વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

ગ્રહણ-મોક્ષ

 

1.

 

"આર યુ શ્યોર?"

 

ફરી પૂછાયેલા પ્રશ્નએ શૂન્યમાં તાકતી આંખોને ફરી જીવંત બનાવી, પણ એમાંથી નિરાશા દૂર ન થઈ શકી. નિરાશાને કારણે ભારે થઈ ગયેલી આંખો હથેળી વડે મસળી લાલચોળ આંખે સામે બેઠેલા "મોહના" મૅગેઝિનના માલિક કરસનભાઈ સામે જોયું અને નકારમાં માથું હલાવ્યું. બળવંતરાયની આવી હાલત જોઈ કરસનભાઈનાં ચહેરા પર એક હળવું સ્મિત ફરકી ગયું. ટેબલ પર રહેલા બળવંતરાયનાં હાથ પર હળવી થપકી મારી કરસનભાઈએ કહ્યું,

 

"આ ભોડું ધુણાવવાનો મતલબ શું?નિર્ણય પર શંકા છે કે પોતાની જાત પર? હું નથી માનતો કે તમે તમારી કલમને ડિવોર્સ આપી શકો. હોય યાર, સૂરજ જેવા સૂરજનેય ગ્રહણ લાગે, તો આપણી શી વિસાત? ક્યારેક તો બે માણા વચ્ચેય અબોલા થાય, તો આમાં પણ કંઈક એવું જ સમજી લો. એવું લાગે તો નાનકડું વૅકેશન લઈ લો; પણ યાર, સાવ આમ, સંન્યાસ લેવાની વાત ન કરો યાર. તમારા ચાહકોને બધાને ઍટેક આવી જાશે યાર. "

 

જાણે કોઈ જોક કીધો હોય એમ કરસનભાઈ જોરથી હસી પડ્યા, પણ બળવંતરાય હજુય એ જ મનોસ્થિતિમાં હતા. છેલ્લા કેટલાય સમયથી એ રાઇટર્સ બ્લૉકની પરિસ્થિતિમાં હતા. અંધારે કેટલાય હવાતિયા મારવા છતાં પ્રકાશનું એકાદ કિરણ પણ દેખાતું નહોતું. આમ ને આમ સમય વીતતો ગયો. ઍડ્વાન્સમાં લખેલા બધા એપિસોડ પણ પબ્લિશ થઈ ગયા. જોકે, એ નવલકથા તો જેમતેમ પૂરી કરી, પણ હવે? નવું શું? કંઈ સૂઝતું જ નહોતું. ખૂબ મનોમંથનનાં અંતે આખરી નિર્ણય લઈ લીધો હતો. આજે કરસનભાઇ સામે રજૂઆત પણ કરી દીધી હતી.

 

જીભ નહોતી ઉપડતી બોલતા, પણ શું કરે? આખરે, બળવંતરાય પોતે પણ તો "મોહના" ની આધારશીલાનો એક સ્તંભ હતાં. "મોહના" નાં પ્રથમ પ્રકાશિત ભાગથી આજ દિન સુધી એક પણ અપવાદ સિવાય સતત તેમની નવલકથાઓ અવિરતપણે પ્રકાશિત થતી રહી છે. સામાન્યતઃ "મોહના" એક સ્ત્રી વિષયક મૅગેઝિન હોવા છતાં તેને બહોળો પુરુષ વાચકવર્ગ મેળવવામાં સફળતા મળી હતી; તેનું એક મુખ્ય કારણ તે બળવંતરાયની હપ્તાવાર પ્રસિધ્ધ થતી નવલકથાઓ. કેટલાક તો માત્ર અને માત્ર નવલકથા માટે જ "મોહના" નું લવાજમ ભરતાં. આ વાત બળવંતરાયની સાથે સાથે કરસનભાઈ પણ જાણતા. એટલે જ બળવંતરાયે જ્યારે ક્ષેત્રસંન્યાસ લેવાની વાત કરી, ત્યારે કરસનભાઈની કોશિશ હતી કે બળવંતરાયને પાછા ફોર્મમાં લાવવાની, પણ બળવંતરાય જેનું નામ! ટસનાં મસ ન થયા તે ન જ થયા. આખરે કરસનભાઈએ જતું કર્યું અને બળવંતરાયને તેમની ઇચ્છા મુજબ નવલકથાની જવાબદારીમાંથી મુક્ત કર્યા. એક જ શરતે, કે બળવંતરાય "મોહના" સાથે હંમેશા જોડાયેલા રહેશે. બીજું કંઈ નહીં તો ઑફિસે અચૂક આવશે જ. આમપણ એ "મોહના"નાં ક્રિયેટિવ હેડ તો હતા જ. બળવંતરાય પણ માની ગયા. ભારે હૈયે તથા ભારે પગલે ઑફિસની બહાર નીકળી ગયા.

