કે.આર.ચૌધરી (અજનબી),
લેખક-વિજ્ઞાન પ્રચારક
મહેસાણા જિલ્લાના ખેરાળુ ગામના મૂળ વતની એવા ખેડૂતના દીકરા, કાળુભાઈ રામસિંગભાઈ ચૌધરી (કે.આર.ચૌધરી)નો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ૧૯૬૬માં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગનું ઉચ્ચ શિક્ષણ, શેઠ સીએન ટેકનિકલ સેન્ટર, ગવર્મેન્ટ પોલિટેકનિક અને એલડી એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ ખાતે લીધું હતું. સિવિલ એન્જિનિયરિંગ ઉપરાંત તેઓ કોમ્પ્યુટર, ગ્રાફિક ડિઝાઇન અને પ્રવર્તમાન ટેકનોલોજીના જાણકાર અને નિષ્ણાત છે, 1990માં ભારતીય રેલવેની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને તેઓ, પશ્ચિમ રેલવેનાં બાંધકામ અને સર્વેક્ષણ ( કન્સ્ટ્રકશન અને સર્વે) વિભાગમાં જુનિયર એન્જિનિયર ( ટેકનીકલ) તરીકે જોડાયા હતા.
1996થી તેમણે વિવિધ વિષયો ઉપર લેખન કાર્ય શરૂ કર્યું હતું. વિજ્ઞાનનો વિષય વધારે પસંદ હોવાથી છેવટે તેમણે, વિજ્ઞાન વિષય લખાણો વધારે લખવાનું પસંદ કર્યું. પદ્મવિભૂષણ શ્રી જયંત વિષ્ણુ નાર્લિકર અને મરાઠી વિજ્ઞાન પરિષદ દ્વારા રચવામાં આવે ‘ નેશનલ સેન્ટર ફોર સાયન્સ કોમ્યુનિકેટર”નાં તેઓ આજીવન સભ્ય છે. ગુજરાતના સૌથી વધુ વેચાતા અખબાર “ ગુજરાત સમાચાર”માં ૨૦૦૩થી વિજ્ઞાન વિષય લેખો લખે છે. શરૂઆતમાં સાયન્સ@નોલેજ.ડોટ કોમમાં દર સોમવારે, તેમની વિજ્ઞાન વિષયક કવર સ્ટોરી છપાતી હતી. હવે દર રવિવારે રવિપૂર્તિમાં તેમની “ ફ્યુચર સાયન્સ” કોલમમાં વિજ્ઞાન લેખો છપાય છે. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ માટે, વિજ્ઞાન શિક્ષણ આપવા માટે, તેમણે ૫ વર્ષ અધ્યાપન કાર્ય પણ કર્યું હતું. વિજ્ઞાન, ઇતિહાસ, સ્થાપત્ય, ચિત્રકલા, ફોટોગ્રાફી, ટેકનોલોજી, વિશ્વ સાહિત્ય અને કલા જગત, તેમના શોખ અને સંશોધનના વિષય રહ્યા છે. આ ઉપરાંત તેઓ સારા વક્તા છે, વિજ્ઞાન તેમજ અન્ય વિષય ઉપર વ્યાખ્યાન પણ આપે છે.
તેમની ડિજિટલ લાઇબ્રેરીમાં દુનિયાના લગભગ દરેક વિષય ઉપરનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમના લેખો અને પત્રો, અભિયાન, વિજ્ઞાન દર્શન, પ્રતિધ્વનિ, તિતલી ટાઈમ્સ , અંકુર નોલેજ બેંક, સાયન્સ રિપોર્ટર અને “ લેટેસ્ટ ફેકટસ ઈન જનરલ નોલેજ” જેવા મેગેઝીનમાં પણ છપાઈ ચૂક્યા છે. ગુજરાતી ભાષાનું સૌથી લાંબુ ચાલેલ એકમાત્ર વિજ્ઞાન માસિક “ વિજ્ઞાન દર્શન” કવરપેજ ડિઝાઇનથી માંડી, તેમાં લેખ લખવાનું કામ સતત પાંચ વર્ષ જેટલા સમયગાળા માટે કર્યું હતું. આ ઉપરાંત સામાજિક સંસ્થા “આગાથા ફાઉન્ડેશન”દ્વારા સમાજ ઉપયોગી સેવા કાર્યો કરે છે.
પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ખાતેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સતત આઠ વર્ષ, “વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન”ના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, મજુરોર અને કર્મચારીઓના પ્રશ્નોને ઉચ્ચ સ્તરે વાચા આપી હતી. 2020માં કોરોના કાળ દરમિયાન, વૃદ્ધ માતાની સેવા કરવા માટે, તેમણે પશ્ચિમ રેલવેની બાંધકામ શાખામાંથી સિનિયર સેક્શન એન્જિનિયરના હોદ્દેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. હાલ તેઓ તેમની મનપસંદ પ્રવૃત્તિઓમાં (વાંચન, લેખન અને પ્રવચનમાં) સમય વિતાવે છે.