શું ગામડાની છોકરીને સપનાં જોવાનો હક નથી? પ્રેમ કરવાનો હક નથી? એને એના જીવનમાં આગળ વધવા માટે કદાચ તક ઓછી મળે અને પ્રયત્ન વધારે કરવા પડે, પણ એથી શું? છેલ્લે, અથાગ પ્રયત્નો કર્યા પછી એ પોતાની મંજિલ ના મેળવી શકે? શહેરની છોકરીઓ કરતાં એ ઓછી ઘડાયેલી હોઈ શકે છે, ખાસ કરીને આજની ટેકનોલોજી અને ફેશનને લગતી બાબતમાં, પણ એ ક્યાં સુંધી, જ્યાં સુંધી એ, એ બધાના પરિચયમાં એકવાર ના આવે! પછી એને કોઈ રોકી શકતું નથી. આખું આકાશ ભર્યું હોય છે, એની આંખોમાં અને એની એ ઉડાન, એના સપના જ્યારે એ પુરા કરે ત્યારે ઈતિહાસ રચાઈ જાય છે...
આવુજ કંઈક લઈને આવી છે મારી આ નવલકથા, “રામાપીરનો ઘોડો” જેની નાયિકા જયા, ગીરના જંગલોમાં ઉછરેલી એક હિંમતવાન છોકરી એના માબાપ સાથે ભુજમાં રહેવા જાય છે. ભણવામાં ખુબ જ હોંશિયાર એવી જયાને એના પપ્પા ડોક્ટર બનાવવાનું સપનું જોતા હોય છે અને એના દાદા એને વેળાસર પરણાવી દેવાનું! ભાઈને બચાવવા જ્યારે જયા સિંહનો મુકાબલો કરી જાય છે ત્યારે દાદાને પણ થાય છે કે એમની દીકરી સામાન્ય છોકરી નથી, એને જો તક મળે તો એ ઈતિહાસ રચે એમાંની છે. છેવટે એ પણ એને આગળ ભણવા પ્રેરે છે. ઘર અને કુટુંબનો સાથ મળે છે ત્યારે એક નપાવટ નેતા જયાના માર્ગનો મોટો પથ્થર બની જાય છે, એની સાથેની લડાઈ જયા જેવી ભલી ભોળી છોકરીને એના માબાપથી દુર, છેક સુરત લાવી મુકે છે...
કહે છેને, જ્યાં લાગે કે હવે જિંદગીનો અંત આવી ગયો, આગળ કશું બાકી નથી રહ્યું ત્યાંથી જ એક નવી શરૂઆત થાય છે! અહીં જયાના જીવનમાં પણ એવું જ બને છે. પ્રેમનો એના જીવનમાં ધીરેથી, ચુપકેથી પ્રવેશ થાય છે. એની પોતાની ધડકન એ પોતે પણ ના સાંભળી શકે એટલી ખામોશીથી વિરલનું નામ જપવા લાગે છે. જયા જેવો જ બહાદુર વિરલ જયા માટે ઘણું કરે છે, એને એના માબાપ સાથે મેળવી આપે છે, પેલા નેતાનો ખાત્મો બોલાવે છે અને પછી જયા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકે છે ત્યારે જયાને એકવાર ફરીથી યાદ આવી જાય છે એના માટે એના કુટુંબીજનોએ જોયેલાં સપના! એની પોતાની આગળ વધવાની, એના સમાજને માટે કંઈક કરી છુટવાની ભાવના અને એ વિરલનો પ્રસ્તાવ ઠુકરાવે છે. તમને અહીં કદાચ જયા સ્વાર્થી લાગે! વાર્તાનું નામ ‘રામાપીરનો ઘોડો’ કેમ? આ કોઈ ધાર્મિક વાર્તા હરગીજ નથી. આવું નામ રાખવાનું કારણ તો તમે આખી નવલકથા પૂરી કરશો પછી જ તમને સમજાશે અને પસંદ પણ પડશે!
આગળ જતાં શું થયું? જયાએ એના સપના પુરા કર્યા? વિરલનું શું થયું એ બધું જાણવા માટે તમારે આ વાર્તા શરૂઆતથી લઈને અંત સુધી વાંચવી જ રહી, વાંચતા વાંચતા તમને કંટાળો નહિ આવે ધીરે ધીરે તમે એમાં એવા ડૂબી જશો કે અંત સુંધી વાંચ્યા વગર પુસ્તક હેઠું નહિ મૂકી શકો એ મારું વચન છે...! તો તૈયાર છોને મારી સાથે ઉડાન ભરવા, જયાની નજરે એની દુનિયા જોવા, જ્યાં આખું આકાશ ભર્યું છે એની આંખોમાં બસ, પંખ ફેલાવી ઉડવાનું બાકી છે...
નિયતી કાપડિયા.