નવલિકા, નવલકથા, મોટીવેશનલ નિબંધ, કવિતા, બાળ સાહિત્ય, નાટકો, સંપાદન, ટીવી સીરીયલ, વેબસીરીઝ, ફિલ્મ, વગેરે ક્ષેત્રે છેલ્લા ત્રીસ વર્ષથી લખું છું. અત્યાર સુધીમાં મારાં ૨૧ પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. ૨૦૧૬માં કેતન મુન્શી વાર્તા સ્પર્ધામાં ‘ન્યુઝ સ્ટોરી’ વાર્તાને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. સાહિત્યની કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું.
Book Summary
બે થ્રીલર નવલકથાઓ ‘ટર્નીંગ પોઈન્ટ’ અને ‘વીકીબાબા એન્ડ કંપની’ લખ્યા પછી મને કંઈક અલગ જ કથાવસ્તુ લઈને નોવેલ લખવાની ઈચ્છા થઇ. હું નવી થીમ વિચારતો હતો ત્યારે એક દિવસ અચાનક એક ટાઈટલ મનમાં સ્ફૂર્યું, ‘અને હું મરી ગયો.’ મે વિચાર્યું માણસ મરી જાય પછી તેનું શું થતું હશે? મૃત્યુનો વિષય ગંભીર અને ગહન છે. તેના વિષે લખવું તે મારા માટે તેનાથી પણ ગહન હતું. આ વિષયને લગતાં ધાર્મિક પુસ્તોકો તો ઢગલાબંધ મળતાં હોય છે. મારે ધર્મનાં, પાપ-પુણ્યના, સ્વર્ગ-નર્કના, કે ભૂત-પ્રેતના કપોળકલ્પિત તર્ક ઉપર લખવું ન હતું. જેથી મે એક અલગ જ તર્ક અને દ્રષ્ટિકોણથી લખવાનું વિચાર્યું. વાસ્તવિક દુનિયાના પાત્રો અને ઘટનાઓ સાથે એક અલગ તરંગી તર્ક અને તુક્કા સંયોજીને આ નોવેલની રચના કરી છે. મારો આશય, મારી સાથે વાચકોને પણ મારા રચેલા તરંગી વિશ્વમાં ડૂબકીઓ ખવરાવીને તેની મઝા કરાવવાનો છે. ગંભીર વિષયને મે હળવી શૈલીમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. નવલકથા પહેલા પુરુષ એકવચનમાં લખાયેલી હોવાથી વાચકો તેની સાથે ઝડપથી જોડાઈ જશે એવું મારું માનવું છે. આ પ્રયોગ કેટલો સફળ થાય છે તે તો સમય જ બતાવશે પણ હા, તમને વાંચવાની મઝા આવશે તે નિશ્ચિત છે.