વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧ આવો દોસ્તી કરીએ

1.આવો, દોસ્તી કરીએ

મારો નિવૃત્તિ વખતનો સમારંભ.  સહુનો હોય છે. દરેક માણસ પોતે એક જીવતી જાગતી વાર્તા હોય છે.

મારી અને આજે આવેલાં મારાં કુટુંબ સમક્ષ મારાં વખાણ થયાં, શાલ ઓઢાડી સન્માન થયું, લાફિંગ બુદ્ધાની સુવર્ણ પ્રતિમા મળી અને હંમેશ મુજબ નિવૃત્ત થતા વ્યક્તિને કહેવાય છે તેમ મને મારા અનુભવો વિશે કંઈક કહેવાયું.

શું કહું ને શું ન કહું?  મુનિવ્યાસ બોલતા ગયેલા અને ગણપતિ લખતા ગયેલા તેમ આ તો અનંત કાળ સુધી ચાલે. પણ અતિ ટૂંકમાં મેં મારું વૃતાંત કહેવા કરતાં થોડો પ્રેરણાદાયી સંદેશ મારી સાહજિક હળવી શૈલીમાં આપ્યો. એ વખતનું બેન્કિંગ અને જીવન અને આજનું- બે વચ્ચે ઘણું અંતર છે. પરંતુ માનવ મૂલ્યો આજે પણ શાશ્વત છે. મેં કહેલું તેમાંથી બે વાક્યો યાદ છે-

'હમ લાયે હૈ તુફાનસે કશ્તી નિકાલકે,

ઇસ બેંક કો રખના મેરે બચ્ચો સમ્હાલકે'

 એક બે મહિના પહેલાં જ નોટબંધીનું મોટું તોફાન પસાર કરેલું. આવાં તો અનેક તોફાનો પસાર કરી પર ઊતરેલા અને સાથે મળી બેંકને પાર ઉતારેલી.

તોફાનમાં ગભરાઈ થોડું જવાય? મેં ડો આંખે બારા હાથ ફિલ્મનું ગીત યાદ કર્યું-

રાત અંધિયારી હો.. કાલી ઘટા છાઈ હો.. તો ક્યા કરોગે?

તક તક ધૂમ ધૂમ..

મતલબ કે એ વખતે જ કમર કસીને તૂટી પડવાનું. તોફાન પછી મીઠો સૂર્યપ્રકાશ હોય જ છે.

સહુને ગમ્યું.

હું વિચારમાં ડૂબી ગયો. 

આજથી તો મારો વાનપ્રસ્થાશ્રમ કહેવાય! ત્યાં થયું- મારી એકલાની નહીં પણ બેન્કિંગ ઉદ્યોગમાં કોઈની પણ, સાંભળવા કે વાંચવાની મઝા આવે તેવી વાતો અન્યોને શું કામ ન કહું! જેમાં બેંકમાં નોકરી કરતા કે કરી ગયેલા તો પોતાની આસપાસની વાત સમજી મઝા માણે જ, અન્યોને પણ બેંકનાં કાઉન્ટરની અંદરની બાજુનો કાંઈક ખ્યાલ આવે અને મઝા પડે તેવી વાતો માણે.

તો મેં વિચારવું શરૂ કર્યું અને કહેવું પણ, ટુકડે ટુકડે શરૂ કર્યું.

આવો તો એ દુનિયામાં ડૂબકી મારવા આ બેંકર સાથે દોસ્તી કરીએ.

**

ગૃહસ્થાશ્રમનાં 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો લાં.. બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમાં ક્લાર્ક તરીકે દોઢેક વર્ષ અને બીજી બેંકમાં ડાયરેકટ ઓફિસર થઈ 38 વર્ષ 11 મહિના અમુક દિવસ. પગાર કોઈને પુછાય નહીં કે કહેવાય નહીં પણ 175 બેઝિક પર 450 જેવો પહેલો અને 6 આંકડામાં છેલ્લો. 

અનેક સારી,નરસી લાગણીઓ ઉમટી આવે છે બેંક પર લખતાં. કુલીનચંદ્ર યાજ્ઞિકની વહીવટની વાતો અને ડો. શરદ ઠાકરની સુવિખ્યાત કોલમ ડોકટરની ડાયરી તો આપ સહુએ વાંચી હશે. એ જ રીતે બેંકરોનાં જીવન પર લખવાનો આ પ્રયાસ.  એ સાથે વહેતું લોક જીવન પણ વણાઈ જશે.

મેં નક્કી કરેલું કે બસ બેંકનું બધું ભુલી જવું. પણ જ્યાં એક જિંદગી એને આપી હોય એ અંતરમાં, કહો શ્વાસ પ્રાણમાં વ્યાપી રહી હોય તો બહાર આવવા કુદી રહે એમાં શી નવાઈ! નિવૃત્ત થયે લખતાં લખતાં થયું લાવો બેંકને અડીને જતી મઝેદાર વાતોની નદીમાં આપ સહુને છબછબિયાં કરાવું.

બેંકની બધી અંતરંગ વાતો ન લખાય પણ વાંચકોને મઝા પડશે એમ લાગતાં અલગ અલગ સમયના ટુકડાઓ સ્મૃતિમાંથી કે કોઈના જોયા સાંભળ્યા હોય એ મુકવા વિચાર છે. બેંકની વાતોનું તો સ્વાભાવિક રીતે મગજમાં ઘોડાપુર ઉમટે. પણ વાચકોને રુચિ પડે એવા પ્રસંગો આલેખવાનું ધ્યેય છે. કાઉન્ટર પાછળ બેઠેલો બેંકવાળો કેટલાકની ઇર્ષ્યાનું, કેટલાકનું રોષ કે મઝાક કે માન, આદર કે પૂર્વગ્રહનું પાત્ર છે. તો આપું, માણો અને પ્રતિભાવો આપો, ખરેખર બનેલા પ્રસંગો શેર કરો. બેંકની નોકરીમાં ગ્રાહક સર્વેસર્વા હતો હવે મારા વાંચક.

આ મારૂં બેંકર તરીકેનાં જીવનનું વૃતાંત નથી કે નથી આત્મકથા કે બાયોગ્રાફી. બેંકની ટેક્નિકલ વાતોને સ્પર્શીને  બેંક આસપાસની સામાજિક, સાંસ્કૃતિક વાતો અને બેંકને લગતા મઝેદાર પ્રસંગોનું રસદર્શન આ લેખમાળા દ્વારા કરાવીશ. તો ચાલો બેંક કાઉન્ટરની અંદરની બાજુ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