ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. મેઘાણી ઝવેરચંદ કાળીદાસ, ‘દ.સ.ણી.’, ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’ (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ. અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મૅટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો વખત કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિંક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગ્લેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી એમના પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ. ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજ્કીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન.
ગીરના પ્રદેશમાં વિશેષપણે નોકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખત જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલો ઘનિષ્ઠ સંબંધ, કૉલેજકાળ દરમિયાન કપિલભાઈ ઠક્કર જેવા મિત્રના સહવાસથી ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલન માટે જન્મેલો આદરભાવ અને હડાળાના વાજસૂરવાળાની મૈત્રીથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ-આ તત્વોએ મેઘાણીનાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ‘સૌરાષ્ટ્રી સાહિત્યકાર’ અને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયેલા મેઘાણીના કાવ્યસર્જનની પ્રવૃત્તિનો પ્રારંભ તો શાળા-કૉલેજના અભ્યાસ દરમિયાન થઈ ગયેલો, પરંતુ વ્યવસ્થિત લેખન શરૂ થયું ૧૯૨૨ થી. એ વર્ષે લખાયેલા ત્રણ લેખોમાંથી ‘ચોરાનો પોકાર’ લેખે એમને ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક સાથે સાંકળવામાં અને એમના પત્રકાર અને સાહિત્યિક જીવનનાં દ્વાર ઉઘાડી આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
સોરઠના પહાડી પ્રદેશમાં માણેલી દુહા-સોરઠાની રમઝટ, શાળાજીવનમાં કલાપીની કવિતાનું અનુભવેલું આકર્ષણ, કલકત્તાનિવાસ દરમિયાન બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્ઠ સંપર્ક-એ બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની કવિતા ગાંધીયુગીન ભાવનાઓને ઝીલે છે, પરંતુ અભિવ્યક્તિ પરત્વે બ.ક. ઠાકોરની કાવ્યશૈલીથી સાવ મુક્ત રહી ગેયતત્વની પ્રબળતાને લીધે પોતાના અન્ય સમકાલીન કવિઓની કવિતાથી જુદી મુદ્રા ધારણ કરે છે. ‘વેણીનાં ફૂલ’ (૧૯૨૩) અને ‘કિલ્લોલ’ (૧૯૩૦) ની બાળકો વિશેની અને બાળકો માટેની ગીતરચનાઓમાં લોકગીતોના લયઢાળોને ઉપાડ્યા છે; તો બંગાળી, અંગ્રેજી, જાપાની કવિતાની છાયા પણ ઝિલાઈ છે. કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાવનાર ‘યુગવંદના’ (૧૯૩૫)માં વીર અને કરુણરસવાળાં, લોકલય અને ચારણી છટાવાળાં રાષ્ટ્રભક્તિનાં, પીડિતો પ્રત્યેની અનુકંપાનાં, અન્ય કાવ્યો પરથી રૂપાંતરિત કે સૂચિત એવાં ‘કોઈનો લાડકવાયો’ જેવાં કથાગીતો અને આત્મસંવેદનનાં કાવ્યો છે. ‘એકતારો’ (૧૯૪૭)નાં સુડતાલીસ કાવ્યોમાં કાવ્યત્વ કરતાં પ્રચારલક્ષિતા વિશેષ છે. ‘બાપુનાં પારણાં’ (૧૯૪૩)માં ગાંધીજીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યસંગ્રહ ‘સંચયિતા’નાં કાવ્યો પરથી રચાયેલાં રૂપાંતરિત કે અનુસર્જનરૂપ કાવ્યો છે.
એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ (૧૯૨૨) તથા લોકકથાઓના સંપાદન નિમિત્તે મેળવી લીધેલી, પરંતુ એમનું મૌલિક વાર્તાસર્જન શરૂ થયું ૧૯૩૧થી. એમની મહત્વની મૌલિક બાસઠ નવલિકાઓ ‘મેઘાણીની નવલિકાઓ’- ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૫) અને ‘વિલોપન’ (૧૯૪૬)માં સંગૃહીત છે. રચનારીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનનાં મૂલ્યો પર તીખા કટાક્ષ છે; તો સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં સોરઠી સંસ્કૃતિનાં વિલીન થતાં મૂલ્યો પ્રત્યેનો અહોભાવ છે. ‘જેલ ઑફિસની બારી’ (૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોનાં જીવનનું આલેખન છે. ‘માણસાઈના દીવા’ (૧૯૪૫)માં લોકસેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસોમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ‘પ્રતિમાઓ’ (૧૯૩૪) અને ‘પલકારા’ (૧૯૩૫)માં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત પંદર વાર્તાઓ છે. ‘દરિયાપારના બહારવટિયા’ (૧૯૩૨) એશ્ટન વુલ્ફના પુસ્તક ‘ધ આઉટલૉઝ ઑવ મોડર્ન ડેઝ’ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત ચાર બહારવટિયાઓની કથાઓનો સંગ્રહ છે. પત્રકારત્વના વ્યવસાય નિમિત્તે વાર્તાઓ ઉપરાંત નવલકથાઓ પણ એમની પાસેથી મળી છે. એમની પહેલી મૌલિક પાત્રલક્ષી નવલકથા ‘નિરંજન’ (૧૯૩૬)માં નિરંજનને એક તરફ ગ્રામજીવનના સંસ્કાર પ્રત્યે, તો બીજી તરફ આધુનિક જીવન અને તેની પ્રતિનિધિ સુનિલા પ્રત્યે જન્મેલું આકર્ષણ એ બેની વચ્ચે ઝોલા ખાતો બતાવી અંતે ગ્રામજીવન અને ત્યાંનાં મનુષ્યો તરફ ખેંચાતો બતાવ્યો છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (૧૯૩૭) ઓગણીસમી સદીના અસ્ત અને વીસમી સદીના ઉઘાડના સમયની સોરઠી જીવનની વાતારવણપ્રધાન પ્રાદેશિક નવલકથા છે. ‘વેવિશાળ’ (૧૯૩૯) ધનિક બની ગયેલા કુટુંબની કન્યાના ગરીબ ઘરે થયેલા વેવિશાળમાંથી ઊભી થતી સમસ્યાની સામાજિક નવલકથા છે. ‘તુલસીક્યારો’ (૧૯૪૦) જૂની પેઢીની સંસ્કારિતાને આલેખતી સામાજિક કથા છે. ‘પ્રભુ પધાર્યા’ (૧૯૪૩) બ્રહ્મદેશની ભૂમિમાં રોપાયેલી, ગૂર્જર-બર્મી પ્રજાના સંસ્કારસંપર્કને આલેખતી અને મુખ્યત્વે બ્રાહ્મી પ્રજાનું સમાજચિત્ર રજૂ કરતી કથા છે. ‘કાળચક્ર’ (૧૯૪૭) ૧૯૪૦-૫૦ના સમયની સામાજિક સમસ્યાઓને આલેખતી અપૂર્ણ નવલકથા છે.
એમની લોકસાહિત્યના સંસ્કારવાળી ઐતિહાસિક નવલકથાઓ પૈકી ‘સમરાંગણ’ (૧૯૩૮) ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફર ત્રીજાના રાજ્યઅમલના સમયની કથા છે; ‘રા’ગંગાજળિયો’ (૧૯૩૯) પંદરમી સદીનો જૂનાગઢનો રા’માંડલિક માંડલિકમાંથી મુસ્લિમ ધર્મ કેમ અંગીકાર કરે છે એને આલેખતી કથા છે; તો ‘ગુજરાતનો જય’- ભા. ૧, ૨ (૧૯૩૯, ૧૯૪૨) વિક્રમની તેરમી સદીની છેલ્લી પચીસીમાં વસ્તુપાલ-તેજપાલને હાથે ગુજરાતના પુનરુદ્વાર માટે થયેલા પ્રયત્નોની કથા છે.
એમની રૂપાંતરિત કે અન્ય કૃતિ પરથી પ્રેરિત નવલકથાઓ પૈકી ‘સત્યની શોધમાં’ (૧૯૩૨) અપ્ટન સિંકલેરની ‘સેમ્યુઅલ ધ સીકર’ કૃતિ પરથી અને ‘બીડેલાં દ્વાર’ (૧૯૩૯) એ જ લેખકની ‘લવ્ઝ પિલગ્રિમેઇજ’ કૃતિને આધારે લખાયેલી છે; તો ‘વસુંધરાનાં વહાલાંદવલાં’ (૧૯૩૭) વિકટર હ્યૂગોની ‘ધ લાફિંગ મૅન’ પરથી અને ‘અપરાધી’ (૧૯૩૮) હૉલ કેઈનની ‘ધ માસ્ટર ઑવ મૅન’ પરથી પ્રેરિત કથાઓ છે.
