વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અગાંધારી

આઈઆઈએમ રોડ, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ – ૨૦૨૨ નવેમ્બર.

"હમ હે રાહી પ્યાર કે, હમસે કુછ ના બોલીયે, જો ભી પ્યાર સે મિલા, હમ ઉસીકે હો લિયે, હમ હે રાહી પ્યાર કે..."

ચા ની કીટલીએ રેડિયો પર મધુર ગીત વાગી રહ્યું હતું.

“નંદીની...” રાહુલે નંદીનીનો હાથ પકડીને કહ્યું.

“રાહુલ...” નંદીનીએ રાહુલનો હાથ સજ્જડ પકડ્યો.

“મને...બીક...” રાહુલનો અવાજ થોથવાયો.

નંદીની હસી પડી અને રાહુલનો હાથ એણે સહેજ પ્રેમથી દબાવ્યો. એને ટીખળ સુજ્યું.

“હા બોલને, શું કહેવા માંગે છે તું? કોઈ વ્યવહાર બાકી રહી ગયો છે? લાસ્ટ ટાઈમ તો મેં સમોસાના પૈસા આપી દીધેલા તને, હવે શું છે? મારી પાસે હવે મિલકતમાં એક બેગમાં થોડા કપડા, ટૂથબ્રશ, પેસ્ટ, મમ્મીની એક નકલી ચેઈન અને અમુક પુસ્તકો જ છે. યે મિલકત અપુન તેરે નામ કરતા હે ભીડુ!!!”

રાહુલના મુખ પર સ્મિત આવી ગયું. એ સમજી ગયો કે નંદીનીને મજાક સુજી રહી છે.

“મને બીક લાગે છે યાર!” રાહુલનાં અવાજમાં કંપન હતું.

“અરે ગાંડા, એમાં શું બીવાનું? બહાદુર બચ્ચો બન, આમ પણ શું હતું અને શું જતું રહેવાનું છે? કોઈ મારી થોડીને નાખવાનું છે? ચીલ યાર!” નંદીનીએ રાહુલને આશ્વાસન આપ્યું.

રાહુલે એક નિઃશ્વાસ નાખ્યો અને હાથ પર પહેરેલી ઘડિયાળ પર આંગળા ફેરવ્યા. સંધ્યા સમય થઇ રહ્યો હતો. હવે થોડાક જ કલાક બાકી હતા.

એક કપ ચા પીને બંને ઉભા થયા અને એકબીજાનો હાથ પકડી ચાલી નીકળ્યા.

*

“જુવો મી. રાહુલ, નંદીનીનો કેસ બહુ સિમ્પલ છે, કોર્નિયાનું ઓપરેશન થશે એટલે એની આંખોની રોશની પાછી આવી જ જશે, એમાં કોઈ શંકા જ નથી” ડોકટરનો અવાજ રાહુલના કાનોમાં મધ બનીને રેડાયો. ફરીથી એના મુખ પર સ્મિત આવી ગયું.

“પણ...” ડોકટરનો અવાજ હવે ગંભીર બન્યો.

“પણ...” રાહુલનો અવાજ જાણે કે ડૂબી ગયો.

“પણ તમારો કેસ કોમ્પ્લીકેટેડ છે. યુ સી, આમાં કોઈ સુધારો પોસીબલ નથી, અત્યારે તો નહિ જ, કોણ જાણે કાલે કોઈ નવી ટેકનોલોજી આવે તો...”

આખું શરીર નિચોવાઈ ગયું હોય અને હૃદય પર કોઈએ મણ મણનો પથ્થર મૂકી દીધો હોય એમ ભારે હૃદયે રાહુલ ઉભો થયો.

*

“રાહુલ ક્યાં છે?” પટ્ટી ખુલતાજ નંદીનીનો પહેલો સવાલ આવ્યો.

સામે ઉભેલા અંધજનમંડળના સંચાલક સરિતાબેનની આંખોમાં આંસુ હતા.

“એ...એ...” એમણે આડું જોઈ લીધું.

નંદીનીએ આંખો ફરીથી મીચી લીધી.

