• 23 February 2021

    કલ્પની કલમે

    કોરોના કાળમાં બધું ગુલ, પણ હાઈસ્પીડમાં દોડે છે બુલ

    5 46

    કોરોના કાળમાં બધું ગુલ, પણ હાઈસ્પીડમાં દોડે છે બુલ

    “વક્તને કિયા ક્યા હંસી સિતમ

    હમ રહે ના હમ... તુમ રહે ના તુમ...”

    “અરે, વાત જ જવાદો. આ કોરોનાએ તો કમ્મર તોડી નાખી છે. ટેક્ષટાઇલમાં મંદી, હીરામાં મંદી, રીઅલ એસ્ટેટમાં મંદી, ઓટોમાં મંદી, આઈ.ટી.માં મંદી, ફાર્મામાં મંદી, એગ્રોમાં મંદી, કેમિકલમાં મંદી. જ્યાં પૂછો અને જ્યાં જુઓ ત્યાં મંદી જ મંદી. કોરોના આવ્યો અને દરેક દેશની માફક ભારતમાં પણ લોકડાઉન શું લાગ્યું, એ પછી દરેક ક્ષેત્ર ડાઉન ડાઉન ડાઉન.” આવું જ સાંભળવા મળે છે ને હમણાં? પણ સાહેબ, શેરબજાર અપ જ રહે છે. કેમ? એવો પ્રશ્ન થાય છે કે નહીં? થાય જ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોરોનાકાળમાં આવેલી મંદીને કારણે જ શેરબજારમાં તેજી છે. એ સમજવા માટે થોડું હટકે વિચારવું પડશે.

    મંદી કેમ છે?

    આખો દેશ જયારે મંદીના મારથી પરેશાન છે ત્યારે મંદી કેમ છે એ જાણીએ તો જ સમજાશે કે બુલ કેમ હાઈસ્પીડમાં દોડે છે! મંદીના મુખ્ય કારણો આ મુજબ છે...

    · સ્થાનિક વેપાર-ધંધા પડી ભાંગ્યા અને એને કારણે બજારમાં ફરતી લીક્વિડીટીમાં ભયંકર ઘટાડો થયો.

    · નોકરીયાત અને રોજગારી પર નભતા દેશના સૌથી મોટા વર્ગની આવક અટકી પડી. જેને કારણે મજબુરી સિવાયની દરેક ચીજવસ્તુની ખરીદી પર રોક લાગી.

    · પ્રોડક્શન અને યુટીલીટીસ પણ અટકી પડી, પાવર જનરેશન અને ફયુલ જેવી પાયાની જરુરીઆતોમાં પણ ઘટાડો થતા, દેશની આવક સાવ તળિયે આવી ગઈ.

    · આ બધાની અસર GDP પર પડી અને નાણાકીયક્ષેત્રો અને વ્યાજદરમાં ખાડો પડ્યો. બેન્કોમાં આવતી થાપણ અટકી પડી.

    · ફિક્સ ડીપોઝીટ જેવી યોજના જેનો લાભ દેશનો બહુ મોટો માધ્યમ વર્ગ લે છે, એમાં સતત ઘટાડો થયો.

    · કોરોનાકાળ અને લોકડાઉનને કારણે સામાન્ય વર્ગની માનસિકતા એ થઇ ગઈ કે હાથમાં હશે તો જ મૂડી કામની બાકી આમ અચાનક કંઈ થઇ ગયું તો બેંક કે અન્ય ફાઈનાન્સિયલ સંસ્થાઓ પાસે પણ કેમ કરીને જવું! એટલે અન્ય ક્ષેત્રોમાં રોકાણ અટકવા લાગ્યા.

    · કોરોના માત્ર આપણા દેશમાં નહોતો. આખા વિશ્વ પર એની કાળી છાયા હતી. યુરોપ, આફ્રિકા, અમેરિકા જેવા ખંડોના ઘણા બધા દેશો સાથે આપણા દેશની મોટી મોટી કંપનીઓ IT, ડાયમંડ, ટેક્સટાઈલ કે અન્ય ક્ષેત્રોમાં બીઝનેસ કરે છે. અને ત્યાં પણ અસર પડી જેને મંદીમાં વધારો કર્યો.

    · પ્રોડક્શન, રો મટીરીયલ્સ, જોબ વર્ક, ટ્રાન્સપોર્ટ અને રીટેલ માર્કેટ બધું જ એક સાથે પડી ભાંગ્યું.

