાની નિર્મળ નજરોમાંથી ક્યારેય ન દેખાયું. પાર્થને એમ કે ભયંકર અકસ્માતમાંથી પસાર થયા બાદ મીનુને આઘાત લાગ્યો છે.
**********
"આઈ એમ સોરી." કહેતાં અંકિતે સાક્ષી અને પાર્થ સામે વારાફરતી જોયું. "ચાલો, હું તૈયાર થઈ જાઉં નહીંતર પાર્ટી માટે મોડું થશે. તમે બન્ને તો મારા ડાબો અને જમણો બે હાથ, સૉરી બે પગ છો." પોતે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરતો હોય તેમ એ બોલી ગયો.

'બસ, અધ:પતનનો ભાર હળવો કરવા જ હું તમને એકબીજાને કંપની આપવા કહેતો હતો પણ તમે બન્નેએ ઉપર ઉઠીને મને વધુ નીચો બનાવી દીધો.' અંકિત મનોમન બબડતો રહ્યો. આજે તેનું ધ્યાન કેક કાપવામાં નહોતું રહ્યું. "હેપ્પી બર્થ ડે ટુ યુ" ના નાદ વચ્ચે એક નવા અંકિતનો જન્મ થયો હતો. સંશય ની મીણબત્તી એક ફૂંકથી ઓલવાઈ ગઈ.

"સાક્ષી, પાર્થ, તમારો કાલનો શું પ્લાન?" એણે ધીમેથી પૂછ્યું. ટૂંકી થયેલી એક રેખા સુંદર ત્રિકોણ રચવા લાંબી રેખાઓની આગળ ખેંચાઈ.
------------------
સુષમા શેઠ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