વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લૂટકેસ – ફિલ્મ રિવ્યુ – મજેદાર ટાઇમપાસ


કુણાલ ખેમુને ખુલ્લો પત્ર


હેલ્લો કુણાલ,

 

આજકાલ આમ તો થોડી નવી અને હટકે વાર્તાઓ સાથે બધા પ્રકારની ફિલ્મો બનતી રહે છે, પણ કોમેડી ફિલ્મોમાં પહેલા જેવી મજા નથી રહી એવું લાગ્યા કરે છે. (આ જાણે કોઈ ડોક્ટર સામે બેસીને દર્દી પોતાના રોગના લક્ષણો કહેતો હોય એવું નથી લાગી રહ્યું? ખી ખી ખી..!) વચ્ચે વચ્ચે ઑ.ટી.ટી. પર કોઈ સરસ મજાની સીરિઝ જોતાં હોઈએ એમાં કોમેડીનો ડોઝ મળી જાય છે ખરો, કે ‘કોમિકસ્તાન’ જેવી સ્ટેન્ડ અપ કોમેડી પણ સરસ જામે છે, પણ ફિલ્મોમાં જાણે કોમેડી ફિલ્મો એકદમ જ ઉતાવળથી બનતી હોય અને કોઈ ઠેહરાવ ન મળતો હોય એવી જ લાગણી થયા કરે છે. લૂટકેસ એમાં એક સુખદ અપવાદ જેવી રહી. તો સૌ પ્રથમ તો હાર્દિક અભિનંદન. (ગો ગોવા ગોન મેં હાર્દિક કા રોલ કિયા ભાઈ તુને, ઔર લૂટકેસ મેં તું અભિ નંદન બના હૈ ઇસલીએ ભી..! હે હે હે..!)

 

સૌ પ્રથમ તો આ ફિલ્મની વાર્તાની જાણકારી વાચકોને આપી દઈએ, તો નંદન કુમાર કે જેનું પાત્ર તે ભજવ્યું છે, એ મુંબઈની ચાલમાં રહેતો એક સામાન્ય માણસ (common man) છે કે જે દિવસ રાત મહેનત કરે છે પણ બે ટંક ભોજન અને જીવન નિર્વાહ સિવાય ખાસ કશું ઉકાળી શક્યો નથી. એની પત્ની લતા (લાજવાબ રસિકા દુગ્ગલ) એને દરરોજના મહેણાં ટોણાં મારીને અને દીકરો એની ટાંગ ખેંચીને એના નીરસ જીવનને વધુ ને વધુ ત્રાસદાયક બનાવી રહ્યા છે. પણ ભોળો નંદન એમ કઇં જિંદગીને બોજારૂપ બનાવે એમ નથી. એ એની પત્નીને હસતાં હસતાં ખુશ પણ રાખે છે. એને એની પત્નીને કઈ રીતે ખુશ કરવી એ પણ ખબર છે, સિમ્પલ માણસોની સિમ્પલ ખુશી છે.. ચાઇનીઝ ફૂડ અને ફિઝિકલ ઇંટીમસી વખતે થોડા ઘણાં રોલ પ્લે જેવા નાટક.. ખી ખી ખી...! નંદનની પોતાની તો એક જ નાનકડી ખ્વાહિશ છે, બોસને પોતાના કામથી ખુશ કરીને ‘એમ્પ્લોયી ઓફ ધી યર’નો એવોર્ડ. કે જેમાંથી મળનારા સન્માનથી એ એની પત્ની, એના કલીગ્સ અને એની ચાલવાળાઓની નજરમાં આદર મેળવી શકે, અને એની સાથે મળનારા સાત હજાર રૂપિયાના રોકડ ઈનામથી પોતાના દીકરાની વોટરપાર્કની એક પિકનિકની મહિનાઓથી વ્યક્ત કરાયેલી ઈચ્છા પૂરી કરી શકે. ખેર, કહેવાય છે ને કે આપણી ઇચ્છા પૂરી થાય તો ખૂબ સારું અને ન થાય તો એવું સમજવું કે હરિ ઇચ્છા કૈંક વધુ સારી હશે આપણાં માટે. નંદનના જીવનમાં પણ કૈંક એવું જ થાય છે. નાઈટ ડ્યૂટિમાંથી પાછા ફરતી વખતે મુતરડીની બહારથી એને મળે છે દસ કરોડ રૂપિયા રોકડથી ભરેલી એક સૂટકેસ..!!! અને ત્યારથી શરૂ થાય છે હાસ્યનું હુલ્લડ.

