ગુજરાત ગાર્ડિયનમાં ધારાવાહિક સ્વરૂપે ચાલતી મારી નવલકથા ‘વાયા રાવલપિંડી’ ૨૦૧૮ના જુલાઈ મહિનામાં પૂરી થવાની હતી. નવલકથાના છેલ્લા બે પ્રકરણ હજુ બાકી હતા અને ગાર્ડિયનની પૂર્તિના એડિટર મયુરભાઈ પટેલનો ફોન આવ્યો કે ‘નવલકથા પૂરી થાય પછીના અઠવાડિયાથી જ તમારી કોલમ ચાલુ કરીએ. તમારે વ્યક્તિ વિશેષો વિષે લખવાનું.’ કોલમ! નવલકથા પછી આ એક નવી ચેલેન્જ હતી. પણ લેખનના અલગ અલગ સ્વરૂપમાં કામ કરવાનું મને ગમે છે,એટલે મેં હા પડી. એ કામ હું જેમ જેમ કરતી ગઈ એમ વધારે ને વધારે એમાં ખુંપતી ગઈ. હું એક બારી ખોલું અને અનેક દરવાજાઓ ખુલી જતા. પેટ્રીસિયા નારાયણ,બીલીઓનર બાર્બર,કલ્પના સરોજ, વગેરે અમુક નામ તો સાવ અજાણ્યા હતાં. પણ એમના જીવન! ઓહોહો! એક એક વ્યક્તિત્વ જ એક એક શાળા બની જાય એટલાં સમૃદ્ધ, પ્રેરણાદાયક પ્રસંગોથી છલોછલ ભરેલાં! બુંદથી સાગર સુધીની એમની સફરની વાત કરવી એ પોતે જ એક અદભૂત અનુભવ બની રહ્યો. આ લખતી વખતે અમુક વ્યક્તિઓને મળવાનો લાભ પણ મળ્યો. શ્રી સંજય ગોરડિયાને ઓળખવા એમની સાથે ખાસા ત્રણ-ચાર કલાક વિતાવ્યાં ત્યારે એમના ‘વિરાટ’ વ્યક્તિત્વની ઝલક મેળવી શકી. ગૂંગા પહેલવાન વિરેન્દ્રસિંગ મારે ઘેર આવ્યા એ ખરેખર એક અમૂલ્ય અવસર હતો. મસ્કતમાં ગાળેલા ત્રીસ વર્ષનો અનુભવ ત્યાંના સુલતાન વિષે લખવા માટે ઘણો કામ લાગ્યો. મારે કોઈ એક જ પ્રકારના વ્યક્તિત્વો વિષે ન હતું લખવું. ખૂબ સંઘર્ષ પછી મળેલી કોઈ પણ સફળતાની વાત કંઇક તો શીખવાડી જ જાય. અહીં તો મારી સામે આખા વિશ્વનું આસમાન ખુલ્લું હતું. એટલે જ આ વ્યક્તિચિત્રોમાં સમાજના દરેક સ્તર, દરેક ક્ષેત્રની વ્યક્તિઓનું વૈવિધ્ય પીરસવાનો પ્રયત્ન કર્યો છે. - ગિરિમા ઘારેખાન