કોરોના કાળનો લગભગ અંત આવી રહ્યો છે અને મોટાભાગના લોકો પોતપોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થવા માંડ્યા છે. આ કપરાકાળે લોકોને ઘણું બધું બતાવ્યું પણ ખરું અને શીખવ્યું પણ ખરું..
જેમ કે, જીવનમાં આવી પડેલી મુસીબતો અને દુઃખોનો સામનો કરતી વખતે, જીવનમાં જે સવલતો અને સુવિધાઓ મળેલી છે તેનો વિચાર કરી, હકારાત્મક રહી, હિંમતભેર કઇ રીતે આગળ ધપાય તે શીખ્યું. પીવા માટે ઠંડું પાણી નથી મળતું એ વિચારતાં પહેલાં એ વિચારવું જોઈએ કે ભારત માં 50% લોકોને પીવા માટે સ્વચ્છ પાણી પણ નથી મળતું. આજે જમવામાં ભાવતું નથી બન્યું એ વિચારવા કરતાં, કરોડો લોકો આજે રાતે ભૂખ્યા પેટે સૂઈ જશે, એમાં આપણું સ્થાન નથી એ વિચારી શકાય. સવારે ઉઠતાં જ શ્વાસમાં દુર્ગંધ લેવી નથી પડતી અને કાનમાં કકળાટ નથી પડતો, તો એ ઇશ્વરે આપેલા આશીર્વાદ છે, જે કેટલાયના નસીબમાં નથી હોતા! એકવાર હોસ્પિટલમાં આંટો મારીએ અને લોકોની તકલીફો અનુભવીએ તો સમજાય કે આપણે આપણી દૈનિક ક્રિયાઓ જાતે કરી શકીએ છીએ અને આપણા બધાં જ અવયવો અને ઇન્દ્રિયો યોગ્ય રીતે કાર્ય કરે છે તો એ કેટલું મોટું વરદાન છે. આર્થિક તકલીફ હોય અને કોક તમને સાંભળનાર, સમજનાર કે માર્ગદર્શન આપનાર મળી જાય તો એ નસીબની વાત છે કારણકે કરોડો રૂપિયા ખર્ચીને પણ એવી વ્યક્તિઓ બધાંને મળતી નથી હોતી. આવી તો અનેક વાતો છે જેને માટે આપણે જીવનના આભારી બની શકીએ..
જો દ્રષ્ટિ ફેરવીએ તો..
જે મળ્યું છે એનો સ્વીકાર કરી, આભારી બની, ફક્ત બેસી રહેવાની આ વાત નથી. કઠિન પુરુષાર્થનો જીવનમાં કોઈ ઉપાય નથી એ કરવો જ પડે પણ વિચારવાનું એ છે કે જીવનમાં જે પ્રશ્નો અને મુસીબતો છે એને વાગોળ્યા કરી મળેલા સુખથી વંચિત રહેવું કે પછી મળેલા નાના નાના સુખો પ્રત્યે આભારી બની જીવનને ઉત્સાહથી આગળ ધપાવવું..
ફરિયાદ ન કર તું આ આવેલી મુસીબતોનો
જીવનના અંતે ય, કોને અંત હોય છે પ્રશ્નોનો?
સ્વીકાર કરી, સામનો કર આ ઝંઝાવાતોનો
ક્યારેક ઉગશે જ જિંદગીમાં સૂરજ સોનાનો.
એક વિચાર.. વિહાર..