આજકાલ આપણે આપણી આજુબાજુ ઘણીવાર એવું સાંભળતા હોઈએ છે "તમે તો રહેવા જ દો! તમને આ વિષયમાં સમજણ ના પડતી હોય તો ખોટી મગજમારી ના કરશો." હવે, કુટુંબીજનો જોડે વાત કે ચર્ચા કરવાની આખી રીતભાત જ બદલાઈ ગઈ છે. આજથી 30-40 વરસ પહેલાં મોટાભાગના કુટુંબોમાં, વડીલોના શબ્દો જ આખરી ગણાતા અને એ ખોટા હોઇ પણ શકે એવું લોકો વિચારતા પણ નહીં અને એને આખરી આજ્ઞા માની એ મુજબ જ વરતતા. કદાચ કોઈવાર કોઈને એ વડીલોના નિર્ણય ન યોગ્ય લાગે તો પણ એનો વિરોધ કરવાની હિંમત દાખવી ન હતા શકતા.
પરંતુ આજે સમય બદલાયો છે. દરેક વ્યક્તિ પોતાના ગમા અણગમા વિશે મુક્ત મને ચર્ચા કરી શકે છે. કોઈપણ વિષય પર મુક્ત મને ચર્ચા કરવામાં કશું ખોટું પણ નથી, પણ ઘણી બધી વાર આવી ચર્ચાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને સંબંધોની દુનિયામાં ઉથલપાથલ કરી દેતી હોય છે. આ સમયે ચર્ચા કરનારના શબ્દો, એની પાછળનો ભાવ, અવાજનો લહેકો અને એ વ્યક્તિના ચહેરાના હાવભાવ ખૂબ મોટી ભૂમિકા ભજવતા હોય છે. ઘણીવાર કોઇ ખાસ મુદ્દો જ ના હોય પણ એક વ્યક્તિના ચહેરા પરના ભાવ બીજી વ્યક્તિને ઘણું બધું શબ્દો વગર જ કહી દેતા હોય છે અને હાડકાં વગરની જીભમાંથી નીકળેલા એવા શબ્દો કેટલાં શકિતમાન હોય છે એનો અનુભવ આપણને બધાંને ક્યારેક ક્યારેક થયો જ હોય છે!
મીઠાશથી બોલાયેલા બે શબ્દો કોઈકનું જીવન બચાવી પણ શકે છે અને આવેશમાં બોલાયેલા બે શબ્દો કોઈકનું જીવન બગાડી પણ શકે છે. તમે ગમે તેવા વિદ્યાવાન કે ધનવાન હોવ પણ તમારું વ્યક્તિત્વ વિનયથી જ શોભે છે. કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન હોય કે કિકેટના ભગવાન ગણાતા સચીન તેંડુલકર હોય - એ લોકોની વાણી, વર્તન અને વિચારમાં હંમેશા વિવેક અને વિનય જળવાયેલો નજરે પડે છે. તો બીજી બાજુ ઘણી બધી વ્યક્તિઓ કારણ વગર જ નાની નાની બાબતોમાં ઉદ્ધત વર્તન કરતા જોવા મળે છે.
વિવેક કેમ ચૂકાય છે એવું વિચારીએ તો એના માટે ઘણાં બધાં કારણો જવાબદાર લાગે છે. જેમ કે ઘણાંએ નાનપણથી જ પોતાની આજુબાજુ વાતાવરણ જ વિવેક શૂન્ય જોયું હોય અને આડકતરી રીતે એને જ સામાન્ય ગણી અપનાવી લીધું હોય!..ઘણીવાર સામેની વ્યક્તિ પાસેથી ઘણી બધી આશાઓ રખાતી હોય અને પરિપૂર્ણ ન થતાં ગુસ્સામાં ગમે તેમ બોલાઈ જતું હોય છે ! ઘણીવાર કેટલીક વ્યક્તિ એક સારો શ્રોતા નથી બની શકતી અને સામી વ્યક્તિની મર્યાદાઓને જાણ્યા વગર જ અપેક્ષા રાખીને ગુસ્સામાં અપશબ્દો બોલી કાઢતી હોય છે! કેટલાક લોકોનો સ્વભાવ, અહંકાર અને સામી વ્યક્તિને નીચું બતાવવાની આદત વાણીને કડવી બનાવી દેતી હોય છે. તો કેટલાંક લોકો શારીરિક, માનસિક બીમારીથી અથવા અનેક મુશ્કેલીઓથી એટલા ત્રસ્ત થઈ ચૂક્યા હોય છે કે એમની વાણીમાંથી ઘણીવાર જાણીજોઈને કે ઘણીવાર અજાણતાં અપશબ્દો નીકળી જતાં હોય છે. કેટલીક વાર એવું પણ જોવા મળ્યું છે કે અપૂરતી ઊંઘ અને અપૂરતો ખોરાક પણ વ્યક્તિને અસ્વસ્થ બનાવી દે છે અને વ્યક્તિ પોતાના પરનો અંકુશ ગુમાવીને ગમે તેમ બોલી કાઢે છે.
જીવનમાં ખૂબ અગત્યનું છે કે આપણે કોઈના પણ આત્મસમ્માનને ઠેસ પહોંચે તેવી વાણીનો પ્રયોગ ન કરીએ. ઘણીવાર જીવનમાં આકરા અને કઠોર શબ્દોનો પ્રયોગ પણ જરૂરી બની જતો હોય છે પણ તેવા સમયે પણ શબ્દનો વિવેક જાળવવો જરૂરી હોય છે કારણકે એકવાર વાણીમાંથી કોઈના પણ માટે નીકળેલા શબ્દો સામીવાળી વ્યક્તિને અસર કરે કે ન કરે પણ એ આપણા ખુદના વ્યક્તિત્વની આભા, આજુબાજુના વાતાવરણમાં અને આજુબાજુની વ્યક્તિઓ પર ચોક્કસ પાડે જ છે.
ગાંધીજીએ કહ્યું છે કે તમારી માન્યતાઓ તમારા વિચાર બની જાય છે. તમારા વિચારો તમારા શબ્દો બની જાય છે. તમારા શબ્દો તમારું કાર્ય બની જાય છે. તમારૂં કાર્ય તમારી આદત બની જાય છે. તમારી આદત તમારા મૂલ્યો બની જાય છે અને તમારા મૂલ્યો તમારી નિયતિ બની જાય છે.
તો શું શબ્દોનો વિવેકપૂર્વક ઉપયોગ આપણું જીવન બદલી શકે?
એક વિચાર.. વિહાર...