    · નાના વેપારીના પેમેન્ટ અટવાયા અને એને કારણે પેમેન્ટ સ્વરૂપે રચાતી સાંકળ પણ તૂટી પડી. વગેરે.. વગેરે.. વગેરે...

    આ સિવાય પણ એવા ઘણા મુદ્દા હતા જેને આર્થિક રીતે બજારના Money Flow પર માઠી અસર કરી છે. આર્થિક સર્વેક્ષણ અને ભારતની ઇકોનોમીસીસ્ટમ જાણનારા દરેકને ખબર છે કે દેશના જુજ મૂડીપતિઓ પાસે દેશના ઉધ્ધાર અને એને અધ્ધર કરવાની ક્ષમતા છે. સામાન્ય રીતે આ બધા જ મૂડીપતિઓની મૂડી અને બેન્કિંગ ક્ષેત્રના મનીમાર્કેટ વચ્ચે પરોક્ષ રીતે સીધો સંબંધ રહ્યો છે. કોરોના કાળમાં આ હજારો કરોડોના મનીમાર્કેટનો ફલો, બેંક અને ફાઈનાન્સ તરફનો અટકી પડ્યો અને બેંક અને ફાઇનાન્સિયલ ક્ષેત્રો ડાઉન ડાઉન ડાઉન...

    બુલના હાઈસ્પીડમાં દોડવાના કારણો...

    · સ્ટોકમાર્કેટ તળિયે બેસતા લોકડાઉન પછી નફો રળી લેવાની આશાએ ઘણાએ માર્કેટમાં ખરીદી શરુ કરી અને લોવર રેટ પર શેર્સ ખરીદવા માંડ્યા.

    · સોનું પણ આ દરમ્યાન પુરજોશમાં હતું એટલે ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ સ્ટોકમાર્કેટ તરફ જ રહ્યો.

    · વેક્સીનની વાતે જોર પકડ્યું. જેને કારણે ફાર્મા અને કેમિકલને લગતા ક્ષેત્રોમાં ભવિષ્ય ઉજ્જળ છે, જાણીને એ ક્ષેત્રોમાં પણ રોકાણ શરુ થયું.

    · લોકડાઉનમાં રાહત અને છૂટછાટ મળતાં ઘણા શ્રમજીવી પાછા ફર્યા જેને કારણે પ્રોડક્શન યુનિટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતા ક્ષેત્રોમાં ગાડી પર ચડી.

    · વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ લોકડાઉનને કારણે મજબુરીએ આવ્યો પણ પશ્ચિમી દેશોમાં પ્રખ્યાત આ કન્સેપ્ટને કારણે IT, કમ્પુટર અને લોજીસ્ટીક ક્ષેત્રોમાં પણ ઉછાળો નોંધાયો.

    · સૌથી મોટું પરિબળ એ રહ્યું કે કોરોનાકાળમાં શેરમાર્કેટમાં ટ્રેડીંગ અને ઇન્વેસ્ટ કરનારાઓના નવા એકાઉન્ટ ખોલાવનારાઓમાં હજારો લાખોની સંખ્યામાં વધારો થયો.

    · વેક્સીનની આશાએ શેરમાર્કેટમાં પોસિટીવ પરફોર્મન્સનો મોટો પરપોટો સર્જ્યો અને બુલ હાઈસ્પીડમાં દોડવા લાગ્યો.

    આવા ઘણા કારણો છે જેને કારણે શેરબજારમાં તેજી આવી.

    એક સર્વેક્ષણ મુજબ એવું કહેવામાં પણ ખોટું નથી કે આ દરમ્યાન SCAM1992 નામક વેબસીરીઝ OTT પ્લેટફોર્મ પર આવી અને એની લોકમાનસ પર ભારે અસર પડી અને એના કારણે પણ ઘણા નવા ઇન્વેસ્ટર્સ શેરબજાર પરત્વે આકર્ષાયા. પેલો ડાયલોગ યાદ છે ને?

    “રિસ્ક હૈ તો ઈશ્ક હૈ”

    બસ, સહુએ રિસ્ક લેવાનું શરુ કર્યું અને શેરમાર્કેટ ઊંચકાયું.

    કોરોનાની મંદીમાં જ શેર બજારની તેજીના કારણો...