 

મોઢામાં મોળ ચડતાં હતાં, હૈયું વલોવાતું હતું, મન ક્યાંય લાગતું નહોતું, એક અજીબ અજંપો ઘેરી વળ્યો હતો. આવી પરિસ્થિતિમાં જાતે સ્કૂટર ચલાવવું તેમને યોગ્ય ન લાગ્યું. સ્કૂટર ત્યાં પાર્કિંગમાં જ છોડીને તે પગપાળા જ બાજુનાં બસસ્ટૅન્ડ તરફ ચાલી નીકળ્યા. બળવંતરાય ઘણીવાર આ રીતે બસની મુસાફરી કરતા. હા, સ્કૂટર કરતાં દસ મિનિટ વધારે લાગતી ઘરે પહોંચવામાં, પણ એનો મુખ્ય ફાયદો એ કે અજાણ્યા માણસોની સાચી વાતો જાણવા મળે, જે પછી એમની વાર્તાનો, એમના પાત્રોનાં જીવનનો એક ભાગ બને. જોકે, આજે તો સતત હલચલ હોવા છતાં, બાજુની સીટમાં કોણ છે એ તરફ પણ તેમણે ધ્યાન નહોતું આપ્યું. શૂન્યમનસ્ક અવસ્થામાંજ એમનું સ્ટૅન્ડ આવી ગયું. જેવા એ ઉતરવા માટે ઊભા થયા કે એક નાજુક નમણો હાથ તેમની તરફ લંબાયો. એમાં રહેલી લીલા રંગની બંગડીઓએ મીઠો રણકાર કરી બળવંતરાયનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. એ હાથમાં નોટબુકમાંથી ફાડેલો એક કાગળ ઘડી વાળીને પડ્યો હતો. બળવંતરાયે એ હાથની માલિકણ સામે જોયું, તો ત્યાં લીલા દુપટ્ટાથી કવર કરેલો ચહેરો દેખાયો, જેની આંખો પાસે પડતી કરચલી પરથી એવું અનુમાન લગાવ્યું કે એ આંખો સાથે એના હોઠ પણ અત્યારે સ્મિત આપતા હશે. બળવંતરાય કંઈ બોલે એ પહેલાં કંડક્ટરે બસ ઉપાડવા ઘંટડી વગાડી.  બળવંતરાયની પહેલા તે કોમલાંગી બસમાંથી નીચે ઉતરી ગઈ. બળવંતરાય પણ તરત જ નીચે ઉતર્યા, પણ એ કોમલાંગી કઈ દિશામાં ગઈ તે ન જોઈ શક્યા. અંતે તેમણે હાથમાં રહેલ ઘડીબંધ કાગળ પર નજર ટેકવી અને હળવેથી એની ઘડી ખોલી. એમનાં આશ્ચર્ય વચ્ચે એમાં એક જમણા હાથની હથેળી દોરી હતી. બારીકાઈથી બધી રેખાઓ દર્શાવી હતી. બધી જ રેખાઓ કાળા કલરથી, એકદમ પાતળી દોરી હતી, પણ એક રેખા લાલ કલરથી અને સ્હેજ ઘાટી દોરી હતી. એ સાથે જ હથેળીની નીચે લખ્યું હતું, અક્ષયપાત્ર. કૌંસમાં એક નોંધ હતી- ગ્રહણ સમય ઉંમર વર્ષ પચાસ-એકાવન. બળવંતરાય એનો મર્મ પકડવાની કોશિશમાં હતા, ત્યાં જ પાછળથી જોરમાં હૉર્ન વાગ્યો. બળવંતરાય અંદર સુધી ધ્રૂજી ગયા. એ સાથે જ એ કાગળ એમનાં હાથમાંથી છટકીને ઊડી ગયો. બળવંતરાય એની પાછળ દોડ્યા, પરંતુ એ કાગળ ફૂટપાથ પાસે ભરેલા પાણીનાં ખાબોચિયામાં જઈ પડ્યો અને આખો પલળી ગયો. એમાંની સ્યાહી બધી રેલાઈ ગઈ. બળવંતરાય મોં વકાસી તે જોઈ રહ્યા. થોડીવાર એમ જ ત્યાં ઊભા રહી તે ઘર તરફ અગ્રેસર થયા.

