ગત વર્ષે એવી આશા સેવાઈ રહી હતી કે વર્ષ 2021 માં કોરોના ખતમ થઈ જશે. અને આપણા દેશમાં તો શરૂઆતમાં એવું થયું પણ ખરું! 2020 નું વર્ષ પૂરું થવામાં હતું ત્યારથી જ દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા અને 2021 ના જાન્યુઆરી મહીનામાં તો આપણને લાગ્યુ કે હવે કોરોના ગયો! પણ ત્યાં જ યુકેમાં નવો સ્ટ્રેન સામે આવ્યો. જે પહેલાં કરતાં વધારે ઝડપથી ફેલાતો હતો. એના લીધે હવે જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર આવી ચૂકી છે ત્યારે આગળ શું કરી શકાય? એ વિચારવું રહ્યું. કોરોના સામે લડવા માટે આપણી પાસે બે જ હથિયાર છે એક લોકડાઉન અને બીજું વેક્સિનેશન. હવે ગયા વર્ષના અનુભવથી જ્ઞાત થાય છે કે લોકડાઉન કોઈ કાયમી અને અસરકારક ઉકેલ નથી. કારણ કે ગયા વર્ષે લોકડાઉનમાં પણ કેસ વધી રહ્યા હતા અને લોકડાઉન ખતમ થયા પછીની પણ એ જ સ્થિતિ હતી. પણ, ગયા વર્ષે ઓક્ટોબર મહિના પછી કે જ્યારે લોકડાઉન પણ ખૂલી ગયેલુ ત્યારે અચાનક કેસ ઘટવા લાગ્યા! જે સતત લગભગ ચારેક મહિના સુધી ઘટતા રહ્યા! તો એનાથી એ સાબિત થાય છે કે લોકડાઉન કારગર ઉપાય નથી જ. તો પછી એક જ રામબાણ ઉપાય બચે, વેક્સિન. એમાં પણ એક તો વેક્સિનની અછત સર્જાઈ અને ઉપરથી કેટલીક આડઅસરોના કિસ્સાઓ પણ સામે આવ્યા! બીજી તરફ વેક્સિનના બન્ને ડોઝ લેવા છતાં પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના કિસ્સા પણ સામે આવવા લાગ્યા! આવી પરિસ્થિતિમાં જનતા અસમંજસની સ્થિતિમાં મૂકાઈ છે. આખરે કરવું શું? વેક્સિન લેવી કે ન લેવી? તો ચાલો આ અસમંજસની સ્થિતિમાં વેક્સિન વિશેના સત્યો અને તથ્યોનું ઊંડાણ માપવાનો પ્રયાસ કરીએ.
અત્યારે દેશમાં દરરોજ કોરોનાના કેસનો એક નવો રેકોર્ડ સ્થપાઈ રહ્યો છે! વળી પાછી આ બીજી લહેરનો કોરોના તો યુવાનોને પણ પોતાનો કોળીયો બનાવી રહ્યો છે! તો બીજી તરફ ઇન્ફેક્શન લાગવાની ઝડપમાં પણ વધારો થઈ ગયો છે. હવે આવી ગંભીર પરિસ્થિતિમાં જ્યારે આપણી પાસે કોરોનાથી લડવા માટે એકમાત્ર ઉપાય નામે વેક્સિનેશન જ છે ત્યારે વેક્સિનની પણ કેટલીક આડઅસરો સામે આવવા લાગી! જેમાં કેટલીક સત્યતા અને કેટલીક અફવાઓ તો ક્યાંક સમજણનો અભાવ પણ જોવા મળે છે! શરૂઆતમાં જ વિશ્વમાં વેક્સિન લીધા પછી લોહી ગંઠાઈ જવાના ( blood clotting) કિસ્સા સામે આવ્યા હતા. સૌથી પહેલા નોર્વેમાં આવો કિસ્સો સામે આવ્યો. ત્યાંના 4 સ્વાસ્થ્યકર્મીને ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનિકા (Oxford astrazeneca) વેક્સિન આપ્યા પછી બ્લડ ક્લોટીંગની સમસ્યા ઊભી થઈ. હવે જો આ બ્લડ ક્લોટીંગ શરીરના મગજ જેવા ભાગમાં થાય તો મૃત્યુ પણ થઈ શકે છે. નોર્વેના ચારમાંથી બે સ્વાસ્થ્યકકર્મી મૃત્યુ પામ્યા! તો યુકેમાં પણ આવા કેટલાક કેસો સામે આવ્યા. આ પછી વેક્સિન વિશે વધારે આધારભૂત માહિતી ન મળે ત્યાં સુધી કેટલાક દેશો એ કામચલાઉ ધોરણે એનો ઉપયોગ બંધ કરી દીધો. જેકે હાલમાં આ વેક્સિન વિશ્વના 100 જેટલા દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. હવે જ્યારે કેટલીયે સ્વાસ્થ્ય સંસ્થાઓએ એના પર રિસર્ચ આદર્યું અને કેટલાંક તથ્યો તારવ્યા. યુરોપિયન મેડિસિન એજન્સી (European Medicine Agency - EMA) ના તારણ મુજબ આ વેક્સિનથી બ્લડ ક્લોટીંગની શક્યતા એક લાખ કેસમાં એક વ્યક્તિની છે. મતલબ કે એક લાખે એક કેસમાં બ્લડ ક્લોટીંગ થઈ શકે છે જે ટકાવારી મુજબ જોતા ઘણી ઓછી શક્યતા ગણાય. તો બીજી તરફ બ્રિટિશ હેલ્થ રેગ્યુલેટરના (British health regulator) તારણ મુજબ તો આ શક્યતા એના કરતા પણ ઓછી છે. એના હિસાબે તો આ વેક્સિનની આડઅસર થવાની દર અઢી લાખ કેસમાંથી એકની જ શક્યતા છે. તો સામે રોડ અકસ્માતની શક્યતા ખાલી પાંચસોએ એકની છે! મતલબ એક લાખમાંથી બસો! તો શું આપણે ગાડી ચલાવવાનું છોડી દઈએ છીએ? જાણકારોનું કહેવું છે કે આ વેક્સિન લેવાથી થતી આડઅસરના ખતરા કરતા કોરોનાથી થતા મૃત્યુનો ખતરો કેટલાય ગણો વધારે છે!
આખરે તો આ વેક્સિનનો ઉપયોગ કરવામાં જ ભલાઈ છે. કારણ કે એક લાખમાં ખાલી એક કેસનું જોખમ મોટું ન ગણાય. હવે બીજી તરફ વેક્સિન લીધા પછી પણ જે કેસ સામે આવે છે એનું શું? એની પાછળ ઘણાબધા કારણો છે. પહેલી વાત તો એ કે, વેક્સિન લીધા પછી તરત જ રોગપ્રતિકારક શક્તિ નથી વધી જતી. બન્ને ડોઝ લીધા પછી પણ શરીરને ઇમ્યુનિટીમાં વધારો કરવામાં એકાદ બે મહિનાનો સમય લાગી શકે છે. તો કેટલાક કેસ એવા પણ બને છે કે બન્ને ડોઝ મળી ગયા એને એક-બે મહિના થઈ ગયા હોય તો પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવે! પહેલી વાત તો એ કે એક પણ વેક્સિનની અસરકારકતા 100% નથી હોતી. કોઈ વેક્સિનનીની અસરકારકતા 80 તો કોઈની 90 થી 95 ટકા હોય છે. બીજુ, સાદી ભાષામાં કહીએ તો વેક્સિન કોરોના વાઇરસને આપણા શરીરમાં ઘૂસતો નથી રોકતી પણ શરીરમાં ઘૂસેલા વાઇરસને ચેપ ફેલાવતા અને એ વાઇરસની વધારે કોપીઓ બનતા અટકાવે છે. કોરોના વાઇરસ શરીરમાં ઘૂસ્યા પછી પોતાની ઉપર રહેલા છરા જેવા સ્પાઇક પ્રોટીનની મદદથી આપણા ફેફસાના સેલમાં લાગેલા રિસેપ્ટર સાથે સંપર્ક સાધીને અંદર ઘૂસી જાય અને પોતાની કોપીઓ બનાવવા લાગે! હવે જો કોઈપણ રીતે કોરોનાના સ્પાઇક પ્રોટીનને આપણા ફેફસાના રિસેપ્ટર સાથેના સંપર્કમાં એક અવરોધ પેદા કરવામાં આવે તો વાઇરસને અંદર ઘૂસતો રોકી શકાય. અહીં આ કામમાં જ વેક્સિન આપણી મદદ કરે છે! કોરોના વાઇરસ જેવો શરીરમાં ઘૂસે કે આપણી ઇમ્યુન સિસ્ટમ એને રિસેપ્ટર સાથે ચીપકતો અટકાવવા માટે એન્ટીબોડી બનાવવા લાગે. આ એન્ટીબોડી વાઇરસના સ્પાઇક પ્રોટીન પર ચીપકીને એને બ્લોક કરી દે! હવે