 

યાર કુણાલ, આ તો આમ રન-ઓન-ધી-મિલ કથાનક માટે આ કથા સામાન્ય જ ગણાય ને? તો દર્શકો આ ફિલ્મ શા માટે જોય દોસ્ત? પણ ના, આટલું જ થોડી છે? સ્વાભાવિક છે કે આટલી મોટી રકમ હોય એટલે ગેંગસ્ટર્સ ઈન્વોલ્વ્ડ હોય, ખંધા રાજકારણીઓ અને કરપ્ટ ડેડલી કોપ્સ પણ ઈન્વોલ્વ્ડ હોય, પત્નીથી, પુત્રથી અને આડોશી પાડોશીઓથી આટલી મોટી રકમ છુપાવવાની હોય, નાનકડા સપનાઓ જોતી આંખોને અચાનકથી આટલી મોટી રકમ મળે તો એ ક્યાં વાપરવા એ પણ મોટો સવાલ હોય..! (અરે કોણ બોલ્યું કે હું અહીં મારી વાર્તા ‘વેલુ ભંગારિયો’ની પણ પબ્લિસિટી પણ કરી કાઢીશ કે જેમાં પણ આવી જ કૈંક વાર્તા છે પણ ખૂબ જ સિરિયસ ટોનમાં.) એમાં ય પાછું જો ગેંગસ્ટર તરીકે વિજય રાઝ જેવો ખમતીધર કલાકાર, એના પપલુ ટપલુ (કર્ટસી: અંદાઝ અપના અપના) તરીકે આકાશ દભાડે અને નિલેષ દિવેકર (ફરારી કી સવારીનો પાકિયા યાદ છે?) હોય, ઈન્સ્પેકટર તરીકે રણવીર શોરી હોય, રાજકારણીના રોલમાં ગજરાજ રાવ હોય, બોસના રોલમાં વિજય નિકમ (અગેન, ફરારી કી સવારીના તાત્યા ભાઉ) હોય તો?? થાય ને મજાની હળવીફૂલ કથા?

 

આ વાત થઈ ફક્ત શશક્ત સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લેની, પણ ખરી ફાવટ આવી ફિલ્મમાં જોઇયે દિર્ગદર્શકની. ‘ટ્રીપલીંગ્સ’ (હજુ ન જોઈ હોય આ સીરિઝ, તો પડતો મૂકો આ લેખ અને ફટાફટ પહેલા એ જોવા માંડો) જેવી કમાલની સીરિઝના દિર્ગદર્શક એવા રાજેશ કૃષ્ણનની આ પહેલી ફિલ્મ છે. દમદાર રાઇટિંગની ક્રેડિટ પણ એમને જ જાય છે જો કે, પણ એ છોગામાં. કોમેડીમાં ખૂબ જરૂરી એવા દરેક પંચીસ પછીના પોઝિસ એ કલાકારોને લેવા આપે છે. ફિલ્મ રન-ઓન-ધી-મિલ ખરી, પણ ઉતાવળે ઉતાવળે ચાલતી હોય એવી નથી જ.

 

ભાઈ કુણાલ, તને એવું થતું હશે નહીં કે ખાલી ફિલ્મની જ વાત કરવી હતી તો આ પત્ર દિર્ગદર્શકને સંબોધીને પણ લખી શકાયો હોત, તો મને શા માટે સંબોધ્યો? ખાલી સોહાને ‘હેલ્લો’ કહેવા માટે? ના ભાઈ ના, એવું નથી, ખાસ તો એ કહેવું હતું કે તુમ બહોત મસ્ત કામ કર રહેલા હૈ મકસૂદભાઈ આઈ મીન કુણાલભાઈ.. તુમ કો થેન્ક યુ બોલને કા હૈ.. યહાં ઈન્ડસ્ટ્રી મેં જબ કોઈ દો સૌ, તીન સૌ કરોડ કી ફિલ્મ બનાતે હૈં તભી ઉનકો થેન્ક યુ બોલતે હૈં.. તુમ સાલા ઇતના અચ્છા કામ કરતા હૈ, તુમ કો કોઈ થેન્ક યુ નહીં બોલતા હૈ.. થેન્ક યુ કુણાલભાઈ... એકાદ જાદુની જપ્પી પણ આપી દઉં ચાલ તને.. શું? સોહા ને પણ??!! બસ કર પગલે, રૂલાએગા ક્યા?