 

આમ તો, ઘરે કોઈ રાહ જોવાવાળું હતું નહીં, છતાં બળવંતરાય સમયનાં પાબંદ હતા. તેમને મોબાઇલ રાખવાનું ફાવતું નહીં, પણ બળવંતરાયને નજીકથી ઓળખનારા ઘડિયાળ જોઈ કહી દેતાં કે અત્યારે બળવંતરાય ક્યાં મળશે! વર્ષોથી એમની દિનચર્યા એ જ હતી. કોઈ જ ફેરફાર નહીં. સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી યોગાસન કરવા, પછી દૈનિક ક્રિયાઓ પતાવી છ વાગ્યે કલમદેવીનાં શરણે, તે સીધા નવ વાગ્યે બાજુની કીટલીએથી છોટુ ચા અને ગરમ નાસ્તો આપી જાય, એને ન્યાય આપવાનો. બરાબર સાડાનવે સ્કૂટરને કીક મારવાની અને ઠીક વીસમી મિનિટે "મોહના"ની ઑફિસે. બપોરે જમવાનું ત્યાંની કેન્ટીનમાં જ, તે છેક સાંજે છ વાગ્યે ફરી સ્કૂટરને કીક લાગે, અને ઘરે. સાત વાગ્યે બાજુની વીશીમાંથી ડીનર આવી જાય, તેને ન્યાય આપી અડધો કલાક વોકિંગ. ફરી રાતનાં બાર વાગ્યા સુધી કલમદેવીનાં સાંનિધ્યમાં.. સવાબાર સુધી મેડિટેશન અને પછી નિંદ્રાદેવીનાં ખોળે પોતાની જાતને સમર્પિત કરી દેવાની… તે વહેલી પડે સવાર. સ્વરાનાં ગયા પછી, પૂરા અઢાર વર્ષથી આજ તેમની દિનચર્યા રહેતી. બળવંતરાય પોતાનીજ મસ્તીમાં મસ્ત રહેનાર મોજીલું વ્યક્તિત્વ ધરાવતા હતા. એક પ્રસિધ્ધ લેખક બન્યા પછી, અને લેખનકાર્યથીજ સારી એવી કમાણી હોવા છતાં એ હજુ આજેય ટાઇપરાઇટર કે કોમ્પ્યુટરને બદલે હાથે લખવાનુંજ પસંદ કરતાં. એમનું ઘર હોય કે એમનું સ્કૂટર, એ જ વર્ષો જૂની ઢબમાં ક્યારેય કોઈ પરિવર્તન નહોતું આવ્યું. એવું નહોતું કે એમને ટેક્નોલોજીનો બાધ હતો, પણ પોતાનું કમ્ફર્ટ ઝોન છોડવાની તૈયારી ન હતી. સ્વરા તો ઘણીવાર હસતી પણ ખરી,

 

"રાય, તમારા વિચારો પણ તમારા નામ જેવા જ છે, બાવા આદમનાં જમાનાનાં. "

 

સ્વરા-બળવંતરાયની બાળસખી, તેમની કવિતાઓની પ્રેરણા, તેમની પ્રિયતમા, તેમની અર્ધાંગિની, તેમની સર્વેસર્વા, જેની માત્ર યાદ જ હવે તેમની સાથે હતી. અઢાર વર્ષ પહેલાં આજનાં જ દિવસે…

 

અઢાર વર્ષમાં પહેલીવાર આજે બળવંતરાયની દિનચર્યામાં અણધાર્યો બદલાવ આવ્યો. અજાણતાં જ એમના પગ ઘરથી નજીક આવેલા બગીચા તરફ ચાલવા માંડ્યા. તેમના મનોમસ્તિષ્ક પર અત્યારે એ કોમલાંગી અને એણે આપેલ કાગળે પૂરેપૂરો કબ્જો જમાવ્યો હતો. વિચારમાં ને વિચારમાં બગીચાનાં ગેટ પાસે આવેલા બાંકડાં પર બેસી ગયા. ખબર નહીં કેમ, પણ એ બોલકી આંખો એમનો પીછો નહોતી છોડી રહી. અજંપામાં બંને હથેળી ઘસતાં સહસા એમનું ધ્યાન પોતાના જ જમણા હાથ તરફ ગયું. ધ્યાનથી જોયું તો એ કાગળમાં દોરેલી રેખાઓ પોતાના હાથની રેખાઓ સાથે મેળ ખાતી હોય એવો ભાસ થયો.

 

એકવાર તો વહેમ ગણી એ વિચાર હસી કાઢ્યો, પણ છતાં મન હજુ એ બાજુથી ખસતું નહોતું. હવે શું કરવું? એ કોમલાંગીને ક્યાં શોધવી? અંતે કાલે ફરી એજ બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું ત્યારે માંડ જીવને થોડી ધરપત થઈ. બસ, એ જ આંશિક આશ્વાસન સાથે ઘરે પહોંચ્યાં, પણ આજે ન તો જમવામાં મન લાગ્યું, ન મેડિટેશનમાં. કલમદેવી સાથે તો આમ પણ હમણાં રૂસણા ચાલતા હતા.  અનાયાસે તેમને સ્વરાની તીવ્ર યાદ આવી ગઈ. સાથે જ યાદ આવી એની પણ, જેને ક્યારેય મળ્યા નહોતા! જેના અસ્તિત્વ વિશે પણ શંકા હતી, અને છતાં લાગણીનો એક અદ્રશ્ય તંતુ તેની સાથે જોડાયેલો હતો!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