વાઇરસ પરના સ્પાઇક પ્રોટીનની સંખ્યા પણ વધારે હોય છે અને જ્યારે વાઇરસની સંખ્યા પણ વધી જાય ત્યારે એન્ટીબોડી ખૂટી પડે અને એ બધા સ્પાઇક પ્રોટીનને બ્લોક કરવામાં અસમર્થ રહે! આવી સ્થિતિમાં કોરોના મટવો અશક્ય થઈ પડે. જેમની ઇમ્યુનિટી વાઇરસના સ્પાઇક પ્રોટીનને પહોચી વળે એટલા એન્ટીબોડી બનાવી લે છે એ લોકો તો કોરોનાને માત આપી દે! પણ, જ્યારે વાઇરસની સંખ્યા વધી જાય ત્યારે શું? અને જેમની ઇમ્યયુનિટી મજબૂત નથી એમનું શું? આ સવાલનો જવાબ એટલે - વેક્સિન! એક તો વેક્સિનમાં મૃત કે નબળો પડેલો કોરોના વાઇરસ હોય છે. જેને જોઈને આપણી ઇમ્યુનિટી હરકતમાં આવે અને એન્ટીબોડીનું પ્રોડક્શન શરૂ કરે અને બીજુ વેક્સિન આપણા શરીરમાં શક્ય એટલા વધારે એન્ટીબોડી બનાવવામાં પણ મદદ કરે છે. મતલબ એટલું તો નક્કી છે કે વેક્સિન લીધાના એક-બે મહિના પછી પણ કદાચ કોરોના થાય તો પણ તમારે હોસ્પિટલમાં દાખલ તો નહીં જ થવું પડે અને કોરોનાથી મૃત્યુ પામવાની તો એક ટકાની પણ શક્યતા નથી!
આપણે અહીં બે કંપનીની વેક્સિન અપાઈ રહી છે, ભારત બાયોટેકની કોવેક્સિન અને એસ્ટ્રાઝેનિકાની કોવીશીલ્ડ. ભારત બાયોટેક તો દેશની જ કંપની છે અને આ કોવીશીલ્ડનું ઉત્પાદન પણ પુણેમાં શિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડીયા દ્વાર થઈ રહ્યું છે. હાલમાં દેશમાં વેક્સિન આપવાનું કામ તો ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં દસ કરોડથી પણ વધારે લોકોને ડોઝ અપાઈ ચૂક્યા છે. પણ, અત્યારે વેક્સિનની ઘણી અછત વર્તાઈ રહી છે. થોડા સમય પહેલા આપણે ઘણી વેક્સિન અન્ય દેશોને મોકલી અને હવે અછતનો સામનો કરવો પડે છે! ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો! હાલમાં કોવેક્સિનનું દર મહિને પચાસ લાખનું ઉત્પાદન થાય છે અને કોવીશીલ્ડનું સાતેક કરોડ જેટલું! પણ આપણી એક મહિનાની ખપત છે દસથી અગિયાર કરોડની! તો હવે આ અછતને પહોચી વળવા માટે હવે રશિયાની સ્પૂતનિક વી. (sputnic v) પણ આવી રહી છે! જેનો અસરઅારકતાનો દર પણ પેલી બન્ને વેક્સિન કરતાં સારો છે અને આડઅસરો પણ ઓછી જોવા મળી છે. સ્પૂતનીક વી. નો 91.6 ટકા, કોવેક્સિનનો 79 ટકા અને કોવીશીલ્ડનો અસરકારકતાનો દર 81 ટકા છે! તો બીજા ડૌઝ માટેનો સમયગાળો પણ ઓછો છે. પેલી બન્નેમાં કોવેક્સિનમાં બીજા ડોઝ માટેનો સમયગાળો 28 દિવસ અને કોવીશીલ્ડમાં 6 થી 8 અઠવાડીયાનો છે. તો સ્પૂતનિક વી. માં માત્ર 21 દિવસનો જ છે. મતલબ આ રશિયાની નવી આવનાર વેક્સિનથી વેક્સિનેશનનું કામ પણ ઝડપથી થશે. ગત તારી 18 એપ્રિલના રોજ આપણા પૂર્વપ્રધાનમંત્રી મનમોહનસિંહજીએ પ્રધાનમંત્રી મોદીજીને એક પત્ર લખ્યો. જેમાં એમણે કોરોનાથી લડવા માટેના પાંચ સુઝાવ આપ્યા છે. એ બધા પણ વેક્સિનેશનની પ્રક્રિયાના સુધાર વિશે જ છે.
