આ વખતે ફરીથી મુક્ત મનની વાતો ડાયરીમાં લખવાની હતી એટલે એક ડાયરીમાં તો મેં પ્રશ્નો વિષે લખ્યું. પણ પછી મને વિચાર આવ્યો કે, એક ડાયરી પ્રશ્નો વિષે લખી છે તો લાવ ને બીજી ડાયરી હું ઉત્તર વિશે જ લખી નાખું! જેથી મારા પ્રશ્નોના ઉત્તર અધૂરા ન રહે અને મારું પ્રશ્નપત્ર ઉત્તરવહી વિનાનું ન રહે. એટલે જ હવે બીજી ડાયરીમાં હું ઉત્તર વિષે લખું છું.
ઘણીવાર આપણાં જીવનમાં અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે, આપણને એવું લાગે છે કે, મારી સાથે જ આવું કેમ બન્યું? વ્હાય મી? જ્યારે આવી ઘટનાઓ આપણાં જીવનમાં બને છે ત્યારે તરત જ આપણને એનો ઉત્તર નથી મળતો અને આ ઘટનાઓ બનવાનાં કારણો પણ નથી સમજાતા. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ આપણને અમુક પ્રશ્નોના ઉત્તર મળતાં જાય છે.
આપણને એ પણ સમજાય છે કે, આ સંસારમાં જે કંઈ પણ થાય છે એ એમ જ નથી થતું પરંતુ દરેક ઘટનાઓ બનવા પાછળ કુદરતનું કોઈને કોઈ પ્રયોજન જરૂર હોય છે. પરંતુ ફરક માત્ર એટલો જ છે કે, આપણે એ વાતથી અજાણ હોઈએ છીએ. જીવનમાં ઘણાં લોકો આપણને મળે છે જે એવું કહેતાં હોય છે કે, જે થાય છે એ સારા માટે જ થાય છે. આપણાં જીવનના અમુક પ્રશ્નોના ઉત્તર આપણને મોડા મળે છે. પરંતુ મળે જરૂર છે એ પણ સત્ય છે. અને આ પણ મેં ખુદ અનુભવેલી જ વાત છે. મારા જીવનમાં પણ અમુક એવી ઘટનાઓ બની છે કે, જ્યારે મને એવો વિચાર આવેલો કે, વ્હાય મી? મારી સાથે જ આવું કેમ બન્યું? મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તો મારી સાથે કેમ આવું ખરાબ બન્યું હશે?
પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મને સમજાયું કે, જે પણ થયું એ સારું જ થયું છે. આજે જયારે ભૂતકાળમાં ડોકિયું કરું છું ત્યારે મને સમજાય છે કે, જે પણ થયું હતું એ મારા સારા ભવિષ્ય માટે જ થયું હતું. પરંતુ વ્હાય મી? એ પ્રશ્નોનો ઉત્તર મને એ વખતે નહોતો મળ્યો પણ આજે હવે મને મારા એ જ પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે કે વ્હાય મી?
અને આ બધી જ ઘટનાઓને અંતે મને જે સમજાયું એ તો એટલું જ છે કે, કોઈ પ્રશ્નો ક્યારેય ઉત્તર વિનાના હોતા જ નથી. માત્ર આપણને એનો ઉત્તર ખબર નથી હોતી. અને આપણે એ જ શોધવાનો હોય છે અને એ માટે મહેનત કરવાની હોય છે. અને જે મહેનત કરે છે એને ફળ પણ જરૂર મળે છે. મેં પણ મહેનત કરી અને મને પણ એનું ફળ મળ્યું. આજે હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છે. બસ આજે હવે અહીં જ આ વાતને હું વિરામ આપું છું.
-પૃથ્વી ગોહેલ
(૧૮ માર્ચ ૨૦૨૨, શુક્રવાર)