વિવિધ રૂપે પાંગરેલી મેઘાણીની લેખનપ્રવૃત્તિમાં લોકસાહિત્યનાં સંશોધન, સંપાદન અને સમાલોચનની પ્રવૃત્તિ અતિમહત્વની હતી. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટભોગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય એમને છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય અને સામાજિક દ્રષ્ટિને ગૌણ રાખીને કર્યું છે. ‘ડોશીમાની વાતો’ (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી ‘સૌરાષ્ટ્રની રસધાર’ના પાંચ ભાગ (૧૯૨૩, ૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭, ૧૯૨૭ ) અને ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (૧૯૨૭, ૧૯૨૮, ૧૯૨૯) એ ગ્રંથોએ. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં સોરઠી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ, કરુણ અને ભીષણ લાગણીઓવાળી સોએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોકકથાઓના કથ્યરૂપને યથાતથ જાળવવાને બદલે એને અહીં ટૂંકીવાર્તાનો ઘાટ અપાયો છે. ‘સોરઠી બહારવટિયા’માં પરિપૂર્ણ નહીં, પણ બહારવટિયાઓના કેટલાક જીવનપ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે; તો પણ પ્રસંગોની રસભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે. ‘કંકાવટી’- ભા. ૧,૨ (૧૯૨૭, ૧૯૨૮)માં ચમત્કારી તત્વોવાળી, નૃવંશશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી બને તેવી છેતાલીસ વ્રતકથાઓનું, લેખકનાં અન્ય સંપાદનો કરતાં વધુ શાસ્ત્રીય એવું, સંપાદન છે. ‘દાદાજીની વાતો’ (1૧૯૨૭) અને ‘ડોશીમાની વાતો’ની વાર્તાઓને સમાવી એમાં બીજી વધુ વાર્તાઓ ઉમેરી પ્રગટ કરેલા ‘દાદાજી અને ડોશીમાની વાતો’ની વાર્તાઓમાં તથા ‘રંગ છે બારોટ’ (૧૯૪૫)ની બાળભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા સ્વરૂપની છે. ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮) બિનસાંપ્રદાયિક લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે. ‘સોરઠી ગીતકથાઓ’ (૧૯૩૧)માં અંગ્રેજી ‘બૅલેડ’ને મળતી તેર લોકગીતકથાઓ છે.
‘રઢિયાળી રાત’- ભા. ૧ થી ૪ (૧૯૨૫, ૧૯૨૬, ૧૯૨૭, ૧૯૪૨)માં દાંપત્યજીવન, રમકડાં, હાલરડાં, કાનગોપી, વિનોદગીતો, રસગીતો, નવરાત્રિનાં જોડકણાં, સંસારચિત્રો, ઋતુગીતો, કજોડાનાં ગીતો, દિયરભોજાઈનાં ગીતો, ઈશ્કમસ્તીનાં ગીતો, મુસલમાની રાસડા, કથાગીતો, જ્ઞાનગીતો આદિ શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલાં ગુજરાતમાં પ્રચલિત લોકગીતોનું સંપાદન છે. ‘ચૂંદડી’-ભા. ૧-૨ (૧૯૨૮, ૧૯૨૯)માં જુદી જુદી કોમોનાં લગ્નગીતો સંચિત થયાં છે. ‘હાલરડાં’ (૧૯૨૮), ‘ઋતુગીતો’ (૧૯૨૯) ‘સોરઠી સંતવાણી’ (૧૯૪૭) અને ‘સોરઠિયા દુહા’ (૧૯૪૭) તદ્વિષયક ગીતો, ભજનો અને કાવ્યોનાં સંપાદનો છે. લોકસાહિત્યનાં આ સંપાદનો કંઈક મિશનરી આવેશ અને ઊર્મિલ અભિગમને લીધે શાસ્ત્રીય કરતાં લોકભોગ્ય વિશેષ છે. તોપણ લોકસાહિત્યનો આત્મા ખંડિત ન થાય એની કાળજી જરૂર લેવાઈ છે.
‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’- ભા. ૧,૨ (૧૯૩૯, ૧૯૪૪)માં મેઘાણીએ પોતે સંપાદિત કરેલા લોકસાહિત્યના ગ્રંથોમાં મૂકેલા પ્રવેશકો, અન્ય સંપાદકોના ગ્રંથોની પ્રસ્તાવનાઓને વ્યાખ્યાનો સમાવી લેવાયાં છે. ‘લોકસાહિત્ય-પગદંડીનો પંથ’ (૧૯૪૪) રા. બા. કમળાશંકર સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલું વ્યાખ્યાન છે, જેમાં પ્રાચીનકાળથી ચાલ્યા આવતા લોકસાહિત્યની પગદંડીનો પરિચય મળે છે. ‘લોકસાહિત્યનું સમાલોચન’ (૧૯૪૬)માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો છે, જે ‘કથ્ય ભાષાના સાહિત્યસીમાડા’, ‘ગુજરાતનું લોકસાહિત્ય પ્રગટાવનારાં સંસ્કારબળો’, ‘કેડી પાડનારાઓ’, ‘સ્વતંત્ર અને સજીવનસ્ત્રોત’ તથા ‘સર્વતોમુખી ઉલ્લાસ’- એ શીર્ષકો હેઠળ લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરે છે.
સ્પષ્ટ રીતે આત્મકથા ન કહી શકાય, પરંતુ લેખકના અંગત જીવનનો અનુબંધ આપતી ત્રણ કૃતિઓ પૈકી ‘પરકમ્મા’ (૧૯૪૬) અને ‘છેલ્લું પ્રયાણ’ (૧૯૪૭)માં લોકસાહિત્યનું સંશોધન અને સંપાદન કેટલી જહેમતથી એમણે કરેલું તેનો પરિચય મળે છે; તો મરણોત્તર પ્રકાશન ‘લિ. સ્નેહાધીન ઝવેરચંદ’ (૧૯૪૮)માં એમના કૌટુંબિંક અને સાહિત્યિક જીવનમાં ડોકિયું કરાવતા 176 ચૂંટેલા પત્રો સંચિત થયા છે. ‘બે દેશદીપક’ (૧૯૨૭), ‘ઠક્કરબાપા’ (૧૯૩૯), ‘મરેલાંનાં રુધિર’ (૧૯૪૨), ‘અકબરની યાદમાં’ (૧૯૪૨), ‘આપણું ઘર’ (૧૯૪૨), ‘પાંચ વર્ષનાં પંખીડાં’ (૧૯૪૨), ‘આપણાં ઘરની વધુ વાતો’ (૧૯૪૨) તથા ‘દયાનંદ સરસ્વતી’ (૧૯૪૪) એ એમની લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ છે.
‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ (૧૯૨૮) અને ‘સોરઠને તીરે તીરે’ (૧૯૩૩) સોરઠનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જીવનનો પરિચય કરાવતા પ્રવાસગ્રંથો છે. પત્રકારત્વની નીપજરૂપ અન્ય ગ્રંથોમાં ‘વેરાનમાં’ (૧૯૩૯)માં પરદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિઓ પરથી રચેલાં કરુણા અને કટાક્ષમિશ્રિત માનવતારંગી રેખાચિત્રો છે; ‘પરિભ્રમણ’- ભા. ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૭, ૧૯૪૭)માં ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ હેઠળ સાહિત્ય અને જીવન વિશે લખાયેલા લેખો છે; ‘સાંબેલાના સૂર’ (૧૯૪૪) ‘શાણો’ના ઉપનામથી લખાયેલી કટાક્ષિકાઓનો સંગ્રહ છે.
‘વંઠેલા’ (૧૯૩૪) ત્રણ એકાંકીઓનો સંગ્રહ છે. એ ઉપરાંત કેટલીક નાટ્યરચનાઓ અનૂદિત છે : ‘રાણો પ્રતાપ’ (૧૯૨૩) અને ‘શાહજહાં’ (૧૯૨૭) દ્વિજેન્દ્રલાલ રૉયનાં નાટકોના અનુવાદ છે, તો પદ્યનાટક ‘રાજારાણી’ (૧૯૨૬) રવીન્દ્રનાથ ટાગોરના નાટકનો અનુવાદ છે.
‘એશિયાનું કલંક’ (૧૯૨૩), ‘હંગેરીનો તારણહાર’ (૧૯૨૭), ‘મિસરનો મુક્તિસંગ્રામ’ (૧૯૩૦), ‘સળગતું આયર્લેન્ડ’ (૧૯૩૧), ‘ભારતનો મહાવીર પાડોશી’ (૧૯૪૩) અને ‘ધ્વજ-મિલાપ’ (૧૯૪૩) એ એમના ઇતિહાસગ્રંથો છે.