શીર્ષક વાંચીને જ ચોંકી ગયા ને! તો એક ઔર ઝટકો ખમવા તૈયાર થઈ જાઓ! 48 કરોડ રૂપિયામાં વેચાયેલી એ વિડિયો ક્લિપ માત્ર દસ સેકંડની જ છે! જી હા, ગત વર્ષ 2020 ના ઓક્ટોબર મહિનામાં અમેરિકાના માયામી શહેરમાં રહેતા ડિજિટલ આર્ટના એક ચાહક એવા પાબ્લો રૉડ્રીગ્ઝ ફ્રેઇલ (Pablo Rodriguez Fraile) નામના વ્યક્તિએ એક દસ સેકંડની વિડિયો ક્લિપ 67000 ડૉલરમાં (લગભગ 5 કરોડ રૂપાિયા) ખરીદી હતી. જેને NFT (Non-fungible token) કહેવામાં આવે છે. હવે કેમ કે આ એક ડિજિટલ આર્ટ છે તો એની લિલામી પણ ઓનલાઇન જ થાય છે. હમણાં ગયા મહિને જ એમને એક ઓનલાઇન ઓક્શનમાં આ દસ સેકંડની ક્લિપના 6.6 મિલિયન ડૉલર (લગભગ 48 કરોડ રૂપિયા) જેટલો અધધ ભાવ મળ્યો! તો ચાલો જોઈએ શું છે આ NFT (Non-fungible token), કેવુ હોય છે આ ડિજિટલ આર્ટ? અને એને કઈ રીતે બનાવી શકાય છે?
આપણી પાસે રહેલા રૂપિયા કે ડૉલર, સોનુ, ચાંદી કે પછી બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી એ બધાને ફંઝિબલ એસેટ્સ (fungible assets) કહી શકાય. જેનાથી આપણે ખરીદી કે એકબીજા સાથે એક્ષચેન્જ કરી શકીએ છીએ. હવે કેટલાક લોકોને જુનવાણી સિક્કા, નોટો કે ટપાલ ટિકિટો એકઠી કરવાનો શોખ હોય છે. દુનિયામાં આ વસ્તુઓ કાં તો સાવ ઓછી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે અથવા તો એક અને માત્ર એક જ હોય છે! કોઈ ખામી વાળો સિક્કો હોય તો એ પણ એક જ હોવાનો. આ થયા નૉન-ફંઝિબલ એસેટ્સ (non fungible assets) એ જ રીતે લિઓનાર્દો દ વિન્ચીનું મોનાલિસા કે પાબ્લો પિકાસોનું કોઈ પ્રખ્યાત પેઇન્ટિંગ હોય કે હોય કે પછી ગાંધીજીના ચશ્મા કે એવી કોઈ જુનવાણી દુર્લભ વસ્તુ હોય એ બધા પણ નૉન-ફંઝિબલ એસેટ્સ (Non-fungible assets) છે. આ પેઇન્ટિંગ આખી દુનિયામાં એક જ હોય છે. એની બીજી કોઈ કોપી બીજા કોઈ પાસે ના સંભવી શકે. અને એટલે જ તો આજે એ પેઇન્ટિંગ કરોડો રૂપિયામાં વેચાય છે. અમુક દેશોમાં તો નાના પાયે પણ આવી દુર્લભ વસ્તુઓની હિસ્ટરી ટીવી પર આપણે જોઈએ છીએ એવી પૉઉન સ્ટાર શૉપ (pawn star shop) જેવી દુકાનો પણ હોય છે. તો એક તો આ પ્રકારની મિલકતથી તમે વિનિમય કે લેવડદેવડ ના કરી શકો પણ વેચી શકાય ખરી. અને બીજું એ કે આ મિલકત મોટાભાગે દુર્લભ કે પછી સાવ ઓછી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. મુખ્ય આ બે બાબત એને અન્ય મિલકતથી અલગ પાડે છે.
