કંડક્ટરે સ્ટેશન આવતા ઘંટડી વગાડી. બસ થોભી. થોડાક મુસાફરોને ઉતારીને બસ આગળ વધી. બસમાં હજુ ચાર પાંચ પેસેંજર નજરે પડી રહ્યા હતાં. કોસાની હજુ અડધો કલાક દૂર હતું. સમય પસાર કરવા કંડક્ટર છાપું કાઢીને વાંચવા લાગ્યો. અચાનક એને કશુંક યાદ આવ્યું હોય એમ એ સુપ્રિયા તરફ ફળ્યો.
“ મેડમ.. તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે.”
“એક કંડક્ટરના દિમાગમાં એની બસના મુસાફરો કાયમી ધોરણે યાદ રહી જતાં હોય છે..”- સુપ્રિયાના ચહેરા પર આછું સ્મિત ઊભરી આવ્યું.
“ ના..ના.. એમ નહીં.. આ બસમાં તો હું તમને પહેલી જ વાર જોઈ રહ્યો છું, મેં તમને ક્યાંક છાપામાં જોયા છે...”- કંડક્ટર છાપાની વિગતો યાદ કરતાં બોલ્યો.
“ ઓહહ.. “- સુપ્રિયા હસી પડી. એ સમજી ગઈ કે કંડક્ટરે એને ક્યાં જોઈ હશે.
“ યેસ્સ.. યાદ આવ્યું. તમારો ફોટો આ જ છાપામાં પહેલા પાને છપાયેલો હતો. કોસાનીનું ગૌરવ...”- વિગતો યાદ આવતાં કંડક્ટર ઉત્સાહમાં આવી ગયો.
“ એમ!...મને બહું યાદ નથી. “- હસતાં હસતાં સુપ્રિયાએ વાત ઉડાવવાની કોશિશ કરી.
“ અરે... મને યાદ છે ને તમને યાદ નથી? હા.. જો.. મને યાદ આવ્યું. દેશના એકમાત્ર વાયરોલોજિસ્ટ અને ન્યૂરોસાયંટિસ્ટ સુપ્રિયા, કે જેમણે મગજના પ્રોસેસિંગ સેન્ટરને અંકુશમાં કરી બતાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તમારી વિશ્વકક્ષાએ પણ નોધ લેવાઈ હતી.”- કંડક્ટરનો ઉત્સાહ સુપ્રિયાને એક મીઠી અકળામણ આપી રહ્યો. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને બેઠેલા પેસેન્જરોના કાન પણ સરવા થયા, તેઓ સુપ્રિયા સામે અહોભાવથી જોઈ રહ્યા. બીજી તરફ સુપ્રિયાને હવે લજ્જા આવી રહી હતી પણ કંડક્ટર હજુ એના તોરમાં જ હતો.
“ અરે વાહહ.. તમે તો અઘરી માહિતી અને અઘરા શબ્દો પણ યાદ રાખી લીધા છે ને કઈં! ”- સુપ્રિયાના હોઠ આછું મલકયા.
એણે બારી બહાર નજર કરી. દ્દૂર દૂર સુધી માનવ વસ્તીનું કોઈ ચિન્હ એની નજરે ન ચઢ્યું.
“ આ કોરોનાએ આ પ્રદેશને બરબાદ કરી નાખ્યો મેડમ...કોરોના વાયરસના ભયે પર્યટકો અહી આવતાં બંધ થઈ ગયા.પર્યટકો ઉપર જ આધારિત સ્થાનિક અર્થવ્યવસ્થા ભાંગી પડી .અહીની સ્થાનિક પ્રજાનો મોટોભાગ રોજગારી માટે અન્યત્ર હિજરત કરી ગયો. જે થોડી ઘણી વસ્તી દેખાય છે એ ફક્ત કોસાની અને એના આજુબાજુના કેટલાક વિસ્તારમાં જ. એમાં પણ પુરુષો તો બીજા શહેરોમાં અને રાજ્યોમાં રોજગારીની શોધમાં જતાં રહ્યા છે. અહીં મોટાભાગનાં ગામડાઓમાં ફક્ત સ્ત્રીઓ હવે ઘરે રહી છે. કેટલીકવાર તો એવું લાગે છે કે જાણે કોરોના મહામારી સ્ત્રીઓ ઉપર વરસાવેલો શ્રાપ હોય...”- કંડક્ટર વિષાદમાં સરી પડ્યો.
“ અને પુરુષોને પણ હવે પહેલાં જેટલી મજૂરી મળતી નથી. શહેરોમાં ઓછી મજૂરી આપીને વધુ વેઠ કરાવાય છે. પહેલાં આઠ કલાકનો ટાઈમ હતો, હવે બાર બાર કલાક કામ કરાવાય છે. મારો ઘરવાળો કહેતો હતો કે સરકારે કાયદો કરી આલ્યો છે. બાર બાર કલાકની મજૂરી કાયદેસર થઈ ગઈ છે. મારા ઘરવાળાને પહેલાં કોઈ વ્યસન ન હતું. હવે એ દારૂની લતે ચઢી ગયો છે. હવે એ પૈસા ય નથી મોકલતો. આ વિસ્તારની લગભગ બધી સ્ત્રીઓને જાતે કમાઈને ઘર ચલાવવાની ફરજ પડી ગઈ છે. આ વિસ્તારમાં પુરુષોય દસમું પાસ માંડ જોવા મળે છે તો સ્ત્રીઓના શિક્ષણની વાત જ શું કરવી! આ વિસ્તારની ઘણી સ્ત્રીઓ અવળી લાઈને ચઢી ગઈ છે. પેટ મોટું કે ઇજ્જત...”-
અત્યાર સુધી ચૂપ બેસેલી એક સ્થાનિક યુવતી વચ્ચે બોલી. સુપ્રિયા એને જોઈ રહી. યુવતીની આંખોમાં શૂન્યાવકાશ છવાયેલો હતો. એ યુવતીની આંખોમાં વ્યાપેલો સૂનકાર એને ખિન્ન કરી ગયો.
થોડીક ક્ષણો માટે કોઈ મુસાફરને શું બોલવું એ સમજાયું નહીં.
“ મેડમ.. તમે જે સંશોધન કર્યું છે એનો લોકોને શું ફાયદો થશે?”
કંડક્ટરે સંશોધન વિશે જાણવા સવાલ કર્યો હતો કે બસમાં પ્રસરી ગયેલી શાંતિને ભંગ કરવા, સુપ્રિયા એ નક્કી કરી શકી નહીં પણ કંડક્ટરના આવા અણધાર્યા સવાલથી એને નવાઈ જરૂર લાગી. એ થોડી સતર્ક થઈ.
“ કદાચ મારા સંશોધનને યોગ્ય રસ્તો મળે અને એનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો માનવ મનની ઘણી બાબતો પર અંકુશ મેળવી શકાય અને એમ થાય તો ઘણી માનસિક બીમારીઓ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય.”
“ પણ મેં તો જુદું જ વાંચ્યું હતું છાપામાં..”
“ શું?”
“ મેં વાંચ્યું હતું કે તમારા સંશોધન ધ્વારા લાગણીઓને પણ અંકુશમાં લઈ શકાશે. શું એ વાત સાચી છે?”