વાત બે સખીઓની... ‘સખ્ય’ લઘુનવલ, બે સખીઓની અનોખી મૈત્રીની વાત છે. હનુમાનજીએ છાતી ચીરીને રામ બતાવેલાં, એની સોફ્ટ કોપી જેવી વાત છે. બે એકબીજાથી સાવ અલગ સ્વભાવની અલગ જ ઉછેર પામેલી વ્યક્તિઓ સહવાસ અને સારપની અસરથી કેવી અંતરંગ સખીઓ બની ગઈ અને પછી એ અનોખી દોસ્તીને કેવી નજર લાગી ગઈ!...એની આ કથા છે. એક વિખૂટી પડી ગયેલી સખીનો આર્તનાદ છે. હનુમાનજીએ રામની હૃદયસ્થ છબી બતાવવા છાતી ચીરી, તે રીતે સ્વર્ગસ્થ સખીની વાતોને શબ્દસ્થ કરવા જીવતી સખીએ પોતાનાં અંતર પર શારડી ફેરવીને સ્મરણોને વલોવ્યાં છે. જાણીતી નેશનલાઈઝ્ડ બેંકમાં એક જ દિવસે નોકરી શરૂ કરનારી બે સખીઓ વૃંદા અને નવ્યા કઈ રીતે નજીક આવ્યાં? કેવું ઝગડ્યાં?...કેટલું હસ્યાં?...ને વિરહને કારણે કેવું તડપ્યાં?...એની ગોઠડી અહીં માંડી છે. એકસાથે જ ઓફિસર બન્યાં...પણ અડધેથી કેવો સાથ છૂટી ગયો?...એની ચીખ આ નોવેલે ઝીલી છે. રખે એવું માનતાં કે આ તો દુઃખની વાતો છે, અહીં પ્રસંગે પ્રસંગે હાસ્યની છોળો પણ ઉડે જ છે. વાંચનાર એનાથી અછૂતો નહીં રહી શકે. આ લઘુનવલનાં પહેલાં જ પ્રકરણમાં મૃત્યુ બતાવ્યું છે એનું કારણ એટલું જ કે એ મૃત્યુ જેનું બતાવ્યું છે, એ વ્યક્તિને ઓળખ્યા પછી વાચક માટે એ ઘા વધુ દુખદ બની જાત. એટલે પહેલાં ઝટકે, વાચક હજી વૃંદાને ઓળખે એ પહેલાં એ આઘાત આપી દીધો, આશય તો આઘાતની તીવ્રતા ઓછો કરવાનો છે. પછી તો મૈત્રીની મીઠી વાતો જ છે. એટલું જ નહીં, વાચકોનાં આશ્ચર્ય વચ્ચે લઘુનવલ સુખાંત આપીને વિરમે છે! બેંકનો પરિવેશ લઈને આવેલી મારી આ પહેલી લઘુ નવલ એનાં પરિવેશને લીધે પણ ચોક્કસ નવી લાગશે. બાકી આઘાતમાંથી જ જન્મેલી આ લઘુ નવલ પર લખનારનુંય બહુ નિયંત્રણ ના રહ્યું હોય એવું શકય છે. તો પ્રસ્તુત છે એક અમર દોસ્તીની રામકહાણી...