હવે આ પેઇન્ટિંગ જેવી દુર્લભ કારીગરી અને એના કિંમતી હોવા વિશે તો આપણને ખબર જ છે. બસ આ જ કારીગરીમાં કેન્વાસનું સ્થાન લેપટોપની સ્ક્રીન લઈ લે અને પીંછીનું સ્થાન આંગળીઓ કે માઉસ લઈલે એટલે આ કારીગરી બની જાય ડિજિટલ આર્ટ! હવે આ આર્ટને તમે અમુક ચોક્કસ વેબસાઇટ પર વેચાણ માટે મૂકી શકો છો. વેચાણ માટે મૂકાયેલું આ આર્ટ એટલે NFT. (Non-fungible token) એ કોઈ ફોટા કે વિડિયો સ્વરૂપે પણ હોઈ શકે, GIFs કે મ્યુઝીક સ્વરૂપે પણ હોઈ શકે છે. આ બધાનું ખરીદ-વેચાણ બિટકોઇન જેવી જ એક ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમમાં જ થાય છે. ઓનલાઇન ઓક્શનની વેબસાઇટો પણ બ્લોકચેઇન ટૅક્નોલોજી પર ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમથી જ ચાલે છે. આ NFT ની (Non-fungible token) શરૂઆત લગભગ વર્ષ 2017 માં જ્યારે ક્રિપ્ટોકરન્સીએ દુનિયામાં ધૂમ મચાવવાની શરૂઆત કરી ત્યારે જ થઈ ગયેલી. એ સમયે એક ક્રિપ્ટોકિટ્ટી (Crypto kitties) નામની ગેમ બહું પ્રચલિત થયેલી. એમાં આવતી બિલાડીઓના (kitties) કેરેક્ટર્સ એક જાતના NFT (Non-fungible token) જ હતા. લોકો પોતે બનાવેલ કિટ્ટીના ખરીદ-વેચાણ પણ કરતા. આજે પણ એવી અમુક બિલાડીઓ (Kitties) 19000 ડૉલર સુધી પણ વેચાય છે! ગેમિંગમાં પણ NFT નો (Non-fungible token) ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. કોઈ નવી ગન ખરીદી હોય, કેરેક્ટર ખરીદ્યુ હોય તો લોકો એના પણ NFT (Non-fungible token) બનાવીને વેચી રહ્યા છે. તો સામે પક્ષે કલાના કસબીઓ અને કદરદાનો પણ એનું ખરીદ-વેચાણ કરી રહ્યા છે. તો બીજી તરફ એક વર્ગ રોકાણકારોનો પણ આમાં રસ દાખવી રહ્યો છે. સારી કલાકારી અત્યારે ખરીદી લે અને આગળ જતાં એ કલાકારીને એક મોટા નફા સાથે વેચી દે છે! મતલબ એક નવા જ પ્રકારની એક આખી ઇન્ડસ્ટ્રી આકાર લઈ રહી છે! જેનું આજે કરોડોનું માર્કેટકેપ છે! અને દિવસે દિવસે વધી રહ્યું છે.
6.6 મિલિયન ડૉલર જેટલી અધધ કિંમતે વેચાયેલા 'ક્રોસરોડ' નામના આ ડિજિટલ આર્ટનો કસબી છે બિપલ (beepal) નામનો એક યુવાન. આ એનું ડિજિટલ નામ છે. એનું સાચુ નામ તો માઇક વિંકલમેન (Mike Winkelmann) છે. જે આજે સૌથી મોંઘો NFT (Non-fungible token) કલાકાર બની ગયો છે! તો બીજો એક FEWOCIOUS ના ડિજિટલ નામે ઓળખાતો અઢાર વર્ષનો છોકરડો વિક્ટર પણ આ ક્ષેત્રમાં પ્રખ્યાત છે. ગયા જાન્યુઆરી મહિનામાં એના અઢારમાં જન્મદિવસે એ 370000 ડૉલરના પોતાના અલગ અલગ ડિજિટલ આર્ટનું વેંચાણ કરી ચૂક્યો હતો! આ બધું સાંભળીને આપણને નવાઈ લાગે કે દુનિયા કેવા કેવા કરતબ કરીને પૈસા કમાઈ રહી છે! જ્યારે આપણને તો એની જાણકારી સુધ્ધાં નથી હોતી! હોય પણ ક્યાંથી? આપણા મિડિયાને ધાર્મિક કટ્ટરવાદી ડિબેટ અને યોગીજીના માથા પર વાળ કેમ નથી ઊગતા? જેવા મહત્ત્વના મુદ્દાઓમાંથી સમય મળે તો આવા તુચ્છ સમાચારો બતાવે અને આપણા યુવાધનને એની જાણકારી મળે ને! ખેર આપણે મૂળ વાત પર પાછા ફરીએ. એક સવાલ આપણને ચોક્કસ થાય કે 48 કરોડ રૂપિયામાં વેચાયેલી એ ક્લિપમાં ખરેખર છે શું? એમાં કમ્પ્યુટરની કારીગરીથી બનાવેલું એક વિશાળકાય ડૉનાલ્ડ ટ્રંપનું શરીર છે જે રોડની બાજુમાં જમીન પર ઊંધા માથે પડેલું છે. એના શરીર પર કેટલાક સ્લોગન લખેલા છે. રોડ પરથી કેટલાક લોકો પસાર થઈ રહ્યા છે અને એક પક્ષી આવીને એ મહાકાય શરીર પર થોડીવાર બેસે છે અને ફરી પાછું ઊડી જાય છે! બસ! આટલું જ છે આ ક્લિપમાં! પણ આ આખી ક્લિપ ડિજિટલ આર્ટનો એક અપ્રતિમ નમુનો છે! એની સાચી કદર તો આર્ટના શોખીનો જ કરી શકે! આ ઘટના પછી એક એવી પણ મજાક ચાલી કે, "જીતેલા ટ્રંપ 5 કરોડના અને હારેલા 48 કરોડના!" ખેર, જો તમે આ NFT (Non-fungible token) ખરીદો છો તો આખા વિશ્વમાં એના માલિક તમે અને માત્ર તમે એક જ હશો. આ પ્રકારની એક ગર્વની લાગણી પણ પૈસાદાર લોકોને આવી વસ્તુઓ લેવા માટે આકર્ષતી હોય છે.