 

બાળપણમાં કરેલા દિલ હૈ કે માનતા નહીં કે ઝખ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટના રોલ પણ કમાલ કરેલા, પણ આપણી ઈન્ડસ્ટ્રીમાં ખબર નહીં કેમ, જે બાળ કલાકારોને દર્શકો ખૂબ પ્રેમ આપે છે, એમને મેઇન લીડમાં જલ્દી સુધી (નીતુ સિંઘ કે શ્રીદેવી જેવા અમુક આપવાદોને બાદ કરતાં) સ્વીકારતા નથી. તે પ્રથમ જ ફિલ્મ ‘કલયુગ’થી તારા અભિનયનો પરચો બતાવી દીધેલો, અને ત્યારબાદ ટ્રાફિક સિગ્નલ, સુપર સ્ટાર, 99 વગેરે જેવી ફિલ્મોમાં તારી એક્ટિંગ સારી જ હતી, છેલ્લે કલંક અને મલંગ જેવી સિરિયસ ફિલ્મોમાં સેકન્ડ કે થર્ડ લીડ પણ સારી કરેલી. અરે, ગો ગોવા ગોનમાં અભિનય તો દમદાર હતો જ (પાત્રના નામને જ વરદાન છે એ તો) પણ તે સંવાદો પણ ધમાલ લખેલા, તે છતાં હજુ તને જોઇયે એવી ફિલ્મ્સ ઓફર થતી નથી. ગોલમાલ જેવી બંડલ સીરિઝમાં લક્ષ્મણ તરીકે વેસ્ટ થવા માટે તું નથી સર્જાયો, એવું લોકોને ક્યારેક સમજાય એવી સરસ મજાની ફિલ્મ કે સીરિઝ (‘અભય’ સ્ટ્રીક્ટલી ઓકે કઈ શકાય એવી લાગી મને પહેલા 2-3 એપિસોડ્સ સુધી તો) તને મળે એવી તને શુભેચ્છાઓ.

 

લૂટકેસ ફિલ્મ પર પાછા ફરીએ તો સુંદર, સ્વચ્છ એન્ટરટેનમેંટ બની છે. ફની ઇન પાર્ટસ છે. (નેટ જીઓના સબસ્ક્રિપ્શન વાળી કોમેડી સરસ છે, તો ક્યાંક ક્યાંક અણધાર્યા પંચીસ પણ સારી મજા આવે છે) હા, ટોપ 50 કોમેડિઝમાં આવે એવી બિલકુલ બની નથી, પણ આજના તણાવ ભર્યા સમયમાં 2 કલાક અને 12 મિનિટ સુધી મગજને લાઇટ જરૂર કરી જાય છે. હા, ગીતો સહન નથી થઈ શકતા એટલા ખરાબ છે, એ ડિપાર્ટમેંટમાં ધ્યાન રાખવાની ખૂબ જરૂર હતી, અથવા તો સ્કીપ જ કરી નાખવા હતા.

 

મારા તરફથી તારી આ ફિલ્મને આમ તો સાત સ્ટાર્સ, પણ અમુક પંચીસ અને કલાકારોના મેળાવડાને પ્લસ વન એટલે ટોટલ આઠ સ્ટાર્સ.

-         ગો ગોવા ગોન 2 ની રાહ જોઈ રહેલો એક બોલીવુડ ફેન – હાર્દિક રાયચંદા

 

તા. ક. વરુણ ધવન પણ આમ તો મને ગમે છે. પણ કોમેડી ટાઈમિંગની દ્રષ્ટિએ એના કરતાં તું ચાર ચાસણી ચડે એવો છે, અને ઓવર એક્ટિંગ નથી કરતો એ તારો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે.

 

તા.તા.ક. ખાસ વાચકો માટે:

 

આપનો કીમતી મત (અભિપ્રાય) મને આપો.

 

આપના હિસાબે કોની કોમેડી ટાઈમિંગ વધારે સારી છે? વરુણ ધવનની કે કુણાલ ખેમુની? નીચે કમેંટમાં મને જણાવો.

    

    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