કિરણ બેદી એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા પામેલી પ્રતિભા છે. આ એક એવું નામ છે જે સ્ત્રીઓ, પુરુષો અને નવી પેઢી પ્રત્યેકને માટે પ્રેરણારૂપ છે. કિરણ બેદી એમની હિંમત અને એમના રચનાત્મક અભિગમ માટે જાણીતા છે. એક આઈ.પી.એસ. અધિકારી તરીકે પોતાની ફરજો પ્રત્યે પૂરી સંવેદનશીલતા અને સમર્પણને પરિણામે એમણે ભ્રષ્ટ અને કલુષિત પોલીસતંત્રમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ સર્જ્યું. તેઓ સાચા અર્થમાં ‘Doer’–‘કાર્યનિષ્ઠ’ છે. એમણે કહ્યું છે કે આપણે જીવનમાં ઘણી ભૂમિકા ભજવવાની હોય છે. એક મિત્ર તરીકે, એક પુત્ર કે પુત્રી તરીકે, એક વ્યવસાયી તરીકે, એક પતિ કે પત્ની તરીકે, કે એક માતા અથવા પિતા તરીકે – અને આ દરેક ભૂમિકા ઉત્તમ રીતે ભજવવા માટે આપણી પાસે સમય અને અવસર હોય છે. એમણે પોતાના જીવન દ્વારા આ સાબિત અને સાર્થક કરી બતાવ્યું. કિરણ બેદી વિષે પુસ્તકો લખાયાં છે અને તે મોટેરાંઓ માટે છે. ગુજરાતી ભાષામાં લતા હિરાણીનું આ પુસ્તક ‘સ્વયંસિદ્ધા’ ઉછરતી પેઢી માટે ઉપલબ્ધ થાય છે, એ આનંદની વાત છે. કિરણ બેદીના બાળપણથી માંડી એમનું આજ પર્યંતનું જીવન આલેખવા ઉપરાંત એમના અસાધારણ વ્યક્તિત્વનું પણ લેખિકા દર્શન કરાવે છે. દરેક માનવીને સમાન તક મળે એ માટે તેઓ ઝઝૂમી રહ્યાં છે. એમના જીવનના અનેક પ્રસંગોમાંથી થોડાંક વીણેલા પ્રસંગો આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં એમની અડગ નિર્ણયશક્તિ, સામા પૂરે તરવાની હિમ્મત, અન્યાય સામે આક્રોશ, ધ્યેય માટે સમર્પણ, પ્રખર સંકલ્પશક્તિ, પ્રજાકલ્યાણની ભાવના અને સમાજના કચડાયેલા વર્ગ માટે અનુકંપા જેવા એમના ગુણોનું દર્શન થાય છે. બહેન લતા હિરાણીના અન્ય પુસ્તકો પણ પ્રકાશિત થયા છે, જે એમના સંવેદનશીલ વ્યક્તિત્વનો પરિચય આપે છે. કિરણ બેદી જેવાં એક આદર્શ વ્યક્તિ વિષે ભારતની ઉછરતી પેઢીને ખૂબ પ્રેરણારૂપ બની રહે એવા એક ઉત્તમ પુસ્તકના સર્જન માટે હું એમને અભિનંદન આપું છું. વિદ્યાર્થીઓને રસ પડે એવી શૈલીમાં અને સરળ ભાષામાં લખાયેલા આ પુસ્તકને ઘણો સારો આવકાર મળશે. હિંમત અને નિષ્ઠાથી ભરપૂર એવા ડો. કિરણ બેદી વિષે નવી પેઢી માટે તૈયાર થયેલા આ પુસ્તક ‘સ્વયંસિદ્ધા’માં સહભાગી થતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. - મૃણાલિની વી. સારાભાઈ