*

ઊટી, ફેબ્રુઆરી, ૨૦૨૩, અંધજનમંડળની ઓફીસ

“એ હમણા જ ફરવા ગયા છે. સામે પેલી ટેકરી દેખાય ને? ત્યાં એક ચા ની ટપરી છે. ત્યાં રોજે આ સમયે જઈને બેસે છે. તમે કોણ?” ડેસ્ક ઉપરના કલાર્કે માહિતી આપતા પૂછ્યું.

“હું? હું એમની જૂની મિત્ર છું. ખૂબ આભાર, હું ત્યાં જઈ એમને મળી આવીશ” નંદીનીએ પર્સ ઉપાડતા કહ્યું.

*

“દો કટિંગ, એક સમોસા, એક મસ્કાબન જામ મારકે”

પરિચિત અવાજ સાંભળી રાહુલ ચોંક્યો. એણે અવાજની દિશામાં જોયું.

“સાલું કેટલી ઠંડી છે, અહિયાં કેવી રીતે માણસો રહી શકે!”

રાહુલ સ્થિર થઇ અવાજની દિશામાં જોઈ જ રહ્યો. એનું હૃદય જાણે કે ધડકવાનું ચુકી ગયું હતું!

એક પરિચિત હાથ, સ્પર્શ એને અનુભવાયો. એના હાથમાં ચા નો કપ પકડાવી દીધો.

“સાલું મન તો એવું થાય છે ને કે કોઈને અહીંથી ધક્કો મારીને નીચે ગબડાવી દઉં, પણ પછી એમાં પણ આપણું જ નુકસાન છે! ઓ ચાયવાલે ભૈયા, મખ્ખન જરા દબા કે ડાલના, ક્યા હૈ કી કુછ લોગોકો મખ્ખન જરા જ્યાદા લગતા હૈ, નહિ તો વો બુરા માન જાતે હૈ” નંદીનીનો કટાક્ષયુક્ત અવાજ આવ્યો. રાહુલ હસી પડ્યો.

“તું અહી શું કરવા આવી છે નંદુ?” એણે ચા ની ચૂસકી મારતા પૂછ્યું.

“મારા લગ્ન થઇ રહ્યા છે, હવે મારે તો પરિવારમાં તું જ એક, તો મારા તરફથી કોઈકે તો આવવું જોઈએ ને” નંદીનીએ મસ્કાબનનો એક ટુકડો રાહુલના મોઢા પાસે લંબાવ્યો. રાહુલે ટુકડો મોઢામાં લીધો. એની જીભ જરાક નંદીનીના આંગળા પર લાગી.

“છી. ગંધારા, હજુ ખાતા નથી શીખ્યો, મારો હાથ બગાડ્યો.” નંદીનીએ છણકો કર્યો.

“હા ભાઈ, હવે તું જોતા થઇ ગઈ છે તો હવે તું સુઘડ અને અમે અદ્રષ્ટિવાળા ગંધારા!”

“ઓ પાર્ટી, પ્લીઝ, નો ઈમોશનલ ડ્રામા, ઓકે? માંડ માંડ તને શોધતી શોધતી અહિયાં આવી છું. ચાલ ઉભો થા. પરમદિવસે મેરેજ છે.”

“કોણ છે? કેવો છે?”

“હવે તારા જેવા અદ્રષ્ટિવાળાને શું લેવા દેવા? ગમે તેવો હોય...ખેર! હેન્ડસમ છે. મારો બહુ ખ્યાલ રાખે છે. મને લાગે છે કે એ ‘અમુક’ લોકોની જેમ મને કદી પણ છોડીને નહિ જ જાય!”

રાહુલની આંખોના ખૂણા ભીંજાયા. ‘હું પણ તને ક્યા છોડીને જાત! પણ આ દ્રષ્ટિહીનતા, આ અદ્રષ્ટતા મને નડી ગઈ નંદુ. પણ ચાલો, સારું જ થયું, તને દ્રષ્ટિ મળી, પ્રેમ મળ્યો, ભરથાર મળી ગયો, જીવન સુધરી ગયું.’

“એય શું વિચારે છે?”