જો તમારામાં પણ એક આર્ટિસ્ટ છુપાયેલો હોય તો તમે પણ NFT (Non-fungible token) બનાવી શકો છો! અને એને ઓનલાઇન વેચાણ માટે પણ મૂકી શકો છો! એના માટે આ રહ્યા કેટલાક પ્લેટફોર્મ - Raribale, open sea, super rare, Nifty gateway. આમાં Rarible સૌથી વધારે પ્રખ્યાત અને યુઝર ફ્રેન્ડલી છે. પણ એક મિનિટ, અહીં NFT (Non-fungible token) બનાવવા માટે તમાટે એક ઈથેરિયમ વૉલેટની જરૂર પડશે. જેમાં તમે અમુક રૂપિયાના ઈથેરિયમ કોઈન (ETH) જમા કરાવ્યા હોય. કારણ કે આ NFT (Non-fungible token) ઈથેરિયમના ERC 721 સ્ટાન્ડર્ડ પર કામ કરે છે. એનું ERC 20 સ્ટાન્ડર્ડ નોર્મલ કોઈનને (Fungible token) જ સપોર્ટ કરે છે. તો એક નવું સ્ટાનડર્ડ પણ શરૂ થયું છે ERC 1155 જે આ બન્ને પ્રકારના ટોકન માટે સેવા આપી શકે છે. ઉપરના પ્લેટફોર્મની વેબસાઇટ પર જઈને તમે create NFT પર જઈને તમે બનાવેલ પેન્ટિંગ, ફોટો કે GIFs અપલોડ કરો, કિંમત નક્કી કરો અને તમારી કળાના કદરદાનની રાહ જુઓ! એના માટે થોડી ટ્રાન્જેક્શન ફી પણ આપવી પડશે. જે તમારા ઈથેરિયમ વૉલેટમાંથી કપાઈ જશે. આ બધું કરવું તો એકદમ સરળ છે. પણ, જો તમે વેલકમના મજનુભાઈ જેવા આર્ટિસ્ટ હશો તો બની શકે તમે ચૂકવેલી ટ્રાન્ઝેક્શન ફી પણ માથે પડે!
આ NFT (Non-fungible token) અને એના ટ્રાન્ઝેક્શન બ્લોકચેઇન ટૅક્નોલોજી પર કાયમ માટે સચવાયેલા રહે છે, વર્ષો સુધી અને જનમો જનમ સુધી પણ! આ બ્લોકચેઇન એ ટૅક્નોલોજીની દુનિયામાં એક આવિષ્કાર છે. અહીં કરોડો રૂપિયાના NFT (Non-fungible token) આરામથી સાચવી શકાય છે. ના તો એનો ડેટા કોઈ ભૂંસી શકે છે, ના તો કોઈ ફાઇલ કરપ્ટ થઈ શકે છે કે ના તો એને કોઈ હેક કરીને ચોરી શકે છે! જાણકારો આ NFT (Non-fungible token) ને ભવિષ્યનું આર્ટ કહે છે. એ જોતાં આ નવા શરૂ થયેલા અને હજુ પાપા પગલી ભરતાં આ ક્ષેત્રની આગળ જવાની અપાર સાંભાવનાઓ સેવાઈ રહી છે.