    · નવા ઘણા રોકાણકારો ઉમેરાયા અને ઘણા નવા ઓનલાઈન એકાઉન્ટ ખુલ્યા. શું આ બધા એકાઉન્ટ સામાન્ય હતા? થોડા ઘણા અંશે આ એકાઉન્ટ મારફતે મનીમાર્કેટમાં ઇન્વેસ્ટ કરનારા ઘણા સ્ટોકમાર્કેટમાં ઉતર્યા. આ એકાઉન્ટ મારફતે લાખો- કરોડો રૂપિયા શેરમાર્કેટમાં ઠલવાયા અને ડાઉન ગયેલા સેન્સેક્સમાં સહુએ ખરીદી શરુ કરી. સ્ટોકમાર્કેટમાં પૈસા ઠલવાયા અને બુલે સ્પીડ પકડી. આમ, કોરોનાને કારણે મની માર્કેટમાં આવેલી મંદીને કારણે શેરબજાર અપ થવા લાગ્યું.

    · માર્ચ-૨૦૨૦ થી દિવાળી એટલે કે નવેમ્બર-૨૦૨૦ દરમ્યાન, ઘણી કંપનીઓએ રીપોર્ટ રજુ કરીને કોરોના પહેલાના સમયનું રીટર્ન જાહેર કરીને ઊંચું ડીવીડંડ આપ્યું. કોરોનાકાળમાં આવેલો આ નફો આપત્તિ પહેલાનો હતો પણ રોકાણકારો માટે તે આકર્ષક રહ્યો અને બુલ વધુ દોડ્યો.

    · હાઈસ્પીડમાં દોડતા બુલને જોઇને નાના ઇન્વેસ્ટર્સ પણ હરખાયા અને આવક ઘટવા છતાં બચાવેલા નાણા શેરમાર્કેટમાં રોકવા આકર્ષાયા.

    · ઘણા લાંબા સમય પછી નવા IPO આવ્યા અને એમને કોરોનાની મંદીને કારણે માનસિક રીતે કંટાળેલા રોકાણકારો તરફથી ભરપુર પ્રતિસાદ મળ્યો. જેને કારણે પણ શેરમાર્કેટમાં તેજી આવી.

    · બેન્કિંગ અન્ય ક્ષેત્રોમાં ઘટતા વ્યાજદરનો લાભ શેરમાર્કેટને મળ્યો.

    · કોરોનાકાળમાં મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા “આત્મનિર્ભર ભારત” ના નવા વિચારે પણ આ રોકાણકારોમાં નવી આશા જન્માવી જેને કારણે ભારતીય કંપનીઓમાં સામાન્ય વ્યક્તિનો પણ વિશ્વાસ વધ્યો. જેની હકારાત્મક અસર શેરમાર્કેટ પર થઇ અને બુલ કુદકે અને ભૂસકે દોડવા લાગ્યો.

    જોકે આમ શેરમાર્કેટમાં આવેલી તેજીથી સામાન્ય માણસની આવક કે રોજગારીમાં કોઈ સુધારો થયો નથી. પણ આ બુલ, કોરોનાની મંદીના તિમિરમાં ઉજ્જવળ ભવિષ્યનું પ્રકાશપુંજ ચોક્કસ સાબિત થયું છે, એ કહેવામાં બેમત ન હોઈ શકે. આમ ૩૫,૦૦૦ પછી ૪૦,૦૦૦ અને ૪૫,૦૦૦ની સપાટીને વટાવતા મંદીના માર વચ્ચે પણ સેન્સેક્સ ઐતિહાસિક ૫૦,૦૦૦ને પાર થઇ ગયો. આમ, કોરોનામાં જયારે બધું ગુલ છે ત્યારે પણ બુલ હાઈસ્પીડમાં દોડે છે.

    ઉપસંહાર:

    કોરોનાકાળ જયારે સામાજિક, માનસિક, વ્યવહારિક, સૈધાંતિક, આર્થિક, એમ બધી રીતે બદલાવ લાવવામાં સફળ રહ્યો છે ત્યારે પારંપરિક રોકાણમાં પણ બદલાવ લાવવામાં એ સફળ થયો છે. પરપોટો છે, ફૂટી પણ જશે. પણ, ભવિષ્યમાં એ પરપોટો નક્કર અને મક્કમ થઇ શકે એવી સંભાવનાઓ પણ ચોક્કસ રહેલી છે. ત્યારે કવિ શ્રી કિસન સોસાની આ પંક્તિ યાદ આવે છે...

    “એવા વળાંક પર હવે ઉભો છે કાફલો

    અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.”



    જય દીક્ષિત


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (07 October 2021) 5
nice

0 0