રાહુલ એકદમ ચમક્યો. “ક...કઈ નહિ, એ તો...હા, આ મસ્કાબન અને ચા ના પૈસા અડધા તારે આપવાના છે, ઓકે? સોલ્જરી કરવી જ પડે બોસ”

એના કાનમાં નંદીનીનું હાસ્ય રેલાયું. ‘હવે તો કાયમની સોલ્જરી કરવી પડશે રે રાહુલ.’

એણે લાકડી પકડી અને ઉભો થયો. નંદીનીએ એનો હાથ પકડ્યો. એણે હળવેથી છોડાવી દીધો.

“આ રસ્તો મારો પરિચિત છે નંદુ, રોજે આવવાનું છે. તું આજે આ અદ્રષ્ટાની પાછળ પાછળ ચાલ, તને રસ્તો બતાવું”

નંદીનીના હોઠો પર એક સ્મિત આવી ગયું. એણે દૂર દૂર નજર દોડાવી. પહાડોમાં હવે સૂરજ ડૂબી રહ્યો હતો અને એના કિરણોને સંકેલી રહ્યો હતો. અદ્ભુત દ્રશ્ય હતું. અત્યંત પ્રેમથી એણે લાકડીના સહારે આગળ આગળ વધતા રાહુલ તરફ જોયું અને એની પાછળ પાછળ ચાલી નીકળી.

'આ સાલો ખડૂસ નહિ સુધરે! જિદ્દી, ગાંડો, જક્કી, પણ...વાંધો નહિ. હું ગાંધારી નથી વ્હાલા, તારા પ્રેમમાં આંધળી છું, પણ આંખે પટ્ટી બાંધી નહિ જીવું, હું મારી આંખે તને જીવન જીવડાવીશ. તારા જીવનમાં અનેક રંગો ભરી દઈશ. હું હંમેશા તારી સાથે જ રહીશ. ગમે તે થાય પણ તને છોડીને નહિ જ જાઉં. થાય એ કરી લેજે. આ જીવનમાં સોલ્જરી આમ જ થશે. અડધું અડધું. ઓ મારા અદૃષ્ટા, તારી દ્રષ્ટિ હવે હું બનીશ.'

"હમ હે રાહી પ્યાર કે, હમસે કુછ ના બોલીયે, જો ભી પ્યાર સે મિલા, હમ ઉસીકે હો લિયે, હમ હે રાહી પ્યાર કે..."

ગાતા ગાતા નંદિનીએ એ જ ધૂનની સીટી વગાડી. રાહુલનું આ ફેવરિટ ગીત હતું. એના મુખ પર આનંદ છવાયો. ઊટીના પહાડો નંદિનીની ધૂનનો પડઘો પાડી રહ્યા હતા. સૂરજ ફરીથી ઉગવાના વાયદા સાથે ડૂબી ચુક્યો હતો.

એક અદ્ર્ષ્ટા લાકડીને જમીન પર ઠપકારી ઝડપથી ટેકરીની નીચે ઉતરી રહ્યો હતો અને એક ‘અગાંધારી’ એની પાછળ પાછળ ચાલી રહી હતી.

“દર્દ ભી હમે કબૂલ, ચૈન ભી હમે કબૂલ, હમને હર તરહ કે ફૂલ હારમેં પીરો દીયે, હમ હે રાહી પ્યાર કે...”

એમના પ્રેમને એક નવી ‘દ્રષ્ટિ’ મળી ગઈ હતી. પ્રેમ કે જે હૃદયથી જન્મેલો અને હૃદય સાથે સંધાયેલો, ગમેતેવી કપરી પરિસ્થિતિમાં પણ વહેતો રહે એવો.

*

સ્વ. શ્રી વિજયભાઈ ‘મોડર્ન’ ભટ્ટને યાદ કરીને આ ટૂંકીવાર્તા એમને અર્પણ કરું છું. એમણે કરેલા સુકાર્યોની સુવાસ અનેક વ્યક્તિઓની અંદર મધમધે છે. મને દેખાય છે આકાશમાં એમનો ચહેરો અને એમનાં મુખ પર આવેલું સ્મિત. મારા પ્રણામ સ્વીકારશો.

ઉમંગ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