સૉશ્યલ મિડિયામાં ફરતા મેસેઝ પણ આ વેક્સિનને બદનામ કરવામાં કંઈ કસર નથી છોડતા! કેટલાક મેસેઝમાં તો એવા ધડમાથા વગરના દાવાઓ કરવામાં આવે છે કે વાંચીને માથું ફરી જાય! તો કેટલાક બની બેઠેલા ડૉક્ટરોના વિડિયો પણ અફવાઓ ફેલાવતા હોય છે. વિડિયોમાં એના નામની નીચે ઢગલો બધી ડીગ્રીઓના નામો લખ્યા હોય છે અને લોકો પણ આ જોઈને એની વાત સાચી માની લેતા હોય છે. અરે! કેટલાક તો હજુ આજે પણ એમ કહે છે કે કોરોના એક ષડ્યંત્ર છે! તો કેટલાક વેક્સિન અને બિલ ગેટ્સને બદનામ કરવા મથતા હોય છે. કેટલાક વળી WHO પર માછલાં ધોતા હોય છે! ભલા માણસ! જે સંસ્થા આખા વિશ્વના સ્વાસ્થ્યની ચિંતા કરે છે એના પર જ તમે આરોપ લગાવો છો? જે માણસ પોતાની 90 ટકા સંપતિ લોકકલ્યાણ માટે દાન આપે છે એના વિશે જ તમે અફવાઓ ફેલાઓ છો! આવા મેસેઝ આવે એટલે સૌપ્રથમ તો એને ડિલિટ કરીને આ અફવાઓની ચેઈન તોડવાની તાતી જરૂર છે. કોઈપણ માહિતી તમને મળે તો એની સત્યતા તપાસ્યા વગર ક્યારેય ફોરવર્ડ ન કરો. સ્વાસ્થ્ય વિષયક માહિતીમાં તો ખાસ ધ્યાન રાખો કારણ કે અહીં કોઈના જીવન-મરણનો સવાલ હોય છે!
ખેર, આપણે મૂળ વાત પર આવીએ. કોઈપણ જાતની વેક્સિન લઈએ એટલે શરીર વાઇરસ સાથે લડવા પ્રયત્નો આદરે અને એના લીધે સામાન્ય તાવ આવે એ સ્વાભાવિક છે. હકીકતમાં તો તાવ આવે એટલે સમજવું કે વેક્સિન બરાબર કામ કરી રહી છે! હવે કેટલાક કેસોમાં એવું પણ બને કે જેમણે વેક્સિન લીધી હોય એ પહેલાંથી જ કોરોના પૉઝિટિવ હોય અને વેક્સિન લીધા પછી આવેલા તાવને એ સામાન્ય તાવ સમજીને રિપોર્ટ પણ ન કરાવે! જેના લીધે સારવાર ન મળતા કોરોના વધી જાય અને બદનામીનો ટોપલો વેક્સિન પર ઢોળવામાં આવે! તો આ વેક્સિનેશન પહેલાં ટેસ્ટીંગ બાબત પર પણ વિચાર કરવો રહ્યો. તો મિત્રો, એકંદરે વેક્સિન લેવી જ ફાયદાકારક છે. વેક્સિન લેવાથી થતી આડઅસરોના ખતરા કરતાં એ ન લેવાથી કોરોનાના લીધે થતાં મૃત્યુનો ખતરો અનેક ગણો વધારે છે. તો મિત્રો, ફોન પર વાગતી પેલી કંટાળાજનક કોલરટ્યુનવાળા બેન સાચુ જ કહે છે કે, "નયા સાલ વેક્સિન કે રૂપ મેં આશા કી નયી કિરન લે કર આયા હૈ!" પણ એ આશાનું કિરણ ત્યારે સફળ થશે કે જ્યારે આપણે લોકો એના વિશે ફેલાતી ભ્રામક માન્યતાઓ અટકાવીશું અને સરકાર પણ વેક્સિનેશનની ઝડપ વધારશે! કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું કે સમગ્ર વિશ્વમાં વેક્સિનેશન ઝડપથી થાય એ જ હિતાવહ છે. એમાં જો ઢીલ કરવામાં આવશે તો કોરોના આપણાથી આગળ નિકળી જશે. અને જો એ એક એવો નવો સ્ટ્રેન વિકસિત કરી લે કે જેના પર હાલની વેક્સિન પણ અસર ના કરે તો સ્થિતિ બદથી પણ બદતર બની શકે છે! પણ આશા રાખીએ એવી સ્થિતિ પેદા ન થાય. જોકે, હવે તો સરકારે પણ તારીખ 1 મે 2021 થી અઢાર વર્ષથી ઉપરના લોકો માટે પણ વેક્સિનેશન શરૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આપના નજીકના વેક્સિનેશન સેન્ટરનું સરનામુ જાણવા માટે આપ www.cowin.gov.in પર જઈ શકો છો. તો મિત્રો ખોટી અફવાઓમાં ભરમાયા વગર વેક્સિન ચોક્કસથી લેજો.
- ભગીરથ ચાવડા.
bhagirath1bd1@gmail.com