પુનિત મંડળનાં સંતોના સુભાશિષ અને ઈશ્વરની અસીમ કૃપા વડે, તમારાં સુધી આ પુરુષોત્તમ ભગવાનનાં ગુણવાનુંવાદ પહોંચાડવાનું પરમશભાગ્ય સાંપડ્યું છે તે માટે પરમેશ્વરનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. તેની કૃપા તો - "વરસે અનરાધાર જોને મુજ પર જગદાધાર..." એ અનંત કૃપાને પ્રતાપે જ વિવિધ પ્રસંગોએ, વિવિધ મનોરથના ગુણાનુવાદ લખવાની પ્રેરણા થાય છે તે શબ્દાંંકન કરી પેન માંથી વહાવ્યા કરું છું. પરમ પૂજ્ય રામ ભગત, ધનંજયભાઈ, ત્રિભોવન ભગત તેમજ મનુબેનના આશીર્વાદથી પાવન થયેલ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2004 માં સુમન પબ્લિકેશન દ્વારા શ્રી ગિરીશભાઈના સહયોગથી પ્રકાશિત થઈ હતી. જેમાં પુરુષોત્તમ અને શ્રાવણના ભજનો હતાં. ફરીથી આ સુંદર યોગ આ વર્ષે આવ્યો છે ત્યારે મને થયું કે પુરુષોત્તમ ભગવાનની જે અનંત કૃપા છે તે તેનાં ભક્તો સુધી પહોંચાડવી જરૂરી છે! પરંતુ પુસ્તક રૂપને બદલે ઈ-બુક સ્વરૂપે વિચાર કર્યો, જેનાં લીધે સર્વેનાં સમય, કાગળ અને પૈસાની બચત સાથે તેનું નામ ઘર ઘર પહોંચે અને દરેક વૈષ્ણવને તેમાં ભીંજવવા નું ધેય પણ પાર પડે સાથે સાથે પર્યાવરણની સુરક્ષા નો લાભ પણ મળે! એ ઉમદા હેતુથી જ આપ સૌ ભાવિકો સમક્ષ આવી રહેલ આ અધિક માસના અધિષ્ઠાતા શ્રી પુરુષોત્તમ ભગવાનનાં ગુણગાન, આરાધના, થાળ, વગેરેનો સુગેય થાળ પીરસી રહી છું. આશા છે તેનો આસ્વાદ માણી, આપ આપનાં પ્રતિભાવ ને પ્રતિસાદથી પ્રોત્સાહિત કરશો… આપ સર્વની આભારી
- ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી