સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
આ વાર્તાસંગ્રહમાં છે... કાવ્યો સાંભળવાનું છોડીને નગરની બહાર નીકળેલાં પ્રેમીઓ, જે ગામના કૂવાનાં પાણી ઊંડા જતાં રહ્યાં હોય એવું ગામ, હજારોમાં એકાદને થાય એવી બીમારી જેના દીકરાને થઈ છે એવી મા, કાળોતરા તાવમાં સપડાઈને ઊંધમૂંધ પડેલી કોઈ બાઈ જેવી ગામની સીમ, પોતાના બેસણા વખતે કામ લાગે એવા મોટા ફોટાની જરૂરિયાત સમજનાર બળવંતરાય, ભાડાનાં ઘર ફેરવીને થાકેલો અજય, રાજેશખન્નાનો જાદુ જેના પરથી ઊતર્યો નથી એવી નયના, ભાઈના આગમનથી ડરી ગયેલી બહેન, પીધો હોય તો જેની ચાલ જ ફરી જાય એવો વાલજી, કેરોસીન માટે લાઇનમાં ઊભેલો એક લેખક, છાપાની કોલમમાં હાકલા કરતા સનતકુમાર, ભયમુક્ત સમાજના નિર્માણ માટેનું આંદોલન, યુવાન શરીરમાં ધસમસતા લોહીની જેમ રાષ્ટ્રીય ધોરી માર્ગ નબર આઠ પર દોડતી ટ્રક, જેને ટાવર પણ પોતાની માફક નિમાણો થઈને ઊભેલો લાગતો હોય એવા ભૂપતરાય, અન્યાય સહન ન કરવાની ગજબની જિદ ધરાવતી અંજલિ, પોતાની ખબર કાઢવા ન આવે એના નામ પર ચોકડી મારનારા જયેશભાઈ, પોતાના પુરુષમિત્ર માટે પતિ પાસે પૈસા માગનારી દક્ષા, આ દુનિયામાં કોઈ ભગવાનનું માણસ નથી એવું માનનારી શિલ્પા, ફેસબુક પર જંગ ખેલનારો અમિત, પોતાની જિંદગીને યાર્ડમાં પડેલા ડબ્બા જેવી માનતી સ્વાતિ, ઇન્ટરનેટના સહારે જીવવાનું શીખી ગયેલી એક ઘરડી બાઈ, રેઇનકોટને પણ પોતાના જેવો જ દુઃખી માનનારા સુબોધભાઈ અને કાઠિયાવાડી ભોજનાલયના માલિક લક્ષ્મીદાસ.
"આ પ્રકારની વાર્તાઓ વાસ્તવિકતા પર લેખકની પકડ સૂચવે છે." - શ્રી રઘુવીર ચૌધરી